છેલ્લે મેગ્નસ કાર્લસને પોતાની તેજ તરાર બુદ્ધિ અને પ્રતિભાથી વિશ્વનાથ આનંદને હાર આપી. હાર નથી આપી ઊપરા છાપરી બે વખત હાર આપી છે. મેગ્નસ કાર્લસનની ચેસ ટેકનિક જુઓ તો ખ્યાલ આવે કે, કાર્લસન અરિસાની સામે પોતાનો ચહેરો રાખે. તેની પાછળની બાજુ શતરંજના બાહોશ ખેલાડીઓ હોય. જેણે 18-18 કલાક ચેસ રમવાનું જ કામ કર્યુ હોય. તે લોકો સીધા મોંએ ચાલ ચલે અને કાર્લસને ઊલટું એ પણ આયનામાં જોઈને !! મિરર રિફ્લેક્શનમાં તો તમે જે જુઓ તે બધુ તમને ઊલટું જ દેખાવાનું. ભારતના ખેલાડી આમ રમવાની કોશિષ કરે તો બાકાયદા ધોબી પછાડ ખાય. અને કાર્લસન ન માત્ર આમ પ્રેક્ટિસ કરે છે, પણ બધા સામે જીતે પણ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ જ કે, કાર્લસન ચેસને એ લેવલ સુધી લઈ ગયો હોવા છતા, એ બોબી ફિશરને ન હરાવી શકે !
મગજના સ્ટેડિયમમાં શાંતિ સ્થપાઈ ગઈ. આંખો ફાટી ગઈ, મોં 0 આકારનું થઈ ગયું. હા, બોબી ફિશર ‘એ’ લેવલના ખેલાડી હતા. એવું નથી કે ભારતમાં જ ખેલાડીઓને દુર્ગતીનો અને અધોગતિનો સામનો કરવો પડે. તમે સાચા હો તો પણ તમારે આ વસ્તુનો તો સામનો કરવો જ પડશે. 2008માં બોબી ફિશરનું નિધન થઈ ગયું. આ પહેલા તેમને અરેસ્ટ કરવામાં આવેલા. બોબીએ મીડિયાને કહેલું કે પોલીસે મને મારેલો છે. લોકો માનવા તૈયાર ન હતા. તેનું કારણ બોબીએ રશિયાને હરાવ્યું હતું. જે અમેરિકા કોઈ દિવસ નથી કરી શક્યું તે કર્યું હતું. એક શાંતિની રમતમાં માત આપી હતી. તો પણ લોકો બોબીની વાતને કેમ સ્વીકારવા તૈયાર નહતા કે પોલીસે તેમને માર્યા હતા. ચાલો ખણખોદિયા કરીએ…. જેનો જવાબ આમાં છૂપાયેલો છે…
9 માર્ચ 1943માં જન્મેલા બોબી ફિશરના જન્મ પ્રમાણપત્રમાં તેના પિતાનું નામ લખેલું હતું. તો પણ બોબી કોઈ દિવસ પોતાના પિતાને શોધી ન શક્યા. મા ઘરમાં પરાયા પુરૂષો સાથે સહશયન માણતી અને બોબી માતાને એટલું કહી ટોકતો કે અવાજ ન કરો મને શતરંજની નવી ટેકનીક શોધવામાં તકલીફ પડે છે. બોબીના જન્મ પહેલા તેની માતાએ અડધુ યુરોપ ઘુમી નાખ્યું હતું. તેને જોઈતી હતી જર્મન સિટીઝનશિપ પણ આખરે અમેરિકાની મળી. પછી બોબીનો જન્મ થયો અને રશિયા અમેરિકા સહિત વિશ્વભરમાં માહોલ ગરમ બનવા લાગ્યું. માતાએ સ્વીકાર્યુ કે અમેરિકામાં પરગ્રહવાસી બનીને રહેવા સિવાય છૂટકો નથી. તેણે અમેરિકાને પોતાનું ઘર બનાવી લીઘુ.
બોબીનું દિમાગ કોઈ સામાન્ય માનવી ચેસ રમતું હોય તો તેના કરતા પણ કેમ તેજ દોડે છે ? આ માટે ઘણા સંશોધનો થયા. એક સંશોધનમાં તો બોબીના પિતા મેથેમેટિશ્યન હોવાનું પણ સામે આવેલું. અને અમેરિકા તેની ખોજ પણ કરી રહ્યા હતા.
