દુનિયાના મોટાભાગના પપ્પાઓને શું નથી સમજાતું એ ખબર નથી પડતી. એમાં ઊપરથી ફિલ્મ પપ્પા તમને નહીં સમજાઈ આવી રહી છે. સમજણની બાબતમાં આપણા પપ્પાઓએ વિકાસ કર્યો છે. બીજુ કંઈ નથી કર્યુ. બાકી પપ્પાઓની દુનિયા એવી ને એવી જ છે. વિનોદ ભટ્ટના પપ્પા વિનોદ ભટ્ટને રિઝલ્ટ આવવાનું હોય એ પહેલાથી મારતા, કારણ કે એમને ખ્યાલ મારો ગગો પાસ નહીં થાય, પણ અનાયાસે નો-બોલમાં સિક્સર લાગી ગઈ. તેના પછીના પપ્પાઓ આવ્યા તે એમ કહેતા પાસ થઈ જશે ટકા આવવા જોઈએ. અને તેની પછીની પેઢીના પપ્પાઓ એમ વિચારી રહ્યા છે, ટકા પણ આવી જશે ખાલી આપણો ગગો 99.99 પર્સેન્ટાઈલ લઈ આવે. એટલે પેઢીઓ બદલી રહી છે તેમ ઈચ્છાઓ અને અપેક્ષાઓ પણ વધી રહી છે.
જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાની નવલકથા અમે બધા વાંચી હશે. ન વાંચી હોય તો પપ્પા બન્યા પહેલા ચોક્કસ વાંચવી. તેમાં નાયકની પરિક્ષાનું રિઝલ્ટ આવવાનું છે, અને તેની રાહ પપ્પા જોઈ રહ્યા છે. આમ તો આખી પોળ જોઈ રહી છે ! ત્યારે રિઝલ્ટ પોસ્ટમેન દેવા માટે આવતો. બધાના રિઝલ્ટ આવી ગયા, પણ નાયક હજુ ચિંતામાં છે કે ક્યારે પિતા ખલનાયક બને ? અંતે તેના પપ્પાની ઈન્તેઝારી ખત્મ થાય છે અને જોરથી નાયકના ડાબા ગાલ પર થપ્પડ વીંઝાય છે, દિકરાને ખીજાવા માંડે છે, જેના પછી પેલા પોસ્ટમેનની એન્ટ્રી થાય છે. પરબીડિયુ ખોલતા ખ્યાલ આવે કે, આપણો દિકરો તો પાસ થઈ ગયો. આ વાંચતી વખતે સમજાયું કે હિન્દી ફિલ્મોમાં ખાલી પોલીસ મોડી પડે, આવો અમારી નવલકથાઓમાં અહીં તો પોસ્ટમેનને પણ મોડો પાડી દે.
હું નાના એવા તાલુકામાં ભણ્યો. અમારા કિસ્સામાં એવુ કે છોકરો નદીમાં પડી જવો જોઈએ, પરંતુ સાહેબના હાથની માર ખાવો ન જોઈએ. છોકરાને જો સાહેબ મારે અને આ ખબર ઊડતી ઊડતી તમારો મિત્ર જ તમારા માતા પિતાને આપવા માટે આવે. બાદમાં ઘરમાં દે ધીંગાણું… એ સમયમાં તો આવા મ્યુઝીકલ સાધનોનો અભાવ હતો, પરિણામે જૂનો રેડિયો વગાડવો પડે, એમાં પાછુ પ્રાણલાલ વ્યાસનું જ ગીત આવતું ‘ધળ ધીંગાણે જેના…’ અને પપ્પા તમને કમદ ખખેરે તેમ મારતા હોય. બાળકના મનમાં વિચાર એ પનપે કે હવે પ્રાણલાલ વ્યાસ ગીત ગાવાનું બંધ કરે તો સારૂ, બહાર કોઈને આપણી દરિદ્રતાનો અવાજ સંભળાય અને બચાવવા આવે ! પણ એ દાડો જ તમારો પાડોશી તાડુ મારીને બહાર ગયો હોય.
સાહેબો તમારો વાંક ન હોય તો પણ મારે. આગલા દિવસે એવુ કહેવામાં આવ્યું હોય કે, પાથી પાળીને આવવાની. અને વાળ સપાટ હોવા જોઈએ. અત્યારે વિચાર આવે કે એ વાળ હતા કે મરૂભૂમિ. બિચારી મમ્મીઓ એ રીતે તેલ નાખે કે એટલાન્ટિકથી તૂફાન આવે તો પણ વાળ ન હલે. ઊપરથી ચાલુ પીરિયડમાં તેલ તમારા માથામાંથી થઈ, ગાલ પર આવી પડતું હોય. કિન્તુ તમારે ત્યાં નજર નહીં નાખવાની. ત્યારના માસ્તરોની નજર CCTV કેમેરાથી પણ તેજ. ચામાં પડતી માખી પકડે, તેમ પકડી પાડે અને પછી ખખેરી મારે. માર ખાઈને તમે લંઘાઈ ગયા હોય અને ઘરે પહોંચો તો મનીયાનો છોકરો જ તમારા પહેલા ઘરે પહોંચીને દાળ આખી કાળી કરી ગયો હોય. એટલે ખૂદ જઈને રેડિયો ચાલુ કરી દેવાનો ! મારી તો સૌથી મોટી સમસ્યા એ કે મારા પપ્પા જ શિક્ષક હતા.
