16 વર્ષનો તમારો બાબો થાય અને તેને જીભમાં સિગરેટ અડાવવાનું મન ન થાય, તો તેણે મેડિકલ ચેક અપ કરાવી લેવું જોઈએ. આવું હું નહીં પણ સમજણાઓની સભાઓને સંબોધતા ચંદ્રકાંત બક્ષી બોલેલા. આખુ વક્તવ્ય પૂરૂ થયું એટલે આ સમજણા વ્યક્તિઓએ બક્ષી સાહેબને આડે હાથે લીધા. બક્ષી સાહેબને સમજાઈ ગયું કે સમાજને બગાડવાની આપણી તાકત છે ખરી. (પુસ્તક-ખાવુ પીવું અને રમવુંમાંથી) આને કહેવાય ભૂતકાળનું ટ્રોલિંગ. આ સમયે લોકો જીભથી લઈને હાથ સુધી ઉતરી આવતા.
યુવા મહોત્સવમાં લોકગીતની સ્પર્ધા હતી. ત્યારે સોશિયલ મીડિયાને ટ્રોલિંગ શબ્દના અર્થની ખબર નહતી. લોકો માત્ર ફોટો મૂકી આગતા સ્વાગતા કરતા. એટલે એક સ્પર્ધકે સાયબો રે ગોવાડીયો ગાવાની શરૂઆત કરી. થોડીવારમાં ઘણાને નિંદર આવી ગઈ અને મનમાં ગણગણવા લાગ્યા, હવે આ પોતાનું વાદ-વૃંદન બંધ કરે તો સારૂ ! પણ જ્યાં કોઈ સ્પર્ધકને આખુ ગીત યાદ નહતું, ત્યાં આ ભાઈએ આખું ગીત ગાયુ, આખરે કંટાળીને ઓડિયન્સે હુરિયો બોલાવવાનું શરૂ કર્યું. પેલા સ્પર્ધકને પોતાની નામોશી થાય છે, તેની કંઈ પડી જ નહતી. એ તો જ્યારે સ્વર્ગની અપ્સરાઓ સામે પોતાના કંઠનો પરિચય આપતો હોય, તેમ રાગડા તાણે. આખરે શ્રોતાઓની સહનશક્તિનો અંત આવ્યો, એ આ ઢોલ બંધ કર, એ ભાઈ તું શું કામ કીર્તિદાનનો ધંધો ભાંગે છે, પણ ભાઈએ અંત સુધી બધાને પરેશાન કર્યા. તેના વિરોધીઓ જે કરતા હતા, તે ટ્રોલિંગ હતું.
હમણાં કાજલ ઓઝા વૈદ્યની એક પોસ્ટ પર એક ભાઈ જામી પડ્યા. તેમની ફેસબુક આઈડી જુઓ તો ફેક લાગે, પણ તેની આઈડી ફંફોસો તો ખ્યાલ આવે કે આ ભાઈ વિરોધ નથી કરતા, આ ભાઈ ગમે તેને ટ્રોલ કરવાનું કામ કરે છે. હવે આ કોણ નીકળે તે તો સાયબર ક્રાઈમવાળાને ખબર.
ગુજરાતીમાં જેને લાઈકોનું ઘરમશીન કહેવામાં આવે તેવા જય વસાવડા ઘણીવાર કોઈ પોસ્ટ મુકે, પછી તેનો વિરોધ થાય. ધ્યાનથી કોમેન્ટ વાંચો તો ખ્યાલ આવે વિરોધ એક જ વ્યક્તિએ કર્યો છે, બાકીના તેની કોમેન્ટ રૂપી હોડીમાં બેસી હામાં હા કરવા લાગ્યા છે. એટલે આ બધા ટ્રોલર થઈ જાય.