પરંતુ બોબી હવે 6 વર્ષનો થઈ ગયો. તેની બહેન સાથે તેણે પહેલીવાર ચેસની ઈન્સ્ટ્રક્શન વાંચી રમવાનું શરૂ કર્યું. અત્યારે ઘણાને શીખવાડો તો પણ નથી આવડતું. બોબીને રસ પડ્યો પણ બહેનને નહીં. એક સમય આવ્યો જ્યારે મોટી બહેન કંટાળી ગઈ. બોબીએ તેનો પણ રસ્તો શોધ્યો તેણે પોતાની સાથે જ રમવાનું શરૂ કરી દીધુ. ત્યાર સુધીમાં બોબીના હાથમાં એક બુક આવી ગઈ હતી, જેમાં ચેસની મથામણો ઊકેલવાની માથાકૂટ હતી. બોબીને તેમાં રસ પડ્યો અને તેણે આ કોયડા ઊકેલવાનું શરૂ કર્યું.
ત્યારે ન્યુયોર્ક બ્રુકલીનમાં એક ચેસનું ગૃપ હતું. આ ગૃપે એમ કહીને બોબીને સામેલ કરવાની મનાઈ કરી દીધી કે, સોરી તમારી ઊંમર ટુંકી પડે છે. તો બીજી તરફ તેને મિસ્ટર નિગ્રો નામના ચેસ ટીચર મળ્યા. નિગ્રો દુનિયાના સારા ખેલાડીઓમાંના એક નહતા પરંતુ તેઓ દુનિયાના સારા ટીચરમાંના એક હતા. આમ પણ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીને જે વ્યક્તિ કોચિંગ આપતું હોય છે, તે એક સમયનો નબળો ખેલાડી જ હોય છે !
નિગ્રોના કારણે બોબીએ મેનહટ્નની સૌથી મોટી ચેસ ક્લબ માત્ર 12 વર્ષની ઊંમરે જોઈન કરી. જ્યારે ફિશર યુનાઈટેડ સ્ટેટસનો સૌથી યંગેસ્ટ ચેમ્પિયન બન્યો ત્યારે તેનું રેટિંગ 1726 હતું. આજ સમયે તેણે ચેસની પહેલી ટુર ક્યુબામાં કરી. અને આ રીતે 1957માં તેણે અમેરિકાનું પહેલું ચેસનું ટાઈટલ પણ જીત્યું. હવે તેના જીવનની સૌથી મુશ્કિલ ડગરની શરૂઆત થતી હતી. તેનું નામ હતું ગ્રાન્ડ માસ્ટર. કોઈ દિવસ બોબીએ આ બલાનું નામ પણ નહતું સાંભળેલું.
ચેસ રશિયાની રાષ્ટ્રીય રમત છે. અને ત્યાં ચેસને આજની તારીખે પણ પ્રોત્સાહન મળે છે. ત્યારે રશિયાના નિકીતા કૃષ્ચેવે બોબીને રમવા માટે આમંત્રણ પાઠવ્યું. એક કિસ્સો જાણવા જેવો છે. પોતાની બહેન જોઆના સાથે બોબી રશિયાના મોસ્કો શહેરમાં ગયેલો. ત્યાં તેણે તુરંત કહ્યું કે આપણે ચેસ ક્લબ જઈએ. ચેસ ક્લબમાં ત્યારના સમયના બે બિગેસ્ટ ગ્રાન્ડમાસ્ટર બેસેલા હતા. જે ચેસની લીલી સુકી જોઈ ચૂકેલા હતા. બોબીએ પ્રસ્તાવ મુક્યો મારે આ સાહેબો સામે રમવું છે, અને પછી શું બોબીએ બંન્ને હરાવ્યા. ધોબી પછડાટ આપી. ત્યારે બોબીની ઊંમર હતી 15 વર્ષ !
આ રમત જોઈ રશિયાના તે સમયના ચેસ પ્લેયર અને ગ્રાન્ડમાસ્ટર વાલ્ડિમર આલાટ્રોસ્ટેવ બોલી ઊઠેલા, ‘આ ભવિષ્યનો ગ્રાન્ડ માસ્ટર છે.’
