આશ્ચર્યની વાત એ છે કે માર્ગારેટ એટવુડ જેમને બ્લાઈન્ડ અસસિનેશન માટે બુકર પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો હતો. ગુંગી વા થિંઓગ, તો જાપાનના જ અને ઈશિગુરોના સૌથી મોટા હરિફ મનાતા જેમને હાલના મોર્ડન ફ્રાન્ઝ કાફ્કા તરીકે ઓળખવામાં આવે છે, તેવા હારૂકી મુરાકામી ફરી એકવાર સ્પર્ધામાં હતા. તો બીજી બાજુ ફિલીપ રૂથ પણ કમ્પટિશનમાં સામેલ હોવા છતા. કોઈ દિવસ ભારતીય સાહિત્ય અને ગુજરાતીના સાહિત્યકારોએ તો ન જ સાંભળ્યું હોય તેવું નામ સામે આવી ગયું. આ નામ છે જુઓ ઈશિગુરો.
નોબલનો સાહિત્ય માટેનો પાછલો વિવાદ જોતા એ સર્વસામાન્ય અને સમજી શકાય તેવી વાત હતી કે આ વખતે તેમની નજર પૂર્ણકાળનું સાહિત્ય રચનારા ખેરખા તરફ હશે. ગયા વર્ષે યાદ હોય તો બોબ ડિલન નામના લિરિસિસ્ટને આ એર્વોડ આપવામાં આવ્યો હતો. જેની નોબેલે ટીકા પણ સહન કરવી પડેલી. પાછા બોબ ડિલને આ એર્વોડ સ્વિકારવામાં પણ પરાણે ગોળ ખવડાવવો પડે તેવો ઘાટ થયો હતો. પરિણામે નોબેલ કમિટિએ આ વખતે એવા જ લેખકને પસંદ કર્યા જેમનો સંગીત સાથે લેવાદેવાનો નાતો હોય કારણ કે જુઓ ઈશિગુરો ગિટાર વગાડી શકે છે ! અને તેમને નોબલ પ્રાપ્ત થયો તેનાથી સૌથી ખુશ પાછા આપણા સલમાન રશ્દિ જ છે. જેમણે પોતાના મિત્રને નોબલ મળતા હાશકારો વ્યક્ત કર્યો છે. આ સલમાન રશ્દિ ગયા વર્ષે પણ નોબેલની દોડમાં હતા, પણ આ તેના માટે કપરી હોડ સાબિત થયેલી.
હવે તો પરંપરાગત રીતે જાપાનને નોબલનો પ્રણેતા ઘોષિત કરી દેવો જોઈએ. દર વર્ષે જો જાપાનને નોબલ પ્રાઈઝ પ્રાપ્ત ન થયું હોય, તો એવું માનવામાં આવે છે કે, નોબલ પ્રાઈઝનું આ વર્ષે એનાઉન્સમેન્ટ જ નથી થયું. દ્રિતિય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું અને તેની આંધીમાંથી જાપાન બહાર આવવા માટે ધમપછાડા કરી રહ્યું હતું, ત્યારે ઓશનોગ્રાફીના માસ્ટર એવા સિજુઓ ઈશિગુરોના ઘરે જુઓ ઈશિગુરોનો જન્મ થયો. માત્ર પાંચ વર્ષની ઉંમર હતી ત્યારે ઈશિગુરો જાપાન છોડી અને બ્રિટન ખાતે ગુડિફોર્ડમાં વસવાટ કરવા માટે આવી ગયેલા. જ્યાં પિતા નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓશનોગ્રાફી પર સંશોધન કરી રહ્યા હતા. એ પછી જાપાનનો ચહેરો જોવાનું તેમના નસીબમાં 30 વર્ષ સુધી નહતું. જ્યારે સમય વિત્યો ત્યારે 1989માં ઈશિગુરો 30 વર્ષની ભરયુવાનીએ જાપાન પહોંચ્યા. ત્યાં સુધીમાં તેઓ પોતાની સાહિત્યક કારકિર્દીની શરૂઆત કરી ચૂક્યા હતા. બુકર પ્રાઈઝની કલગી પોતાના શીરે લગાવી ચૂકેલા ! તેઓ મોટાભાગે જાપાનની પૃષ્ઠભૂમિ પર આધારિત નવલકથાઓ લખતા હતા, લખે છે, માત્ર લખવાનું અનુભવથી નથી શિખ્યા, ઈશિગુરોએ ઈસ્ટ એંગેલિયાથી ક્રિએટીવ રાઈટીંગનો કોર્ષ પણ કરેલો છે. 1982માં તેમની પ્રથમ નવલકથા અ પેલ વ્યુ ઓફ ધ હિલ્સ પ્રકાશિત થયેલી. 1989માં રિમેન્સ ઓફ ધ ડે માટે તેમને બુકર પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા. જેના પરથી ફિલ્મ બની એટલે ઈશિગુરો પોતે ફિલ્મ રાઈટીંગના ક્ષેત્રમાં ઝળહળતી કારકિર્દી બનાવવા માટે કુદી પડ્યા. એ પછી તો ફિલ્મો અને ટીવી સિરિયલો માટે સ્ક્રિપ્ટો લખી.
