⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔
ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ
ஜ۩۞۩ஜ મૌર્ય વંશનાં સ્રોતો અને વંશાવલી ஜ۩۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૧૮૦)
“હિંદુ લોકોમાં પરલોકદ્રષ્ટિ વધારે છે ને આ લોકની વ્યવસ્થા વિષે સાવ બેપરવાઈ છે એવું માનનારાઓએ કૌટિલીય અર્થશાસ્ત્ર વાંચી લેવું જોઈએ”
– મનુભાઈ પંચોળી (શ્રી દર્શક)
“મૌર્ય સામ્રાજ્યની સ્થાપના એ ભારતના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ બનાવ છે.”
– ડો. રાધાકુમુદ મુખર્જી
➡ ભારતનો સાચો ઈતિહાસ જ હવે શરુ થાય છે એટલે સૌ પ્રથમ ઈતિહાસ એટલે શું એ જાણી લેવું અત્યંત આવશ્યક છે.
➡ “ઈતિહાસ” શબ્દ ત્રણ શબ્દનો બનેલો છે.
ઇતિ +હ +આસ
➡ ઇતિ = આવું, આવી રીતે, આ પ્રમાણે
હ = નિશ્ચિતરૂપે (જ)
આસ = હતું
➡ એટલે ઇતિહાસનો આર્થ આ રીતે થાય — “આ પ્રમાણે જ હતું.” એટલે કે જે બનાવો નિશ્ચિતરૂપે બન્યાં છે તે જ તો ઈતિહાસ છે. આમ, ઇતિહાસનો અર્થ “આ પ્રમાણે જ હતું”એમ માની લઈએ તો તરત બીજો પ્રશ્ન એ આપણી સમક્ષ ઉપસ્થિત થાય કે આ પ્રમાણે શું (What) ક્યારે (When) અને કેવું (How) હતું? તે પ્રશ્નોના જવાબ ઈતિહાસ નથી આપતો એ તો આપણે જાતે જ શોધવાના હોય છે અને એ જવાબો એટલે જ તો એનું નામ છે ઈતિહાસલેખો. તારણ અને અવલોકન આપણું પણ બનાવો અને નિર્ણય તો ઇતિહાસનો જ ! આ જવાબ વર્તમાનમાંથી તો નથી જ મળતાં હોતાં ભવિષ્ય તો હંમેશા પ્રશ્નાર્થચિહ્ન બનીને આપણી સમક્ષ ઉભું હોય છે એટલે આપણી પાસે એક જ વિકલ્પ રહ્યો અને એ છે ભૂતકાળમાં ડોકિયું ! આમેય આ “હતું” શબ્દ એ ભૂતકાળનો સૂચક છે. માટે જ એમ કહેવાય છે કે —ભૂતકાળમાં થયેલાં કાર્યોનો સંગ્રહ એટલે જ તો ઈતિહાસ. આ માટે ચંદ્રભાઈ ભટ્ટના શબ્દો યાદ કરી લેવાં જેવાં છે —-“થવાની આ પ્રક્રિયાનો, વીતી ગયેલા જમાનાનાજીવનનો અભ્યાસ એટલે જ તો એને કહેવાય છે ઇતિહાસનો અભ્યાસ.”
➡ ઈતિહાસને ફક્ત ભૂતકાળની નોંધ માની લઈને ફ્રીમેન જેવા ઇતિહાસકારે તેને “ભૂતકાલીન રાજકારણ” કે “જીવંત ભૂતકાળ”પણ કહ્યાં છે. પરંતુ એ છે ઈતિહાસ સમજવાનો સંકુચિત દ્રષ્ટિકોણ. કારણકે ઈતિહાસ તો માનવના જીવન સંગ્રામની કથા છે.
