સુલ્તાન બહલોલ લોદીનો એક દિકરો હતો. નામ હતું આલમ ખાન. જે દિલ્હીના છેલ્લા સુલ્તાન ઈબ્રાહિમ લોદીનો કાકો પણ થાય. જ્યારે રાજ્યગદ્દીનો વારો આવ્યો ત્યારે બહલોલ લોદી આગળ આવ્યો. તેણે નક્કી કર્યું કે રાજગાદીનો વારસ અને દિલ્હીનું આધિપત્ય મારા સિરે જવું જોઈએ. પરંતુ તેની આ મંચ્છા કોઈ દિવસ પૂરી ન થઈ. દિલ્હી તેના માટે સપનું બનીને રહી ગઈ, જ્યારે આગામી સુલ્તાન તરીકે ઈબ્રાહીમ લોદીનું નામ સામે આવ્યું. સત્તાની આડમાં તેના પેટમાં ઝેર રેળાયું. આંખોમાંથી તે જ સમયે અંગારા વરસવા માંડ્યા અને ઈબ્રાહિમને ગાદી પરથી હટાવવાની તે સાજીશ વિચારવા લાગ્યો.
પિતા બહલોલ લોદીનો ત્રીજો લાયક દિકરો હોવા છતા ગાદીથી વંચિત રહેવાનું તેને પાલવે તેમ નહતું. તુરંત તેણે લાહોરની વાટ પકડી. લાહોરના એ મુસ્લિમ શીખ વિસ્તારમાં ત્યારે દોલત ખાંનું શાસન ચાલતું હતું. એક રાત દોલત ખાં સાથે શરાબ અને શબાબની મહેફિલમાં પોતાના પેટમાં રેડાયેલું ઝેર તેણે મદિરાના પ્યાલામાં ઠલવ્યું અને દિલ્હીમાંથી ઈબ્રાહિમ લોદીને નેસ્તાનાબુદ કરવાની વાત કરી. દોલત ખાં હતો પણ ઈબ્રાહિમ લોદીનો જ સેવક. ઈબ્રાહિમે તેને લાહોરનો ગવર્નર નિમ્યો હતો. એકવાર દોલત ખાંએ પોતાના દિકરા ગાઝી ખાન લોદીને રાવણની માફક કહ્યું કે, તુ દિલ્હી જા અને ત્યાંના સુલ્તાન ઈબ્રાહિમ લોદી પાસેથી રાજકીય વિદ્યા પ્રાપ્ત કર. દિલ્હી આવતા જ ગાઝીને માલૂમ પડ્યું કે અહીં ઈબ્રાહિમ તેના પિતાની વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે. એટલે તેણે પિતાને આ વાતની જાણ કરી દીધી. પરંતુ આ જાણ ઓછી અને કાન ભંભેરણી વધારે હતી. આ મહેફિલમાં આખરે નિર્ણય લેવાયો કે ગમે તેમ કરી ઈબ્રાહિમને ગાદી પરથી હટાવવો પડશે.
ઈબ્રાહિમને હટાવવા માટે તેમણે બાબરને કહેણ મોકલ્યું અને પાણીપતના પ્રથમ યુદ્ધના બીજ ઉમેરાયા. 1517માં ઈબ્રાહિમ લોદીએ જ્યારે શાસનની ધુરા સંભાળી ત્યારે તેણે બળવો, અસ્થિરતા અને અરાજકતા આ ત્રણેનો સામનો કરવો પડેલો. જનતાના માનસમાં એવું ફિટ થઈ ગયેલું કે ઈબ્રાહિમ નબળો શાસક છે. તે પોતાના વંશજોની માફક નહીં ટકી શકે. ઈબ્રાહિમની સૌથી મોટી સમસ્યા પણ પોતાના જ લોકો હતા, જે તેના વિરૂદ્ધ ચાલ રમી રહ્યા હતા. અને આ સમયે જ ઉપરની યોજના ઘડાઈ ગઈ. જ્યાં તૈમૂરવંશી શાસક અને ચંગેઝ ખાનના વંશજ ગણાતા એવા બાબરને ભારત પર આક્રમણ કરી આલમ ખાન એટલે કે દોલત ખાંને ગાદી સોંપવાનો નિર્ણય લીધો. બાબરે આ આમંત્રણનો સ્વીકાર કરી લીધો.
