માઈકને ઉખાડવા માટે કેટલું બાહુબળ જોઈએ તેની પ્રતીત આપણે લોકોએ પ્રતાપ દુધાતની તાકતથી માપી લીધી. રાજકારણમાં પક્ષ અને વિપક્ષ હોય છે, પણ માઈક માટે બધા જ વિપક્ષ હોય છે, ખોટુ બોલે કે સાચુ બોલે તેને રાજકારણીના સર્વહિત સુખાકારી સર્વહિત દુખાકારીની માફક બધુ જ જેલવાનું હોય છે. સામેવાળાના કર્ણપટલને આનંદ આપે તે કામ માઈકનું છે. પણ કોઈએ માઈકને નથી પૂછ્યું કે, ‘તને શું જોઈએ છે ?’ વર્ષોથી વક્તવ્ય કળામાં પારંગત લોકોના અવાજને માઈક લોકો સુધી પહોંચાડતું આવ્યું છે. કેટલાક વક્તાઓને આદત હોય છે, બોલવા માટે આવે ત્યારે માઈકને ડાબી બાજુથી લઈને જમણી બાજુ ફેરવે પછી બરાબર છે કે નહીં, તે તપાસવા માટે તેના અગ્રભાગ પર પોતાની બે આંગળીઓ જોરથી પછાડે એટલે ટુનનનનનન જેવો અવાજ આવે. માઈકને વિચાર થતો હશે કે, ‘કોઈને પૂછ્યા વિના, તેને યોગ્ય સ્થાનેથી હટાવવું અને ટપલી દાવ કરવો કેટલો યોગ્ય ?’
મોટાભાગે કવિઓની સભાઓમાં જ શા માટે માઈક બંધ થઈ જતા હોય છે ? તેનું કારણ પાન છે. પાન ખાઈ કવિ કવિતાનું પઠન કરે ત્યારે માઈક પર થૂક ઉડે. પ્રવાહીના કારણે માઈકને ઝણઝણાટી આવે. બીજા બંધ કરે કે ન કરે તે પોતે જ બંધ થઈ જાય. પરંતુ માઈક તો એક માધ્યમ છે, ધ્વનિ ન પહોંચે તેનો અર્થ એ નથી કે, કવિનો અવાજ પણ ન પહોંચે. માઈકને બે વાર ઠપકારી તે ફરી બોલવાની શરૂઆત કરે અને બિચારૂ માઈક જ્યારે આ સમસ્યાને સાંખવા માટે જ બનેલું હોય તેમ બંધ હાલતમાં પાનનો રસપાન કરે છે.
એક ઉચ્ચ દરજ્જાના કવિનું માઈક વારંવાર ટ્રૂરરરરર ટ્રૂરરરર આવો અવાજ કરતું હતું. બંધ થવાનું નામ નહોતું લેતું. કવિ આધુનિક કવિતાનું પઠન કરી રહ્યા હતા અને આ માઈકના અવાજથી તેમના કવિતા પઠનમાં વિક્ષેપ પડી રહ્યો હતો. તુરંત કવિ બોલી ગયા, ‘આનો અવાજ હરિન્દ્ર દવેની ભજનીક કવિતા જેવો છે, આને સરખુ કરો.’ એટલે તે માઈકને હટાવી હાથમાં પકડવાનું માઈક આપવામાં આવ્યું. કવિ ફરી કવિતા વાંચવામાં તલ્લીન થઈ ગયા, પણ અહીં વાંક માઈકનો ન હતો. વાંક કવિનો જ હતો. છેલ્લા બે કલાકથી તેઓ ભાષણ કરી રહ્યા હતા અને પછી તેમણે કવિતાઓનું રસપાન કરાવવાનું શરૂ કર્યું. આ કારણે માઈક અકળાયેલું હતું. તેમાં આંટીમાં બિચારા હરિન્દ્ર દવે આવી ગયા…
એકવાર એક કવિ આરોહ અવરોહથી કવિતાનું પઠન કરી રહ્યા હતા. આરોહ-અવરોહ તો ન હતો આવતો, પણ કવિ ઉંચા નીચા અચૂક થતા હતા. માઈક પોતાની ફરજ બજાવવા માટે ઉંચા થાય ત્યારે ઉંચુ અને નીચા થાય ત્યારે નીચું થઈ રહ્યું હતું. પછી માઈકના વાયરને દુખવા લાગ્યું એટલે તેણે માઈકને સંદેશ પાઠવ્યો, ‘ખબર છે, તમે ફરજ નિષ્ઠામાં ચૂક નથી આવવા દેતા, પણ તમારા કારણે હું ખેંચાય ખેંચાયને લાંબો થાવ છું, હવે માઈકભાઈ તમે ઉંચા નીચા થવાનું રહેવા દો… નહીંતર મને કપાતા વાર નહીં લાગે.’
