ફૈઝાબાદ સ્થિત સિવિલ લાઈન્સમાં રામ ભવન આવેલું. જેમાં એક વ્યક્તિની મૃત્યુ થઈ ગઈ. ગોપનીયતા રાખી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મૃત્યુ બાદ ત્યાંના સ્થાનિક લોકોએ તેમનો સામાન ફંફોસ્યો તો તેઓ ચોંકી ગયા. તેમના મત મુજબ આ સુભાષચંદ્ર બોઝ હોઈ શકે છે, ત્યારે સરકારે કહ્યું કે 1945માં તેમની વિમાન દુર્ધટના મોત થઈ ચૂકી છે. મરેલો માણસ પાછો ન આવી શકે. પણ જો હકિકત હોય તો ? એટલે ત્યાંના સ્થાનિક લોકોને પૂછવામાં આવ્યું. તેમના મતે આ બાબા 1970થી અહીં રહેતા હતા. તે પહેલા તો તેમનો કોઈ અતોપતો નહતો. શરૂઆતમાં અયોધ્યાની લાલકોઠીમાં રહેતા હતા. પણ ત્યાં મન ન લાગ્યું એટલે જ્યાં લોકોની ચહેલ પહેલ વધારે હોય ત્યાં રહેવા લાગ્યા. કેટલાક સમય પછી લખનવા હાતામાં ગૂમનામીમાં રહ્યા. તેમની સાથે તેમની એક સેવિકા રહેતી હતી. જેને લોકો જગદમ્બા તરીકે ઓળખતા હતા. જેનું મૂળ નામ સરસ્વતી હતું, ખબર પડી કે તે નેપાળથી બિલોંગ કરતી હતી. અને પછી રામ ભવનમાં બાબાએ છેલ્લા શ્વાસ લીધા.
હવે આ ગુમાનામી બાબા જે સુભાષબાબુ હોય તે માની શકાય કે નહીં તેવા ઘણા સવાલો છે, પણ માનવું પડે કારણ કે કોઈ દિવસ તેમણે પોતાની હકિકત ન કહી. બીજુ તે ક્યાંથી આવ્યા તેની કોઈને ખબર નહતી. દુર્ગા પૂજા અને 23 જાન્યુઆરી (સુભાષનો જન્મદિવસ) ત્યારે કેટલાક લોકો તેમને મળવા આવતા એ કોણ હતા ? તે એક સંત હતો તો પછી અંગ્રેજી અને જર્મન ભાષા પર તેનું આટલું પ્રભૂત્વ કેમ ? દુનિયાભરના અખબારો આ માણસ પાસેથી નીકળ્યા. તેને આ અખબારો અને સિગરેટ, દારૂની બોટલ કોણ પહોંચાડતું ? અને જો આ વ્યક્તિ સુભાષચંદ્ર બોઝ હતા, તો સુભાષચંદ્ર બોઝ આપણી વચ્ચે નથી.
ઈતિહાસ તમારૂ બે રીતે મૂલ્યાંકન કરે એક તમે શહિદ થઈ જાઓ અને બે તમે ખોવાઈ જાવ. શહિદ થઈ જાઓ તો તમારા પૂતળા બાંધવામાં આવે, તમારા નામે દુનિયાભરમાં માર્ગ અને વિસ્તારના નામ પાડવામાં આવે. તમારા નામે ટપાલ ટિકિટો કદાચ બહાર પડે, અને જો તમે ખોવાઈ જાવ તો ? ગુજરાતમાં ક્યાંય સુભાષચંદ્ર માર્ગનું નામ સાંભળ્યું હોય તો મને કહેજો ! કલકતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ છે બાકી તેમના નામનો કોઈ પ્રતિષ્ઠિત એર્વોડ આપવામાં આવતો હોય તો કહેજો. એર્વોડ એ નેતાઓના નામના આપવામાં આવે છે, જેમના નામની પાછળ હુલામણું ‘ધી’ લાગતું હોય. બાકી રાજીવ ગાંધીએ પેલા જોક્સની જેમ ભારતને રમવા માટે રાહુલ ગાંધી નામનું રમકડુ આપ્યું છે તેવુ કહેવાય. રાજીવગાંધી ખેલરત્ન એર્વોડમાં આ સિવાય તેમનો કોઈ મોટો ફાળો નથી. હું અહીં કોંગ્રેસની ઘોર ખોદવાનો પ્રયાસ નથી કરતો, પણ જે કોંગ્રેસ નથી કરી શકે ત્યાં ભાજપે પણ કંઈ ડંકો નથી મારી દીધો.
સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોના સમયમાં ICAની પરીક્ષા પાસ કરી દેખાડી દીધેલું કે ખાલી ગોરાઓ ભણતરથી આગળ નથી વધતા, તેમણે ખોદેલા ખાડામાં આપણે પણ પડી શકીએ અને દોરડા વિના બહાર પણ નીકળી શકીએ. આ પરીક્ષામાં તેમણે ચોથો રેન્ક મેળવેલો. પરંતુ સુભાષચંદ્ર બોઝના હાથમાં સરકારી ખૂરશી પર બેસી કામ કરવાનું લખેલું નહતું, 1920માં નોકરી શરૂ કરી અને 1921માં નોકરી પૂરી પણ કરી નાખી. એક વર્ષમાં સિવિલ સર્વિસ એક્ઝામ જેવી માનમરતબાની નોકરીને પાટુ મારી દીધું. ઈતિહાસના ખેરખાઓના મતે તો બોઝ જે પ્રકારનું આઝાદી માટે વિચારતા હતા, તે પ્રમાણે જો ગલીનું કૂતરૂ વધારે સામુ થાય, તો તેને રોટલી આપવાની જગ્યાએ મારીને ખદેડવું જોઈએ, તેમની આ વિચારધારા બરાબર હતી. જેને આપણે પાળ્યો અને પોસ્યો તે આપણી સામે શું કામ થાય ? આ માન્યું હોત તો દેશ કદાચ વહેલો આઝાદ થઈ ગયો હોત. પણ ભારતને આજની તારીખે પણ એક નેતાવાદમાં માનવાની ટેવ છે. વાત આજના પ્રધાનમંત્રીની હોય કે, વાત ત્યારના સમયના નેતાની હોય.
બોઝ તો આ માટે હિટલરને પણ મળવા માટે ગયેલા. 1941માં બોઝની ધરપકડ કરવામાં આવી, ત્યાંથી બોઝ ભાગીને કલકત્તા એરપોર્ટ અને ત્યાંથી ટ્રેન મારફતે પેશાવર અને ત્યાંથી કાબૂલથી ટ્રાવેલ કરી જર્મની પહોંચ્યા. જર્મીનીમાં હિટલરની ઓફિસમાં બેસી તેના લબરમૂછીયાને કહ્યું, ‘હું હિટલરને મળવા માગુ છું.’ ઘણો સયમ વેઈટ કર્યો પણ હિટલર ત્યાં ન આવ્યો. કોઈવાર હિટલર ત્યાંથી પસાર થતો, પરંતુ તે સુભાષ બાબુને મળતો નહીં. આખરે જ્યારે હિટલર જ થાકી ગયો કે, આ માણસ તો જીદ્દિ છે. ત્યારે છાપુ વાંચી રહેલા સુભાષબાબુના ખભ્ભા પર હાથ રાખ્યો. સુભાષબાબુએ નજર માર્યા વિના કહી દીધુ, ‘ઓહ, હિટલર.’ હિટલરને થયું હું હિટલર અને આ મારી સાથે મિત્રની જેમ વાત કરે છે, કોણ હશે આ ?
