પ્રકાશ જાવડેકર એક સ્કૂલની મુલાકાતે ગયા. ત્યાં જઈ બાળકોને તેની સમસ્યા પૂછી. બાળકો મૂળ તો મધ્યાહન ભોજનની સમસ્યાને બયાન કરતા હોવા જોઈએ તેના બદલે તેમણે કહ્યું કે, ‘અમને ઈતિહાસ અઘરો પડે છે, કાઢી નાખોને.’ ઈતિહાસ જ્યારે તેમના ઘરનો જમાઈ હોય, તે રીતે જાવડેકર સાહેબ બોલી ગયા, ‘હા, હવે તમને 2014 પછીનો જ ઈતિહાસ ભણાવવામાં આવશે.’ એટલે રાજદિપ સરદેસાઈની ઈલેક્શન પરની બુક પણ આફતમાં આવી ગઈ. ઊપરથી બાળકો એક સૂરમાં આલાપ કરતા હતા, ‘સાહેબ, અમારા સાહેબો પણ જોઈ જોઈને ભણાવે છે, એમને પણ તકલીફ પડે છે.’ જાવડેકર સાહેબ ત્યાંથી નીકળી ગયા. જ્યાં ઈતિહાસના કારણે અડધી દુનિયા ચાલતી હોય, ભારત-પાકિસ્તાનથી લઈને કોરિયનો અને રશિયન વિરૂદ્ધ અમેરિકનો લડાઈ લડવા તાગમાં બેઠા હોય, ગાંધીએ ગોળી ખાધી હોય, ત્યાં ઈતિહાસની જ બાદબાકી કરી નાખો તો દરેક માણસના મગજમાંથી યાદશક્તિ છીનવી લીધા બરાબરનું અધમ કૃત્ય આચર્યુ કહેવાય.
જાવડેકર સાહેબના મત પ્રમાણે જો ઈતિહાસ 2014 પછી જ ભણાવવો જોઈએ તો એક હોલિવુડ ફિલ્મનો ઈતિહાસ તમને કહું. આમ તો ફિલ્મમાં હોલિવુડ ટાઈપ એક્શન સિવાય કશું નથી. પણ મહાભારતના કુરૂક્ષેત્ર અથવા તો બાહુબલીના કાલ્પનિક મેદાનને ટૂંકુ પાડે તેવા પ્રકારના એક્શન સીન્સ છે. અને આ ફિલ્મના ઈતિહાસની શરૂઆત થાય છે, 1977ની આસપાસ જેનું નામ છે મેડ મેક્સ:ફ્યુરી રોડ. વિચારો 1977ની આસપાસ શરૂ થયેલી દાસ્તાન છેટ 2015માં આવીને અટકે એટલે…
ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરમાં ત્યારે ઓઈલ અને પાણીની તંગી પ્રવર્તી રહી હતી. ઈરાન અને ઈરાક જેવા મુસ્લિમ રાષ્ટ્રોએ પેટ્રોલિયમની પેદાશોના ભાવ વધારી દીધા હતા, તો બીજી બાજુ પડખામાં એક વધુ પાટુ લાગ્યું, વરસાદ ઓછો પડવાના કારણે ઘણા રાષ્ટ્રોમાં પાણીની અછત વર્તાવા લાગી. આવા સમયે તમારા મગજની દુકાન બંધ થઈ જાય. પણ એક ભાયડો એવો હતો જેની દુકાનનું શટર અચાનક ખૂલી ગયું. અત્યાર સુધી તો તેણે પોતાની ફિલ્મી દુકાનમાંથી હેપ્પી ફિટ, લોરેન્ઝો ઓઈસ અને અમેરિકન નવલકથાકાર યુડીપીની નોવેલ પર આધારિત ધ વિચીસ ઓફ ઈસ્ટવિક જેવી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મો સદંતર ફ્લોપ નીવડેલી અને આજે પણ અમેરિકામાં 90 ટકા ફિલ્મો ફ્લોપ જવાનો રેશિયો છે, એ રેશિયામાં સમાવિષ્ટ થઈ ગયેલી.
