સાયન્સ ફિક્શન લખવું એ સૌથી મુશ્કેલ કામ છે, પણ એ આપણા સાહિત્યક રસિકો નહીં સમજે. કારણ કે આ કૂવામાં તેમણે ડુબકી નથી મારી. આ તેના જેવું છે કે, થોળ અભ્યારણમાં જાવ અને તમે ટીલળી બતક કેવી હોય તેની કલ્પના કરો, પછી જે મળે તે કંઈક બીજુ જ હોય. સાયન્સ ફિક્શનને કાજલ ઓઝા વૈદ્યની એક થીયરી સાથે સાંકળીએ તો ગમ્મત પડશે. ઈશ્વરે સૌથી પહેલા નવલકથાની રચના કરી તેને પૂછ્યું, ‘તારા પક્ષમાં કેટલા ટકા લેખકો જોઈએ ?’ નવલકથા બોલી, ‘25 ટકા આપો.’ પછી વારો આવ્યો વાર્તાનો, તેણે 10 ટકા માગ્યા, કવિઓએ 36 ટકા સાથે બહુમતી નોંધવી, વિવેચકો 58 ટકા માગી અગ્રીમ સ્થાન પર અણનમ રહ્યા, માઈક્રોફિક્શન લેખકોએ 34 ટકા માગ્યું. હવે છેલ્લે વારો હતો સાયન્સ ફિક્શનનો. ઈશ્વરે તેને પૂછ્યું કે, ‘તારે કેટલા ટકા લેખકો જોતા ?’ સાયન્સ ફિક્શન બિચારૂ મોટા દિલનું એટલે બોલી બેઠુ, ‘એક કામ કરો, આ બધામાંથી જે વધ્યા હોય તે મને આપી દો…’ ઈશ્વર પાસે એક જ વાર માગી શકાતું. તેણે માગ્યું અને પછી ખતમ… તેના ભાગમાં ‘0’ ટકા આવ્યા. પશ્ચિમ બાજુ આ ઉલટુ થઈ ગયું.
પણ હવે રહી રહીને ગુજરાતી સાહિત્યમાં કેટલાક જૂવાનીયાઓ સાયન્સ ફિક્શન લખી રહ્યા છે. તે હર્ષની વાત છે. અભિમન્યુ મોદીએ અભિયાનમાં મંડલમ નવલકથા લખી, નવા યુગનો આરંભ કર્યો છે. હાર્દિક સ્પર્શની વાર્તા મમતા સામાયિકમાં છપાય છે. છપાય છે એટલે વખાણાય છે. ગૌરાંગ અમીને લખી છે, પછી કેટલાએ લખી છે એ તમને ખબર છે ?
જયેશ અધ્યારૂએ ઉત્સવ મેગેઝિન જે ભાસ્કરનું વાર્ષિક મેગેઝિન છે, તેમાં કાળક્રમે અને વર્ષાંતરે બે વાર્તાઓ લખી હતી. અરે જયેશ અધ્યારૂને તો જોઈને જ લાગે કે તે આવા સાહિત્યની રચના કરી શકે. કરતા હોવા જોઈએ, પણ આ સિવાય એક નામ છે, કાના બાંટવા. આંખો પહોળી થઈ ગઈ ? કાના બાંટવાએ યમ્યાની જીજીવિષા નામની વાર્તા ઉત્સવના વાર્ષિક અંકમાં લખેલી.
આપણા સૌના પ્યારા એવા નગેન્દ્ર વિજયે પણ સાયન્સ ફિક્શન નવલકથા અને તે પાછી અધૂરી લખી છે. તે વાર્તા તમને સાર્થક જલ્સાના ??? હું અંક નંબર ભૂલી ગયો, તેમાં આખી છપાયેલી છે. તેમાં નોટબંધીનો મુદ્દો હતો અને નગેન્દ્ર વિજય જ્યારે જુલે વર્ન હોય તેની માફક નોટબંધી ભવિષ્યમાં થઈ પણ ખરી. અત્યારે આ વાર્તા તમને છોકરા રમત જેવી લાગશે, પણ ત્યારે આવા પ્રકારનું સાહિત્ય રચાયેલું તે આપણા માટે ગૌરવની બાબત કહેવાય.
