તમારી આત્મકથા બે લોકો લખે એક તમે પોતે જો તમારામાં ક્ષમતા હોય તો, અને બીજુ તમે કોઈ બીજા પાસે લખાવો. છેલ્લા કેટલાક વર્ષથી બીજા પાસે બુક લખાવવાનો ટ્રેન્ડ અંગ્રેજીમાં ખૂબ વિકસ્યો છે. વોલ્ટર આઈઝેક્શનને ઓળખતા હશો, જેમણે સ્ટીવ જોબ્સની આત્મકથા લખેલી.
આ પહેલા આઈનસ્ટાઈન અને બેન્જામીન ફ્રેંકલીન પર તેમણે આત્મકથા લખેલી પણ ભારત બહાર પોપ્યુલર નહોતા થયેલા, છેલ્લે સ્ટીવ જોબ્સને પોતાના દિવસો નજીક હોવાનું લાગ્યું એટલે આઈઝેક્શનને તેમણે બોલાવ્યા. અને આત્મકથા લખવાની વાત કરી.
રોજ સ્ટીવ જોબ્સ આઈઝેક્શન પાસે જઈ તેમના ઈન્ટરવ્યૂ લેતા કોઈવાર તો એવુ પણ થતું કે સ્ટીવને ખૂદ આ કામ કરવામાં આળસ આવવા લાગતી. પોતાની બાયોલોજીકલ ઉત્પતિ અને સત્ય કહેવાની તેની કડા સ્ટીવે કોઈ દિવસ ખુલીને વ્યક્ત નહોતી કરી. પણ આઈઝેક્શન શોધ સંશોધન કરનારા માણસ રહ્યા. તેમણે સ્ટીવ પાસેથી જેટલી પણ વાતો સાંભળી તે વાતોમાં વિરોધીઓ પર ચાબખા મારવામાં આવ્યા હતા. જેથી પરફેક્ટ આત્મકથા લખવા માટે વોલ્ટર આઈઝેક્શન જેના પર ચાબખા મારવામાં આવેલા હોય તેની પાસે જતા. સ્ટીવે તમારા વિશે આ કહ્યું છે, તેમાં કેટલુ સાચુ છે, આવુ પૂછતા. એટલે હકિકત સામે આવતી.
આઈઝેક્શન જેવુ આપણા ભારતમાં થવુ ઓછું છે, આપણા પ્રકાશકોને ચોપડી છાપવાની અને પૈસા કમાવાની ઉતાવળ હોય છે. એટલે સામેના વ્યક્તિનું જીવન ચોપડીમાં બરાબર ઉપસતુ નથી. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી આત્મકથાઓની જગ્યાએ સ્મરણાત્મક કથાઓ લખાવા માંડી છે. પોતાના જીવનના સારા સંસ્મરણો કાગળના પાના પર અંકિત કરી દે છે. આખી બુક વાંચતા આપણે લેખકના લખવાના અનુભવો અને કેવી રીતે બેસ્ટ સેલર રાઈટર બન્યા તેની રાહ જોતા હોઈએ છીએ.
પણ હવે આટલી લાંબી પ્રસ્તાવના બાંધ્યા બાદ લખવાનું કે શ્રીમાન સંજય દત્તની આત્મકથા માર્કેટમાં આવી ચૂકી છે. ટેલિવિઝન જર્નાલિસ્ટ અને કોમેન્ટેટર યાસિર ઉસ્માને તે લખી છે. નામ યાદ આવ્યું ? યાસિર ઉસ્માને ઘણા સમય પહેલા રેખા પરની બુક લખેલી. આ બુકમાં રેખા અને સંજય દત્ત લગ્ન કરવાના હોવાની વાત હતી. થયુ એવુ કે રહી રહીને કોઈ ઝુમ ટીવીવાળાને ગોસીપ દેખાઈ અને તેણે આ ફકરો ઉઠાવી રેખા અને સંજય દત્તના સંબંધો પર ઈલેક્ટ્રોનિક મીડિયાની ભાષામાં કહીએ તો મસ્તમજાનું પેકેજ તૈયાર કરી નાખ્યું.
આ વાત નેટ ફંફોસતા આપણને ખબર પડી એટલે આપણે પણ ત્રણ મિનિટનું પેકેજ બનાવવાનું મન બનાવ્યું. પણ આપણે તો ચીંગમની જેમ લાંબુ ખેચનારા માણસ એટલે 5 મિનિટનું થઈ ગયુ. યાસિરની બુક ટીવી પર દેખાવા લાગી અને તે પોપ્યુલર થયા. બાકી કોમેન્ટેટર કે ટીવી જર્નાલિસ્ટ તરીકે તેમને રાજીવ મસદ કે કોમલ ભાઈ જેટલી તારીફો કોઈ દિવસ નહોતી મળી. પણ તેમને રામનાથ ગોએન્કા એર્વોડ મળી ચૂકેલો છે. રેખા અને રાજેશ ખન્નાની બાયોગ્રાફી તેઓ લખી ચૂક્યા છે અને હવે વારો હતો બાબાનો.
