સ્વામી રામતીર્થ એકવાર જાપાનની મુલાકાતે ગયા. ત્યારે તેમને નિયમ હતો કે ચુસ્ત ફાળાહાર કરવો. ટ્રેનમાં બેઠા હતા, ભૂખ લાગી હતી. પણ કોઈ જગ્યાએ ફળની દુકાન નહતી આવતી. જ્યાં જુએ ત્યાં બીજી વાનગીઓ પણ ફળ નહીં. એટલામાં સ્વામી રામતીર્થના મુખેથી બોલાઈ ગયું, ‘જાપાનમાં કદાચ સારા ફળો નહીં મળતા હોય…’ જાપાનના લોકોના કાન ખુલ્લા હોય છે. તેમની પાછળની સિટમાં બેસેલો યુવક આ સાંભળી ગયો. ટ્રેન થોડીવાર થોભી કે બહાર ગયો. ફળોની ટોકરી લઈ સ્વામી રામતીર્થને ભેટમાં આપી દીધી. સ્વામીજીએ આ ટોકરીની કિંમત પૂછી તો પેલા યુવકે જવાબ આપ્યો, ‘માફ કરજો પરંતુ હું આના પૈસા નહીં લઊં, મારા તરફથી તમને ભેટમાં આપુ છું, પણ તમારા દેશમાં જઈને એમ ન કહેતા કે, જાપાનમાં સારા ફળો નથી મળતા.’
એકવાર જાપાનમાં એક વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે આવ્યો. લાઈબ્રેરીમાંથી એક બુક લીધી. તેની અંદરના ચિત્રો તેને પસંદ આવી ગયા એટલે તેણે ફાડી લીધા અને પુસ્તક લાઈબ્રેરીએ આપી આવ્યો. જ્યારે બીજા વિદ્યાર્થીએ આ પુસ્તક લીધુ તો તેણે લાઈબ્રેરીયનને ફરિયાદ કરી. પોલીસ કેસ દાખલ થયો. વિદ્યાર્થીની કલાકોમાં જ ધરપકડ થઈ ગઈ. તેને તેના વતન મોકલી દેવામાં આવ્યો. અને નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ દિવસ આ માણસના દેશના એક પણ વ્યક્તિને જાપાનમાં પ્રવેશ નહીં આપતા. જાપાનમાં પુસ્તકોનો આ પ્રેમ છે.
ધ વુલ્વરીન ફિલ્મ જોઈ હશે તેને ખ્યાલ હશે, જાપાનમાં એક રિવાજ છે. કોઈ દિવસ તમે ચોપસ્ટિક ભોજનમાં ખોસીને ઉભી ન રાખી શકો. તેને અપશકુન માનવામાં આવે છે. ઉભી ચોપસ્ટિક ખોસેલી હોય એટલે તે મૃત્યુની નિશાની છે. તેને અગરબતી સાથે સરખાવવામાં આવે છે. આજ રીતે જાપાનમાં તમે સમુરાઈ તલવારને એક હાથે ન પકડી શકો, તેને પણ અપશુકન માનવામાં આવે છે. બીજી કોઈ તલવાર એક હાથે પકડી શકાય, પણ જાપાનની સમુરાઈ તલવારની એક ઈજ્જત હોય છે, તેને બે હાથે જ પકડવાની.