આ ફિલ્મમેકરનું નામ હતું જ્યોર્જ મિલર. જ્યોર્જના મગજની દુકાનનું તાડુ ખૂલ્યું અને તેણે ફિલ્મ બનાવવાનું એલાન કર્યું. સ્ક્રિપ્ટ જેવું હાથમાં કશું હતું નહીં. કારણ કે જ્યોર્જ પહેલાથી વિઝ્યુઅલી સ્ટોરીને ટ્રીટ કરવા ટેવાયેલા હતા. એટલામાં એક કોમિક બુક બહાર પડી અને આ કોમિક બુક ઓલરેડી તેમના વિચાર પર આધારિત હતી. તેમને લાગ્યું કે મારા કરતા પણ વધારે વિચારવાવાળા આ દુનિયામાં પડ્યા છે. તેમણે આ કોમિકને જ લઈ ફિલ્મ બનાવવાનું નક્કી કરી નાખ્યું. ત્યારે મેલ ગિબ્સન નામનો બાવડેબાજ અદાકાર હતો, જેને અમેરિકન યુવતીઓ જોઈ પોતાના કપડા ફાડી નાખતી સેમ લાઈક જીમ મોરીસન.
આ કોમિક અને મેલ ગિબ્સનને લઈ તેણે એક ઊડધુડ ફિલ્મ બનાવી. અને આ ફિલ્મનું નામ મેડ મેક્સ. 1979માં ફિલ્મ રિલીઝ થઈ, પરંતુ ફિલ્મનો કોઈએ ભાવ ન પૂછ્યો. પણ જ્યોર્જને એમ કે આની સિક્વલમાં કોઈ આવશે પરિણામે અમેરિકન ટ્રેડને ફોલો કરતા તેમણે સિક્વલ પણ બનાવી અને ક્રિએટીવીટીના ઓડકારના અભાવે તેની પણ સિક્વલ બનાવી. કિન્તુ કોઈકાળે જ્યોર્જનો જાદુ કામ નહતો કરતો. આખરે તેમણે નક્કી કર્યુ કે હવે આ ફિલ્લ્મ બિલ્લમનો ધંધો મુકી અને કંઈક બીજુ કરવુ જોઈએ. વચ્ચે બીજા માટે સ્ટૉરીઓ લખી. પ્રોડ્યુસ કરવાના ક્ષેત્રમાં આંઘળો જંપ માર્યો, તેમાં પણ ફેલ ગયા. અને મેડમેક્સ ફ્રેન્ચાઈઝી અંધારામાં અલોપ થઈ ગઈ. જયોર્જ વિચારતા હતા કે મેલ ગિબ્સન જેવા સુપરસ્ટારને લઈ બનાવેલી ફિલ્મ ક્રિટિકલી હિટ ન જાય તે તો બરાબર, પણ શું એટલા રૂપિયા પણ કમાઈ ન આપે ? આખરે મારો આઈડિયા ફ્લોપ હતો !?
આ વિચારમાં હતા ત્યાં વર્ષોના વહાણ વિતી ગયા. જ્યોર્જ કરતા સારા ડિરેક્ટરો આવવા લાગ્યા. તેમાં એક નવાસવા ડિરેક્ટરની એન્ટ્રી થઈ. તેણે બનાવેલી પહેલી ફિલ્મની તો લોકો પ્રશંસા કરતા હતા, પરંતુ સમજવામાં આવતી નહતી. આ ભાઈ આટલા ઊંચા પર્વત પર ચઢીને કહેવા શું માગે છે ? બધા આજ પૂછતા હતા, પણ તેની બીજી ફિલ્મે તો બોક્સઓફિસ પર ધબધબાટી બોલાવી દીધી. આ ડિરેક્ટર હતો ક્રિષ્ટોફર નોલાન અને એ ફિલ્મ હતી બેટમેન બિગીન્સ. સારૂ હશે… નવો વિદ્યાર્થી ક્લાસમાં પોતાની હોશિયારી વધારે બતાવે ! આ વિચારે જ્યોર્જ મિલરે ફિલ્મ જોઈ હાલતી પકડી, પણ 2008માં આ ડિરેક્ટર ફરી ત્રાટક્યો. અને આ વખતે તેની સાથે જોકર હતો. એટલે કે હિથ લેજર. થીએટરમાં જ્યોર્જેે ફિલ્મ જોઈ અને ઊંઘેમાથ થઈ ગયા. પોતાના મેડ મેક્સ આસિસ્ટંન્ટોને ફોન કરી કહેવા લાગ્યા, ‘અલ્યા એય, જાગો નવો મેક્સ મળી ગયો છે, અને પાછો ખૂંખાર વિલન છે.’ જ્યોર્જની નજર હિથ લેજર પર હતી. તેમણે અનુમાન બરાબર લગાવ્યું હતું કે, હિથ જો જોકરમાં આટલો પાવરફુલ રોલ કરી શકે, તો પછી મેક્સના રોલમાં તે સ્ક્રિન તોડી નાખવાનો, ત્યાં થોડા જ દિવસોમાં જ્યોર્જને ખબર પડી કે, હિથે તો દુનિયાને અલવિદા કહી દીધુ છે. જ્યોર્જથી ત્યારે ડૂસકુ મુકાઈ ગયું,‘આ માણસ જો એકવાર મેક્સ બનેત, તો હું લોકોને બતાવી દેત કે, મારી મેડમેક્સ સિરીઝ હજુ ચાલે તેમ છે.’
