હમણાં હમણાં ટાઈગર શ્રોફ રેમ્બોની રિમેકમાં ફાઈનલ થયો છે, પણ ઓરિજનલમાં જે રેમ્બો બન્યો હતો એટલે કે સિલ્વેસ્ટર સ્ટેલોન. તેની લાઈફને હું સૌથી વધારે સંઘર્ષમય માનું છે. હવે ટાઈગર ફિલ્મમાં જે બાઘી બાઘી રમે તે, પણ સ્ટેલોન તેની લાઈફમાં રિયલ રેમ્બોની માફક લડ્યો હતો. આ રહી રેમ્બોની રોકી સ્ટોરી…
ન્યુયોર્કની હોસ્પિટલમાં જ્યારે સ્ટેલોનનો જન્મ થયો, ત્યારે ડોક્ટરોએ તેના પર એક ચીમટાનો પ્રયોગ કર્યો. જે સ્ટેલોન માટે એટલો હિનિકારક સાબિત થયો કે, બાળપણમાં જ તેનું શરીર પક્ષઘાતની આંટી-ઘૂટીમાં વીંટાઈ ગયું. તેનું બોલવુ અશક્ય થઈ ગયું. બોલી શકે પણ થોડુ બોબળું. ડાબી બાજુનો હોઠ લટકી ગયો. ચહેરો સાવ અભદ્ર દેખાવા લાગ્યો. અત્યારે સ્ટેલોનની ઉંમર પ્રમાણે જુઓ તો પક્ષઘાતની અસર જેવુ લાગશે.
અમેરિકન માતા પિતાઓના ઠોકી બેસાડેલા નીતિ નીયમો પ્રમાણે સ્ટેલોનને પણ તેના માતા પિતાથી અલગ થવુ પડ્યું. અમેરિકાની ક્વિન્સ સ્કુલમાં તે ભણતો જ્યાં અઠવાડિયે એકવાર મા-બાપ આટો મારી જાય. ત્યાં ફાવ્યું નહીં એટલે માતા-પિતા સાથે રહેવા લાગ્યો. એટલામાં સ્ટેલોનને એક આદત પડી ગયેલી, ભણવાનું પૂર્ણ થવાનું હોય ત્યાં એ ક્ષેત્ર છોડી દેવાનું. સૌથી પહેલા તેણે બ્યુટી સ્કુલમાં એડમિશન લીધુ. ઘોડો વિજેતા થવા પહોંચ્યો ત્યાં તો… યાર મઝા નથી આવતી એમ કહી છોડી દીધુ. કારણ કે એટલામાં તેને નાટકમાં રસ જાગેલો. ડ્રામા સ્કુલમાં એડમિશન લીધુ. સૌથી હોશિયાર એવા સ્ટેલોને આ ડ્રામા સ્કુલને પણ અલવિદા કરી નાખ્યું. મિયામીના આ થીએટર કલા વિશ્વવિદ્યાલયમાં તેણે ત્રણ વર્ષ સુધી અભ્યાસ કરેલો. ખબર નહીં કેમ સ્ટેલોનને કોઈપણ વસ્તુનો અંત આવતા લાગી જતું કે, હવે કંઈક બીજુ કરવું છે. એક ખાસ વાત નોટ કરી લો, ગ્રેજ્યુએશન કમ્પલિટ થવામાં સાત કલાકની વાર હતી અને તેમણે છોડી દીધેલુ
તેને લખવાનો કાફી શોખ હતો, એટલે તેણે છદ્મનામે લખવાનું શરૂ કર્યું. જે નામ હતું ક્યુ મુનબલ્ડ, અને જે.ડેડલોક. લખતા લખતા ફિલ્મોમાં કામ કરવાના પણ અભરખા જાગ્યા. પણ એમ કંઈ હોલિવુડ રસ્તામાં નહતું. પોતાના શોખને સંતોષવા સ્ટેલોને બ્લુ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યુમાં કહેલું, ‘બાળપણમાં મારી ઈચ્છા સ્ટેલોન બનવાની હતી, હું બ્લુ ફિલ્મોમાં કામ કરવા માગતો હતો, અને પછી સ્ટાર બનવા માગતો હતો, જેથી લોકોને કહી શકું હું ભારતીય સ્ટેલોન છું, પણ તે અમેરિકા અને સ્ટેલોન જ કરી શકે કોઈ શાહરૂખ નહીં.’