આ સાથે જ ઈબ્રાહિમ લોદીને એ વાતની જાણકારી પણ મળી ગઈ કે આલમ ખાન તેની વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે અને આ માટે બાબરને આમંત્રણ આપવામાં આવ્યું છે. બાબરને અધવચ્ચેથી જ અટકાવવા માટે ઈબ્રાહિમ લોદીએ શેખદાર હમીદ ખાંને મોકલ્યો. ઈબ્રાહિમને એવું હતું કે, જો બાબર અડધે રસ્તે જ હારી જાય, તો દિલ્હી તરફ કૂચ કરવાના તેના મનસૂબા પર પાણી ફરી જવાનું. બાબરે ત્યારે હમીદ ખાં સામે લડવા માટે પોતાના પુત્ર હુમાયુને મોકલ્યો. 25 ફેબ્રુઆરી 1526માં અંબાલામાં આ બંન્ને વચ્ચે યુદ્ધ થયું. હુમાયુએ પોતાની સુઝબુઝથી હમીદ ખાંને પરાજીત કરી દીધો. આ જીતથી બાબર ઉત્સાહિત થઈ ગયો અને તેને દિલ્હી અબ દૂર નહીં જેવું મહેસૂસ થવા માંડ્યું એટલે પડાવને એક કદમ આગળ લઈ જઈ અંબાલની બાજુમાં આવેલા શાહબાદ મારકંડામાં નાખ્યો. અને પોતાના જાસૂસોને ફેલાવી દીધા. આખરે સેના પાણીપતના મેદાનની નજીક આવી ગઈ.
હરિયાણાને ભારતમાં થયેલા યુદ્ધોનો અખાડો કહેવામાં આવે કારણ કે અહીં કૌરવો અને પાંડવો વચ્ચેનું કુરૂક્ષેત્રનું યુદ્ધ થયેલું. શાંતિ માટે જ્યારે દુર્યોધનને કૃષ્ણએ પાંચ ગામડાં યુદ્ધિષ્ઠિરને આપવાની વાત કરી અને મામલો બિચક્યો તેમાનું એક ગામ હતું પાણીપત. એટલે કે પાણીપત પાણી વિના પણ થનારા યુદ્ધમાં અનેરૂ નામ ધરાવે છે. દુનિયામાં પાણી માટે જ્યારે યુદ્ધ થશે ત્યારે પાણીપતમાં જ લડાશે એવું પણ થઈ શકે ! પરિણામે કૃષ્ણયુગની શાંતિથી બાદમાં અશાંતિનું કેન્દ્ર બનેલું પાણીપત હવે બે યોદ્ધાઓ માટે જીવસટોસટના ખેલનું કારણ પણ બનવાનું હતું.
હવે યુદ્ધ એ જ અંતિમ નિવેડો. આ કારણે પાણીપતના મેદાનમાં બાબર અને ઈબ્રાહિમ લોદીની સેના સામસામી આવી ગઈ. બાબરે યુદ્ધ માટે નવી નીતિઓ અમલમાં લાવી હતી. જેમાંની કેટલીક નીતિઓનું 1526 પહેલા ભારત સાક્ષી પણ નહતું રહ્યું. બાબરની તુલગમા લશ્કર પદ્ધતિ. બાબરના બે સૌથી ખતરનાક નિશાનેબાજ ઉસ્તાદ અલી અને મુસ્તફા. જેમને યુદ્ધ લડવા સ્પેશિયલ ઈન્વિટેશન આપવામાં આવેલું. તેઓ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના હતા. યુદ્ધમાં પહેલીવાર બારૂદ, અગ્નિયંત્રો અને મેદાની વિશાળ તોપોનો તે ઉપયોગ કરવાનો હતો. વાત જ્યારે બાબરની તુલગમા લશ્કર પદ્ધતિની હોય ત્યારે તેનો જોટો દુનિયાભરમાં ન જડે. આ માટે તેણે ઉસ્માની વિધિ જેને બીજા શબ્દોમાં રૂમી વિધિ તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરેલો.
