નયી વાલી હિન્દી, જૂની હિન્દીની જેમ બિરલા સિમેન્ટ જેટલી મજબૂત નથી, તો પણ તેના વખાણ કરવા રહ્યા. જે રીતે સત્ય વ્યાસ, દિવ્યપ્રકાશ દુબે જેવા અઢળક લેખકો ઉભરી રહ્યા છે, તે રીતે હિન્દીનું નસીબ સારૂ દેખાઈ રહ્યું છે. નવી હિન્દીમાં વાક્યના અંતે આવતી ઉભી લીટી નીકળી ગઈ, તેના સિવાય પણ ઘણું બધુ બદલાય ગયું. તો પણ હિન્દીની બોલચાલમાં કંઈ ફર્ક નથી પડ્યો. હા, સાહિત્યમાં નવી હિન્દી થોડી નાટકીય બની છે. બોલચાલની ભાષાવાળી બની છે. તેમાં ડાઈલોગ વધારે આવ્યા છે, એમ કહો કે સારા આવવા લાગ્યા છે. અગ્રેજીમાંથી હિન્દીમાં થતો અનુવાદ પણ હવે ઝડપી પ્રાપ્ય છે.
હિન્દી પડી ભાંગી છે, એવા ભણકારા ગુજરાતીની જેમ ઘણા ફેલાયા. પરંતુ નવા લેખકોએ હિન્દીને પકડીને રાખી. દરેક દાયકાનો એક સાહિત્યક યુગ હોય છે. પ્રેમચંદના સાહિત્યનો એક યુગ હતો. સમય હતો. પ્રેમચંદની શૈલી એવી ગાઢ હતી કે વાત ન પૂછો, તેને ન ઓળખતા લોકોએ પણ તેને અભ્યાસક્રમમાં વાંચી લીધેલો જ હોય. માનસરોવર નામના મસમોટા વાર્તાસંગ્રહોથી લઈને ગોદાન, ગબન, કર્મભૂમિ…. પણ પ્રેમચંદની શૈલી એ પ્રકારની હતી કે ન કરો તો પણ કોપી મફતમાં થઈ જાય. તેમાંથી બે ફાંટા પડ્યા એક ફાંટો અમૃતલાલ નાગર અને બીજો ફાંટો ફણીશ્વરનાથ રેણુ. ફણીશ્વરનાથની પ્રેમચંદ કરતા અલગ શૈલી જેમ કે મૈલા આંચલમાં તેમનું વર્ણન… અને અમૃતલાલ નાગર! શાનદાર, જબરદસ્ત, જિંદાબાદ. અમૃતલાલની નવલકથા એવી જ ટિપીકલી સ્ટીરીયોટાઈપ રહી સિવાય કે બે ઉપન્યાસને મૂકતા. એક નાચ્યો બહુત ગોપાલ જેને હિન્દીની શ્રેષ્ઠ નવલકથાઓમાં મુકવી પડે અને બીજી માનસ કા હંસ જેમાં તુલસીદાસજીનું જીવન છે. પણ વાંચવા લાયક તેમની લખનૌની વાર્તાઓ.
હમ-ફિદા-એ-લખનૌ મેં વાંચેલો તેમનો પહેલો વાર્તાસંગ્રહ છે. કેવું વર્ણન હોય, ‘અરે મીંયા પહેલી બાત તો યે કી વો તો લખનૌ કી બાઝાર મૈં આકર હર વખ્ત લડકી કો ટુકર ટુકર દેખતા રહેતા થા. ક્યાં બતાએ આપકો ભઈ બુરખે મૈં કેદ લડકી સે ઈશ્ક હો જાએ યે તો માનને વાલી બાત નહીં હો સકતી. ફિર ભી ઈશ્ક હૈ લખનૌ કી ગલીયો મૈં તો કહી ભી હો જાતા હૈ’ આ શૈલી બોલચાલની છે. અમૃતલાલ નાગરે હિન્દીના ડાઈલોગની જરૂર જ ન પડવા દીધી. તેમના સમગ્ર વાર્તાસંગ્રહનું નામ છે એક દિલ હજાર અફસાને, સૌથી મોટી ખાસિયત અમૃતલાલની રહી હોય તો તે તેમની નોવેલના ટાઈટલ રહ્યા. ખંજન નયન, આંખો દેખા ગદર. અને હવે નવી હિન્દીમાં અમૃલાલ નાગરનો એ ટાઈટલોવાળો સમય પાછો ફર્યો છે.