1970માં ધ પાર્ટીં એટ કિટી એન્ડ સ્ટટ્સમાં તેને પહેલી ભૂમિકા મળી. હમણાં જે ગુજરાતી ફિલ્મો રિ-રિલીઝ કરવાનો લકવો જાગ્યો છે, તેમ આ ફિલ્મને ઈટાલિયન સ્ટૈલિયન નામના નવા નામે રિ-રિલીઝ કરવામાં આવી. આ વચ્ચે, સ્ટેલોનની ઈચ્છા હોલિવુડ ફિલ્મમાં કામ કરવાની હતી. તેણે ઓડિશન દેવાના શરૂ કર્યા અને રિજેક્શનનો દૌર શરૂ થયો. પટકથા લખતા, તે પણ સિલેક્ટ ન થતી અને ઓડિશન પણ ફેલ જતા. પરિસ્થિતિ એવી બની કે, ઘરમાં ખાવાના ફાંફા થઈ ગયા. માતા-પિતા હવે કમાઈ શકે તેવી હાલતમાં નહતા, તો પત્નીના ઘરેણા વેચી દીધા. અશ્વલીલ ફિલ્મોમાં રોલ મડતા હતા, પણ સિલ્વેસ્ટરે મન બનાવી લીધુ હતું, કે જગ્યા તો હોલિવુડમાં જ બનાવવી.
નવરા ઘરે બેસતા અને ટીવી જોતા. બસ, આમ જ હળવાશના સમયમાં ઘરે બોક્સિંગનો મેચ જોઈ રહ્યા હતા. વેબર અને મહોમ્મદ અલી વચ્ચે જોરદારની ટક્કર થઈ રહી હતી. એ સમયે મહોમ્મદ અલી વેપરની ધોલાઈ કરતા હતા, અને આશ્ચર્ચની વચ્ચે વેપર આ બધા હુમલાઓ સહન કરી રહ્યો હતો. સ્ટેલોને ટીવી ઓફ કર્યુ અને કાગળ પેન લઈ લખવા બેઠો. 24 કલાક બાદ તેના હાથમાં જે હતું તે હતી રોકીની સ્ક્રિપ્ટ. હવે પાછા પ્રોડ્યુસરના ધક્કા. સવારમાં ઉઠી જવા લાગ્યા. દરેક પ્રોડ્યુસરના ઘરના બારણા ખટખટાવ્યા અને બદલામાં કંઈ હાથ ન લાગ્યું. સિલ્વેસ્ટરને મનમાં હતું, આ તો સિલેક્ટ થશે જ. એટલામાં પૈસા ખૂંટી પડ્યાં, સિલ્વેસ્ટરને થયું હવે કૂતરો વેચવો પડશે. એટલે પોતાના કૂતરાને લઈ તેઓ સડક વચ્ચે ગયા. દારૂની દુકાન સામે જોર જોરથી બોલવા લાગ્યા, ‘મારો કૂતરો લેવો હોય તો…’ જેનું કારણ પૈસા ન હતા. આખી રાત ઉભા રહેવા પછી એક વ્યક્તિએ 25 ડોલરમાં કૂતરો ખરીદ્યો. સ્ટેલોન આજે પણ યાદ કરે છે, તે મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો.
