સાત નંબરના આંકડા સાથે દુનિયાના દિગ્ગજોને કંઈક વધારે પડતી જ લાગણી છે. શિકાગો જેટલું ઘાડપાડુઓ માટે કુખ્યાત છે, તેટલું જ તેના ગ્રે વિસ્તાર માટે પણ પોપ્યુલર છે. જ્યાં 29 ઓગસ્ટ 1958માં કિંગ ઓફ પોપના હુલામણા નામે ઓળખાતા માઈકલ જેક્સનનો જન્મ થયો હતો. અત્યારે જેક્સનને યાદ કરવાનું કારણ કે મર્યા બાદ પણ તેની 48 કરોડ ડોલરની આવક છે. જીવતા લોકો કંઈ નથી કરી શકતા, ત્યારે જેક્સન કબરમાં સુતા સુતા પોતાના મ્યુઝિકની રોયલ્ટીથી આટલા નાણાં કમાય છે. અલબત મસમોટા અખબારોમાં એ વાત પણ છપાય કે જેક્સનની આવક ગત વર્ષ કરતા ઘણી ઘટી ગઈ છે. ગયા વર્ષે જેક્સન મર્યા બાદ વધારે કમાણી કરનારાઓની યાદીમાં બેશક અવ્વલ હતો, પણ તેની કમાણી 450 કરોડની આસપાસ આંકવામાં આવેલી. મૃત્યુના 9 વર્ષ બાદ પણ જેક્સનનું ભૂત દુનિયામાં જીવતું હોય તેવું લાગે.
જેક્સનના તો ખાનદાનની રગોમાં જ સંગીત દોડ્યા રાખતું હતું. પિતા ગિટાર બજાવવાનું નાનું મોટુ કામ કરતા હતા. માતા કેથરિનની સંગીતમાં રૂચિ હોવા સિવાય તે બાળકોને સંગીત શિખવાડતી હતી. પાંચ વર્ષની ઉંમરે માઈકલે સ્ટેજમાં પોતાનું ડેબ્યું કર્યું. માઈકલની ખૂબીઓ જોતા તેના ગળા કરતા તેના અવનવા ડાન્સ સ્ટેપ પોપ્યુલર થતા હતા. સંગીતમાં તમે ગાવ છો તેના કરતા તેની મઝા કેટલી લો છો એ અગત્યનું છે, અને તે માઈકલના શરીરમાં કરંટની માફક દોડતું હતું. મોટાઊન રેકોર્ડે જેક્સનને પાંચ વર્ષની ઉંમરમાં જ સાઈન કરી લીધા. એ પછી જેક્સન ઉપડ્યા તે ઈતિહાસ છે. થ્રીલર આલ્બમ દુનિયામાં સૌથી વધારે વેચાતો આલ્બમ બન્યો છે. અને આજે પણ એટલો જ વેચાઈ છે. તેના સોંગ બિટ ઈટ અને બેડ તો 2017ની ડેસ્પિકેબલ મી-3માં પણ ધુમ મચાવી ચુક્યા છે. પણ માઈકલ ભારતના રિયાલીટી શોમાં થતા ડાન્સથી લઈને ચાની કીટલીવાળા સુધી પોપ્યુલર છે. તેની હેર સ્ટાઈલ રાખનારાઓની આજે પણ કમી નથી. પેપ્સીની એડના શૂટિંગમાં તેની હેરસ્ટાઈલ સળગી ગયેલી જે પછી તેણે વાળનું જે મેકઓવર કર્યુ તે યંગસ્ટર્સમાં કાફી પોપ્યુલર થયું. હબસીઓએ નસીહત મેળવી કે વાંકડીયા વાળમાંથી પણ હેરસ્ટાઈલનો ઉદ્દભવ થઈ શકે છે.
ભારતમાં એક ડિસ્કો ચાયવાલો છે. આ ડિસ્કો ચાયવાલાનો વીડિયો ઘણો વાયરલ થયેલો. તેની ચા બનાવવાની શૈલી બિલ્કુલ માઈકલ જેક્સનની માફક છે. જ્યારે ચા મુનવોક કરતી હોય તેવું લાગે. એટલે જેક્સન ચા બનાવવાવાળાઓમાં પણ પોપ્યુલર છે. એનકેન પ્રકારે ચા વાળાને પોતાની સ્ટાઈલની ખબર નહીં હોય, પણ તે માઈકલની કોપી કરે છે, તેવું તેની ચા પીવાવાળાઓએ માર્ક કરી લીધુ.