➡ ઈતિહાસ ઉપર તો ઘણું ઘણું લખી શકાય તેમ છે. હજી બીજાં રાજવંશો વખતે તે વાતો કરશું આત્યારે તો ભારતની શાન સમા મૌર્યવંશની જ વાત કરવી જ ઉચિત ગણાય. મૌર્ય વંશના બે રાજાઓ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક પર અને મહામાત્ય ચાણક્ય ઉપર હું અગાઉ લખી જ ચુક્યો છું પણ કેટલીક વિગતો એમાં ખૂટતી હતી એટલે એનો સમાવેશ અહી કરવાનો જ છું. હા….. થોડીક વાતો મેં નંદવંશમાં રાજા ધનનંદ વખતે કરેલી જ છે એ વાતોનું હું અહીં પુનરાવર્તન નહીં જ કરું.
✔ મૌર્ય સમ્રાજ્ય –
➡ મગધ સામ્રાજ્યવાદના ઉદય સાથે જ મૌર્ય સામ્રાજ્યનો પાયો નાંખવો સંભવ થઇ શક્યો. છઠ્ઠી શતાબ્દીમાં જે મહાજનપદો આસ્તિત્વ ધરાવતાં હતા તેઓનો શક્તિ પ્રદર્શન દ્વારા મગધમાં વિલય કરી દઈને મોર્યોએ એક વિશાળ મગધ સામ્રાજ્યની સ્થાપના કરી. આ જ સમયમાં ભારત એક થયું એ સંપૂર્ણ ભારત બન્યું. આનો શ્રેય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકને જાય છે. મગધ સામ્રાજ્યની સ્થાપનાનો શ્રેય મૌર્ય સામ્રાજ્યના પ્રથમ શાસક ચંદ્રગુપ્ત મૌર્યને જાય છે. ભારતીય ઇતિહાસના સંપૂર્ણ કથાનકમાં મૌર્ય સામ્રાજ્યની મહત્તા સર્વોપરી રહી છે.
➡ ભારતનાં પ્રાચીન ઇતિહાસમાં મૌર્યવંશ મહત્વનું સ્થાન ધરાવે છે. આ એક એવો યુગ હતો જે યુગમાં સૌપ્રથમ એકચક્રી શાસનની સ્થાપના થઈ. ઇતિહાસના સોપાનો અહીંથી જ સર થયાં કારણકે આ યુગથી ઐતિહાસિક યુગના શ્રીગણેશ મંડાયા. આ સમયથી ભારતનો રાજકીય ઈતિહાસ તિથિ-ક્રમ પ્રમાણે શરુ થયો. એટલે કે ભારતીય ઇતિહાસનો કાળક્રમ આ સમયથી સ્પષ્ટ બનતો જાય છે. આથી મૌર્યવંશનો રાજકીય ઈતિહાસ જાણવો ખુબ જ જરૂરી છે.
✔ મૌર્યકાલીન ઐતિહાસિક સ્રોત –
➡ કોઈપણ વંશ, રાજવંશ કે ક્ષેત્ર, પ્રદેશના ઇતિહાસને જાણવા માટે વિભિન્ન સ્રોતોને આધારભૂત માનીને એનો સહારો લેવામાં આવે છે. આ સ્રોત સાહિત્યિક, વિદેશી યાત્રિકોનાં વૃત્તાંત, અભિલેખ, પુરાતાત્વક પ્રમાણ, મુદ્રાઓ,સ્તમ્ભાભિલેખ, શિલાલેખ ઇત્યાદિ એ હોઈ શકે છે. બરોબર આ જ રીતે મૌર્ય્કાલીન ઈતિહાસ વિષે જાણકારી પ્રાપ્ત કરવાં માટે ઉપર્યુક્ત સ્રોતોને આધારભૂત માનવું અપરિહાર્ય થશે.
✔ [૧] સાહિત્યિક સ્રોત –
➡ મૌર્યવંશના ઈતિહાસને જાણવા માટે સાહિત્યિક સ્રોતોને બે ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે.
