કોઇ મને પૂછે કે, આ દુનિયામાં બોયકટ હેર સાથે કઇ સ્ત્રી સુંદર લાગે તો ઓલ્વેઝ પ્રિન્સેસ ડાયેના જ હોય.
હસનત ખાન એક હાર્ટ સર્જન. જેણે ડાયેના સાથે બે વર્ષ રોમાન્સ કર્યો. ડાયેનાને આ સમયે એ વાતની જાણ હતી કે, તેનો પરિવાર તેના આ સંબંધ પર કોઇ દિવસ મંજૂરીની મોહર નહિ મારે. બીજી તરફ હસનતનો પરિવાર ડાયેનાને મળી ચુક્યો હતો, તમને ડાયેના પસંદ આવી. તેમને કોઇ પ્રકારના વાંધા વચકા ન હતા. જ્યારે ડાયેનાનું મૃત્યુ થયુ ત્યારે હસનત પાસે તેના મૃત શરીર પર માથુ મુકી રડવા સિવાય કંઈ બચ્યુ જ ન હતું.
અત્યારે હસનત આફ્રિકામાં છે. અને યાદ કર્યા રાખે છે એ વાતોને કે, હું હજુ ડાયેના સાથે જોડાયેલો છું. હું તેનાથી દુર જ નથી થયો. હા મરતા સમયે ડાયેનાને છેલ્લો વિચાર મારો જ આવ્યો હશે. હસનત આ ઉંમરે પણ દુનિયામાં ઘુમ્યા કરે છે, જ્યારે ડાયેનાની શોધ કરતા હોય. હસનતનું માનવુ છે કે તમે કોઇને ખૂબ પ્રેમ કરતા હો, ત્યારે તેનાથી દુર થવાનું, ભાગવાનું મન થાય છે, અને જ્યારે તે દુર જાય ત્યારે શોધવાનું. બસ આ જ પ્રેમ છે. ડાયેનાએ પોતાના છેલ્લા દિવસોમાં હસનતને તેના જીવનથી દુર થઈ જવા કહ્યું હતું, કદાચ એટલા માટે જ ?
હસનત ખાનની એક ઓળખ એ કે તે ઇમરાન ખાનનો કઝીન થાય. પાકિસ્તાનના જેલમમાં જન્મેલ હસનતના પિતા રશિદ ખાન લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકના ગ્રેજ્યુએટ. આ મોટા બેકગ્રાઉન્ડના કારણે હસનતને કોઇ દિવસ કોઇ જાતની તકલીફ ન પડી. શરૂઆતમાં 1991 માં સીડની અને પછી લંડનમાં હાર્ટ સર્જન તરીકે પ્રેક્ટિસ કરી. હસનતની એક્સ ગર્લફ્રેંડ જ હતી જેણે હસનતની ડાયેના સાથે મુલાકાત કરાવી. ડાયેનાએ હસનતને મળતાની સાથે જ તેનો ચહેરો જોઇ, “મિસ્ટર વન્ડરફુલ” કહ્યા. હવે ડાયેના કોઇને આવુ કહે, તો ગમે તેવુ પત્થર દિલ પ્રેમમાં પડી જાય. ડાયેનાના કોઇ નજીકના સગાની હાર્ટ સર્જરી કરવાની હતી, અને ત્યારે ડાયેનાને હસનતનો વિચાર આવ્યો. તેણે તુરંત તેમને રોયલ હોસ્પિટલમાં એડમિટ કર્યા. ડાયેના રોજ પેલા પેશન્ટના બહાને હસનતને મળવા આવવા લાગી. અને સમય જતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ. હસનત અને ડાયેના પછી તો વારંવાર મળવા લાગ્યા. જ્યારે હસનતે ડાયેનાને લંડનમાં રહેતા અંકલ આન્ટી પાસેથી બુક લેવા જવાનું કહ્યું તો એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના ડાયેના તેની સાથે આવવા સહમત થઈ. તેના પરિવાર સાથે ડિનર લીધુ અને ઘર તથા હસનતના દિલમાં જગ્યા બનાવી.
અને એકદિવસ ડાયેના પાકિસ્તાન ગઇ. હસનતના ઘરે. જ્યાં લાહોરની ગલીઓમાં બંને આખો દિવસ રખડતા રહ્યા.
હોસ્પિટલમાં કામ કરતા હસનતને પ્યુને એક ફ્લાવર આપ્યું. હસનત વિચારતો થઈ ગયો. કોણ હશે આ ? તેણે આખી હોસ્પિટલમાં દોડાદોડી કરી મુકી. થાકી અને ચેર પર બેઠો. તેમાં એક નામ લખેલુ હતું ડાયેના. જે તે આ દોડભાગમાં વાંચવાનું ભૂલી ગયેલો. હવે તેને ખ્યાલ આવ્યો કે તે પ્રેમમાં છે અને ડાયેના પણ…
ડાયેનાનું આવવુ જવુ હસનત માટે હવે મુસીબત બની ગયુ. ડાયેના સેલિબ્રિટી હતી અને મીડિયા તેની પાછળ રહેતી, હવે મીડિયા માટે કવરેજનું સ્થાન હસનતે લીધુ.