જાપાનની લોકકથા અનુસાર તેમણે સૂર્ય અને ચંદ્રની રચના કરી છે. આ સિવાય હાલના તેના ભૂગોળને જોવામાં આવે તો 70 ટકા વિસ્તાર પહાડીઓએ રોકેલો છે, જેમાં 200 જ્વાળામુખી છે. પરિણામે ગમે ત્યારે કુદરતી આફતોથી જાપાન ઘેરાયેલો રહે છે. શ્રદ્ધા અને મહદઅંશે અંધશ્રદ્ધામાં માનતા જાપાન દેશની સૌથી મોટી ખાસિયત કોઈ માનવામાં આવતી હોય તો તે છે, જાપાનની તાકાત. હિરોશિમા અને નાગાસાકીમાં થયેલા વિસ્ફોટો, ફુફુશિમા રિએક્ટર પ્લાન્ટનું ફાટવું, ચક્રવાતો આવવા. આટલી બધી મુસીબતો છતા જાપાનને પોતાનું સિટી ફરી ઉભું કરતા માત્ર 5 વર્ષ લાગે છે. વર્ષના 1500 ભૂકંપના ઝટકા જાપાનમાં આવે છે, એટલે કે એક દિવસના ચાર…. આજની તારીખે પણ દુનિયાભરનો વિનાશ થઈ જાય તો હું માનું છું સૌથી પહેલી દુનિયા રચવાનું કામ પણ જાપાન જ કરશે.
જાપાની સ્ત્રીઓ સુંદર હોય છે, શરીરમાં પાતળી હોય છે. મોટાભાગની સ્ત્રીઓના સ્તન નાના હોય છે. સમય જતા શરીર વધે બાકી જાપાનના મોટાભાગના લોકો મુજબ લાંબુ આયુષ્ય ભોગવે છે. ત્યાં 82 વર્ષની ઉંમર તો સામાન્ય નાગરિકની હોય જ છે. તો સૌથી પાઠડા એવા સુમો પહેલવાન પણ ત્યાંના જ છે.
ભારત એક સમયે પરંપરામાં જીવતો હતો. સફાઈ વિદ્યાર્થી અને શિક્ષકોએ મળીને કરવાની. જાપાનમાં આ પરંપરા હજુ ચાલે છે. પરંતુ ભારતમાં હવે આવુ થાય તો તેના વીડિયો વાયરલ થઈ જાય. ન્યૂઝ બની જાય. જાપાનમાં આ વસ્તુ શિક્ષણનો ભાગ છે. ત્યાં 10 વર્ષની ઉંમર સુધી વિદ્યાર્થી ભણતો નથી. તેમને પોતાના લાંબા આયુષ્યનો ખ્યાલ છે. પરિણામે 10 વર્ષ બાદ તે જ્યારે પણ ભણવા માટે બેસે ત્યારે તેનું મગજ તેની ઉંમરના બીજા દેશના વિદ્યાર્થીઓ કરતા તેજ ચાલે છે. હકિકતનું એક પાનું આ પણ જોઈ લો… 1949માં હિડેકી યુકોવાને પ્રથમ નોબલ પ્રાઈઝ ફિઝિક્સમાં એનાયત કરવામાં આવ્યો. ત્યારથી અત્યારસુધીમાં 24 નોબલ પ્રાઈઝ જાપાન પોતાના દેશ માટે લઈ ચૂક્યું છે. બીજી તરફ સાહિત્યની ખૂબ પ્રશંસા અને સેવા કરતા જાપાન પાસે 1994માં કેન્ઝ્બ્રુ ઓએ જીતેલો સાહિત્યનો એકમાત્ર નોબલ પ્રાઈઝ છે. અને જાપાન આશા રાખી બેઠુ છે કે, હારૂકી મુરાકામી આગામી નોબલ પ્રાઈઝ તેને અપાવે. આ માટે અગાઉ હારૂકી નોમિનેટ પણ થયેલા.
વિશ્વભરમાં આતંકવાદની વાતો થઈ રહી છે, ત્યારે જાપાન દુનિયાનો એવો દેશ છે, જેણે મુસ્લિમોને નાગરિક્તવ આપેલું છે. જાપાનમાં ટ્રેન પણ મોડામાં મોડી 18 સેકન્ડ લેટ થાય છે. અને આજની સાલે પણ પુસ્તકોમાં સૌથી વધુ 20 ટકા કોમિક બુક પ્રકાશિત કરવામાં આવે છે. ભારતમાં એક સમયે ફેમસ એવા કાર્ટુન સમુરાઈ જેક અને હાલના નિન્જા હથોરી, ડોરેમોન, હગેમારૂ આ બધા જાપાનીઝ કાર્ટુન જ છે. સ્કુબી ડુ કે ટોમ એન્ડ જેરીની ટીઆરપીનો ભૂક્કો બોલાવવામાં પણ જાપાને પાછુ વળીને નથી જોયું. આમ છતા ભીમ સામે આ કાર્ટુનનું કંઈ નથી આવતું.