✅ (૧) ભારતીય સાહિત્ય
✅ (૨) વિદેશી સાહિત્ય અને યાત્રા વૃત્તાંત
✔ (૧) ભારતીય સાહિત્ય –
✔ અર્થશાસ્ત્ર –
➡ મૌર્યવંશની પ્રામાણિક જાણકારીનું ભારતીય સાહિત્યિક સ્રોત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે. વિદ્વાનોએ સૌથી પહેલાં ઇસવીસન ૧૯૦૯માં કૌટિલ્યના અર્થશાસ્ત્રની જાણકારી પ્રાપ્ત કરી. સંપૂર્ણ અર્થશાસ્ત્ર ૧૫ અધિકરણો અને ૧૮૦ પ્રકરણોમાં એ વહેંચાયેલું છે. એની તુલના એરિસ્ટોટલના પોલીટીક્સ (Politics)અને મેકિયાવેલીના (Prince) સાથે કરવામાં આવે છે. જો કે તુલના કરવી જ ના જોઈએ દરેક ઉત્તમ છે એને આપણે તો ભારતીય હોવાને નાતે ભારતીય ગ્રંથનું જ ગૌરવ લેવું જોઈએ. આ અર્થશાસ્ત્રમાંથી મૌર્યકાલીન રાજનીતિક , સામાજિક અને આર્થિક વ્યવસ્થાની જાણકારી પ્રાપ્ત થાય છે.
➡ કે. પી. જયસ્વાલ, ફ્લીટ,સ્મિથ, જૈકોબી , શામ શાસ્ત્રી ઇત્યાદિ વિદ્વાનો અનુસાર અર્થશાસ્ત્રની રચના મૌર્યકાલમાંમાં થઇ છે અને એની રચના ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી કૌટિલ્ય એટલે કે ચાણક્યે કરી છે.
➡ મૂલત: અર્થશાસ્ત્ર ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં લખાયેલું છે પરંતુ આ ગ્રંથનું અંતિમ સંકલન ઇસવીસનની બીજી – ત્રીજી શતાબ્દીમાં થયું છે. વિદ્વાનો દ્વારા એવું માનવામાં આવે છે.
➡ અર્થશાસ્ત્રમાં મૌર્યશાસકોની નામાવલી નથી આપવામાં આવી !
➡ કૌટિલ્ય દ્વારા લિખિત અર્થશાસ્ત્રમાં રાજ્ય કે રાજાની ઉત્પત્તિ રાજ્યના તત્વ, રાજાની સ્થિતિ, એનાં અધિકાર અને કર્તવ્ય, રાજ્યની નીતિ – નિર્ધારણ સંબંધી પ્રશ્ન, યુદ્ધ અને શાંતિનાં સમયે રાજાનું કર્તવ્ય, નગર પ્રશાસન, ગુપ્તચર, ન્યાય અને સૈન્ય વ્યવસ્થા તથા રાજ્યના આર્થિક આધાર અને સામાજિક વ્યવસ્થા પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ વિષે આપણે આગળ જોવાનાં જ છીએ !
✔ મુદ્રા રાક્ષસ –
➡ અર્થશાસ્ત્ર પછી બીજું મૌર્યકાલીન પ્રમુખ સ્રોત વિશાખદત્ત વિરચિત મુદ્રા રાક્ષસ છે. આ જાસૂસી નાટક છે. જેમાં નંદવંશનું પતન, ચંદ્રગુપ્ત મૌર્યનું ઉત્ત્થાન, તત્કાલીન સભ્યતા અને સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થાય છે.
✔ વિષ્ણુપુરાણ –
➡ વિષ્ણુપુરાણ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય શુદ્ર કે નીચકુળમાં ઉત્પન્ન થયો હતો. આ પુરાણનું એવું માનવું એ નંદવંશ પછી તરત જ ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યો હતો એટલે એમણે માની લીધું કે જન્મ નંદ રાજાની મુરા પત્નીથી થયો હતો.
➡ સોમદેવના “કથાસરિત્સાગર
ક્ષેમેન્દ્રનું “બ્રૂહત્કથામંજરી”
પાણિનીનું “અષ્ટાધ્યાયી”માંથી પણ મૌર્યકાળનાં વિષયમાં રાજનીતિક અને સામાજિક જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ.
