વૈજ્ઞાનિકોના મતે એવુ માનવામાં આવે છે કે તમારો સેન્સ ઓફ હ્યુમર જેટલો સારો તેટલો તમારો IQ વધારે. અને આ વાત ટ્વીંકલ ખન્નાને બરાબર લાગુ પડે. ટ્વીંકલ કોઈની પણ મજાક મશ્કરી કે ઈન્સલ્ટ કરવામાં પાછુ વળીને નથી જોતી. તેની ટાઈમ્સ ઓફ ઈંન્ડિયાની કોલમ ફનીબોન્સમાં આ વસ્તુ વારંવાર જોવા મળે, પરંતુ કોઈપણ વ્યક્તિએ તેના આ લખાણનો વિરોધ નથી કર્યો. તેની કલમમાં સ્પીડબ્રેકર નથી આવતુ. સળસળાટ ચાલી જાય છે. જેમ ખુશવંત સિંહે કહેલુ કે હું સ્ત્રીઓ વિશે આ ઉંમરે પણ આવુ લખી શકુ છું, આ માટે મારી પેનને અત્યાર સુધી કોન્ડોમની જરૂર નથી પડી. મારી પેન હજુ પણ સેક્સી છે. ટ્વીંકલે જેટલા પણ મુદ્દા ઉપાડ્યા તે બધા તમારા મનને પરેશાન કરી નાખશે. તમે આ બધુ વિચારી શકતા હો, તો પણ લોકોની સામે લાવવા માટે ગભરાતા હોવ છો. જ્યારે ટ્વીંકલ પોતાની રાઈટીંગ સ્ટાઈલથી રોજની ઘટના અને દિવસે દિવસનું તેના જીવનમાં બનેલુ અપડેટ આર્ટીકલમાં નોટ કરી લે. તે પછી અક્કી કુમાર સાથેનો વાર્તાલાપ હોય કે પછી પોતાના પ્રોડિગલ સન આરવ વિશેનો મત. એ દરેક વસ્તુ કાગળ પર ઉતારે. બરસાત ફિલ્મમાં પોતાના હુસ્નથી સૌને ભીંજવેલ અને પછી પતિ અક્ષયના આગમન બાદ કોઈ દિવસ ફિલ્મોમાં પરત ન ફરી. જ્યારે તેની સાથે આવેલો બોબી દેઓલ, જે અત્યારે રિટાયરમેન્ટ ભોગવી રહ્યો છે, પણ ટ્વીંકલે વચ્ચે ફેશન ડિઝાઈનીંગનું કર્યુ અને પછી પોતાના અનુભવોને લખાણમાં પરિવર્તિત કરી રાઈટર બની ગઈ. તે પણ એવા લિટરેચર સેક્શનમાં જ્યાં જતા સૌને ગભરાટ લાગતો હોય. કારણ કે આજે પણ લખીને હસાવવુ ખૂબ મુશ્કેલ છે. અને ટ્વીંકલ તો પોતાના અનુભવમાંથી હાસ્ય મેળવી લે છે. તેની આસપાસ જ નમૂનાઓ છે !!! ટાઈમ્સ ઓફ ઈંન્ડિયા અને તેના પુસ્તકોની લોકો એવી રીતે રાહ જુવે જ્યારે સારાભાઈ VS સારાભાઈ સિરીયલે કમબેક કરી નાખ્યુ હોય. હાલમાં જ ટ્વીંકલનો આવો ફની હ્યુમર જોવા મળ્યો. જ્યારે ટ્વીટર પર કરન જોહરે તેને ફિલ્મ કરવા માટે પૂછ્યુ, ત્યારે તેનો જવાબ હતો, ‘હા, તમે માય નેમ ઈઝ ખન્ના ફિલ્મ બનાવો તો હું ચોક્કસ કામ કરીશ.’
આ તો ટ્વીંકલના હાસ્યનો એક નમૂનો છે. પોતે રાઈટર તરીકે એસ્ટાબ્લિશ થયા બાદ ટ્વીંકલે ચેતન ભગતને ઉધડો લીધેલો. બન્યુ એવુ કે ટ્વીંકલ મેમસાહબ ત્યારે નવા નવા લેખિકા બનેલા. તેની કલમનું જોબનિયુ છલકતુ હતું, અને ચેતન ભગત ત્યારે નચ બલિયેના રંગમાં રંગાયેલા. તો કોઈએ ટ્વીંકલને ચેતનના રિયાલીટી શો જોઈન કરવા પર પૂછ્યુ, ‘જો મારા આર્ટીકલ પર ફિલ્મ બનાવવામાં આવે તો હું મારૂ નામ ચેતાલી ભગત કરી નાખુ.’ ટ્વીંકલ મેડમનો સળગતો જવાબ… પછી શું ? ચેતન ભગત પણ ટ્વીંકલની સામે મેદાને પડ્યા. ચેતન ભગતે ટ્વીટ કરી, ‘મને બરસાત કોઈએ ઓફર નહતી કરી બાકી હું તેમા જરૂર કામ કરત.’