તે સમયે ડાયેના પ્રિન્સ ચાર્લ્સથી અલગ થઈ ચુકી હતી. હસનતને જલાવવા ખાતર તેણે ડોડી ફયાદ સાથે રિલેશનશીપ કરી. ડાયેનાનું આ એક નાટક હતું, તેવુ કોર્ટમાં ડાયેનાના એક અંગત વ્યક્તિ સાબિત કરી ચુક્યા છે. ડાયેના પોતાના પ્રેમને પરખવા માગતી હતી. છેવટે ડાયેનાની કસોટી પર હસનત પાર ઉતર્યો. લંડનમાં બંને એક બીજાને મળતા. ડાયેનાની પાછળ પાપારાઝીઓ હાથ ધોઇ પડેલા. જેથી ડાયેના માથા પર વીગ અને કાળા ચશ્મા પહેરીને આવતી. કોઇ ઓળખી ન શકતુ. આવી રીતે સ્પેનમાં કોઇ કામ માટે ગયેલા હસનતને મળવા ડાયેના પહોંચી. હસનત માટે હવે આ કોઇ સરપ્રાઇઝ ન હતી. ડાયેના આવુ વારંવાર કરતી. છતા હસનતને વારંવાર થયા કરતુ ડાયેના કશુંક છુપાવી રહી છે, પણ અંત સુધી તે જાણી ન શક્યો. આમ પણ ડાયેના વીસમી સદીની સૌથી રહસ્યમય લેડી હતી. ડાયેનાએ હસનતને લગ્ન કરવાનું પણ કહેલુ. હસનત આ વાત ન માન્યો. કેમ કે ડાયેનાને તેના સ્વભાવ મુજબ સિક્રેટ મેરેજ કરવા હતા અને આ માટે હસનત તૈયાર ન હતો. ડાયેના રાતે સુતી વખતે કલ્પનાના ઘોડા દોડાવતી અને હસનતના સ્વપ્ન જોતી. ખાન કોઇ વાર ડાયેનાના બાળકો સાથે સમય પસાર કરતો. ડાયેનાને આ સારૂ લાગતુ. તેના માટે હસનત પરફેક્ટ મેન બનતો જતો હતો. પરંતુ ડાયેનાના હજુ સરકારી ચોપડે ડિવોર્સ ન હતા થયા. જે વાત ડાયેનાને અંતરમનમાં ખટકતી.
ડાયેનાએ હસનતની જાણ વિના એક પ્રિસ્ટને બોલાવ્યો. જેથી છુપી રીતે લગ્ન કરી શકાય. આ વાતની ખબર હસનતને પડતા તે ગુસ્સે થયો, “મારી સાથે લગ્ન કરવા હોય, તો મુસ્લિમ બન. હું શું કામે ચર્ચમાં આવુ, અને હા, આપણા બાળકો થશે તો ક્યા ધર્મના ? લગ્ન કરવા હોય તો મુસ્લિમ વિધિથી કરીએ.” હસનતનો ગુસ્સો સાતમા આસમાને હતો, તેથી તે આવુ બોલ્યો. આ પછી કોઇ દિવસ ધર્મની વાત બંનેના પ્રેમ વચ્ચે ન આવી. રિલેશનશીપ દરમિયાન ડાયેના રોજ કોન્ટ્રોસેપ્ટ્રીવ પીલ લેતી. ક્યા ગાયનેકોલોજીસ્ટ પાસેથી, તે હસનત માટે આજ સુધી રહસ્ય છે. ડાયેના ખૂબ ઇમોશનલ હતી, તે ફરી લગ્ન કરવા માગતી હતી. તેને એક ભ્રમ હતો કે તે સદા યુવાન જ રહે, જે શક્ય ન હતું.
ડાયેના ઓડી કારમાં હસનતને મળવા આવી. બે દિવસ બાદ BMWમાં આવી. હસનતે પૂછ્યુ, “ઓડી સારી હતી, કેમ બદલી ?” ડાયેનાએ જવાબ આપ્યો, “તેની બ્રેક ચાલતી ન હતી.” એ રાતે હસનત ચિંતામાં ઉંઘ્યો નહિ. તેના દિમાગમાં કાર સવાર હતી. કારણ કે ડાયેનાને કારથી ડર લાગતો, તે તેને ખબર હતી.
હસનત ડાયેના વચ્ચે પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાના સંબંધની વાતો થતી. જેના લીધે તે ખૂબ પરેશાન રહેતી. અને તેના બીજા દિવસે એ રાત આવી. ડાયેનાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. હસનત કોર્ટને સમજાવી સમજાવી થાક્યો કે તે માં બનવાની હતી. અને કોર્ટ ન માની…..
~ મયુર ખાવડુ
Leave a Reply