પરંતુ ચેસ રમવાની તેની આ ઈચ્છા તેના ભણતર પર ભારે થઈ પડી. છ સ્કૂલમાંથી તેને આવજો કરવું પડ્યું. અને લમણાંજીકની શરૂઆત હવે થાય છે. બોબી ફિશર ચેસની એક ગેમ રમતો હતો. તેની સામેનો ખેલાડી રશિયાનો હતો. જે હારી ચૂક્યો હોવા છતા બચાવની યુક્તિ-પ્રયુક્તિઓ વિચારી રહ્યો હતો. બોબીની નજર સામેના બોર્ડ પર ગઈ. તેના મગજમાં તેજ લિસોટો થયો અને સામેના રશિયનને કહ્યું, ‘સાહેબ આ ગેમ પૂરી થઈ ગઈ છે.’ આટલું બોલી બોબી બહાર નીકળ્યો. બહાર આવી તેણે પોતાની અંતરઆત્માને મીડિયા સામે ધકેલી દીધી અને જોરજોરથી બોલવા લાગ્યો, આ ચીટીંગ છે. ત્રણ અમેરિકાના પ્લેયર્સ સામે પાંચ રશિયાના પ્લેયર ઊતારવામાં આવે તો ફાઈનલ રશિયન વચ્ચે જ થવાનો. આની નોંધ પાછી FBIએ પણ લીધી. બોબીની વાતમાં દમ હતો. પછી શું ઈલ્યુસ્ટ્રેટેડ વીકલી જેવા છાપાએ આખે આખા આર્ટિકલો લખી માર્યા, પરંતુ આ વાતમાં કોઈની કારકિર્દીને ફટકો પડ્યો હોય તો તે બોબી ફિશર જ હતો, તેણે કહી નાખ્યું, હું રમત ગમતમાં આવા લોચાલાપસી પસંદ નથી કરતો એટલે રિટાયર્ટમેન્ટ લઊં છું. આ બોબીની સેમિ રિટાયરમેન્ટ હતી.
આ પહેલા 1948થી અત્યાર સુધી અમેરિકન રાષ્ટ્ર અને સોવિયેત રાષ્ટ્ર વચ્ચે કોલ્ડવોરની પ્રક્રિયા ચાલી રહી હતી. ફિશરની આ હરકતના કારણે અમેરિકાને મોકો મળી ગયો અને તેણે રશિયા પર દાગ લગાવવાનું શરૂ કર્યું. હદ તો ત્યાં થઈ કે એક મેચમાં રશિયાના બોરીસ સ્પાસ્કી સામે મુકાબલો કરવા ફિશર મેદાનમાં ન ઊતર્યા. ત્યારે રશિયાના ગણરાજ્યએ અમેરિકાના મોં સામે બોલી દીધુ, ‘તમે શાંતિની નહીં વેપનની રમતમાં માનો છો !’ બોબી ફિશરે જીવતાજીવ મોં કાળુ કરાવ્યું હોય તેવું અમેરિકાને લાગ્યું.
સ્પાસ્કી સામેની તમામ મેચોમાં ફિશર તેનાથી દૂર ભાગતા રહ્યા એ તેમનો ડર હતો. બોબી ફિશરને બિમારી હતી. તેને દૂરની હરકત પણ નજીકથી સંભળાતી હોય તેવો ભાસ થતો. રમવા સમયે તેને બિલકુલ સાયલન્સ જોઈતુ. ફાધર બિલ અને પોલ માર્શલ ત્યારે બોબીની સૌથી નજીક હતા. તેમણે બોબીને સમજાવી પટાવીને રમતના મેદાનમાં ઊતારવાનું નક્કી કર્યું. તેનું કારણ બોબી ગમે ત્યારે રિટાયરમેન્ટ લઈ લેતો. જેના કારણે અમેરિકાના લોકો માટે વટનો સવાલ વેતરાઈ જતો હતો.
આખરે બોબીએ વિશ્વ ચેમ્પિયનશિપમાં ઊતરવાનું નક્કી કર્યું. ફિલ્મમાં એક સિક્વન્સ છે. અને તે રિયલમાં પણ બનેલી જ્યારે પોલ માર્શલ બોબીને કહે છે, ‘આ વિશ્વનો નંબર 3 ખેલાડી છે.’ ત્યારે બોબીનો જવાબ હોય છે, ‘નહીં ચાર…. અને બોબી મેચ જીતી જાય છે.’