એકમાત્ર હાસ્ય લેખકોના વક્તવ્યોમાં માઈક શાંત હોય છે. કારણ કે તેમની વૃદ્ધા અવસ્થામાં જ તેમને બોલવા માટેના વધુ આમંત્રણ પાઠવવામાં આવે. એ બોલવા આવે એટલે માઈકને નિરાંત થાય કે કંઈક નવું હાસ્ય સાંભળવા મળશે. સંબંધોના તાણાવાણા સાંભળીને તો હું હેરાન થઈ ગયો છું.
કેટલાક વક્તવ્ય કળામાં માહિતગાર લોકો માઈકનું ખૂન કરતા પણ અચકાતા નથી. બાજુના વક્તવ્યકારને કાનમાં કશું કહેવું હોય, તે પહેલા માઈકનું હાથથી મોં દાબી દે. માઈકને ગુંગળામણ થવા માંડે. જીવવા માટે વલખા મારતુ હોય. કોઈવાર ભ્રૂરરરરરર આવો અવાજ પણ બહાર નીકળે. પણ બોલનારની વાત એક મિનિટ પછી જ પૂર્ણ થવાની હોવાથી તેણે અચાનક ઘડાયેલું હત્યાનું આ કાવતરૂ સહન કર્યા સિવાય છુટકારો નથી ! માઈકનું મોં છોડવામાં આવે પછી તે શ્વાસ લે. માઈક વાયરને કહે, ‘તને ખબર નહીં હોય મારી સાથે હમણાં શું થયું….’
જેના જવાબમાં વાયર બોલે, ‘શું ખબર નહીં હોય, રોજ એક બે વક્તવ્યોવાળા મારી નસો પર પોતાના પગ ચાર પાંચ કલાક સુધી રાખે છે, ત્યારે મારો શું હાલ થતો હશે તેની તમને શું ખબર માઈકબાબુ !’
હવે તો કાન પાસે અને છાતી પાસે રાખવાના માઈક આવી ગયા. એમાં એકદાડો એક વિવેચકનું વક્તવ્ય પૂર્ણ થયું. માઈક વાયરને બોલ્યું, ‘પણ આજે તો તેણે બધી કૃતિઓનો છોતરા જ ઉડાવી દીધા.’ ત્યાં વાયરે અંગળાઈ લીધી અને કહ્યું, ‘તને મઝા આવતી હશે, બાકી તેના શરીરમાં હું ચીપકેલો હતો. આ વિવેચક બે દિવસથી નહાયો નહીં હોય, તેની પાક્કી ગેરન્ટી.’
કેટલાક અનુભવી વક્તાઓ જ્યારે માઈક માંદગીમાંથી પસાર થતું હોય અને બંધ થઈ જાય ત્યારે બોલતા હોય છે, ‘મારો અવાજ જ એવો પહાડી છે કે, મને માઈકની જરૂર નથી પડતી…’ એમ કહી માઈકને દૂર હટાવી દે… જોકે આ માઈકનું હળહળતુ અપમાન છે, તે આવા વક્તાઓએ જાણી લેવું.
માઇકમાં તમે ગમે તે બોલી શકો, અભદ્ર શબ્દો સુદ્ધા. તેની માઈકને કશી પડી નથી, પણ પેલા બિસ્કીટના પેકેટ વેચવા આવે છે, તે તમને ખ્યાલ છે ? ‘દસ રૂપિયામાં ત્રણ બિસ્કીટ… એક ઉત્તમ તકને જતી ન કરો, નાના બાબલા અને મોટા પપ્પા પણ હોંશે હોંશે ખાઈ….. બિસ્કીટ બિસ્કીટ બિસ્કીટ…’ આમાં માઈકની ગરિમા નથી જળવાતી, તેનું માઈકને દુખ છે. પણ હાલમાં જે માઈકનું હળહળતું અપમાન થયું તે તો માઈક પ્રજાતિ માટે સહ્યેબલ નથી. વિચાર આવે છે કે, સરકાર પાસે કરોડોની જાહેરાત કરવાનો સમય છે, પણ ગૃહમાં મજબૂત ક્વોલિટીનું માઈક ફિટ કરવાનો સમય નથી. આટલું નબળુ માઈક !!!
~ મયુર ખાવડુ
Leave a Reply