હમણાં ગુજરાત સમાચારની પૂર્તિમાં વર્ષોથી પોતાની કોલમ ચલાવતા ભવેન કચ્છીએ 15 માઈક્રોફિક્શન વાર્તાઓનો સમાવેશ કર્યો, તો રીતસરના તેમને ટ્રોલ કરી નાખ્યા. ધ્યાનથી જુઓ આ કોઈ વિરોધ નહતો. વિરોધ સરકાર સામે કોઈ માંગને લઈ હોઈ શકે ! આ તો એક હોડીમાં સુકાની બનવાની મથામણ કરતા પાવર પંકા આપણા સાહિત્યપ્રેમીઓ હતા. તેમને પેલા માઈક્રોફિક્શન લેખકને ક્રેડિટ ન આપી એટલે વિરોધ સોરી ટ્રોલ કર્યા. અરે તમે તેના એક અઠવાડિયા પહેલા જુઓ ઈલિયાસ શેખની નામ સાથેની પોસ્ટ તેમણે પોતાના લેખમાં લીધેલી. પૂરે પૂરી ક્રેડિટ હતી. ટ્રોલર્સને એટલું કહેવાનું થાય કે, ત્યારે તમે તે લેખ વાંચેલો ? જરૂરી નથી કે એક માણસ તમામ લોકોને જાણતો હોય, તેને દુનિયા આખાનું જ્ઞાન હોય, પત્રકાર કોઈ રોબોટ તો નથી ? તેમાં પણ માઈક્રોફિક્શન હજુ ગુજરાતી સાહિત્યમાં એટલું સ્થાપિત નથી થયું. તેના બીજ રોપાયા છે. જ્યારે કોઈ ક્લાસિક માઈક્રોફિક્શનનું પુસ્તક લખાય, તેને એર્વોડ મળે તો કંઈક થાય…. લઘુવાર્તાઓના લેખકો કેટલા તેની કોઈને ખબર નથી અને ત્યાં તમે માઈક્રોફિક્શનના લેખકનું નામ પૂછો, એટલે આ મગજના મેમરીકાર્ડમાંથી કોઈ ચીપ હટાવી લીધા બરાબરનું છે.
મારા એક ઘડેલા જોક્સ મુજબ, સોશિયલ મીડિયા પર એક ગુજરાતી પેજે સ્વરચિત માઈક્રોફિક્શન વાર્તાઓ મંગાવી. કોમેન્ટમાં બધી આવી ગઈ એટલે સેક્રેટરીએ એડિટરને પૂછ્યું, ‘આનું હવે શું કરવાનું ?’ સામો જવાબ આવ્યો, ‘કંઈ નહીં, મારા નામનું એક પુસ્તક છપાવી નાખ…. !!!’ બસ, માઈક્રોફિક્શનના આવા હાલચાલ છે. એક સમયે તમને તમારી લખેલી માઈક્રોફિક્શન વાર્તાની જાણ ન પણ હોય, એમ પણ બને.
એટલે ગુજરાતીઓ માટે આમ ગર્વ કરવા જેવી વાત છે કે, તે હવે ટ્રોલ થઈ રહ્યા છે. તેમને ઉખાડી પાડવા એક આખી જમાત ઉભી થઈ છે. પણ તમારી પાસે મુદ્દો નથી અને ટ્રોલ કરો તે તો અસહ્યેબલ છે. જય વસાવડા પોતાની પોસ્ટમાં સામેના ખમતી ધરવીરને સમજાવી સમજાવીને થાકી જતા હશે, પણ નહીં તે બે છેડા પકડીને જ રાખશે. જય વસાવડા પાછા તમામને જવાબ આપે છે. હવે તમે તેમની કોમેન્ટો વાંચી છે ? આટલી બધી કોમેન્ટોમાંથી જ ક્યાંક માઈક્રોફિક્શન મળી જાય.
