અતૂલે રેડિયો ચાલુ કરતા રાડ નાખી
હું જરાક અમથો સમસમી ગયો. નાનો હતો. અને આ અતૂલ કોણ ? અતૂલ ? કાકા, પણ અહીં હું અતૂલ જ કહીશ… કૉલેજકાળ દરમિયાન તેમને સાહિત્ય કૃતિઓ વાંચવાનો શોખ જાગેલો. પન્નાલાલની સાહિત્યકૃતિ ! તેને નવલકથા કહેવાય કે શું કહેવાય ??? તેની તેમને ખબર નહોતી. પણ વાંચતા. સુતા સુતા વાંચતા. જૂનાગઢમાં જનમોહન તમ્બાકૂ વેચાય એ તમ્બાકૂને ગલોફના ખૂણે ભરાવેલી હોય અને આંખોમાં કાળુ રમતો હોય. ઘણીવાર પૂરી કરી હશે.
જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કૉલેજની લાઈબ્રેરીમાં આ પન્નાલાલ સાથેનો મારો પહેલો સંબંધ હતો. અતૂલ ત્યાં ભણતો અને પછી હું પણ, આખુ ખાનદાન ત્યાં ભણ્યું.
મેં પણ ચોપડીને અડકેલી પણ પન્નાલાલને વાંચવાનું સાહસ નહોતુ કરેલુ, ઉંમર નાની હતી અને ચોપડીઓ વાંચવાથી ત્યારે કંટાળો આવતો.
સવારમાં રાજકોટથી રેડિયો સ્ટેશન પકડાઈ અને એ રેડિયોમાં હેમંત ચૌહાણથી લઈને ગંગાસતી અને પાનબાઈના ભજનો આવે. એ ગીતો પતે એટલે નીચે સૂતેલા વ્યક્તિને હું તાક્યા કરૂ. તેના હાથની ચોપડીને. આટલી મોટી ક્યારે પૂરી કરશે ? મનમાં આ વિચાર કૌતુક જગાવતો.
મારા જન્મ પહેલાના બે વર્ષે તો પન્નાલાલ પૃથ્વી છોડી ગયેલા, એવુ અતુલે મને કહેલું. લાઈબ્રેરીમાં એ જાડી ચોપડી ગઈ અને પન્નાલાલનો અધ્યાય અમારા ઘરમાંથી પૂરો થઈ ગયો.
પન્નો કેવો હશે તે લોકો તેની વાતો કરતા હતા ? દાદી અભણ, અંગૂઠાછાપ- વાંચવાનો શોખ હશે એટલે તેમણે માનવીની ભવાઈને અતૂલને ઉભડક બેસાવી વંચાવેલી. જ્યારે પેટ સાફ કરવા બેઠા હોઈએ તેવી અતૂલની ભાવ ભંગીમાઓ રહેતી. એ છેલ્લે સુધી ઉભડક બેઠેલા અતૂલે એકધારી માનવીની ભવાઈ પૂરી કરી…
ઘરનું કોઈ ઉતર ગુજરાતનું પણ ન હતું અને દાદીને બોલી સમજવામાં તકલીફ પડતી. તો’ય સાંભળ્યા કરી અને આખી કૃતિ વાંચી લીધી. સાંભળીને વાંચી !
ઘરના લોકો રવિવારના ચાર વાગ્યાની રાહ જોતા. ગુજરાતી ફિલ્મો બતાવે. હું વાંચતો થઈ ગયેલો મને અક્ષરજ્ઞાન પરાણે મળી ગયેલુ. આજે પણ ઘરના બાર જેટલા સભ્યો અને આસ પડોશના લોકો બાજ નજરથી ટીવીને જોતા હતા. એ ટીવી જેના એરિયલના એક છેડે કાગડો બેસી જાય તો ટીવીમાં આવતા દરિયાના મોજા જેવા ઝરમરીયાને ઠીક કરવા નળીયાવાળી અગાશીએ ચઢવું પડે. અને પછી, “આવ્યું… આવી ગયુ… એ… ગયુ” જેવા દેકારા બોલતા હોય. તૂટેલી ચડ્ડી પહેરી હું આંગણામાં ઉભો એ માણસને નિરખતો હોવ, જે એરિયલને ઠીક કરવા અગાશીએ ચઢ્યો હોય.
