મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,
ભૂંસાવા ક્યાં દીધો કક્કો, હજુ પાટીમાં રાખ્યો છે,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજેન્દ્ર ચોટલીયા સંસ્કૃતના પ્રાધ્યાપક છે. નવા આવેલા વિદ્યાર્થીઓને તે જોડણીની વાતે હંમેશા ટોકે. જોડણી બરાબર થવી જોઈએ. ગુજરાતમાં જે પાંચ લોકોને તમે લઈ લો, જેમની જોડણીમાં કોઈ દિવસ ભૂલ ન આવતી હોય, પરંતુ અનાયાસે તેમને એવુ લાગે કે જોડણીમાં ભૂલ જઈ રહી છે, તો પોતે ચેક કરી લે. આવા લોકોમાં રાજેન્દ્રભાઈ ચોટલીયાનો સમાવેશ કરી શકો. રાજેન્દ્રભાઈ તો સંસ્કૃત પર પીએચડી કરેલા છે, અને તેમના લેક્ચરોમાં તમને એક વસ્તુ જાણવા મળે… શબ્દ… તેમની પાસે ભણેલા સંસ્કૃતના વિદ્યાર્થીઓ જેવા કે સરમણ ભેડા, પારઘી સંજય, સુરેશ બારૈયા આ બધા એક જ વાત કરે કે, ‘સાહેબ… એક શબ્દ પર આખો લેક્ચર ખેંચી નાખે.’
મુશ્કેલ છે. એક શબ્દ પર એક કલાક ખેંચવાવાળા ગુજરાતમાં પ્રોફેસરો હોય તે ગિરનારના જંગલોમાં જડીબુટ્ટી શોધવા જેવું અથાગ મહેનત માગી લે તેવુ કામ છે. મને યાદ છે, રાજેન્દ્ર સાહેબે મારા થીસીસમાં મને કહેલું, ‘તમારે તમારૂ ટાઈપીંગ ખૂદ જ કરવું જોઈએ, જો તમને ખબર હોય કે જોડણી આમ નહીં ને આમ થાય, તો શું કામ બીજા પાસે ટાઈપ કરાવડાવવું, શું કામે ફરી તમારે પ્રૂફ રીડિંગની મથામણ અને માથાકૂટ કરવી.’
આજે પણ તેમની અગ્નિપરિક્ષામાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ જ્યારે તેમને મળવા આવે ત્યારે અચૂક રાજેન્દ્રભાઈ જોડણી વિશે તેમની અગ્નિપરિક્ષા લઈ નાખે, ક્યાંક મારો વિદ્યાર્થી પાછો કાચો નથી થઈ ગયોને એ માટે !
મીડિયામાં જોડણી દોષની સૌથી વધારે ભૂલો જાય, કારણ કે ત્યાં મોટાભાગના ટ્રેઈની લોકો બેઠેલા હોય. અને જો અનુભવી હોય અને ભૂલ થાય તો તેમને યોગ્ય માર્ગદર્શક ન મળ્યો હોય. અમારી ચેનલમાં પ્રફુલ હિરાણી છે. ઈલેક્ટ્રોનિક મીડિયામાં નીચે સ્ક્રોલમાં આવતી કોઈ ભૂલ થાય, તો તે તુરંત ધ્યાન દોરે. તેમના મતે મોટાભાગના લોકોનું ધ્યાન ન્યૂઝ કરતા તે સ્ક્રોલની પટ્ટી વાંચવામાં વધારે હોય છે. આમ પણ લોકોને ટૂંકુને ટચ વાંચવાનો શોખ છે, જ્યાંથી તમામ માહિતી મળી જાય. પણ માની લો કે, એ જ પટ્ટી કોઈ જોડણીનો વિદ્વાન વાંચતો હશે, તો તે અચૂક ભૂલ કાઢવાનો. એ ભૂલને સુધારવાનું કામ પ્રફુલભાઈ કરે છે. ઊપરથી લીટી કેટલી ટૂંકી કરવી, તેનો પણ તેમને ખ્યાલ હોય. આખી બિલ્ડીંગમાં કોઈને પણ જોડણી ચેક કરવી હોય, તો તેમની પાસે જવાનું. જો તેમને લાગે કે, મારાથી કંઈક ભૂલ છે, તો તુરંત પોતાની પીળા કલરની ડિક્શનરીમાં જોઈ લે અને બરાબર હોય તો કહે. પણ હા, તે પોતે ન જુએ. સામે ચેક કરાવવાવાળા માણસને કહે, ‘તુ આ જો તને ખ્યાલ આવશે, બીજીવાર ભૂલ ન જાય.’