આપણા માટે તો આ સામાન્ય વાત છે. પણ હસવા હસાવવા માટે પેલા વાંકી કમરવાળા ભાઈને આખા ભારતે ઘુમાવી મારેલો. તેમાં હું પણ હતો ! તે ભાઈ ટ્રોલ થતા હતા, પણ તેમને ખ્યાલ હશે કે નહીં, કે પછી તે સોશિયલ મીડિયાના યુઝર જ નથી. વચ્ચે પ્રિયંકા ચોપરાનું ગાઉન તેની હેરાનગતિનું કારણ બનેલું. ગાઉનમાંથી ફોટોશોપ કરી લોકોએ તંબૂ બનાવી દીધેલો. એ હદે કે વાંકી કમરવાળા ભાઈનું પ્રિયંકાના ગાઉન પર બેસણું પણ ગોઠવી મારેલું.
અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના વર્ષો પહેલા છૂટાછેડા થઈ ગયા અને હવે તો સારા અલી ખાન કૈદારનાથ ફિલ્મમાં આવવાની છે, પણ સૈફ અને અમૃતાએ જ્યારે લગ્ન કર્યા ત્યારે અમૃતાએ નાકમાં મોટી નથણી પહેરેલી. લોકોને આ ભૂતકાળમાં પણ મજા સૂઝી, તેમણે આ ફોટો ઉપાડી ટ્વીટર પર શેર કર્યો, અને ત્યાં કોઈ નટખટી બેને પ્રથમ કોમેન્ટ મારી, ‘શનિ ગ્રહની આસપાસ ફરતા વલયો કરતા પણ અમૃતાની નથણી મોટી છે.’ પૂરૂ આખુ ગામ જામી પડ્યું.
આઈફામાં ધોની ફિલ્મ માટે સુશાંત સિંહ રાજપૂતને નોમિનેશન મળેલું, પણ એર્વોડ શાહિદ કપૂર ઉડતા પંજાબ માટે લઈ ગયો. ટ્વીટર પર સુશાંતને ટ્રોલ કરવામાં આવ્યો. એક કોમેન્ટ સાંભળો, ધોની ફિલ્મનો એક સીન કોઈ ભાઈએ કેપ્ચર કરી લીધો. અને નીચે કોમેન્ટ લખી, ‘ઓર ફિર આતા હૈ, શાહિદ કપૂર, બહોતે મારા… ધાગા ખોલ કે રખ દિયા એકદમ…’ સમજને વાલે કોં ઈશારા કાફી.
પ્રિયંકા ચોપરાએ જર્મનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ડ્રેસ પહેરાય જ કેમ ? ટ્રોલ કરો ! હવે તેણે શું પહેરવું તે પણ આપણે નક્કી કરવાનું ? ઈશા ગુપ્તાએ શા માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું ? તો પેલી બટકબોલીએ વધુ એક ફોટોશૂટમાં પોતાના સ્તન સામે દાડમ રાખી દીધા. આ લો…. ઉપરનું બધુ ટ્રોલિંગ હતું, જેના સેલિબ્રિટી જવાબ નથી આપી શક્યા. અને એશાએ જડબાતોડ જવાબ આપ્યો. તમારે ટ્રોલર્સને જવાબ કેવી રીતે આપવો તેનો કોર્ષ કરવાની જરૂર નથી. કમાલ. આર. ખાન કે ટ્વીંકલ ખન્ના અથવા તો રિષી કપૂરના ટ્વીટર પર ચાલ્યા જવાનું. રિષી કપૂર તો રોજ પાકિસ્તાની ટ્રોલર્સ સામે જ જંગે ચઠતા હોય છે. ભારતે જેટલા યુદ્ધ પાકિસ્તાન સામે નથી કર્યા, તેટલા એકલે હાથે રોજ રિષી કપૂર કરે છે.
હવે આ ટ્રોલિંગની ઉત્પતિ કેમ થઈ, તેનો જવાબ અગાઉ એક લેખક આપી ચૂક્યા છે. શોધી લેવું, પણ તમારે સોશિયલ મીડિયા પર ટકવું હોય તો ટ્રોલરને તો સહન કરવાના જ રહ્યા. ખબર નહીં આ બધા એકબીજાને ઓળખતા નથી હોતા તો પણ કેવી રીતે ભેગા થઈ જાય છે ? આ પણ એક સંશોધનનો વિષય છે.
~ મયુર ખાવડુ
Leave a Reply