એ જમાનામાં વગર સોશિયલ મીડિયાએ એક ફોટો વાયરલ થયેલો. બાપુના પગ કસ્તુરબા ધોતા હોય એવો. આશ્રમ જીવનમાં બાપુ લાંબા અંતર પગપાળા ચાલીને આવે ત્યારે બા ગરમ પાણીમાં પગ બોળીને બાપુને માલિશ કરી આપે. કનુભાઈ ગાંધીએ લીધેલો આવો એક ફોટોગ્રાફ ફેમિનિસ્ટોના કારણે ચર્ચાનો વિષય બન્યો. અમુક ફેમિનિસ્ટોએ બા પાસે આવીને પુરુષપ્રધાન સમાજની ખોદણી કરતા સમજાવ્યા કે આવી રીતે અત્યાચાર સહન ન કરાય, આ તો કરોડો લોકોમાં ખોટો સંદેશો જાય છે. છતાં તમારે બાપુના ચરણ ધોવા જ હોય તો બંધ બારણે રાખો વગેરે વગેરે….
પણ આ તો ગાંધીજીના ધર્મપત્ની! તરત જ એમણે પેલી સ્ત્રીઓને કડક શબ્દોમાં ખખડાવી નાખી કે, ” બાપુએ મારી બે ડિલિવરી જાતે કરાવી, ત્યારબાદ મેં ખાટલો પકડી લીધો તો રોજ મને નવડાવી, ધોવડાવીને સાફ કરી. બે ટાઈમ મોઢામાં કોળિયા આપીને ખવડાવતા. ત્યારે તો આવા કોઈ ફોટાઓ લઈને તમે ઘરે ના આવ્યા? હું મારી મરજીથી, મારા આનંદથી એમના ચરણ ધોઉ છું. અને બંધ દરવાજા કરવા પડે એવું આ કામ નથી, દરવાજા ખુલ્લા જ રહેશે…” બાની આવી કડકાઈ પણ પાછો ચર્ચાનો વિષય બનેલો.
પણ લગ્નની શરૂઆતમાં બાનો પ્રભાવ કદાચ આવો નહોતો. પોતે અતિશય શ્રીમંત એવા કાપડિયા પરિવારના લાડકા દિકરી. પિતાનો વેપાર તો એ જમાનામાં સાત સમંદર પાર ફેલાયેલો હતો. મધ્યમવર્ગીય દીવાનના દીકરા મોહન સાથે પરણીને આવ્યા પછી બા શરૂઆતના વર્ષોમાં થોડા હતપ્રભ રહી ગયેલા. પતિ મોહન પોતાનાથી ઉંમરમાં થોડો નાનો, સાવ શરમાળ ને ઓછાબોલો. મોહન ભણવામાં પણ નબળો ને કમાણી પણ કોઈ નહિ. એટલે સ્વભાવિક જ સમાજમાં પોતાના પિતા જેટલું માન-સન્માન પતિનું નથી એ જાણીને મનોમન દુઃખ તો થાય જ!
વળી, બા પોતે ઉચ્ચ પરિવારના ને પાછા રૂઢિવાદી એટલે નાતજાતમાં માનનારા પણ ખરા. બાપુ તો પહેલેથી એ બાબતમાં સુધારાવાદી. ઘરે સંડાસ-બાથરૂમ સાફ કરનારાના દીકરાને બાપુ ઉંચકીને રમાડે, બકીઓ ભરે. આ બધું બા ને ગમે નહિ. વળી ઘરે દલિત મહેમાન આવે તો પણ બાનું મોઢું બગડે. બા બધાને જમાડે પ્રેમથી, આવકારો પણ સારો. છતાં બાપુને એમનું ગુસ્સેલ મોઢું ગમે નહિ. એ કહે કે આ બધું હસતા હસતા જ કરવાનું હોય. આવી દલીલોમાં જિદ્દી ને આદર્શવાદી બાપુએ એકવાર ગુસ્સામાં બાને ઘરની બહાર કાઢી મુક્યા. કહે કે હવે મોઢે હાસ્ય આવે ત્યારે જ મારા ઘરમાં આવજે. પછી તો બા ને બાપુ બેય ભેટીને રડી પડ્યા ને ધીમે ધીમે આ મુદ્દે સુખદ સમાધાન થયું. (અમુકને અહીંયા બાપુ ખોટા લાગશે તો અમુકને બા. પણ જે હકીકત છે એ સ્વીકારવી જ રહી.)