ગમે ત્યારે પીઠ પાછળ હાથ રાખીને સ્ક્રોલવાળાઓની મુલાકાત લે અને જેમ માસ્તર સમજાવતા હોય તેમ સમજાવે. ભૂલ હોય તો વધારાના શબ્દો હટાવવાનું કહે, વાક્ય બને તેટલું ટૂંકુ કરાવડાવે. પાછુ ટોપ બેન્ડ ચેક કરાવવા માટે મોટાભાગના લોકો તેમની મુલાકાત લે. કોઈ કેચી લાઈન જોતી હોય તો એમની પાસેથી મળી રહે. વેબ પરના તેમના કેટલાક આવા વિધાનો વાંચો તો ખ્યાલ આવશે જેમ કે, શાહરૂખ ખાને વડોદરાની ટ્રેનમાં ફિલ્મ રઈસનું પ્રમોશન કર્યુ અને એક વ્યક્તિનું મૃત્યુ થયું ત્યારે તેમણે લખેલું, ‘અબ્દુલ લતિફના નામ સાથે મૃત્યુ જોડાયેલું છે.’ તો જ્યારે કોઈ મીડિયાને ખબર નહતી અને બ્રાડ પીટ ભારતની મુલાકાતે આવ્યો ત્યારે તેમણે લખેલું, ‘બ્રાડ પીટ ચૂપકે ચૂપકે ભારતમાં ઘુસી ગયો.’ આવા તો કંઈ કેટલા વન-લાઈનર્સ તેમની પાસેથી મળી રહેશે. તેમના માટે એક યથાયોગ્ય શબ્દ છે, પ્રાચીનથી અર્વાચીન સુધીના પત્રકારત્વના નિષ્ણાંત…
તમે જોઈ લે જો કોઈપણ ચેનલ કે છાપામાં આવા એક બે લોકો હશે, જેના કારણે કેટલીક ભૂલો મીડિયામાં દબાતી હશે. અને આવી ભૂલો થાય તેનું કારણ રાજેન્દ્રભાઇ ચોટલીયા જેવા અધ્યાપકોનો અભાવ છે. નબળી જોડણી સાથે નીકળેલા વિદ્યાર્થીઓ કોઈ લેખન પ્રવૃતિના ક્ષેત્રમાં જાય પછી તેને સંભાળવાનું કામ પ્રફુલ હિરાણી જેવા લોકોએ કરવાનું હોય છે. આ બીજી કેટેગરીમાં હું આવું. જેને પ્રફુલ સાહેબ સંભાળે. કારણ કે મને મહેન્દ્ર ચોટલીયા જેવા અધ્યાપકો નથી મળ્યા.
—————–
સાવ સરળ અને સામાન્ય વાત છે, જે લોકોનું ગુજરાતી બરાબર નથી તે લોકોને અંગ્રેજી શીખવી છે. જ્યારે માતૃભાષા દિવસ હોય ત્યારે તેના બ્યુંગલો અને વાંજીત્રો ફુંકવાવાળાઓની પાછળના પોસ્ટરમાં જ જોડણીની ભૂલ હોય છે. વક્તવ્ય આપનાર પોતાની દીર્ઘદ્રષ્ટા વૃતિને પારખીને એવુ માને છે કે મારા માતૃભાષા પરના ભાષણના કારણે લોકોને મનોરંજન મળે છે, પરંતુ પોતાની પાછળ પ્રિન્ટ થયેલી જોકર પ્રવૃતિ પર નજર નથી કરતો.