પણ બીજી બાજુ ક્રિષ્ટોફર કલાકારોને ઘડતા હતા, બાકી કોઈ દિવસ હિથને આ દુનિયામાં કોઈ ઓળખતું નહોત. તેમણે વધારે એક જોરાવર જેવા કલાકારને તૈયાર કર્યો. અને બેટમેનના ફાઈનલ પાર્ટ બેટમેન રાઈસીસમાં લીધો. અગાઊ તે નોલાન સાથે ઈન્સેપ્શનમાં કામ કરી ચૂક્યો હતો. તેનું નામ હતું ટોમ હાર્ડી. જ્યારે ફિલ્મ સ્ક્રિન પર આવી ત્યારે જ્યોર્જ ચકિત થઈ ગયા અને તેમણે નક્કી કર્યું હવે આજ બનશે મારો મેક્સ. હિથ તો હજુ શરીરે પાતળો હતો, પણ જે ટૉમ હાર્ડી બેનના રોલમાં ખતરનાક લાગેલો તે મેક્સના રોલમાં તો ઘણો ખતરનાક લાગશે જ. આ વિચારે તેમણે મેક્સ માટે ટોમ હાર્ડીને ફાઈનલ કરી લીધો. ટોમે પણ હા કરી નાખી. જ્યારે મેડ મેક્સ ફ્રેન્ચાઈઝીની એનાઊન્સમેન્ટ કરવામાં આવી ત્યારે લોકો ટોમને આ કેરેક્ટરમાં જોવા માટે તલપાપડ થવા લાગ્યા. એટલે જ્યોર્જને ખ્યાલ આવી ગયો આપણે પાપડ બરાબરનો ભાંગ્યો છે. ત્યાં જ્યોર્જે નો-બોલમાં સિક્સર ફટકારી, તેણે ચાર્લિસ થેરોનને પણ કાસ્ટ કરી. એટલે ફેન્સ કાબૂ બહાર થઈ ગયા.
જ્યોર્જ મિલરના મનમાં એક વિચાર પરફેકટ હતો, હું સ્ટોરી અને ડાઈલોગ ઓછા લખીશ, પણ એવી ફિલ્મ બનાવીશ કે જાપાનીઝ લોકો ઈંગ્લીશમાં જુએ તો પણ તેમને સ્ટોરીની ખબર પડી જાય. આ વખ્તે જ્યોર્જે નામ્બિબિયાનું રણ યુદ્ધના મેદાન માટે પસંદ કર્યું. અને જ્યારે શૂટિંગ સ્ટાર્ટ થયું ત્યારે રિતસરના ક્રૂ ઊપર સરમુખત્યારી જાડવા લાગ્યા. કોલિન ગિબ્સનને અફલાતુન કાર ડિઝાઈન કરવાનું કહેવામાં આવ્યું. 80 જેટલી કાર તેમની પાસે તૈયાર કરાવડાવી. ફિલ્મ જોશો તો ખ્યાલ આવશે કે આવી કાર તો નર્કમાં હોય. મેક્સ અને બીજા સાથી કલાકારો જે કારમાં બેસવાના હોય છે, તે ખટારા જેવા ડાલામથ્થા બુલડોઝર કહી શકાય તેવા વ્હિકલનું નામ ઈન્ટરસેપ્ટર હોય છે. કોલિન ગિબ્સનને ઓર્ડર મારી મારી જ્યોર્જે આ ખટારો 1973ની ડિઝાઈનોની યાદ અપાવે તેવો બનાવડાવ્યો. વિલન ઈમોર્ટરનું વ્હિકલ ચેવી ફ્લિટમાસ્ટર, વ્હોક્સવેગન અને ટાટ્રા (તાતા નહીં) જેવી કારોની ડિઝાઈન ભેગી કરી બનાવવામાં આવ્યું. જેના કારણે તે ખલનાયક હોય તેવો ભાવ ઓડિયન્સના મગજમાં જાગૃત રહે. ઊપરથી તેના ટ્રકના વ્હિકલ પણ તેના રોલ સાઈઝ મોટા રાખવામાં આવ્યા. ફિલ્મમાં રાઈટીંગ પ્રોસેસ કરતા વિઝ્યુઅલ પ્રોસેસ વઘારે હતી, જેના માટે જ્યોર્જે 1465 સ્ટોરીબોર્ડ તૈયાર કર્યા પરિણામે રોડ પરની એક્શન જર્ની ઓડિયન્સને જોવામાં તકલીફ ન પડે. આ માટે 3454 જેટલા આસિસ્ટંન્ટ રાખવામાં આવ્યા. જેમને સ્ક્રિપ્ટનું નહીં રોડમેપનું ધ્યાન રાખવાનું હોય. અધવચ્ચે એવો તબક્કો આવ્યો કે ટોમ હાર્ડી સેટ પર ગુસ્સે થઈ ગયો, ‘આ શું બનાવો છો, રેતીમાં ટ્રક જાય છે અને ધમાચકડી મચે છે. છેલ્લા કેટલાય દિવસથી આપણે એક્શન સિક્વન્સ સિવાય કોઈ બીજા પાસાનું શૂટિંગ જ નથી કરી રહ્યા. અને ડાઈલોગ ક્યાં ગયા ?’ ટોમનો ગુસ્સો યોગ્ય હતો, પણ તેણે ડિરેક્ટરને સમજાવવાનું નહોય !