કસ્તુરબાના ભાગ્યમાં એટલું જ સહન કરવાનું જેટલું એ પુરુષ પ્રધાન જમાનાની કોઈ પણ સ્ત્રીએ કર્યું હશે ને હજી આજે પણ એકવીસમી સદીમાં ઘણી સ્ત્રીઓ સહન કરી રહી છે. બાપુ આફ્રિકાથી આવ્યા બાદ એક સરલા દેવી નામની સ્ત્રી તરફ આકર્ષાયા. સરલાદેવી તો ઉચ્ચ શિક્ષિત ને ઝાઝરમાન મહિલા. એ જમાનામાં એકદમ ‘બોલ્ડ’ સ્ત્રી. આ સંબંધોની ચર્ચાઓ પુરજોશમાં બધે ફેલાવા માંડી. રાજગોપાલાચારીને કસ્તુરબા પ્રત્યે બહેન જેવી લાગણી, તે એ તો સીધા બા પાસે આવીને બાને ગુસ્સામાં ગાંધીજી વિરુદ્ધ ફરિયાદ કરવા માંડ્યા. પણ બાએ શાંત મગજે એમને કહ્યું કે “હું મારા પતિને ઓળખું છું, બહુ જ સારી રીતે. મારી પાસેથી એમને જે નથી નથી મળતું એ તેઓ ત્યાં ખોળે છે. પણ હું જાણું છું કે એ બહુ જલ્દી પાછા ફરશે ને મર્યાદાને લાંછન લાગે એવું કોઈ કામ નહિ જ કરે.”
લાગણી તો બન્ને વચ્ચે પહેલેથી પ્રગાઢ હતી જ. પણ વરસોનાં વાયરા જતા પ્રેમનો રંગ એવો ઘેરો બન્યો કે 1920 આસપાસ બાપુ ડિપ્રેશનના શિકાર બન્યા, ઉપરથી એમાં ભગંદરનો રોગ થયો. શારીરિક માનસિક લથડી ગયેલી તબિયતને કારણે ડોક્ટરે ઓપરેશન કરવાની પણ ના પાડી દીધી. ગાય-ભેંસનું દૂધ તો બાપુ પશુઓ પ્રત્યે ડેરીમાં થતા અત્યાચારને કારણે પીતા નહિ. ત્યારે બાએ એમને બકરીનું દૂધ પીવાનું સૂચવ્યું. (ગાંધીજીની બકરી પણ ઇતિહાસનું એક પાનું બની ગઈ એમાં પણ કસ્તુરબાનો જ ફાળો.) બાએ આ લથડેલી પરિસ્થિતિ દરમિયાન બાપુને નાના બાળકની જેમ સાચવ્યા. બાપુએ બાની ડિલિવરી દરમિયાન સેવાઓ કરેલી એનું ઋણ એટલી જ સેવાઓ કરીને બાએ વરસો પછી ચૂકવ્યું. પ્રેમમાં આવા પણ હિસાબો હોય છે એ આજના દંપતિઓએ શીખવા જેવું છે!
પતિને પગલે ચાલીને પણ પોતાની અલગ કેડી કેમ કંડારાય એ પણ કસ્તુરબાએ એ સમયમાં ભારતભરની સ્ત્રીઓને શીખવ્યું. બાપુ વારંવાર જેલમાં જાય, લાંબા કેસો ચાલે, વિરોધીઓ એમને ખોટી રીતે બદનામ કરે… આ બધી તકલીફોનો સામનો કસ્તુરબાએ એક મજબૂત ભારતીય પતિવ્રતા નારીની જેમ કર્યો. બાપુની ગેરહાજરીમાં આંદોલનો પણ સાચવી લે ને, આશ્રમનો વહીવટ પણ! 1942માં ‘હિન્દ છોડો’ લડત વખતે બાપુ જેલમાં ગયા ને પાછળથી બા એ જ લડત માટે જેલમાં પહોંચ્યા. ત્યારે બાપુએ મીઠો કટાક્ષ કરતા કહ્યું કે ” તમને મારૂ ધ્યાન રાખવા માટે જ અહીંયા મોકલ્યા લાગે છે!” બાએ તરત જ છણકો કરતા સણસણતો જવાબ આપ્યો કે ” હું તો મારા દમ પર આંદોલન કરીને અહીંયા પહોંચી છું. તમે ખોટો જશ ન લઈ જાઓ!”
એ વખતે જેલમાં જ કસ્તુરબાની તબિયત લથડી. જેલમાં ડોક્ટરની સારવાર એમને મળી નહિ. અને બહાર આવ્યા પછી પણ મોડું થઈ ગયું હોઈને સુધારો ના આવ્યો. 1944માં એમનું મૃત્યુ થયું ત્યારે સુભાષચંદ્ર બોઝ, જે આજે બાપુના વિરોધી ગણાય છે એમણે કહ્યું કે ” બાનું મૃત્યુ કુદરતી નથી થયું. બાનું તો મર્ડર થયું છે. અંગ્રેજ સરકારે બાપુનું મનોબળ તોડી નાંખવા માટે બાની હત્યા કરી છે…”🙏
(થોડા વર્ષો પહેલા ગાંધીજીના પ્રપૌત્ર અને વિદ્વાન લેખક તુષાર ગાંધીને ‘ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કસ્તુરબાની ડાયરી મળી. એમાં ભાગ્યાં તૂટ્યા ગુજરાતીમાં એમણે દિનચર્યાઓ ને ગાંધીજી માટેની લાગણીઓ લખી છે. ત્યારે લોકોને જાણ થઈ કે મૂળ નિરક્ષર એવા કસ્તુરબા બાપુ પાસેથી ઠીકઠીક લખતા વાંચતા શીખી ગયા હતા. અને પછી તુષાર ગાંધીએ લખ્યું અફલાતૂન પુસ્તક- ધી લોસ્ટ ડાયરીઝ ઓફ કસ્તુર, માય બા…)
Bhagirath Jogia
Leave a Reply