ચેતનને એમ કે મારી પાસે અમદાવાદ IIMનું દિમાગ છે. ત્યાં શ્રીમતી ફનીબોન્સ ત્રાટક્યા, ‘જો તમારી પાસે બોબી દેઓલની માફક લાંબા વાળ હોત, તો તમે તે રોલ કરી શકવા સક્ષમ હતા, અને હા, સારૂ થયુ બરસાત ફિલ્મ તમે ન કરી, અન્યથા અત્યારે તમારા કારણે શાહરૂખ ખાન જોબલેસ હોત…’
પછી તો ભગત સાહેબે આ ચારણ કન્યાથી પીછો છોડાવવા માટે તેની માફી માગી અને આ માત્ર સેન્સ ઓફ હ્યુમર હોવાનું તેમના ફેન્સને જણાવ્યુ. તો ફેન્સની સામે ભગત એ હદે ટ્રોલ થયા જ્યારે મહિલા સશક્તિકરણનો મુદ્દો સામે આવી ગયો હોય. આ તો એક વાત થઈ. ટ્વીંકલે તો પોતાના આર્ટીકલોમાં એવુ પણ લખ્યુ છે કે, કિમ કર્દેશિયાનું આટલુ સોફ્ટ શરીર હોવા છતા તે સરોજ ખાન જેવો ડાન્સ નથી કરી શકતી, જ્યારે હું એરપોર્ટ જાઉં છું ત્યારે પાસપોર્ટ ચેક કરનારા મને કહે છે, ટ્વીંકલ ટ્વીંકલ લિટલ સ્ટાર, મને મન થાય કે તને ગાડી ઠોકીને ચાલી જાય. પ્લેટોને પત્ની નહતી, બાકી એ અત્યારે ફિલોસોફર નહોત. (તો વિવાદિત ગણી શકાય પણ સાચુ છે) કે, મોટાભાગની ભારતીય સ્ત્રીઓ કળવા ચોથનું વ્રત કરે છે, હવે તેમને કોણ સમજાવે કે, તેમનો પતિ 40ની ઉંમરમાં બીજા લગ્ન કરી લેવાનો છે. વિશ્વના 143 દેશોમાં કળવા ચોથનું વ્રત સ્ત્રીઓ નથી કરતી. આમ છતા તેમના પતિ તો જીવે જ છે અને બીજા લગ્ન પણ કરે છે.
જો કે મને ગમતુ તેનું કોઈ વાક્ય હોય તો એ આ છે, આરવ: ‘મમ્મી મેં સ્કુલમાં જવા ચાકુ પેક કરી લીધી છે’ ત્યારે ટ્વીંકલનો સામો જવાબ આવે, ‘તુ સ્કુલે જા છો કે અફઘાનિસ્તાનમાં લડવા માટે.’
અત્યારે ટ્વીંકલ ખન્નાને યાદ એટલા માટે કરવી પડે કે તેણે એક ખુલ્મખુલ્લા જેવો આર્ટીકલ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પર લખ્યો. જેમાં તેણે મોટા અને ખોટા પોલીટીશ્યનોને ભાંગી નાખ્યા. અરે કમર તોડી નાખી. ટ્વીંકલે પોતાના આ ઈંગ્લીશ આર્ટીકલમાં લખ્યુ કે, ‘મારો પતિ ગમે તેવી દિવાલમાં મુક્કો મારીને કાણું પાડી શકે છે, આમ છતા મારે હેરેસમેન્ટનો શિકાર બનવુ પડ્યું.’ આને કહેવાય હ્યુમરનું હ્યુમર અને ચાબખાના ચાબખા. તરૂણ તેજપાલ, ફણીશ મૂર્તી, જેવા ધુરંધરોને ટ્વીંકલે આ આર્ટીકલમાં ધોઈ નાખ્યા. અને અરૂણાભ કુમારનો અસલી ચહેરો પણ બહાર આવ્યો. પહેલી વાર કોઈ બોલિવુડ પાર્ટ ટાઈમ આર્ટીકલ રાઈટર અને પેડમેનની પ્રોડ્યુસરે સણસણતો જવાબ આપ્યો.
દરેક સ્ત્રીની સફળતા પાછળ પુરૂષનો હાથ હોય છે, આ કહેવામાં ખોટુ નથી કારણ કે લક્ષ્મી પ્રસાદની આ લેખિકાએ છેલ્લે જોરૂ કા ગુલામ કરીને બાય બાય ન કર્યુ હોત તો આવી લેખિકા પણ ન મળત. જે આટલુ ખુલ્લમ ખુલ્લા લખી શકે છે. (અહીં એક લીટીની બાદબાકી કરેલ છે, કદાચ હું ખોટો હોવ એટલે બાકી પરફેક્ટ)
~ મયુર ખાવડુ
Leave a Reply