ભારતમાં ધીમે ધીમે ભાજપની સરકાર હવે કોંગ્રેસને નેસ્તાનાબુદ કરવા માગે છે. અને કોંગ્રેસને મોકો પણ આપે છે, તો પણ કોંગ્રેસને જ્યારે સાંપસૂઘી ગયો હોય., તેમ પ્રહાર કરવામાં ઉણી ઉતરી રહી છે. કોઈ દિવસ રીંછ નદીમાં તરતી માછલીઓના ઝુંડને છોડે નહીં, પણ કોંગ્રેસ ભાજપનું 60 વર્ષોવાળુ ભરણપોષણ કરી રહી છે.
આંખ ઉચી કરીને જુઓ તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું શાસન 2003થી નથી. અથવા તો કોંગ્રેસની મધ્યપ્રદેશમાં સતા મેળવવાની ઈચ્છા ભૂંસાઈ ચુકી છે. 1 નવેમ્બર 1956માં રવિશંકર શુક્લ કોંગ્રેસના સૌ પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા, તે પણ માત્ર 61 દિવસ માટે. કોંગ્રેસમાં ત્યારે સતાનું શૂરાતન ચડેલુ અને એટલે જ શરૂઆતમાં બીજા બે મુખ્યમંત્રીઓ માત્ર 30 અને 40 દિવસમાં અડધી સદી ફટાકાર્યા વિના પેવેલિયન ચાલ્યા ગયા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની બાગડોર બરાબરની સંભાળી ભગવંત્રો મંડાલોએ.
9 માર્ચ 1967માં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ધૂરા ડગમગી અને તેની પાછળનું કારણ સમયુક્ત વિધાયક દળ. જેના મુખ્યમંત્રી ગોવિંદ નારાયણ સિંહે 500 દિવસથી ઉપર સતાનું સુકાન સંભાળ્યુ. વચ્ચે જનતા પાર્ટીએ પણ પોતાની ઈચ્છા ખુરશી પર આવી પૂરી કરી. ફરી કોંગ્રેસ આવી. પરંતુ આશ્ચર્યની વચ્ચે ભાજપની સરકારે 5 માર્ચ 1990માં પગપેસારો કર્યો અને પોતાના અસ્તિત્વની સાબિતી આપી. કોંગ્રેસીઓમાં ત્યારે અમાપ તાકત હતી અને ભાજપ ઉગતો છોડ હતો. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસે આસાનીથી ભાજપના સુપડા સાફ કરી નાખ્યા. પરંતુ જોગાનુજોગ 2003માં પણ ભાજપની સરકાર આવી ગઈ, કોંગ્રેસ સતાના મદમાં ચૂર થઈ ગઈ હતી. ત્યારે દિગ્વિજય સિંહની સતા હતી અને આ સતા ગઈ ત્યારથી પાછી નથી આવી. ઉમા ભારતીએ ત્યાં સતાના સમીકરણો બદલ્યા અને તે સમીકરણોમાં રમવાનું કામ અત્યારે શિવરાજ સિંહ ચૌહાણ કરી રહ્યા છે. અને ત્યારથી અત્યાર સુધી ભાજપ સરકારની કોઈ ખુરશી તો શું તેનો પાયો પણ નથી ડગાવી શક્યુ.
ઉક્તિ પ્રમાણે તો માંદી ગાયને જાજી બગાઈ ચોંટે પણ ગાય ટેવાઈ ગઈ હોય તો કંઈ ફર્ક પણ નથી પડતો. દિગ્વિજય સિંહ હાર્યા બાદ દિલ્હી શાસન કરવા ગયા. જ્યાં પણ તેમણે તોપના મારા જેવી કોમેન્ટો મારવા સિવાય કંઈ કામ ન કર્યુ. જ્યારે પરત ફરવાની આશા હતી ત્યાં સુધીમાં ઘરનો ઓટલો અને રોટલો બન્ને ગાયબ થઈ ચુક્યા હતા. શિવરાજ સિંહ ચૌહાણ આગળ વધતા ગયા અને કોંગ્રેસમાં આંતરિક ગજગ્રાહ ચાલવા લાગ્યો. વારેઘડીએ યાદવાસ્થળી થવા લાગી. જેમાં કોઈ મર્યુ તો નહીં, પરંતુ બચ્યુ પણ નહીં.
ત્યારથી અત્યાર સુધી હવે ખેડૂતોનો મુદ્દો આવ્યો છે. નામના રાજકારણીમાં ગણતરી પામી ચુકેલા રાહુલ ગાંધી હજુ વિપક્ષ તરીકે પોતાની છાપ છોડી નથી શક્યા. ઉપરથી ઉપનિષદ અને ભગવતગીતામાંથી બોધપાઠ લઈ રહ્યા છે. આ મુદ્દો કેટલા સમયથી કેન્દ્ર સ્થાને હતો, પરંતુ મંદ્દોસરમાં ખેડૂતો પર ગોળી ચલાવવી તેમનું મૃત્યુ થવુ અને પછી વિપક્ષ માટે જાગવુ. ભાજપને બેકફુટમાં ધકેલવાનો આ સારો મોકો હતો, પરંતુ કોંગ્રેસી નેતાઓને તમામ મુદ્દાઓનો ખ્યાલ માખી ખાંડ ચાટી જાય પછી પડી.
ત્યાં સુધીમાં તો શિવરાજ સિંહ અનશનમાં ઉતરી ગયા. અને ખેડૂતોમાં આશા જગાવી ગઈકાલે અનશન પણ તોડી નાખ્યા. હવે કોંગ્રેસે થોડુ સમજવુ જરૂરી છે, અત્યાર સુધી તે મોદી સરકાર પર પ્રહાર કરતી હતી. હવે હકિકતે જીતવુ હશે તો રાજ્યવાર વાર કરવો પડશે. અને આ વખ્તે કોંગ્રેસનો વાર ખાલી ગયો છે. ખેડૂતોની હત્યા થઈ ત્યાં સુધી દિગ્વીજય સિંહ, કમલનાથ, જ્યોતિરાદિત્ય જેવા એ કેટગરીના નેતા વ્યસ્ત હતા. કે પછી અંદરો અંદર વ્યસ્ત હતા ? દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશ જવાનું કહેવામાં આવ્યુ ત્યારે તેમણે, ‘સંગઠન કહેશે તો જઈશ.’ આમ જવાબ આપી દીધો. જેથી દિગ્વિજય કોંગ્રેસની રિસાયેલી વહુ સાબિત થઈ ગયા. રાહુલ આટો મારી ગયા અને ગયા પછી હતુ તેમનું તેમ. ખરૂ કહ્યું ધૂમકેતુએ, પડે છે ત્યારે સઘળુ પડે છે….
~ મયુર ખાવડુ
Leave a Reply