એક જર્મન પરિચિતે ચંદ્રકાંત બક્ષીને કહેલુ કે, “હું તમારી ગો ટુ ટેન હાઉસ અને પાણીપતનું ચોથુ યુધ્ધ આ બે વાર્તાઓ મારા સંગ્રહમાં લેવા માંગુ છુ. તમારો પરિચય આપશો” બક્ષીએ કહ્યુ, “હું ચંદ્રકાંત બક્ષી, ઉંમર વર્ષ 37”
જર્મને ફરી પૂછ્યુ, “ઇનામ મળ્યા છે?”
બક્ષી ગમગીની થઇ થોડુ હસ્યા, “ના કદાચ મને પબ્લિક રિલેશન રાખતા આવડતુ નથી. કદાચ હું ખરાબ લખી શકતો નથી. કદાચ કુર્નીશ બઝાવીને, ઝુકી ઝૂકીને ગળા પર પટ્ટો બાંધીને પૂછડી પટપટાવતા આવડતુ નથી.”
બક્ષીએ મકાનના ભુત વાર્તા 18 વર્ષની ઉંમરે લખી. ત્યારથી આ જર્મન સજ્જન સાથેની મુલાકાત અને મૃત્યુ પર્યત તેઓ ‘હું’ રહ્યા. હકીકતે ‘હું’ રહેવાની મઝા જ અલગ છે, પણ ગુજરાતી લેખકો રહી શકતા નથી, અરે અભિનય પણ આવડતો નથી. બક્ષીએ 18 થી 19 વર્ષ સુધી વાર્તા લેખન કર્યુ. જેમાં તેમણે 92 વાર્તા લખી. દર વર્ષે તેઓ પાંચ થી સાત વાર્તાઓ લખતા. શ્રેષ્ઠ લખતા. તેમની હિન્દીમાં સૌથી વધુ 40 વાર્તાઓ અનુવાદિત થઈ છે.
મકાનના ભુત એ સત્ય ઘટના પર આધારિત વાર્તા હોવા છતા અંત સુધી તે વાર્તા બાકડા પર બેસીને લખી તે ગમ્યુ નહી. આ વાર્તા છપાયા બાદ બચુભાઈ રાવતે કહેલુ, “તુ ગુજરાતનો મોટો લેખક થવાનો.”
બચુભાઈએ આ વાર્તા સંદર્ભે શિવકુમાર જોશીને પૂછેલુ, “તમારા કલકત્તામાં કોઇ ચંદ્રકાંત બક્ષી નામનો છોકરો રહે છે…!!”
બક્ષીની બીજી વાર્તા એટલે “છુટ્ટી” બક્ષી મકાનના ભુત કરતા આ વાર્તાને પોતાની પ્રથમ વાર્તા ગણતા. કારણ કે આ વાર્તાથી તેઓ લેખક બક્ષી બની ગયેલા. નવાઇ લાગશે પણ સ્ત્રી પ્રેમી બક્ષીની શરૂઆતની વાર્તામાં સ્ત્રી આવતી જ નથી. કુમારમાં વાર્તા છપાઈ ત્યાં સુધી તેઓ બે જ લેખકોને વાંચતા. સારંગ બારોટ અને શિવકુમાર જોશી. પન્નાલાલ પટેલની ગ્રામ્ય ભાષા તેમને ફાવતી નહીં. આવા હું ચંદ્રકાંત બક્ષીએ વાર્તાના કેટલાક ખતરનાક ક્વોટેશન આપ્યા છે.
1) પહેલી વાર્તા લખાઇ ત્યારે જે સિધ્ધાતોમાં હું માનતો હતો, પણ મને શબ્દો મુકતા આવડતા ન હતા. એ જ સિધ્ધાતોમાં હું માનુ છુ. સિધ્ધાતો ઘડીને પછી એમનું પ્રતિપાદન કરવા ન લખાય.
2) જેને સમજાય એવી સહેલી ભાષામાં વાર્તા લખતા આવડતી નથી એને વાર્તા ન લખવી જોઈએ.
3) અનુભવ, માણસોનો, વસ્તુનો, દુનિયાનો, વસ્તુઓનો સ્થાનનો. જ્યારે અનુભવોનો જીવનસ્ત્રોત અટકી જાય છે, ત્યારે કલાકૃતિ અર્થાત્ વાર્તા ડહોળાઇ જાય છે. વાસી બની જાય છે. ગુજરાત સરકારના ઇનામોને લાયક બની જાય છે.
4) વાર્તાનું ઉદગમન સ્થાન છાતી છે, મગજ નહી, ફીલીગ છે, બુધ્ધિ નહી. બુધ્ધિ હલાવી નાખવાથી વાર્તા નહીં વરસી જાય. માત્ર શબ્દો ઢોળાઇ જશે.
5) જ્યારે કોઇ વાર્તા પાછી આવી છે, ત્યારે મને મારી કૃતિ નબળી હોવાની કલ્પના આવી જ નથી.
6) હું તો બહુ સામાન્ય વાર્તા લેખક છુ. એવી નમ્રતા મારાથી કોઇ દિવસ કેળવી શકાય નથી.
7) હું બહુજ સારી વાર્તાઓ લખવામાં માનુ છુ. અને મારી ગઇકાલની વાર્તાઓ કરતા આવતી કાલની વાર્તાઓ વધુ સારી હોવી જોઇએ. એ જીદ હું રાખુ છુ. કેમ કે કલાકાર માટે અહંકારનો દુર્ગુણ જરૂરી છે.
8) વાર્તાઓ લખી હું સરસ્વતી કે સાહિત્યની કોઇ સેવા નથી કરી રહ્યો.
9) હું વિચારૂ છુ અત્યારની યીદીશ, જાપાનીઝ અને મેક્સિકન વાર્તા સામે બક્ષીની વાર્તા ક્યાં છે?
10)મારી વાર્તાઓ એટલે કલકતા… કલકત્તા… કલકત્તા… અને ચંદ્રકાંત બક્ષીનો જન્મ.
~ મયુર ખાવડુ
Leave a Reply