ઈતિહાસકારોના અનુમાન પ્રમાણે બાબરની સેનામાં 15,000 જેટલા સૈનિકો હતા. 20થી 24 તોપો હતી. તો સામે લોદી પાસે 13,0000ની આસપાસ સેનાબળ હતું. જેમાં શિવિરના અનુયાયીઓનો પણ સમાવેશ થઈ જાય. જ્યારે લડાકુ સૈનિકો તે સંખ્યામાંથી જ 10,0000 જેટલા હતા. મુસ્લિમોની લડાઈ હોવાના કારણે કેટલાક હિન્દુ રજપુતોએ પોતાની નોંધણી ન કરાવી કારણ કે ઘરનો જાય તો ઘર ખાલી થાય. જે ભવિષ્યમાં બહાદુર શાહ ઝફર સુધી તેમને નડનારી અહર્નિશ મુસીબત પણ બનવાની હતી. તો બીજી તરફ ગ્વાલિયરના તોમર રાજપૂતોએ પોતાની સેનાને ઈબ્રાહિમ લોદી સાથે જોડી યુદ્ધ લડવાનો નિર્ણય લીધો. હવે વાત આવે જાનવરોની. એવું કહેવાય છે કે ઈબ્રાહિમ લોદી પાસે હાથી ન હોત તો તે યુદ્ધમાં વધારે ટક્યો હોત. શા માટે ? તે પાછળથી…
આખરે યુદ્ધ શરૂ થયું. ઈબ્રાહિમ લોદીના હાથીઓ અને ઘોડાઓ મેદાનમાં આવ્યા કે સીધો તોપનો મારો કરવામાં આવ્યો. તે પણ ત્રણ બાજુઓથી. આને કહેવાય તુલગમા લશ્કર પદ્ધતિ. સામેની સેના પાસે જ્યારે વધારે તાદાદમાં હાથીઓ અને ઘોડા જેવા પ્રાણી હોય ત્યારે તેને ઘેરી તેની ત્રણે બાજુથી હુમલો કરો એટલે જાનવર ભડકે. અને સામેની સેના અંદરો અંદર કચડાઈને મરી જાય. ઈબ્રાહિમ કંઈ વિચારે કે ન વિચારે ત્યાં તેની સેના તિતર બિતર થવા લાગી. હાથીઓ બાબરની સામે જવાના બદલે ઈબ્રાહિમની સામે જઈ સેનાનો કચ્ચરઘાણ કાઢવા લાગ્યા. બાબરની તુલગમાં લશ્કર પદ્ધતિ કારગત નિવડી રહી હતી.
તો બીજી તરફ યુદ્ધ મેદાનમાં બાબરે બઘડાટી બોલાવેલી. બાબરનામામાં લેખેલું છે કે, બાબરનું કદ ઠિંગણું હતું. પણ તેનું શરીર અલમસ્ત હતું. ચહેરો માંસલ હતો, ગોળ દાઢી હતી. ફરદાન ઘાટીના અંન્દઝાન જે અત્યારે ઉઝબેકિસ્તાન છે, ત્યાં જન્મેલો બાબર રોજ સવારે ઉઠીને બે મસમોટા લોકોને પોતાની પીઠ પર ચઢાવતો અને ઢાળ પર પવનની સામેની દિશામાં દોડતો. તો બાબર વિશેની લોકકથામાં એવું કહેવાયું છે કે, તે તમામ નદીઓને હોળીથી નહીં પણ તરીને પાર કરતો. તેણે બે વાર આખી ગંગા નદી આમ પાર કરેલી ! (માણસ હતો કે જાનવર ? ) આમ પણ બાબરના નામનો અર્થ જ સિંહ થાય છે, તો કેટલીક જગ્યાએ વાઘ તરીકેનો પણ ઉલ્લેખ છે.
લોદી સેનાની તબાહી થયા બાદ. બપોરના સમયે યુદ્ધ અંતિમ નિર્ણય પર આવી ગયું. યુદ્ધ પૂર્ણ થતા ઈબ્રાહિમ લોદી યુદ્ધના મેદાન પર મૃત જોવા મળ્યો અને ઈતિહાસના પાના પર અંકિત થઈ ગયું કે ઈબ્રાહિમ લોદી યુદ્ધના મેદાનમાં મરનારો દિલ્હી સલ્તનતનો પ્રથમ મુસ્લિમ શાસક છે. જે તેના મરણબાદ પણ તેને લાગેલું સૌથી મોટું વસમુ હશે. અગાઉ કહ્યું તેમ ગ્લાલિયરના તોમર રજપૂતોએ લોદીનો સાથ આપેલો. જેના રાજાનું નામ હતું વિક્રમજીત. આ વિક્રમજીત પણ પાણીપતની લડાઈમાં મરી ગયો. દોલત ખાંને એમ હતું કે હવે હું દિલ્હીનો સુલ્તાન અને સમ્રાટ છું, ત્યાં જેને ફારસીમાં મોગલ અને આપણી ભાષમાં મુઘલ કહેવાય છે, તે બાબરે દિલ્હીની ગદ્દી પર પોતાની કમર ટેકવી દીધી હતી. આ સાથે જ ભારતનો પ્રથમ મુઘલ સમ્રાટ બાબર બન્યો.
~ મયુર ખાવડુ
Leave a Reply