આજ રીતે એક 60 વર્ષના બુઝુર્ગનો વીડિયો પણ વાયરલ થયેલો. જે અમિતાભ કે શાહરૂખની માફક નહીં પણ માઈકલ જેક્લનની માફક ડાન્સ કરતો હતો. જેક્સન તેના સમયનો કિંગ હશે એટલા માટે ? કે તે જેક્સનનો સૌથી વૃદ્ધ ભારતીય ફેન હશે !
માઈકલે પોતાના શરીરમાં કેટ કેટલીય સર્જરીઓ કરાવી હતી. તેના ફેન્સમાંથી આ ભૂત ઉતર્યું નથી આ માટે તેઓ પોતાના શરીરને માઈકલની માફક બનાવી સર્જરીઓ કરાવ્યા રાખે છે. એક બિલાડીનું ઉચું થવું એ મહજ એક ઈત્તેફાક છે, પણ માઈકલની આ ઉંચી થતી બિલાડીમાં કોઈ નૌસીખીયાએ બેડનું મ્યુઝિક ઉમેરી દીધુ અને લોકો આ બિલાડી માઈકલ જેક્સનની ફેન હોવાનું માનવા લાગ્યા. ક્રિકેટના મેદાનમાં એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હારી ગઈ ત્યાં ઉદાસ ટીમમાં ક્રિસ ગેલને મઝા સુજી તે માઈકલની માફક ડાન્સ કરવા લાગ્યો. માઈકલનું પોઝટીવ કોપી કરો તો બરાબર પણ નેગેટીવ પણ ? 2002માં માઈકલે પોતાના દિકરાને છતની બહાર હાથ પકડી ટાંગેલો તે ફુટેજ વાયરલ થયું હતું. બાદમાં આ પણ માઈકલની પોપ્યુલારીટી અને ફેન ફોલોંઈંગ માટે કરવું જોઈએ તેવું માનીને એક ભારતીય માએ પોતાના દિકરાને છતની બહાર બે હાથ પકડી જુલાવ્યો તો કોર્ટે તેને નોટીસ ફટકારી બોલાવી લીધી. રિયાલીટી શોમાં તો માઈકલ જેક્સન આવતા જતા રહે છે, પણ ફિલ્મોમાં પણ જેક્સન સ્ટેપની કમી નથી. છેલ્લે મુન્ના માઈકલમાં ટાઈગર શ્રોફે મૈં હું સોંગમાં તેની કોપી કરેલી.
દુનિયામાં રોજ પેદા થતા નવા બાળકોમાં પણ માઈકલનો ક્રેઝ જોવા મળે છે. માઈકલ નહતો ત્યારે જીમ મોરીસન અને એલ્વિસ પ્રેસલિનો લોકોને એવો જ ચસ્કો લાગેલો. જીમ મોરિસન તો તેની લાઈફના કારણે ચર્ચાયો જેને છોકરીઓ જોતી તો કપડાં ફાડી નાખતી. એલ્વિસ પ્રેસલી આમ માઈકલનો સસરો થાય, પણ 1980માં માઈકલનો ઉદય થતા તેણે પોતાની મ્યુઝિક લીલા સંકેલી લીધી. જ્યારે જીમ મોરીસન ભારતમાં 2011ની રોકસ્ટાર ફિલ્મ સુધી જીવતો રહ્યો. જેમાં રણબીર કપૂરનો ડાયલોગ છે, ‘યાર જીમ મોરીસન… છોરીયા કપડે ફાડ દેતીથી ઉસે દેખકર…’
મરતા મરતા માઈકલ એટલું બધુ કરતો ગયો કે સામાન્ય માણસ 10 જન્મ લે તો પણ ભેગુ ન થાય. 23 ગિનીસ બુક રેકોર્ડ, 40 બિલબોર્ડ એર્વોડ, 16 ગ્રેમી અને 26 અમેરિકન મ્યુઝિક એર્વોડ. એમટીવી જેવી ચેનલની પોપ્યુલારીટીનું કારણ પણ માઈકલ પોતે જ બનેલો. તેમાં બતાવવામાં આવેલું બિલી જીન સોંગ વિશ્વ ઈતિહાસનું એવું પહેલું ગીત હતું જેમાં કોઈ કાળિયા માણસે હાજરી આપી હોય. તેના આલ્બમ થ્રિલરની અત્યાર સુધીમાં અધધધ…. 