‘તમને કેમ ખબર કે હું હિટલર જ છું ?’ હિટલરે પોતાની ભ્રકૂટી ચડાવીને પૂછ્યું.
સુભાષચંદ્ર બોઝે કહ્યું, ‘હિટલર જ આવું કરી શકે !’ અને બંન્ને મળ્યા.
હિટલર ત્યારે દ્રિતિય વિશ્વયુદ્ધની તાડામાર તૈયારીમાં લાગેલો હતો, પરંતુ ઈતિહાસના કેટલાક ચેપ્ટર ક્લોઝ થવા માટે બન્યા હોય છે. અન્યથા હિટલરને બોઝની મદદ કરવામાં કોઈ છોછ નળે તેમ નહતું. કારણ કે આ એ જ બ્રિટન હતું જેણે 23 રાષ્ટ્રો સાથે મળી જર્મનીને ખૂવાર કરી નાખ્યું હતું.
સુભાષચંદ્ર બોઝને ત્યાંથી ખાલી હાથે પાછુ આવવુ પડ્યું. બોઝનું માનવું હતું કે હિટલર ભારતની આઝાદીની લડત માટે પોતાના સ્વસ્તિકનો ઊપયોગ કરે અને તેની સેના આપે. પરંતુ આ બની શક્યું નહીં. ત્યાંથી મદદ ન મળી ત્યારે તેમણે જાપાનની મદદ લઈ આઝાદ હિંદ ફોજને વધારે બળુકી બનાવી. આંદમાન અને નિકોબાર જેવા ટાપુઓ કબ્જે કર્યા, ત્યાં બીજુ વિશ્વયુદ્ધ શરૂ થયું અને જાપાનની આર્મી ટીમ બાયબાય કરી ગઈ. આ કહેવાય આઝાદી પહેલાની પહેલી વિદેશનીતિ ! અને તે પણ યુદ્ધ માટે…
જ્યારે નવીસવી સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરેલી ત્યારે બોઝ ગવર્નર જનરલને મળવા માટે ગયા. ત્યાં તેમણે પોતાની અમ્બ્રેલા ઊઠાવવાની ના પાડી. કારણ કે પોતે ક્લાસવન કેડરના હતા. બોઝના આવા ગરમ અને તુંડમિજાજના કારણે ગવર્નર જનરલે તેનું કારણ પૂછ્યું, ત્યારે બોઝે તેના ગળામાં એ જ છત્રી રાખી દીધેલી.
એ પછી તો સુભાષબાબુનું મૃત્યુ અને તેની બાળપણની લાઈફથી તો આપણે માહિતગાર છીએ. પણ જો હજુ વધારે નજીક જવું હોય તો હંસલ મહેતા અને રાજકુમાર રાવની શાહિદ ફિલ્મની જોડીએ બોઝ: ડેડ ઓર અલાઈવ બનાવી છે. બોઝ જીવતા હશે તો કોઈ દિવસ આપણા હાથમાં નથી લાગવાના અને મૃત્યુ પામી ગયા તો ઈતિહાસ, પુસ્તકો અને ફિલ્મી પાનામાં જ આપણે તેમને યાદ કરવાના રહ્યા. પણ બોઝને જો નજીકથી જાણવા હોય તો આ સૂનેહરો મોકો છે. રાજકુમાર રાવના એગ્રેસીવ અવતાર ઊપરથી તેની અફલાતુન એક્ટિંગના આપણે દિવાના છીએ, ભલે તેણે બરેલી કી બરફી કરી હોય ! પણ ફૂલેલા ફાંદાવાળો અને અડધો ટકલો બનેલો રાજકુમાર બિલકુલ સુભાષચંદ્ર બોઝ લાગે છે.
તેનો એક સરસ ડાઈલોગ છે, ‘આપકો ક્યા લગતા હૈ, કી સુભાષ પહેલી બાર ગાયબ હુઆ હૈ… ? ‘
~ મયુર ખાવડુ
Leave a Reply