રિપોર્ટીંગના ક્ષેત્રમાં દુનિયાની બે સૌથી મુશ્કેલ લાગતી પ્રક્રિયા એટલે દૂધના સાચા ભાવ પૂછવા અને બીજુ વોક્સપોપ લેવા. ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે સંલગ્ન લોકોને વોક્સપોપનો અર્થ સમજાઈ ગયો હશે. બાકી વોક્સપોપને અડધા લોકો સિનેમાના પોપકોર્ન સાથે સરખાવે છે. હું છેલ્લા દોઢેક વર્ષથી મુક્તા સિનેમામાં વોક્સપોપ લેવા માટે જાવ છું, અને મને ફિલ્મ જોવા આવતી દુનિયાની તમામ ઓડિયન્સનો હવે ખ્યાલ આવી ગયો છે. કેવા અને કેટલા પ્રકારની ઓડિયન્સ હોય છે તેની એક ઉડતી નજર નાખીએ. એક, જે લોકો ફિલ્મ જોવા માટે આવેલા છે, અને સમજવી છે, બીજા દિવસે વર્તમાનપત્રો કે ડિજીટલ માધ્યમમાં લખવું છે. આ લોકો તમને રિવ્યું નહીં આપી શકે. કારણ કે તે ઓલરેડી કોઈ સંસ્થા સાથે અટેચ થયેલા છે. બીજુ એવી પબ્લિક જે માત્ર મનોરંજન કરવા આવે છે. ત્રીજી એવી પબ્લિક જેઓ ફિલ્મ સાથે દિલથી જોડાયેલા છે. તેના પછી ગુલ્લી પબ્લિક, કોઈવાર આવી જનતા પાછળ બેગ ભરાવેલું હોય અને મને બાઈટ આપી દીધાના પણ દાખલા છે. પ્રેમી પબ્લિક, જે પોતાની માશૂકા સાથે ફિલ્મ જોવા સિવાયના ઈમરાન હાશ્મીવેળા કરવા માટે આવેલું હોય.
સવારનો શો હંમેશા શાંત રહેવાનો. કોઈ પ્રકારનો અવાજ નહીં. તો પણ એકાદ બે નંગ ઘુસી જાય તો પત્યું. એક રિપોર્ટર તરીકે તમે એ વેદનાના વમળ લઈને જાવ કે કોઈ રિવ્યુ આપી દે તો સારૂ. મારા નસીબમાં આવા એક બે લોકો છે, જે મને રિવ્યુ દર વખતે આપે છે એક છે કુલદીપ ગઢવી જે તમામ શોમાં હાજર હોય. અને છેલ્લા બે અઠવાડિયાથી ત્રણ લોકો દર વખતે ટીવી નાઈનની સ્ક્રિન પર હોય છે. ટીવી પર આવવા માટે તે લોકો હંમેશા ફિલ્મ જોવા આવે છે અને સારા રિવ્યુ આપે છે. એકવાર તો એક ભાઈએ એટલો લાંબો રિવ્યુ આપેલો કે બુમ પકડતા મારો હાથ દુખી ગયો. મોદી સાહેબ ભાષણ આટલું લાંબુ નથી આપતા….
આમા કેટલીક અઘરી આત્મા પણ હોવાની. ખબર છે કે કટપ્પાએ બાહુબલીને શું કામ માર્યો ? એ તમારે ગુજરાતની નંબર વન ચેનલને નથી કહેવાનું. તો પણ આખી સ્ટોરી કહી દે. અને પાછળવાળા ગાળો ભાંડે તે નોખી.
આ પહેલા મેં કેટલાક પ્રેમીઓનો ઉલ્લેખ કરેલો. જે કોઈ દિવસ તમને રિવ્યુ ન આપે. મારી સાથે જે પણ કેમેરામેન હોય તે અચૂક કહે, ‘સ્ક્રિન પર મયુર ગ્લેમર સારૂ લાગે !’ પણ આખરે હું કોઈ આન્ટીને પકડી લાવું. અને સ્ક્રિન પર ગ્લેમર બતાવું. પ્રેમમાં તરબોળ યુવાહૈયાઓ કોઈ દિવસ સ્ક્રિન પર આવવા માંગતા નથી હોતા. અત્યારસુધીમાં કેમેરામેન મિત્ર પ્રકાશ દેસાઈએ આ લોકોને પાઠ ભણાવેલો છે. જેમણે પ્રેમીઓ થીએટરમાં જતા હતા ત્યારે કેમેરાની માત્ર લાઈટ ઓન કરી દીધેલી. ભાગાભાગી થઈ ગઈ. જ્યારે મેં અને પ્રકાશ ભાઈએ રેડ પાડી હોય. હવે પ્રકાશભાઈ તેમનું કામ કરતા હતા અને આ બધાને એમ કે કેમેરો ચાલુ થઈ ગયો.
હું થડકતા કદમે જ્યારે મુક્તા સિનેમામાં પગ મૂકુ ત્યારે પહેલો સવાલ પૂછુ કેટલા લોકો છે ? એટલે જવાબ મળે લગભગ 12 પરિણામે મારા મોતિયા મરી જાય. કારણ કે આમાંથી ચાર તો કપલના જોડા હોવાના. બાહુબલી આ સિવાય હાઉસફુલ-3 આ સિવાયની બે ફિલ્મો રૂસ્તમ અને મોહે જો દરોમાં મને જોઈએ તેટલી ઓડિયન્સ મળી છે. બાકી છૂટાછવાયા. કોઈ ફિલ્મ રસિકને જો શાંતિથી ફિલ્મ જોવી હોય તો મુક્તા શ્રેષ્ઠ સિનેમા છે કારણ કે અહીંયા બધા પોતાની મોજમાં વિહરતા હોય છે.
વોક્સપોપ લેવા એ તમારા એકલાનું કામ નથી. તમે કોઈ એકની બાઈટ લેતા હો, ત્યાં કેટલાક લોકો મોં છુપાવી ભાગી જાય. તેને પણ રોકવાના. એટલે તમારી સાથે એકાદો બાંશીદો હોવો જરૂરી છે. પાછો હું કોઈ મસમોટો રિપોર્ટર નથી કે એક ઝાટકે આપણું કામ અણીશુદ્ધ પાર ઉતરી જાય. ખાલી સાહિત્યમાં વૈતરણી પાર ઉતારવા જેવું લાગે. બાકી રિપોર્ટીંગ કરવું એ કેટલું મુશ્કેલ છે, એ મને છેલ્લા દોઢ વર્ષથી ખબર છે.
આજે શુક્રવાર જુડવા-2 રિલીઝ થઈ. થીએટરનું બારણું ખુલ્યું. અને આશા રાખું કે સારા લોકો આવે ત્યાં 23માંથી 2 લોકોએ રિવ્યુ આપ્યા. સારૂ બે તો હતા, બાકી રિપોર્ટીંગનો નિયમ છે, તમારૂ કામ જો બરાબર પૂરૂ ન થાય તો કદાચ રાતે નિંદર પણ ન આવે.
~ મયુર ખાવડુ
Leave a Reply