તો પ્રશ્ન એ છે કે ફેસબુક પર લખતા લોકોને રાઈટર ગણવા કે નહીં ? સોશિયલ મીડિયા પર ક્યાંય પણ લખતા લેખકને લેખક ગણવો કે નહીં ? જો ફેસબુકના લેખકિયાને લેખક ના ગણવામાં આવે તો નોન-એલસ્ટાબ્લિશ થયેલા બ્લોગ રાઈટરને લેખક ગણવો કે નહીં ? ફેસબુક પર લખવાવાળી ત્રણ પ્રકારની પ્રજાતિ છે. એક શોર્ટ એન્ડ સ્વીટ વન લાઈનર્સ. એટલે કે હાસ્ય. બીજુ પોતાને થયેલા અનુભવો અને ત્રીજુ કોઈ વિશેના મંત્વયો. આ સિવાય એક ચોથો પ્રકાર છે અને તે છે કવિતા.
અહીં લોકો મનોરંજન કરવા આવ્યા છે, કોઈને લાંબુ વાંચવાનો શોખ નથી. માની લો ટુર પર જાઓ અને ફ્રિમાં બે વિકલ્પ આપવામાં આવે હોટેલ કે તંબુ. તમે હોટેલ જ પસંદ કરવાના… અહીં હોટેલ એટલે મનોરંજન. એક લેખક તરીકે સ્થાપિત થવા માટે તમારે કાં તો ગુજરાતના પ્રમુખ અખબારો અથવા તો મેગેઝિનોમાં લખવું પડે. પણ અત્યારે ત્યાં જગ્યા નથી. બીજુ માતૃભારતી અને પ્રતિલિપીનું ઓનલાઈન કેમ્પેઈન જેમાં તમારૂ તમામ પ્રકારનું સાહિત્ય સચવાય જાય. આ પ્રયાસ સારો છે, પણ તે લેખકને લેખક ગણવો કે નહીં…? કારણ કે તેનું કશું ચોપડીમાં આકાર પામીને છપાતું તો છે નહીં. અને ચોપડી છાપવી એ તેટલું જ મુશ્કેલ કામ છે, જેટલું અખબારમાં લખતા લેખકને પોતાની કોલમનો અંત અનુસંધાન છઠ્ઠા પાને કે દસમાં પાને પહોચાડવો હોય, પણ કંઈ ભેગુ ન થાય. હા, સોશિયલ મીડિયાના માધ્યમોમાં તમે એ ચકાસી શકો કે તમારૂ લખેલું કેટલા એ જોયું. તેમાંથી કેટલાને પસંદ આવ્યું, અને કેટલાએ તેના પર તાત્કાલિક પ્રતિભાવ આપ્યા. કે પછી તમારૂ લખાણ તાત્કાલિક 108માં સવાર થઈ ગયું.
મૂળ વસ્તુ એ કે જો તમને રાઈટર તરીકે ચાન્સ નથી મળતો તો પછી સાવ સામાન્ય બાબત છે કે તમારે સોશિયલ મીડિયાથી જ શરૂ કરવું પડે. એવું નથી કે કોઈ ભાવ નથી પૂછતું. ગૌરાંગ અમીને કેટલા વર્ષો સુધી ફેસબુક પર લખ્યું છે. એ પછી અભિયાન મેગેઝિનમાં તેમની કોલમ શરૂ થઈ હશે. આ પહેલા તેમની કોલમ ક્યાંય ચાલતી હતી તો મને ખબર નથી. બાકી તેમનું સઘળું ફોટોથી લઈને લખાણ સુધીનું ફેસબુકની બ્લુ કલરની ચોપડીમાં ગ્રંથસ્થ થઈને પડ્યું છે. તે પણ કોપીરાઈટ સાથે. જેને જયારે મેળ પડે તે કૂવામાં ડુબકી મારી આવે.
ગઈકાલે હિન્દી લેખકોમાં દિવ્ય પ્રકાશ દુબે વિશે વાત કરેલી. તેમાં લખેલું કે દિવ્ય પ્રકાશે શા માટે ફેસબુક કે સોશિયલ મીડિયા પર લખવાની ના પાડી. આખરે તેની મુદ્દાસરની રજૂઆત આ રહી.