➡ મુમુલનાર અને પરણાર નામના તમિલ લેખકો અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યએ દક્ષિણમાં ત્રીચિનાપલ્લી જીલ્લાની પોદિયિલ પહાડી સુધી આક્રમણ કર્યું હતું.
✔ બૌદ્ધ સાહિત્ય –
➡ પાલિ અને સંસ્કૃત ભાષામાં લખાયેલાં બૌદ્ધ સાહિત્યિક ગ્રંથોમાં પણ મૌર્યકાલીન શાસન અને સામાજિક વ્યવસ્થા પર પ્રકાશ પડે છે. “દિવ્યાવદાન”, “અશોકાવદાન”, “દીપવંશ”, “મહાવંશ”, “મિલિંદપહ્નો”, “મંજુશ્રીમૂલકલ્પ” ઇત્યાદિ બૌદ્ધ ગ્રંથોમાંથી પણ મૌર્ય વંશના નિર્ધારણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય સંબંધિત ઘણી વિશિષ્ટ જાણકારીઓ પણ બૌદ્ધ ધર્મનાં ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે.
➡ મહાવંશટીકા અનુસાર ચાણક્યએ નંદ વંશને સમાપ્ત કરીને જમ્બૂદ્વીપનો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યને બનાવી દીધો હતો. આમાં ચંદ્રગુપ્તની તુલના એક નાનકડા બાળક સાથે કરી છે જે એનાં કિનારાને છોડીને રોટીને મધ્યભાગમાંથી ખાય છે.
➡ દિવ્યાવદાનમાં અશોકે સ્વયંને ક્ષત્રિય બતાવ્યો છે. આ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસારને મૂર્ધન્ય ભિશિકત ક્ષત્રિય કહ્યો છે. બૌદ્ધ ગ્રંથ “મિલિન્દપહ્નો”માં મગધની સેનાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
➡ મંજુશ્રીમૂલકલ્પમાં પ્રાકમૌર્યકાળથી લઈને હર્ષવર્ધનના કાળની સામાજિક, રાજનીતિક અને આર્થિક વ્યવસ્થાઓનું વર્ણન મળે છે. દીપવંશ, મહાવંશ, દિવ્યાવદાન, અશોકાવદાનમાં સમ્રાટ અશોકના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ બૌદ્ધ ગ્રંથો અનુસાર અશોકે પોતાનાં ૯૯ ભાઈઓને મોતને ઘાટ ઉતારીને મગધનું સામ્રાજ્ય ગ્રહણ કર્યું હતું. અશોક દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કરવો અને અહિંસાના માર્ગ પર ચાલવા માટે પ્રતિબદ્ધ થવાનું વર્ણન આ જ ગ્રંથોમાંથી ઉપલબ્ધ થઇ શક્યું છે.
✔ જૈન સાહિત્ય –
➡ સ્થવિરાવલિચરિત, પરિશિષ્ટપર્વ, કલ્પસૂત્ર, ભદ્રબહુ ચરિતમ્ ઇત્યાદિ જૈન સાહિત્યમાંથી ચંદ્રગુપ્ત મૌર્યનાં જીવન, મૌર્યસામ્રાજ્યના વિકાસ અને નંદવંશના પતનની જાણકારી પણ પ્રાપ્ત થાય છે.