એ 25 ડોલર પૂરા થયા પછી સ્ટેલોનને વધારે પૈસા ક્યાંથી મળ્યા તે મને ખબર નથી, પરંતુ અંધા કાનૂનના અમિતાભની માફક તે સ્ક્રિપ્ટ લઈ ઘૂમતા હતા. એટલામાં એક પ્રોડ્યુસરને આ વાર્તા પસંદ આવી ગઈ. તેણે સ્ટેલોનને એક લાખ ડોલરની ઓફર કરી આ સ્ક્રિપ્ટ ખરીદી લીધી. સ્ટેલોનની ખૂશીનો કોઈ પાર નહતો.
પણ કહાની મેં અભી ટ્વીસ્ટ હૈ, સ્ટેલોને સ્કિપ્ટ હાથમાંથી ખેંચતા કહ્યું, જૂઓ ફિલ્મમાં રોકીનો રોલ પણ હું જ કરીશ, એટલે સ્ટેલોનને ઘરના ભૂવાને ઘરના ડાકલા વગાડવા હતા. પ્રોડ્યુસર માથાનો ભટકેલો, ‘રાઈટર જ એક્ટર, જૂઓ આવુ ઈન્ડસ્ટ્રીમાં નથી ચાલતું.’
‘હું ચલાવીશ.’ આટલું બોલી સ્ટેલોન બહાર ચાલ્યા ગયા.
જેના પૂરા બે અઠવાડિયા બાદ સ્ટેલોનને ફરી તે પ્રોડ્યુસરનો ફોન આવ્યો અને વધારે રૂપિયાની ઓફર કરી. સ્ટેલોન ટસ ના મસ ન થયા. આ તો રોજનું થયું પ્રોડ્યુસર ઓફર વધારે અને સ્ટેલોન આનાકાની કરે. આ રકમ છેલ્લે ચાર લાખે પહોંચી ગઈ. સ્ટેલોને ફોન પર કહ્યું રોકી તો હું જ બનીશ.
આખરે સ્ટેલોને બગડેલી કેરી ખરીદી એમ કહેવાય. પેલા પ્રોડ્યુસરે નમતું જોખ્યું. અને સ્ટેલોનને 25000 ડોલરમાં સ્ક્રિપ્ટ સહિત સાઈન કર્યો. પ્રોડ્યુસર માટે તો સ્ટેલોન વહુ સાથે આવેલ દહેજ હતું. જેને સાચવવુ જ પડે.
પૈસા લઈ આ માણસે સૌથી પેલા પોતાનો કૂતરો ખરીદ્યો. દારૂની દુકાને કૂતરો વેચવા ઉભો હતો ત્યાં જઈ ત્રણ દિવસ ઉભો રહ્યો. ત્રણ દિવસ પછી કૂતરો મળ્યો. આ સિલ્વેસ્ટરનો જાનવર પ્રેમ. એ 25 ડોલરમાં વેચેલા કૂતરાના સ્ટેલોને 15000 ડોલર ચૂકવ્યા. સ્ટેલોન પાગલ નહતો, પણ પેલો માણસ હરરાજીની માફક પૈસા વધાર્યા કરતો હતો, જ્યારે જૂગાર હોય. સ્ટેલોન કૂતરો ખરીદીને રહ્યા અને પોતાની ફિલ્મ રોકીમાં કૂતરાને સ્થાન પણ આપ્યું. જે ફિલ્મના અંતમાં તમને દેખાશે… !!!!
રોકી રિલીઝ થઈ અને બેસ્ટ પિક્ચરનો એકેડેમી એર્વોડ લઈ ગઈ. સિલ્વેસ્ટરે ત્યાર બાદ કોઈ દિવસ પાછળ વળીને ન જોયું. દુનિયામાં નિષ્ફળતાથી જીતવાના ત્રણ નિયમો, લગન, મહેનત અને ક્યારેક હાર સહન કરવી પડે, તેમાં સ્ટેલોન જીતી ગયા. રિયલી સ્ટેલોન જેવુ કોઈ ન કરી શકે.
~ મયુર ખાવડુ
Leave a Reply