નોબલ પ્રાઈઝ મળ્યા પછી ઈશિગુરોની પ્રથમ પ્રક્રિયા ‘આઘાત’ની હતી. હારૂકી મુરાકામી છેલ્લે 2014થી નોમિનેટ થઈ રહ્યા છે, પણ નોબલ તેમની આંગળીથી એક વેત છેટો રહી જાય છે. તો આવું જ ફિલિપ રૂથના કિસ્સામાં પણ બન્યું છે. ફિલીપ રૂથની બાયોગ્રાફી તપાસો તો ખ્યાલ આવશે કે તેઓ ઈંગ્લીશ સાહિત્યમાં 50 ઉપર એર્વોડ લઈ ચૂક્યા છે. જેમાં ફ્રાન્ઝ કાફ્કા એર્વોડથી લઈને 2011નું મેન ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ પણ માનભેર સામેલ છે. આ બધા વચ્ચે હાશિગુરો માટે આઘાત સિવાય તો કોઈ પ્રતિક્રિયા નથી હોવાની. આપણા સુધી હજુ પહોંચ્યા નહીં હોય બાકી ઈશિગુરોની નવલકથાઓ અંગ્રેજી સાહિત્યમાં કાફી ચર્ચામાં રહી છે. નોબલ કમિટિએ તેમની નવલકથાઓનો અભ્યાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ઈશિગુરો જેન ઓસ્ટીન અને ફ્રાન્ઝ કાફ્કા આ બંન્નેનું મિશ્રણ છે, અરે… કોમ્બો છે કોમ્બો…
થોડા ઉદાહરણો તપાસીએ, જેમ કે તેમણે પોતાની નવલકથા નેવર લેટ મી ગોમાં ટાંક્યું છે કે, ‘‘હું આ નદીના વિષયમાં ક્યાંકને ક્યાંક બરાબર વિચાર્યા કરૂ છું, ખૂબ જ ઝડપી પ્રવાહ છે, અને પાણીમાં આ બે લોકો જેટલું થાય તેટલું જોરથી પકડી રહ્યા છે, પરંતુ અંતે આ જોરથી પકડવું એ થોડું વધારે થઈ જશે. પાણીનો બહાવ ખૂબ તેજ છે. તેમણે હવે અલગ થઈ જવું જોઈએ.(યાદ આવ્યું ટાઈટેનિક જેવું) આપણી સાથે પણ એવું જ થાય છે. કદાચ, આ શરમની વાત છે, કારણ કે આપણે જીવનભર એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ અંતે આપણે સાથે નથી રહી શકતા. ત્યારે હું ફરી એકવાર આશ્ચર્યની સાથે વિચારૂ છું કે, આપણે આપણા હ્દયને આજે તો અનુભવીશું. તે આપણી ઉપર ભીના પાંદડાઓમાંથી પડી રહેલા પાણીના ટીપા બરાબર છે. પરંતુ જો ઉપર આકાશમાંથી આપણા પર પાણી પડવાનું બંધ થઈ ચૂક્યું છે. તો હું આશ્ચર્ય સાથે કહીશ કે આપણી યાદો વિના સમાપ્ત થઈ જવા માટે આપણા પ્રેમ સિવાય કશું નથી.’’
ક્યા બાત હૈ… ઈશિગુરોને સાહિત્યક વિવેચકો દ્વારા ત્રણ વસ્તુઓથી જોડવામાં આવે છે. યાદ, સમય અને આત્મા. આ ત્રણેને એકઠી કરી તેઓ એટલું જબરદસ્ત પેકેજ આપી દે કે તમે વિચારતા રહી જાઓ. જેને અવાસ્તવિક ભાવનાની નીચે શૂન્યના અસ્તિત્વની વાત સાથે સાંકળવામાં આવે છે. જેમાં પ્રેમને પાણી સાથે સરખાવીને પીડાને પામર બનાવવાની વાત કરી છે. જેમાં મોક્ષ અને આત્માના મેળાપની વાત કરવામાં આવે છે.