42.4 મિલિયન કોપીઓ વેચાઈ ચુકી છે. જેક્સન હવે વર્ષો સુધી તેની રોયલ્ટી ખાતો રહેવાનો ભલે તે 2009માં મરી ગયો. ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે હોલિવુડ ફિલ્મ વિઝાર્ડ ઓફ ઓઝમાં એક ભૂત જેવો માણસ ઉભો હોય છે. એ ભૂત નહીં માઈકલ જેક્સન હતો. તેની બહેન જેનેટ જેક્સન કદાચ માઈકલની પ્રસિદ્ધીથી જલતી હશે, એટલે તેણે પોતાના એક મ્યુઝીક પ્રોગ્રામમાં દર્શકોને પોતાના સ્તન બતાવ્યા, ત્યારે મીડિયામાં હોબાળો મચી ગયો હતો. માઈકલના કોઈપણ આલ્બમની રેટીંગ 8ની નીચે નથી. જે અત્યારે કોઈ સિંગલ આલ્બમ કરી નથી શકતું. અને અંતે મુનવોકની વાત કર્યા વિના તો ન ચાલે. માઈકલનું મુનવોક જેટલું પોપ્યુલર છે, તેટલું જ તેના ગીત સ્મુથ ક્રિમિનલમાં આ ભાઈ ગ્રેવિટીને ટક્કર આપવી હોય તેમ વળી ગયા તે પોપ્યુલર છે. મુનવોક માઈકલ સિવાય હાલ ડાન્સમાં રૂચિ રાખનારા લોકો કરી શકે છે, પણ સ્મુથ ક્રિમિનલ સોંગમાં ગ્રેવિટીને ટક્કર આપવી તે નહીં. આ સોંગ બનાવતી સમયે માઈકલ માટે ખાસ શૂઝ તૈયાર કરવામાં આવેલા. જે માઈકલ પહેરીને ખૂરશીની બાજુમાં નમે છે. અને જોનારની જીભ બહાર નીકળી જાય, ‘અરે બાપરે… આવું તે કંઈ હોય ?’ આ સિવાય જીવનમાં વિવાદો વિવાદો પ્લાસ્ટિક સર્જરી અને કાળામાંથી ગોરા બનવાનું ભૂત. ડ્રગ્સના ઓવરડોઝનું કારણ અને જેક્સનનો અંત.
જેક્સન મૃત્યુ પામ્યો ત્યારે ફેન્સ માનવા તૈયાર નહતા કે માઈકલ આપણી વચ્ચે નથી. લોકોની રીતસર ભીડ જામી ગયેલી અને અમેરિકન સત્તાધીશોને ડર લાગવા લાગેલો કે ક્યાંક કરફ્યુ ન લાદવો પડે, પણ માઈકલને જેવી શ્રદ્ધાંજલી તેમના ફેન્સે આપી તેવી કોઈએ નથી આપી. દુનિયાભરમાં 2 મિલિયનથી વધારે લોકોએ તો માત્ર ટીવી પર તેની અંતિમવિધિ નિહાળેલી. સ્ટ્રીટના ભીખારીથી લઈને અકોને તેના પર ગીત બનાવ્યું અને આજે પણ મર્યા બાદ માઈકલ જીવતો હોય તેવું લાગે છે. એક એવો સ્ટાર જે જીવતો લાખનો અને મરેલો સવા લાખનો.
અને છેલ્લે કોઈએ એક ફેનમેડ ફોટો બનાવ્યો હતો, જેમાં લખેલું કે 1992માં શાહરૂખ ખાન માઈકલ જેક્સન જેટલો પોપ્યુલર બનવા માંગતો હતો અને 2008માં તે માઈકલ કરતા વધારે પોપ્યુલર છે. નોંધ: આ નર્યુ જુઠ્ઠાણું છે, માઈકલ જેટલું દુનિયામાં કોઈ પોપ્યુલર થઈ નથી શક્યું. થઈ જાય તો નવાઈ થશે.
~ મયુર ખાવડુ
Leave a Reply