માંડમાંડ રથયાત્રા પહોંચવાની થઈ ત્યાં બોબી નવા નવા તુક્કા લગાવ્યા કરતો હતો. આખરે સ્પોસ્કી સામેની પહેલી મેચમાં બોબી હારી ગયો. હકિકતે જુઓ તો તે હાર્યો ન હતો તેણે બલિદાના આપ્યું હતું.
બીજી મેચમાં બોબીએ હાજરી ન આપી. એટલે મેચ આરામથી સ્પોસ્કીના ખાતામાં ચાલ્યો ગયો. હવે સ્પોસ્કીનો દિમાગ ગરમ થઈ ગયો હતો. સ્પોસ્કીને ખબર હતી કે ઓડિયન્સ સામે તે રમવા નહીં આવે કારણ કે તેને સાઈલન્સની જરૂર હોય છે. સ્પોસ્કીએ પોતાના મેનેજરને કહ્યું કે, ‘જાઓ અને બોબીને કહો, હું ટોઈલેટમાં પણ તેની સામે રમીશ, બસ, તે મેચમાં ગેરહાજર ન રહે.’
ત્રીજી મેચમાં બંન્નેને એકાંતમાં બેસાડવામાં આવ્યા. અને લોકો લાઈવ જોઈ શકે આ માટે ચિત્રપટની વ્યવસ્થા કરવામાં આવી. હવે ચેસમાં તમારી સાથે તમારા સાથીઓ પણ રમતા હોય છે, જેથી તમે જો હારો તો ક્યા કારણોસર અને જીતો તો ક્યાં કારણોસર તેનો અભ્યાસ ત્યાંજ કરી શકાય. જ્યારે બોબીએ પહેલી ચાલ ચલી તો રશિયનોના તાળવા ચોંટી ગયા, કારણ કે બોબીએ આ ચાલ કોઈ દિવસ રમી નહતી. તે નવું કરતો હતો. અને ચેસમાં રશિયન મળતિયાઓ બીજાની ગોખેલી ચાલથી આગળ ચાલતા હોય છે. આજે પણ ! ત્યારે ફિશરે પોતાની સ્ટાર્ટીંગ પોઝીશન જ બદલી નાખી. કારણ કે તેને ખ્યાલ હતો કે રશિયાના લોકો એક સરખી રમત રમે છે, જો હું તેમ ન રમુ તો આરામથી તે લોકો હારી જશે. એક… બે… ત્રણ… બધા મેચો બોબી જીતવા લાગ્યો. જ્યારે બોબીએ ફાઈનલ જીતી ત્યારે તે ઓડિયન્સની સામે રમીને જીતેલો. એટલે તેણે પોતાના સાયલન્સના ડર પર પણ કાબૂ મેળવ્યો હતો. એ ગેમમાં જે ચાલ બોબી રમેલો તેનો તોડ સારાસારાને પરસેવો છૂટાવી દેનારો હતો. બોરીસ સ્પાસ્કી અને બોબી ફિશર વચ્ચેની આ મેચને રમતગમતના ઈતિહાસની “મેચ ઓફ ધ સેન્ચુરી” તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ ચેસના ઈતિહાસમાં આવી મેચ નથી થઈ.
ફિલ્મમાં જે નર્યુ સાચુ ખોટું અમેરિકાએ રશિયા વિરૂદ્ધ વાપર્યું હોય તે, પરંતુ વાસ્તવમાં ફિશર.. ફિશર હતો. કાગડા બધે કાળા જ્યારે લોસ એન્જલસમાં બોબી રમવા માટે ઊતરેલો ત્યારે રશિયાના સ્પોસ્કીને જે સુવિધા આપવામાં આવેલી તે બોબીને નહતી અપાઈ. જેથી બોબી રિતસરનો અમેરિકા સામે લાલઘૂમ થઈ ગયો હતો. અંતે તો બોબી ફિશર સાચુ કહી ગયા, ‘ચેસ સત્ય શોધવાની રમત છે…. ’
~ મયુર ખાવડુ
Leave a Reply