જાપાન એવા ઘીનોના કૃત્યો કરે છે, જે આપણે ન કરી શકીએ. ત્યાં ફૂડમાં ફુગુ ફિશ માછલી પીરસવામાં આવે છે, જે ઝેરીલી હોય છે, અને તેને બનાવ્યા બાદ સૌથી પહેલા રસોયો તેને ચાખે છે. કારણ કે તેના માટે ગ્રાહક તેનો રાજા છે. આ ફિશ બનાવતી વેળાએ રસોયાએ 11 વર્ષની ટ્રેનિંગ લીધી હોવી જરૂરી છે. બીજી તરફ આવા જ ભોજનના મામલે શ્રીમાન સુમો પહેલવાન જેમાં ખાસ કરીને ‘યોકોજુના’ (ગ્રાંડ-ચેમ્પિયન) હોય તો તેણે કાચબાનું ગળુ કાપી તેનું લોહી પીવુ પડે છે. (નેશનલ જ્યોગ્રોફીની ડોક્યુમેન્ટ્રીમાંથી)
ભારત કરતા વિસ્તારમાં ઘણો નાનો દેશ જાપાન ટેકનોલોજીમાં ખૂબ આગળ છે, ત્યાં સ્નાન કરતા કરતા મોબાઈલ વાપરવાની ટેવ હોવાના કારણે તમામ લોકોના મોબાઈલ વોટરપ્રૂફ હોય છે. મોબાઈલની માફક જ બે વિચારો અને બે જીવનશૈલી વચ્ચે જીવતો દેશ જાપાન છે. દીવા તળે અંધારૂ હોય તેમ બિલ્ડીંગની પાછળ ઝુપડપટ્ટી હોય જ. જ્યાં આપણા માટે આપણી કાળી બિલાડી અપશુકનિયાળ છે, ત્યાં તેમના માટે તે શુકનિયાળ છે. ત્યાંના એક પવિત્ર મંદિરનું દર 20 વર્ષે નિર્માણ કરવામાં આવે છે, તો અહીં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. જાપાનમાં તમે ટીપ આપો તો સામેનો વેઈટર તે પાછી આપી દેશે, અને ભારતમાં ટીપ આપવાનો રિવાજ નથી. એટલે બંન્ને બિલ્કુલ સમાન છે. જાપાનમાં લીટલબોય ઔસત ઠિંગણા અને ફેટમેન સુમો જેવા લોકો છે. જેને પરમાણુ બોમ્બ લિટલબોય અને ફેટમેનની સાથે આપણે સરખાવી શકીએ.
2017માં જાપાનમાં એવા 10 લાખ યુવાનોની ગણતરી કરવામાં આવી છે, જે તેમનું પોતાનું ઘર છોડી એકલા રહેવા ચાલ્યા ગયા હોય. દુનિયાથી અલિપ્ત થઈ ગયા હોય. આવા લોકોને જાપાનમાં હિકિકોમોરી કહેવામાં આવે છે અને આપણે ત્યાં સાધુ કે સંત ? લાગે છે ભારત હવે આધુનિકતા તરફ જઈ રહ્યું છે, કારણ કે તેણે હજુ કેટલુંક પ્રાપ્ત કરવાનું બાકી છે, અને જાપાન હવે આધ્યાત્મિકતા તરફ જઈ રહ્યું છે, કારણ કે તેણે બધુ મેળવી લીધુ છે.
~ મયુર ખાવડું
(નીચેની તસવીરમાં મારો ફેવરિટ સુમો આસાસુર્યો છે.)
Leave a Reply