✔ વિદેશી વિવરણ –
✔ ઇન્ડિકા –
➡ વિદેશી યાત્રીઓના વિવરણમાં સર્વોપરિ નામ મેગ્સ્થનીસનું આવે છે. મેગસ્થનીસ યુનાની શાસક સેલ્યુકસના રાજદૂતના રૂપમાં પાટલીપુત્રમાં ૬ વર્ષો સુધી રહ્યો હતો. મેગેસ્થનીસે સંપૂર્ણ વિવરણ માટે પોતે જે મૌર્યયુગની જાહોજલાલી અને શાસનવ્યવસ્થા જોઈ છે એ અને ચંદ્રગુપ્ત મૌર્યની કાર્યશૈલી વિષે પ્રકાશ પડતું પુસ્તક “ઇન્ડિકા” લખ્યું છે. ઇન્ડિકા અને કૌટિલ્યનાં અર્થશાસ્ત્રમાં અત્યધીક સામ્યતા દ્રષ્ટિગોચર થાય છે. ઇન્ડિકામાં મૌર્યકાલીન રાજનીતિક, સામાજિક, આર્થિક અને ધાર્મિક વ્યવસ્થાનું વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. વર્તમાનમાં ઇન્ડિકા તેનાં મૂલ રૂપમાં નહીં અપિતુ યુનાની યાત્રા વિવરણોનાં ઉદાહરણોનાં રૂપમાં ઉપલબ્ધ છે.
➡ યુનાનથી ભારત આવવાંવાળો બીજો રાજદૂત “ડાયોનિસસ’ હતો જે રાજા બિન્દુસારનાં દરબારમાં ઘણાં વર્ષો સુધી રહ્યો હતો. એનાં વિવરણમાંથી પણ તત્કાલીન વ્યવસ્થા પર પ્રકાશ પડે છે. ડાયોનિસસ અને મેગેસ્થનીજ સિવાય પણ સ્ટ્રેબો, એરિયન અને ડાયોડોરસનાં વિવરણમાં પણ મૌર્ય સામ્રાજ્યની જાણકારી પ્રાપ્ત થાય છે.
✔ ચીની વિવરણ –
➡ ફાહિયાન અને હ્યુ-એન- સંગનું યાત્રા વિવરણ પણ મૌર્યકાળ એમાં પણ સમ્રાટ અશોકના સંબંધમાં ઘણી જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. બંને ચીની યાત્રી અશોકના હૃદય પરિવર્તન પૂર્વે એની ક્રુરતાનું અતિશયોક્તિભર્યું શબ્દોમાં વર્ણન કરે છે. આ બંનેના વિવરણોમાં બહુ વિશ્વાસ રાખી શકાય તેમ નથી તેમ છતાં ભારત આ બંને યાત્રીઓને કેમ આટલું બધું મહત્વ આપે છે એ જ સમજાતું નથી. અમુક યુનાની રાજદૂતો સિવાય કોઈ મૌર્યકાળમાં થયાં જ નથી !
ફાહિયાનનો સમય છે ઇસવીસન ૩૩૭થી ઇસવીસન ૪૨૨ મૌર્યકાળ પત્યાં પછી લગભગ ૭૦૦ વરસનો
જ્યારે હ્યુ એન સંગનો સમય છે ઇસવીસન ૬૦૨થી ઇસવીસન ૬૬૪ એટલે કે મૌર્યકાળ પતે ૯૦૦ વરસ પછીનો !
હવે એ તમારે જ નક્કી કરવાનું છે કે કોનાં પર કેટલો વિશ્વાસ રખાય તે !
આ બંને ચીની યાત્રીઓને ભારતે ખાલીખોટાં ચડાવી માર્યા છે. હિન્દી -ચીની ભાઈ ભાઈનું આ પરિણામ છે. તે સમયે આવું ભારત હતું તેની એમના સિવાય કોઈને પણ ખબર નહોતી કે શું ? ખરેખર તો આ બંને યાત્રીઓને ઇતિહાસમાં ભણાવાય જ નહીં. જે એ કાળમાં થયાં જ નથી એ કાલનો ઈતિહાસ વર્ણવી જ કેવી રીતે શકે? એ સમયના સ્મારકો અને એ સમયની પ્રજાના વંશજો હોય ત્યાં સુધી તો વાંધો નહીંપણ એમની ટીકાટીપ્પણી તો ગેરવ્યાજબી જ ગણાય !
➡ અતિ મહત્વનાં છે પુરાતાત્વિક સાક્ષ્ય પ્રમાણો – પુરાવાઓ ! જે ભરતની શાન સમા આજે પણ અડીખમ ઉભાં છે. ભલે આજે ભગ્નાવશેષ હોય પણ એ સમયની જાહોજલાલી દર્શાવવામાટે પૂરતાં છે અને એટલા જ માટે ભારતનો ઈતિહાસ અહીંથી શરુ થયેલો ગણવામાં આવે છે.