સામેની અગાશીમાંથી મારી ચડ્ડીને જોઈ છોકરા ખડખડાટ હસતા અને હું એરિયલ પર ચઢેલા કાકાઓ કે કોઈ પણ પુરૂષને જોઈ માનવીની ભવાઈનું ચિત્ર મારા માનસપટ પર ઉપસવા દેતો. અતૂલનું ઉંચા અવાજે બોલેલુ યાદ આવતું. એવુ લાગતું કે જેમ માનવીની ભવાઈમાં ખેતરનું વર્ણન આવે છે, તેવુ હોવુ જોઈએ. કંઈક અનુસંધાન હશે આવુ મારા બાળ મનને લાગ્યું. અને છેલ્લે હાકોટો પડે, “આવી ગયું…”
ઘરના તમામ લોકો અને અગાઉ જણાવ્યું તેમ આસપડોશના લોકો પણ ટીવીની સામે ગોઠવાય. સફેદ કલરના અક્ષરોમાં આવે માનવીની ભવાઈ અને હું અતૂલની સામે જોવા લાગુ.
તેના હોઠમાં તમ્બાકૂ હોય અને આછુ હસતો હોય.
ધીમે ધીમે માનવીની ભવાઈ ચાલુ થાય અને જેમ એક એક સીન લોકોને મોઢે હોય તેમ બોલ્યા કરે. હવે આ આવશે હવે આ આવશે…
પેલી લખમી ડોશી અભણ પણ તેણે માનવીની ભવાઈ સાંભળેલી. પેલો અરજણ પણ એવો પણ એણે’તી સાંભળેલી. મને અચરજ થાય. સાંભળેલુ માણસને આટલુ યાદ રહે છે ? મને તો આ વિશે કંઈ ખબર નહોતી.
મને મોકલી દેવાયો તાલાલા ગીરમાં અને હું એકલો પડી ગયો. પણ પછી ભણવામાં પન્નાલાલ આવ્યા. યાદ છે, લાડુનું જમણ… ને પહેલી વખત મને પન્નાલાલના ફોટામાં દર્શન થયા. અતુલ જેવા દેખાઈ છે, મને ક્લિક થયુ. કદાચ અતુલ પન્નાલાલને મળ્યો હોવો જોઈએ, નહીંતર કેમ કરીને તે માનવીની ભવાઈને આટલી રસપૂર્વક વાંચે ?
હું તોફાની. બધાને હેરાન કરૂ. વેકેશન પડે એટલે પપ્પા પરાણે સ્કૂલમાં લઈ જાય. એ તેનું કામ કરતા હોય અને હું એકલો બેઠો હોવ. ઘોડાસરા સાહેબના હાથમાં પણ એ જ માનવીની ભવાઈ અને તેના અડધો કલાક પછી મારા હાથમાં ભદ્રંભદ્ર. ઘોડાસરા સાહેબ તો મંત્રમુગ્ધ. ગળામાંથી અવાજ ન નીકળે. જ્યારે કોઈએ દબાવી દીધુ હોય, બોલેલા કે, “આ તો મને પણ નથી સમજાણી, પણ હા, હું માનવીની ભવાઈ વાંચુ છુ.” બધા માનવીની ભવાઈ વાંચે છે, શા માટે ? એવુ તે એમા ક્યુ અમૃત છુપાયેલુ છે ? એવુ તે એમા શું છે ? ભણેલાઓના હાથમાં છે અને અભણલખા ભણેલાને રાગડા તાણી વાંચવાનું કહે છે.