જ્યારે ત્રણ મહિના સુધીમાં આ ધડાધડી પતી અને તમામ લોકો આરામ કરવા પથારીમાં પડ્યા ત્યારે જ્યોર્જ માટે મુસીબત ઘટવાની જગ્યાએ વઘી ગઈ. 2 કલાકની ફિલ્મ બનાવવા માટે 480 કલાક શૂટ થયેલું એડિટીંગ કટ કરવાનું હતુ. અને આ કામ એક જ વ્યક્તિ કરી શકે જ્યોર્જની ધર્મપત્ની માર્ગારેટ સિક્સેલ. જેણે પરફેક્ટ કાપાકાપી મારી, 2 કલાક 2 મિનિટની ફિલ્મ તૈયાર કરી આપી. આંખો પહોડી કરી દે અને શ્વાસ થંભાવી દે તેવી એક્શન સાથે.
હવે જ્યારે એક્શન ફિલ્મ હોય અને જ્યોર્જ મિલર બનાવતા હોય ત્યારે તેના સ્ટંટના બાંશિદા પણ એવા હોવાના. એક બે નહીં પણ પૂરા 1700 સ્ટંટમેનને કામે લગાવ્યા, જેમને ઓપરેટ કરવાનું કામ મેઈન 150 સ્ટંટમેન કરતા હતા. જે સમયે માર્ગારેટ સિક્સેલે એડિટીંગ કમ્પલિટ કર્યુ ત્યારે તેના 90 ટકા સ્ટંટ સાચા હતા.
જ્યોર્જ મિલર હંમેશાથી જાપાનીઝ ગેમના દિવાના રહ્યા છે. 2009ના ઈન્ટરવ્યુમાં તેમણે કહેલું કે, ‘હું આ ફિલ્મ વિશે વિચારતો હતો ત્યારથી તેને જાપાનીઝ ગેમ સ્ટાઈલ બનાવવા માગતો હતો, અને મેં કરી બતાવ્યું.’ જ્યોર્જની ફેવરિટ ગેમ પણ જાપાનની અકિરા ગેમ જ છે.
2015માં ફિલ્મ બની, પણ જ્યારે પહેલી ફિલ્મ બની ત્યારે ટોમ હાર્ડીની ઊંમર 2 વર્ષની હતી. અને તેનો ખલનાયક હ્યુ કિ બાયરન જે જ્યોર્જની જેમ ઓસ્ટ્રેલિયાનો છે, ટોમ તેનો દિવાનો હતો. કોઈ દિવસ તેણે વિચાર્યુ પણ નહતું કે, હું મારા ફેવરિટ ખલનાયક સામે હિરોઈક રોલને અદા કરીશ. 2015ની ફિલ્મ માટે શૂટિંગના સેટ પર હ્યુ આવ્યા ત્યારે બધા લોકો ભગવાન આવ્યા હોય તેમ ઈમોર્ટર ઈમોર્ટર બોલવા લાગેલા. વિચારો 1800નું ક્રૂ આવુ બોલે એટલે કેટલી ઊપલબ્ધિ કહેવાય. આ હ્યુનું અત્યારસુધીનું બેસ્ટ કોમ્પલિમેન્ટ હતું.
આખી ફિલ્મ જોઈને લાગે કે આમા તો ધૂમ ધડાકાને કાપો મારો સિવાય કંઈ નથી. પણ હકિકતે જ્યોર્જે ફિલ્મમાં ફેમિનિઝમને લગતો મેસેજ આપ્યો છે. અને એટલા માટે ઈતિહાસ જાણવો જરૂરી છે જાવડેકર સાહેબ…..
~ મયુર ખાવડુ
Leave a Reply