અમૃતલાલ નાગર બાદ સાહિત્યમાં શૈલી મરી ગઈ હતી. જેને હવે યુવા લેખકોએ જીવતી રાખી છે. તો અમૃતલાલ નાગરની આ શૈલી આવી ક્યાંથી ? ઉર્દુમાંથી. તમે ઉર્દુ વાર્તાઓનો હિન્દીમાં અનુવાદ વાંચ્યો હશે તો આ વાત ખ્યાલ આવશે. ઉર્દુમાં અભિવ્યક્તિની (ખાસ લખવાની) સ્વતંત્રતા જીભ જેટલી છૂટી થાય. જેવુ બોલવામાં એવુ થોડુ લખવામાં આવે. અને તે જ શૈલી અમૃતલાલ નાગરની બની ગઈ. ગુજરાતીમાં અને મોટાભાગની હિન્દીમાં લેખક પોતે જ પ્રોટોગોનીસ્ટ બનીને વાત કહે તેવું જોરથી મગજમાં ઠસાવનાર (પહેલા તો ન કહી શકાય) અમૃતલાલ નાગર જ હતા.
એ પછી તો શિવાનીજી, સુર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’, કમલેશ્વર, રામધીર સિંહ દિનકર જેવા કંઈ કેટલા સાહિત્યકારો આવ્યા. પણ પ્રેમચંદના સાહિત્યની ઉત્પતિ પછીનું કોપીકેટ અને બાદમાં અમૃતલાલ નાગરની શૈલી અને કથાવસ્તુ હિન્દીમાં અડિખમ બની ગયા. પણ હવેના સાહિત્યકારો અલગ છે. તેમની ટાઈટલ આપવાની શૈલી અલગ છે.
જ્યારે મેં ફેસબુક પરના મારા મિત્ર અને હિન્દીની બે સુપરહિટ નવલકથા આપનારા સત્ય વ્યાસની પ્રથમ નોવેલ બનારસ ટોકીઝ વાંચી ત્યારે ચેતન ભગતની દોસ્તી કરતા તેની દોસ્તી પૂઠાંના બે પાના વચ્ચે અલગ દેખાઈ આવી. યંગ જનરેશનની હિન્દીનો તે તેજાબી લેખક છે. તેની બીજી નવલકથા દિલ્હી દરબાર પણ હિટ ગઈ. આ બંન્ને હિન્દી ઉપન્યાસોની સૌથી વધારે આકર્ષતી કોઈ વાત હોય તો તે છે, ટાઈટલ. દિલ્હી દરબાર, બનારસ ટોકીઝ. હજુ આગળ પણ છે…. હિન્દી સાહિત્યનું સૌથી ફેમસ નામ દિવ્ય પ્રકાશ દુબે. તેમની નાની સાઈઝના પુસ્તકો કરતા તેના ટાઈટલો વધારે ચર્ચામાં રહ્યા. શર્તે લાગુ, મસાલા ચાય, મુસાફિર કાફે, …. આમ… આમ…. જીભે ચઠી જાય એવા શિર્ષકો છે. દિવ્ય પ્રકાશ દુબેના આવા શિર્ષકોનું કારણ પણ અમૃતલાલ નાગર જ હશે. કારણ કે અમૃતલાલની માફક દુબે પણ લખનૌ પરગણાનો છે. તેની ઓફિશ્યલી સાઈટ ઉપર લખેલું છે ફ્યુઝન સ્ટાઈલ ઓફ રાઈટીંગ. ( આ વળી શું ?)