➡ ચંદ્રગુપ્તે મૌર્યે બંધાવેલા સ્મારકો તો આજે હયાત નથી પણ વિદિશા સ્થિત એક શિવમંદિર જે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે બંધાવ્યું હતું તેની ખબર લગભગ કોઈને પણ નથી મેં આ જગ્યાએ માથું પણ ટેકવ્યું છે એટલે કે મેં તે જોઈ પણ છે. વિદિશામાં વધારે સમય ગાળોને તો ઘણાં મૌર્યકાલીન સ્મારકો -સ્થાપત્યો નજરે પડશે જે કોઈ બતાવતું જ નથી તમારે જાતે જ ભોમિયા વિના તે ફરતાં ફરતાં શોધી કાઢવાના હોય છે. આ વિદિશા એ વિશ્વિખ્યાત સ્થળ સાંચીથી માત્ર ૧૮ જ કિલોમીટર દૂર છે. અવંતિની એક વખતની રાજધાની હતી. વિદિશા આમ તો અશોકની પટરાણીનું નામ હતું જે મૌર્યકાળ પછી સમ્રાટ પુષ્યમિત્ર શૃંગની રાજધાની બન્યું હતું ! આ બંને કાળના ઘણાં અવશેષો અહીં છે અને તે પછીના કાળના પણ તેની વાત તો એ સમયે કરવામાં આવશે !
➡ રાજાજ્ઞાઓને શિલાલેખોમાં ઉત્કીર્ણ કરવાંવાળો મૌર્યકાલીન ભારતીય શાસક સમ્રાટ અશોક પ્રથમ હતો. આ અભિલેખોમાં પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી, ખરોષ્ટિ અને અરેબિક લિપિમાં લખવામાં આવ્યાં છે. મૌર્યકાલીન પ્રશાસન, સામ્રાજ્ય અને અશોકની ગૃહ અને વિદેશનીતિનાં સંબંધમાં આનાં ઘણાં વર્ણનો પ્રાપ્ત થાય છે.અભિલેખોને સ્તંભ, શિલા અને ગુફાનાં આધાર પર વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
✔ સમ્રાટ અશોકદ્વારા સ્થાપિત સ્તમ્ભાભિલેખોની સંખ્યા ૯ છે.જેમનાંનામ નીચે પ્રમાણે છે –
✅ (૧) રૂમ્મિનદેઈ (ઉત્તર પ્રદેશ)
✅ (૨) દિલ્હી ટોપરા
✅ (૩) નિગલિવા (નેપાળની તળેટીમાં)
✅ (૪) દિલ્હી – મેરઠ
✅ (૫) અલ્હાબાદ-કોસમ (કૌશામ્બી)
✅ (૬) લૌરિયા – અરેરાજ
✅ (૭) લૌરિયા – નંદનગઢ (ચંપારણ્ય)
✅ (૮) સારનાથ
✅ (૯) સાંચી
✔ સમ્રાટ અશોકના શિલાભિલેખ અને લઘુ શિલાભિલેખોનાં નામ નીચે પ્રમાણે છે –
✅ (૧) યેરાગુડી (આંધ્રપ્રદેશ )
✅ (૨) રાજુલ મંદગિરિ (આંધ્રપ્રદેશ)
✅ (૩) બ્રહ્મગિરિ (મૈસૂર)
✅ (૪) સિદ્ધપુર (કર્ણાટક)
✅ (૫) જટિંગરામેશ્વર
✅ (૬) સહસરામ – સાસારામ (બિહાર)
✅ (૭) રૂપનાથ (મધ્ય પ્રદેશ)
✅ (૮) ગુર્જરા (મધ્ય પ્રદેશ)