સાયન્સ ફિક્શનની કોઈ સાઈઝ નથી હોતી. કોઈ ઈમારત નથી હોતી. સાયન્સ ફિક્શનની કવિતાઓ પણ લખાય છે ખબર છે ? આ કવિની કલ્પના એ તેનું સાયન્સ ફિક્શન જ કહેવાયને ! પ્રકૃતિમાં કવિ બાંધછોડ કરી બે નેચરલી સજીવ વસ્તુ જેવી કે આગ અને પાણીને ભેગા કરી પ્રેમની માઈલસ્ટોન કેમેસ્ટ્રીનું જે તરકટ રચે તે તેનું સાયન્સ ફિક્શન જ છે. પણ આ તો આપણે તેને ગાલગાગાના બંધનમાં બાંધીએ છીએ. બાંધવી પડે છે. પરાણે. અખો કહેતો કે, ગુરૂમાં, લોભ ન હોય, મોહ ન હોય, સ્વાર્થી પણ ન હોય, આ બધુ ન હોય તો એ ગુરૂ ઓછો અને હેરી પોટરનો ડમ્બલડોર વધારે લાગે. ત્યારે સારા ગુરૂઓ મળતા નહીં એટલે અખાની કલ્પનાને હું સાયન્સ ફિક્શન જ ગણું છું. ગુરૂને શોધવા માટેની તેની ભ્રમણા. ખાલી છપ્પા 2.0 નથી લખ્યા એટલે તમને સાયન્સ ફિક્શન નહીં લાગતું હોય.
બાકી આપણી કલ્પનાના છેડાનું અર્થીંગ અટાકાવીએ, તો ઉપર જે અખાનું કહ્યું એ કોઈને મારી મચોડી પોલીસ સ્ટેશને લઈ જઈ, બે ડંડીકા મારો તો પણ તેને સાયન્સ ફિક્શન જોનરમાં માનશે તો નહીં જ. આપણા માટે મંગળ પર જવું અને ગુરૂની દીક્ષા લઈ પ્રદક્ષિણા કરવી એ સાયન્સ ફિક્શન છે. અહીં નવલકથાઓમાં ક્ષિતિજ નામનો છેડો આવવો જોઈએ. પહેલા પાને અને નાયક નાયિકાના વર્ણન સમયે પહેલી લીટીમાં આવવો જોઈએ. બાકી સાહિત્ય પૂરૂ થયું ન કહેવાય.
ગુજરાતમાં સાયન્સ ફિક્શન લખનારની મેં એક વ્યાખ્યા આપી છે, ‘આધુનિક ઢોંગી બાબાઓ.’ કારણ કે કેટલાક લોકો એટલા માટે નથી વાંચતા કે, તેમાં લેખકનું ! કલ્પના વિશ્વ રહેલું છે. આત્મકથાઓ વહેચાય છે, જિંદગી જીવવાની જડીબુટ્ટીઓ ખરીદાય છે, પ્રેરણાનું ઝરણું અને આત્માનું આત્મસાત મનમાં વહે છે, કારણ કે તે લોકો સાથે કનેક્ટ થઈ શકે છે. લોકોને બીજાની ફિલોસોફી અને જિંદગી જાણવામાં રસ છે, તમારૂ સર્જેલું વિશ્વ તો અમેરિકાની હોલિવુડ ફિલ્મના પડદા પર આકાર લે તો તે 3d આંખથી ઘુવડ અવલોકન કરી જોશે બાકી નહીં.
જુલે વર્નની અનુવાદિત થયેલી નવલકથાઓ સિવાય આપણી પાસે સારાસભ્યની કહી શકાય તેવી સાયન્સ ફિક્શન નથી. આ બધુ કેવું છે ? એવું છે કે કોંગ્રેસની સરકાર આવી જાશે, તો ફલાણું થઈ જાશે… તેના જેવો ડર…
~ મયુર ખાવડુ
Leave a Reply