કોઈ પણ પુસ્તકને લઈને હંમેશા આતુરતા હોવાની. પરંતુ જ્યારે તમે તમારી ફેસબુકની એકઠી કરેલી પોસ્ટ પરથી બુક બનાવો ત્યારે તેના વાંચકો ઓલરેડી તે વાંચી ચૂક્યા હશે. અને ન વાંચેલા લોકો ત્યાં જઈ ફંફોરીને ફ્રિમાં વાંચી લેશે. જ્યારે તમારા મિત્રો તમારૂ તમામ લખેલું ફ્રિમાં વાંચી ચૂક્યા છે ત્યારે શા માટે એ તમારી બુકમાં 100 કે 200 રૂપિયા નાંખે.
ફેસબુકમાં લખેલું લાગણી વિનાનું હોય શકે છે. તેમાં એક પ્રકારનો સૂર નથી હોતો. દરેક પુસ્તક જે તમે વાંચ્યું હશે તેમાં સૂર હશે. તે તમારી જાત સાથે જોડાઈ જશે. ફેસબુકના સ્ટેટસને વાંચ્યા બાદ કોઈ યાદ નથી કરતું. ઓલું સ્ટેટસ મને ખૂબ ગમેલું આવુ કહેતા કોઈને સાંભળ્યો છે.
એ બહાનું છે કે તમારા મિત્રોએ તમને કહ્યું અને તમે પુસ્તક બનાવ્યું. ક્યાંક ને ક્યાંક આપણે લેખક જીવડા પુસ્તક છપાવવા માટે તલપાપડ હોઈએ છીએ. આમા કોઈ ખરાબ વાત નથી. પુસ્તક છપાયું તો તેનું કારણ શું હતું ? મિત્રો ? કે તમારે લખેલું લોકો સુધી પહોંચાડવું હતું ? કે તમારે કેટલાક એર્વોડ જીતવા હતા ? કે તમારે પોતાની ભાષા માટે સર્જન કરવું હતું ? જો તમારે પુસ્તક બનાવવું જ હોત તો કોઈ દિવસ તમે તમારૂ લખેલું ફેસબુક પર ન લખેત.
એવું નથી કે ફેસબુક પર લખેલું હોય તેના પરથી પુસ્તક ન બની શકે. હું રોકવાવાળો કોણ હોઈ શકુ. લાઈક માટે પુસ્તક ન લખવી જોઈએ, કારણ કે રાઈટીંગમાં કોઈ ફેમ વેમ નથી. જો પુસ્તક લખવા પાછળની તમારી કોઈ ઈમાનદારી નથી તો ચોક્કસ લખ્યા બાદ તમે હતાશ થઈ જશો. જેવી રીતે પહેલો પ્રેમ બીજીવાર નહીં થાય તે માફક પહેલી કિતાબ બીજીવાર નહીં થાય.
ફેસબુકના લેખને વધારે મહત્વ ન આપો. ખાલી આત્માના સંતોષ માટે લખો. તમે મહેનત કરો છો, અને ઈચ્છો છો કે દુનિયા આખી તમારા ફેસબુક સ્ટેટસ વાંચે, મહેનતથી વાંચે અને તમને પરફેક્ટ સમીક્ષા આપે.
જ્યારે તમને તમારા ફેસબુક સ્ટેટસથી જ તમામ પ્રકારના કોમ્પલિમેન્ટ મળી ચૂક્યા હશે. તો પુસ્તક છપાયા બાદ જે ડર તમારા મગજમાં હોવો જોઈએ કે લોકોને કેવી લાગશે તે નહીં રહે.
તમે વિચારી શકો છો કે ફેસબુકના લખાણ પરથી બનેલું પુસ્તક વેચાયુ છે, લોકોને પસંદ પણ આવ્યું છે, તો હું શું કહેવાવાળો. હું પણ ઈચ્છું છું કે તમે તમારૂ પુસ્તક છાપો. તમે ખરાબ પુસ્તક લખો તો પણ તમારી ભાષાનું ગૌરવ તો વધવાનું જ. કારણ કે તમારી ભાષામાં એક વધુ પુસ્તક ઉમેરાવાનું છે, પણ હું ઈચ્છું છું કે તમે સારી બુક લખો.