હવે જે દેશનો નાગરિક અણુબોમ્બની ઝીંક સામે પીડાયો હોય, તેને વતનની તો યાદ આવવાની જ. એન આર્ટિસ્ટ ઓફ ધ ફલોઈંગ વર્લ્ડમાં તેમણે બીજા વિશ્વયુદ્ધ બાદની વાત કરી છે. જેમાં નાગાસાકીમાં થયેલા બોમ્બમારા બાદ કેવી કપરી સ્થિતિ થયેલી તેનું દિલ દઝાડતું વર્ણન છે. હવે વધારે વાત ન કરતા સીધી વાત પર આવીએ.
ઉપરની વાત તો થઈ ઈશિગુરોની, પણ શું તમને ખ્યાલ છે, આ વખતે બુકર પ્રાઈઝ વાળા સીધા નોબલમાં ટકરાયા. હારૂકી મુરાકામી અને કેન્યાના ઈંગ્લીશ રાઈટર ગુંગી વા થીંઓગને ને બાદ કરવામાં આવે તો ઈશિગુરો સહિતના સ્પર્ધકો બુકર પ્રાઈઝ પણ જીતી ચૂક્યા છે. જેનો શરૂઆતમાં જ મેં પડઘો પાડી દીધો. જ્યાં માર્ગારેટ એટવુડની બ્લાઈન્ડ અસેસિનેસન જેને 2001માં બુકરથી સન્માનિત કરવામાં આવી. ફિલીપ રૂથને 2011માં મેન ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ એનાયત થયો. ખૂદ ઈશિગુરો 1989ની રિમેન્સ ઓફ ધ ડે માટે બુકર વિજેતા છે એટલે કે ઘમાસાણ તો બુકર વચ્ચે જ થયેલું. આજે એ વાત પણ સાબિત થઈ ગઈ કે શા માટે બુકર રાઈટરોનું મક્કા ગણાય છે ! તેને હાથમાં પકડવું એટલે દુનિયાના શ્રેષ્ઠ રાઈટર બનવું ગણવામાં આવે છે.
પણ વાતનો અંત કરતા પહેલા ઈશિગુરોની બુકર પ્રાઈઝ વિજેતા રિમેન્સ ઓફ ધ ડે વિશે થોડી વાત કરી લઈએ. રિમેન્સ ઓફ ધ ડે પહેલા પુરૂષ એકવચન દ્વારા કહેવાયેલી કહાની છે. એક અંગ્રેજ છે જે પોતાની સમસ્ત જિંદગી લોર્ડ ડાર્લિંગટન તરીકેની સેવા આપી પોતાનું જીવન ગુજારે છે. નવલકથાની શરૂઆત થાય છે, જ્યારે સ્ટીવન્સને એટલે કે આપણા પ્રોટોગોનીસ્ટને તેના એક જૂના સાથીદાર મિસ કેટોન તરફથી એક લેટર પ્રાપ્ત થાય છે. આ લેટર વાંચતા તેના જીવનમાં ખળભળાટ મચી જાય છે. શા માટે ખળભળાટ મચી જાય છે ? તે વાંચી લેવું અને કહાની ફ્લેશબેકમાં સરકી જાય છે, જ્યાં 1930માં કેટોન હાઉસકિપરની નોકરી કરતી હતી. સ્ટીવન્સન અને કેટોન સાથે કામ કરતા હોય છે. અને કોઈ વ્યક્તિ સાથે એકધારા તમે કામ કરો એટલે આવશ્યક છે પ્રેમ પણ થવો જોઈએ. કેટોન પોતાની લાગણી વ્યક્ત કરે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં ખુવાર થયેલું જર્મની અને બીજા રાષ્ટ્રોની મુલાકાતો થાય છે, જ્યાં બીજા વિશ્વયુદ્ધના આંચકા લાગવાના હોય છે. હવે ત્યાં શું થાય છે તેની જ કહાની. સ્ટીવનની ડિગ્નીટી, પોલિટિક્સ, યાદોં અને વ્યવહાર વચ્ચેની કથામાળા એટલે રિમેન્સ ઓફ ધ ડે. આમ તો ઉપરના ફકરા પરથી ન સમજાય, તો નોવેલ વાંચવાની દરકાર લઈ શકો છો. આમ પણ નોબલ અને બુકર મળ્યું હોય તો એ રાઈટરીયો સહેલું તો નથી જ લખવાનો. અને તેમાં પણ ઈશિગુરો હોય તો તો વાત ખતમ જ થઈ ગઈ. થેન્ક યુ નોબેલ મારા બુકર ફેવરિટમાંના એકને નોબલમાં સ્થાન આપવા બદલ…. લવ યુ ઈશિગુરો
~ મયુર ખાવડુ
Leave a Reply