કંઈક આવુ જ ચિત્ર કવિમાં જોવા મળ્યું. જે હું નાનો હતો ત્યારે મને રમાડતી. ખેતરમાં લઈ જતી અને જાંબુ ખવડાવતી. તે એ પણ પોતાના ભણેલા છોકરાને માનવીની ભવાઈ વાંચવાનું કહેતી. સમય ગયો અને ભવાઈ પણ ગઈ… લોકો કેવા છે ? એક પુસ્તકની પાછળ ગાંડા થયા છે. સાવ ઘેલા જેવા. દસમાં ધોરણમાં આવ્યો ત્યારે મારા મિત્રને મેં મજાકમાં કહેલુ, પણ એટલામાં મને ભૂખી ભૂતાવળ ઘેરી ગઈ..
ભણવામાં પાઠ આવ્યો અને શું મગજમાં ચઢી ગયો, મારા મિત્રને મેં કહ્યું, “હું આખો દિવસ ભૂખી ભૂતાવળમાં ખોવાયેલો રહું છું. નક્કી મને કંઈક થયુ છે.” બારમાં ધોરણમાં આવ્યો ત્યારે ખબર પડી આ ભૂખી ભૂતાવળ નહોતી આ તો મારી અંદરનું પન્નાલાલપણું હતું. જે બાળપણથી બધાને જોઈ જાગવા માટે ઉથલા મારતું હતું. પછી તો લાઈબ્રેરીનું કાર્ડ સાગર પોપટ સાથે મળીને કાઢ્યું. લાઈબ્રેરીયનને પહેલા દાડે જ કહી દીધુ, “માનવીની ભવાઈ આપો…”
“ના, એ નથી, એ બુક ટકતી જ નથી.”
“શું વાત કરો છો, બધામાં પન્નાલાલપણું જાગી ગયુ અને હજુ જાગતુ જ છે.” મારા મનમાં પ્રશ્નએ આકાર લીધો, પણ આ બોલ્યા જેવુ થોડુ હતું.
રાહ જોઈ…. એક મહિનો રાહ જોઈ.. ત્યારે ઉખડી ગયેલા અને પીળા પડી ગયેલા પન્નાલાલ મારા હાથમાં આવ્યા. અને વાંચવાની શરૂઆત કરી. એવી અને એટલી વાંચી કે, પછી દંડ પેઠે બીજા ત્રીસ રૂપિયા ભરવા પડ્યા. મારૂ પન્નાલાલપણું મને પચાસ લાઈબ્રેરીના અને ત્રીસ વધારાના વ્યાજમાં પડ્યું. પણ પછી તો પન્નાલાલને જોયા પુસ્તકમેળામાં. મારાથી થોડુ રહેવાય. પેલુ પન્નાલાલપણું હિલોળા મારતુ હતું. ઉછળતુ હતું. એટલા પૈસા ક્યાંથી કાઢવા ? પપ્પા ભલે માસ્તર રહ્યા, પણ માસ્તર હોય તો ચીકણાને ! કોઈ દિ’ ચોપડી સાટુ રૂપિયા ન આપે.
પણ પન્નાલાલપણું જાગે એટલે પન્નો મદદ તો કરવાનો. આવ્યો મારી વાટે… જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના મેળામાં પુસ્તક મેળો ભરાયો. ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આપતા હતા. ત્યા પન્નાલાલની ફકિરો હાથમાં આવી ગઈ, પણ રખડ્યા કર્યો, આખા પુસ્તકમેળાને બે રાઉન્ડ માર્યા પણ માનવીની ભવાઈ હાથમાં ન આવી તે ન આવી. એટલામાં એક બૉક્સ ખૂલ્યુ અને નીકળ્યો પન્નો….
મારૂ પન્નાલાલપણુ જાગી ગયુ અને પન્નો મારી સામે હતો. ગોઠવનાર ચીડાયો, “મને રાખવા તો દે….”
પણ હું રાખવા દઉં તો પન્નાલાલપણાને ખોટું લાગી જાય. એ દિવસે પન્નાલાલને ખરીદ્યા, ઘરે પપ્પા ખીજાવાના હતા કે, ચોપડીમાં રૂપિયા નાખ્યા. પણ હાથમાં પન્નાલાલને જોઈ એ ખૂશ થયા. બોલ્યા, “કંઈક સારૂ કર્યું છે.” બાકી મારા દરેક પુસ્તક પર એ ખીજાયા છે.
~ મયૂર ખાવડુ
Leave a Reply