બુક લખવી એ સરપ્રાઈઝ દેવા જેવું કામ છે, જો તમારા વાંચકો કે મિત્રોને એ આશ્ચર્ય જ નહીં મળે તો ?
કેટલાક મુદ્દાઓ સાથે હું સહમત છું કેટલાક સાથે નહીં પણ. ગુજરાતમાં લખતો લેખક જેને કોઈ અખબાર કે છાપામાં લખવા નથી મળતું ત્યારે તેના માટેનો છેલ્લો વિકલ્પ ફેસબુક જ હોવાનો. હવે ગુણવંત શાહ ફેસબુક યુઝ નથી કરતા. પણ તમારી બુક છપાશે તો તેમને ખ્યાલ આવશે, આ ભાઈ તો ફેસબુક પર લખતા હતા અને હું તો ઉપયોગ જ નહતો કરતો ચાલ એટલે વાંચી લઉં.
પણ ફેસબુક પર લખવું સારૂ છે. થોડી થોડી પ્રેક્ટિસ થાય છે. જો ફેસબુક પર લેખ ન લખવા તો ક્યાં લખવા ? તમે માતૃભારતી કે પ્રતિલિપી પર લખો તો ત્યાં પણ સેંકડો લોકો વાંચી ચૂક્યા હશે, તેની કિતાબ બને તો શું વેચાઈ નહીં. દિવ્ય પ્રકાશના મુદ્દા સાચા છે, પણ તેને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં રાખીને સમજવામાં આવે તો કોયડો ઉલટો થઈ જાય. અખબારોમાં આવતી કોલમમાં લખતા લેખકો ખૂબ સારૂ લખે છે, તેનું કારણ તેમનો અનુભવ આપણા કરતા વધારે છે અને વિષય પરની પકડ પણ. આ હું અનુભવી ચૂક્યો છું. આપણે જે લબાડ વિષય ઉપર લખવાના હોઈએ તેનાથી કેટલોય સારો વિષય તેમની પાસે હોય જ. ખાલી આપણે તેમનો વિરોધ કરીએ છીએ કે આ માણસની જગ્યાએ મને સ્થાન મળ્યું હોત તો સારૂ હોત ! એકવાર વિચારો તમને પ્રણવ ગોવલેકર એક મહિના માટે એટલે કે પૂરા ચાર વખત માટે એમની જગ્યા આપી દે. અને પછી તમે લખો તો માર ખાવાના ને ખાવાના. કારણ કે એમનો અનુભવ બોલે છે. એમની મહેનત બોલે છે. અને ત્યાંસુધી પહોંચવા માટે ફેસબુક કે અલાવા કોઈ ઝરીયા નહીં. લખો થોડુ થોડુ જે થવાનું હશે, તે થશે.
પણ છાપામાં લખતો લેખક જ્યારે ફેસબુક પર લખે ત્યારે તેના છાપાની કોલમ કરતા સારૂ જ હોવાનું. તેનું કારણ અહીં એને છુટછાટ છે. તમને જંગલમાં 100 મીટર દોડાવવામાં આવે તો આડા અવડા ભાગવાના અને ટ્રેક પર સીધા જ ભાગવાના તેના જેવું. પણ ગુજરાતમાં સોશિયલ સાઈટ્સ પરથી પણ કેટલાક પુસ્તકો આવ્યા છે. ભવ્ય રાવલની અને ઓફ ધ રેકર્ડ… જીતેશ દોંગાની બે બુક વિશ્વમાનવ અને નોર્થપોલ. એટલે કે હવેથી બુક સીધી સોશિયલ મીડિયા પરથી જ આવવાની. મારા ખ્યાલથી હવે વિમોચન પણ ત્યાંજ બધા એક ઈવેન્ટનું આયોજન કરીને કરી નાખશે.
~ મયુર ખાવડુ
Leave a Reply