જોડણીનું પાછુ નખરાળુ કામ છે. અરિસામાં સિંહને હું સિંહ છું તેમ લાગે, ખૂદને પોતાની જોડણી ખોટી હોય તેવુ લાગતું જ નથી. પરંતુ કોઈ કહે કે ભાઈ અરિસામાં તુ સિંહ દેખા છો, પણ નહોર વિનાનો ત્યારે ખ્યાલ આવે. મારા જેવા લોકોની જિંદગી બે નાના અને મોટા હ્રસ્વ-દીર્ઘમાં ચાલી જાય. ક્યારે ક્યા ‘ઈ’ નો ઊપયોગ કરવો ખ્યાલ ન આવે. મારી જોડણી વિશે લોકો મને કહે છે, અને મને આનંદ થાય છે કે, કોઈ તો આપણું લાંબુ લચક વાંચીને ભૂલ કાઢનારૂ છે.
આ દુનિયાનો સર્વસમ્પન્ન નિયમ છે. પુસ્તકમેળામાં જેટલી ચોપડીઓ ધનવાન બનવાના સાત નિયમોની વેચાઈ એટલી જોડણીની નથી વેચાતી. જોડણીકોશને બાદ કરતા કઈ ગુજરાતી વ્યાકરણની ચોપડી 300 પાનાથી ઊપરની છે, આ પણ ગીનીસ બુક ઓફ રેકોર્ડનો વિષય છે. વધીને એક કે બેને તમે મુકી શકો. કારણ કે એટલું કોઈ ભાષાવિદ્દનું જ્ઞાન જ નથી.
માતાના પેટમાં રહેલા બાળકને તમે ભાષાનું જ્ઞાન અભિમન્યુની માફક આપી શકો, કિન્તુ ‘અતિસાર’ કેમ લખાઈ તે તો તેને ભાષાની ગર્ભનાળ સાથે જોડાઈને જ શીખવું પડે. એ માતાની ગર્ભનાળ સાથે જોડાઈને ન આવે.
ઊર્વીશ કોઠારીને ભાષા વિશે એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે, યંગ જનરેશનના સાહિત્યકારો ભાષા કેવી રીતે શીખે ? જેના જવાબમાં ઊર્વીશભાઈએ કહેલું કે, ‘ભાષા શીખવા માટે અમને વાંચવાની જરૂર નથી. અમારી પહેલાના જે સાહિત્યકારો છે, તેને વાંચો તો ખ્યાલ આવશે કે ભાષા કોને કહેવાય.’
જવાબ યોગ્ય છે, પરંતુ હજુ ગુજરાતીઓને ભાષાની ચોક્કસાઈ તપાસવા માટે ગાંધી-અનુગાંધી યુગના સાહિત્યકારોનો છેડો પકડવો પડે છે. અને એ થોથા વાંચવાનો કોઈની પાસે સમય નથી. પરિણામે ભાષાનું સ્પષ્ટીકરણ કરવાની જગ્યાએ વિકેન્દ્રિકરણ થઈ ગયું છે. તેનું કારણ આ સુવિચારની જેમ છે. ‘વિકસવાની પ્રક્રિયા અટકી ગઈ, તો ચાલો ડાળ પરથી ખરીને જોઈએ.’ પણ ડાળ પરથી ખરશો તો પાનખર સિવાય બીજુ કોઈ નામ નહીં લખાય. થાય તો શું થાય બગડેલી કેરીનો ભાવ ઓછો !
પરંતુ ક્યાંક ગુજરાતી સાહિત્યમાં કે પત્રકારત્વમાં એવા લોકો છે, જેમને તમે ઓળખતા નથી, દુનિયાના ઓળખતી નથી, પરંતુ તે લોકો નીચેની કવિતાની પંક્તિ દ્વારા આશા રાખી બેઠા છે…
આંગણે આવી
ચકલીએ પુછયુ
આ બારણુ પાછુ
ઝાડ ના થાય…..???
~ મયુર ખાવડુ
(મારે રોજ માતૃભાષા દિવસ હોય, પણ હું એવા લોકોને શોધતો હોવ છું, જેના દ્વારા માતૃભાષાનું સત્ય કહી શકુ)
Leave a Reply