મને યાદ છે, અમારા સાહેબો એ નક્કી કરેલું, સીદી બાદશાહોએ પણ માથામાં પાથી પાડી આવવી. હવે તાલાલા ગિરમાં રહેતા પેલા વેસ્ટઈન્ડિઝયન માટે તે મુશ્કેલ હોય. એક તો વાંકળીયા વાળ તેમાં પાથી કેમ પાડવી ? એક વિદ્યાર્થીએ ઘરે જઈ પોતાના પિતાને આ વાત કહી, આ વાતનો નિવેડો લાવો. કંઈ નહીં તેના અબ્બા તેને વાળંદની દુકાને લઈ ગયા. અને ત્યાં ગજની સ્ટાઈલમાં માથા પર નાનો એવો અસ્ત્રો ફેરવી દીધો. બીજા દિવસે શાળાના તમામ વિદ્યાર્થીઓએ આ સ્ટાઈલ કોપી મારેલી. એક સમજણા પપ્પાના કારણે બધાના માથા પર અસ્ત્રા ફરી ગયા. પ્રાર્થનાસભામાં જ્યાં જુઓ ત્યાં દૂર દૂર ખાલી લીટીઓ દેખાય. પછી તો ખૂદ સાહેબો શરમાયા. અને પેલા બાળકના પિતાને દાદ આપી, હવે આવુ પગલું ન ભરવાનું કહ્યું. ત્યાં શાળામાં મારી સાથે એક વિદ્યાર્થી ભણતો. તેનું નામ ‘જીંદા સામદા સાકિર હુસૈન એફ મહોમ્મદ ચોટીયારા અલી હુસૈન ભાઈ.’ આવડુ મોટું નામ રજિસ્ટરમાં સમાઈ નહીં. એકવાર અમારા ક્લાસ ટિચરને ગુસ્સો આવ્યો. તેમણે લાંબુ નામ રાખવા બદલ સાકિરને માર્યો. સાકિર માર ખાઈ મારી બાજુમાં બેસી ધીમેથી બબડ્યો, ‘હું મારા છોકરાની પાછળ મારૂ નામ નહીં લગાવું, કાં તો મારા આ વડવાઓનું નામ કમી કરી નાખીશ.’
દુનિયાના તમામ પપ્પાઓની આશા અને અપેક્ષા માત્ર એ હોય કે મારો દિકરો મોટો થઈ મારૂ નામ રોશન કરે, પણ કોઈ પપ્પા એમ ન વિચારે કે, મારો દિકરો હું જે ધંધો કરૂ તે કરે ! કારણ કે દુનિયાના તમામ પુરૂષોને ખૂદ જે કામ કરતો હોય, તે મુશ્કેલ જ લાગવાનું. એક માત્ર ડોક્ટરને છોડતા. ખબર નહીં તેમના ખાનદાનમાં એવુ શું હશે, તે એક ડોક્ટર બને એટલે બધા ડોક્ટર બને. સાત પેઢી પહેલા એક ડોક્ટરે દવાખાનું નાખ્યું હોય પછી એ વિસ્તારનો વિકાસ થાય અને ત્યાંને ત્યાં પેઢીઓની પેઢી ડોક્ટર તરીકે સેવા આપે. ડોક્ટરનો વ્યવસાય કરવાની સૌથી મોટી સવલત એ કે ઊપર પાટીયામાં લખવું ન પડે, અમારી કોઈ બીજી શાખા નથી ! પણ ધંધા બાબતે સૌથી મોટી સમસ્યા દલપતરામને નડી હશે, ખૂદ તો કવિ પણ તેમનો પુત્ર પણ કવિ થયો.
પપ્પાઓ અને પુત્રોમાં નાનો અમથો વધુ એક વિકાસ થયો છે. પહેલા એમ કહેતા કે, છોકરાને ઘરની બહાર ભણવા મોકલીએ તો તેને થોડી બુદ્ધિ આવે. અને હવે છોકરાને બહાર ભણવા મોકલે તો આપણે દીધેલી બુદ્ધિ પણ ચાલી જાય.
તારક મહેતાની આત્મકથા એક્શન રિપ્લેમાં તારકભાઈના પપ્પા વારંવાર એ વિધાન ટાંકે છે, તુ તારા દાદા જેવો ન થતો, પણ તારક મહેતા તેના જેવા થઈને રહ્યા. જેનો વસવસો પિતાએ પોતાના કાગળમાં ખૂબ ઠાલવ્યો છે. અને આ કારણે જ ઘરમાં જ્યારે પુત્રનું મુખ માતા અને પિતા જેવું ન દેખાય એટલે ઘરના બધા બોલે આ તો દાદા જેવો છે. અરે, દાદા જેવો નથી દાદા જ બીજો રાઊન્ડ મારવા આવ્યા છે, આ બાકી રહેલું કામ પૂરૂ કરવા આવ્યા છે.
વર્ષો પહેલા કાગળના પાનાઓમાં લખેલું આવતું. દિકરો મોટો થાય પછી, તેના પિતાએ તેને મિત્ર તરીકે જોવાનો અને અત્યારે તમે તેને મિત્ર તરીકે જુઓ, તો પેલા જોક્સની જેમ થાય, ભૂરા તારી ભાભી આઈફોન માગે. એટલે પપ્પાઓની દુનિયા જ અજીબો ગરીબ છે,આ આપણને નહીં સમજાઈ પણ દુનિયા આખાના પપ્પાઓને સમજાઈ જશે.
~ મયુર ખાવડુ
Leave a Reply