યાસિર ઉસ્માને સંજય દત્તની બાયોગ્રાફી લખી છે. મોબાઈલમાં ટીવી જોતા સંજુબાબાને બોલતા નિહાળેલા કે, મેં મારી ઓટોબાયોગ્રાફી લખવાના રાઈટ્સ કોઈ લેખકડાને નથી આપ્યા. પણ લખાઈ ગઈ અને હવે વેચાય છે. મેં 75 પાના તો પૂરા કરી લીધા, પણ વોલ્ટર આઈઝેક્શને જેમ આઈનસ્ટાઈનની બાયોગ્રાફીમાં લખેલું (આઈનસ્ટાઈન તો જીવતા નહોતા એટલે બીજા લોકો પાસેથી તેમની વિગતો અને ઈન્ટરવ્યૂ સાથે બીજા ચોપડા વાંચીને) તેમ યાસિર ઉસ્માને આ આત્મકથામાં લખ્યું છે. કોઈ ગુજરાતી હાલમાં જ અંગ્રેજી શીખ્યો હોય અને કંઈ વાંચવુ હોય તો આ બુક વાંચજો, સાવ મીડિયમ ઈંગ્લીશ યુઝ કરવામાં આવી છે, ફિલ્મનું પોસ્ટર પણ બાબાની કુટેવની મુજબ સિગરેટ પીતુ અને છાતીના વાળ બતાવવામાં આવ્યા છે. અદ્દલ 90ના દાયકાની યાદ અપાવશે.
બુકની શરૂઆત જ 1993ના અટેકથી થાય છે. અને તે ચેપ્ટરને નામ આપવામાં આવ્યું છે. ગિટાર એન્ડ ટેનિસ બોલ. કોઈને ખબર ન હોય અને સ્ટાર્ટીંગ ફકરો વાંચો તો લાગે કે, સંજય દત્તને ગિટાર વગાડવાનો અને ટેનિસ રમવાનો શોખ હશે એટલે આ ચેપ્ટરનું નામ રાખ્યું, પણ ના અહીં તો દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહીમનું કનેક્શન છે.
હિમાચલ પ્રદેશની વાદીઓ, સિનીયરો દ્વારા સંજયની રેગીંગ અને પછી સંજય સિનિયર બને છે, ત્યારે પોતાના જૂનિયરોની રેગીંગ કરે છે. એવુ લાગે કે મુન્નાભાઈ એમબીબીએસનો તે રેગીગ સીન કદાચ બાબાની લાઈફમાંથી જ આવ્યો હશે. અહીં નરગીસની લાગણી દેખાઈ છે. પોતાના મિત્રો સાથે રૂમમાં પેક સંજય ગે તો નથીને તેવુ નરગીસને લાગે છે ! પણ બાદમાં ડ્રગ્સની ખબર પડે છે અને પતિ સુનીલ દત્તને ખબર ન પડે આ માટે ફિલ્મી ઢબે દિકરાના પરાક્રમ છુપાવ્યા કરે છે.
નરગીસ અને સુનીલ દત્તનું મિલન ત્યાં સુધી સુનીલ દત્ત નરગીસના ફેન હતા અને નરગીસની કાર નીકળતી તેને જોયા કરતા. થાય કે બાબા કરતા આ બંન્નેના લગ્નજીવન પર લખાયેલી મિસ્ટર એન્ડ મિસિસ દત્ત રિફર કરી લઈએ, પણ એ હાથવગી નથી.
પણ બુકની ઈન્ટ્રોડક્શનમાં એક સરસ વાત છે. યાસિર ઉસ્માન 2017ના એક ઈન્ટરવ્યૂમાં સંજય દત્તને પૂછે છે કે, તમે તમારો ભૂતકાળ બદલવા માગો છો ? બાબા કહે છે, મને મારો ભૂતકાળ બદલવામાં કોઈ રસ નથી. હું ફરી આજ લાઈફ જીવવા માગુ છું. આ થઈને વાત. જીવનના સૌથી કપરા અને કઠણ અનુભવ કરેલા માણસને તેની જિંદગી ગમતી હોય, તેને જીવ્યુ કહેવાય. આ એક લીટીમાં સંજયે એ બધુ કહી દીધુ જે વર્ષોથી આપણા લેખકો પોતાની ચિંતનાત્મક કોલમમાં નથી કહી શક્યા. પોતાનું જીવન ગમવુ જોઈએ, બીજાની લાઈફ જીવવાની મનોકામના એ તો દંભ અને સ્વપ્નસૃષ્ટિમાં મહાલવાની એકમાત્ર કામના છે, જે પૂરી ન પણ થઈ શકે.
કદાચ બાબાની બાયોગ્રાફી પાછી ખેંચાઈ શકે છે, કારણ કે બાબાએ જગરલનોટ પબ્લિકેશન અને યાસિર ઉસ્માન સામે કેસ કર્યો છે. ટ્વીટર પર બાબાએ લખેલી ચબરખી પણ સામે આવી ગઈ છે. કોર્ટ કચેરી સાથે બાબાને પહેલાથી લેવાદેવાને એટલે ?! કોર્ટ કેસની ખબર હતી એટલે આ પહેલા જ ક્રોસવર્ડમાંથી બાબાની બાયોગ્રાફી ખરીદી લીધી. ક્યાંક નવાઝ જેવુ ન થાય એટલે ! અને હવે બે ત્રણ દિવસમાં તેના વિશે લખવાની પૂરી ઈચ્છા છે. બાબા કેસ જીતી જાય અને બાયોગ્રાફી પાછી ખેંચાઈ તો વાંધો નથી. આપણી પાસે એક નકલ છે.
~ મયુર ખાવડુ
Leave a Reply