દિવ્ય પ્રકાશના હમણાંના આર્ટિકલમાં લખેલું છે કે કોઈ દિવસ તમારા વાંચકોને તમારૂ ફેસબુક કે સોશિયલ મીડિયા પર લખેલું પુસ્તક સ્વરૂપે ન આપવું. કારણ કે ત્યાં લોકો મફતમાં વાચી ચૂક્યા છે, તો બાદમાં તમારી બુક કોણ ખરીદશે ? જો કે આ હિન્દીમાં લાગુ પડે. ગુજરાતીમાં તો છાપામાં મફત આર્ટિકલ વાંચ્યા બાદ બુક છપાય તો પણ કોઈ ખરીદતું નથી !! એ પોસ્ટ લાંબી છે પછી ક્યારેક…
નિખિલ સચાન નામનો વધુ એક રાઈટર છે. બાપ રે આ યંગસ્ટરના શિર્ષકો દિવ્ય પ્રકાશ દુબેને પણ ટક્કર આપે તેવા છે. સાંભળો.. યુપી 65, જિંદગી આઈસ પાઈસ અને મારી ફેવરિટ નમક સ્વાદ અનુસાર… તેની આ બુકને તો BBC હિન્દીએ ટોપ ટેન હિન્દી પુસ્તકોની લીસ્ટમાં મુકેલી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવા ભારે ભરખમ અંગ્રેજી છાપાના કોલમિસ્ટ હોવા છતા નિખિલ જ્યારે પુસ્તક છાપે ત્યારે હિન્દીમાં જ હોય. આ માતૃભાષા પ્રેમ.
અજીત ભારતીની બકર પૂરાણ, અનુરાધા બેનિવાલની આઝાદી મેરા બ્રાન્ડ, અનુ સિંહની નિલા સ્કાર્ફ, શશિકાંત મિશ્રાની નોન રેસિડેન્ડ બિહારી, પૂજા ઉપાધ્યાયની તીન રોજ ઈશ્ક, પંકજ દૂબેની ઈશ્કિયાપા અને લૂઝર કહી કા ! આ બધી નવી હિન્દી છે. નવા ટાઈટલો સાથે નવી પ્રેમકહાનીઓ સાથે. નવા વિષયો સાથે. ગુજરાતીમાં એકસાથે આવુ પરાક્રમ જોવા નહીં મળે. કારણ કે આપણા વિષયો જૂનામાંથી નવામાં ખાલી કપડાં બદલીને તૈયાર થઈ રહ્યા છે. નવા કપડાં પહેરે તો પણ બાઘો બાઘો જ લાગે. ગુજરાતીમાં ઈશ્કથી શરૂ થયેલી દાસ્તાન ઈશ્કથી જ ખત્મ થાય છે. આપણે ત્યાં ક્લાસિક છે, પણ અલગ અલગ સમયની છે. ક્લાસિક છે તો બેસ્ટ સેલર નથી તે પણ દુવિધા છે. ગુજરાતી ક્લાસિકમાં સરસ્વતીચંદ્ર, ઝેર તો પીધા જાણી જાણી, પ્રિયજન, એ પછી તત્વમસિ એ પછી કૃષ્ણાયન… અને એ પછી કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ…. બીજુ કંઈ નહીં. હવે ખાલી કૃષ્ણના હાથે પુસ્તકનું વિમોચન થવાનું બાકી છે.
ગુજરાતીને હિન્દીની માફક ખડુ થવુ હોય તો પહેલા ટાઈટલ સુધારવા પડે. આપણા ટાઈટલોમાં મોટાભાગે બે પ્રાસ જ મળતા હોય. બીજુ કંઈ નહીં. હવે એ દિવસ દૂર નથી જ્યારે આપણી નવલકથાનું ટાઈટલ ‘આગળ-પાછળ’ હોય… નવલકથા નાની લખવાની, પણ વિષય ચોટદાર હોવો જોઈએ. તો મને મજા આવે. બાકી નવલકથા લખવાની કોઈ ઉંમર નથી હોતી મહેશ ભટ્ટે 60 વર્ષ લખી.
જોઈએ હવે હિન્દીના આ લેખકો બે ત્રણ હિટ આપીને થાકી જાય છે કે લાંબી રેસના ઘોડા સાબિત થાય છે. ઉપર હિન્દીની આટલી રામાયણ કરી હોવા છતા બાજી તો એક ગધેડો જ મારી ગયો. એ પુસ્તકનું નામ છે એક ગધે કી આત્મકથા. લેખક કૃષ્ન ચન્દર. આજની તારીખે ક્લાસિક પણ છે બેસ્ટ સેલર પણ. તેને પ્રેમચંદ પાછા આવે તો પણ ન હરાવી શકે….
~ મયુર ખાવડુ
Leave a Reply