✅ (૯) બૈરાઠ ( રાજસ્થાન)
✅ (૧૦) ભાવરૂ (રાજસ્થાન)
✅ (૧૧) કલસી (ઉત્તર પ્રદેશ)
✅ (૧૨) ગીરનાર (ગુજરાત)
✅ (૧૩) ધૌલી (ઓરિસ્સા)
✅ (૧૪) જીગડ (ઓરિસ્સા)
✅ (૧૫) સોપારા (મહરાષ્ટ્ર)
✅ (૧૬) મૂઈગ્રામ (મહારાષ્ટ્ર)
✅ (૧૭) શાહબાજગઢી
✅ (૧૮) માનસેરા
✅ (૧૯) કાંધાર
✅ (૨૦) લમગાન
➡ શિલા અને સ્તંભ અભિલેખો સિવાય ગયાની પાસે બરાવરની પહાડીમાં સ્થિત ગુફાઓમાં પણ અભિલેખ ઉત્કીર્ણ છે એ ગુફા -ગુહા અભિલેખોના નામથી પણ જાણીતાં છે. અશોકના આવાં અભિલેખોની સંખ્યા ત્રણ છે –
✅ (૧) કર્ણ ચૌપડ ગુહા
✅ (૨) નયનગ્રોથ કે સુદામા ગુહા
✅ (૩) વિશ્વ ઝોપડી ગુહા
➡ આ ત્રણે પ્રકારના અભિલેખો અશોક અને મૌર્ય સમ્રાજ્ય વિષે જાણકારી પ્રાપ્ત કરવાના પ્રમુખ અતિહાસિક સ્રોત છે.
➡ ખ્યાલ રહે કે આ એ જમાનો હતો જ્યારે ભારતના ઈતિહાસની શાનદાર રીતે શરૂઆત થાય છે. જે પરાપૂર્વથી ખોટું થતું આવતું હતું અને શુદ્રકોએ જેને બધું પોતાનું બનાવી દીધું હતું તેને ખોટું સાબિત કરીને એને જડમૂળમાંથી ઉખેડી નાંખીને પ્રજા માટે રાજાની શરૂઆત કરી હતી . નંદોને હરાવીને તેમને મૌર્ય સ્મારજ્યનો પાયો નાંખ્યો હતો. ઘણું બધું સાહિત્ય અને પુરાવાઓ ઉપલબ્ધ જ છે એટલે જ તો કોઈએ દાનપત્રોનો સહારો લીધો નથી. “કર્મ બોલે છે” એ તેમનો મુદ્રાલેખ હતો . ચંદ્રગુપ્તે માત્ર મૌર્યવંશનો પાયો નથી નાંખ્યો પણ ભારતને એક કરી અખંડ ભારત પણ બનાવ્યું છે. જે રહી ગયાં હતાં તે ચક્રવર્તી સમ્રાટ અશોકે જીતીને ભારત એક કર્યું. પણ અશોક પછીના રાજાઓ ધર્મપ્રિય હતાં અને નબળાં હતાં એટલે જીતેલાં રાજ્યો સ્વતંત્ર થવાં માંડયા અને ભારત પર આક્રમણો પણ થયાં અને ભારતની એકતા તૂટી ગઈ. તેમ છતાં મૌર્ય યુગ એ મૌર્ય યુગ છે એને કોઈ રીતે ઉવેખી શકાય નહીં !
મૌર્યયુગનાં નામાંકિત – યશસ્વી રાજાઓ વિષે તો આપણે આગળ વાત કરવાનાં જ છીએ !
મહત્વના રાજાઓની વિગતવાર !
પણ એ પહેલાં મૌર્ય યુગની વંશાવલી જોઈ લઈએ !
✔ મૌર્ય યુગની વંશાવલી –
• ચંદ્રગુપ્ત મૌર્ય – ઇસવીસન પૂર્વે ૩૨૨ – ઇસવીસન પૂર્વે ૨૯૮ = ૨૪ વર્ષ
• બિન્દુસાર – ઇસવીસન પૂર્વે ૨૯૮ – ઇસવીસન પૂર્વે ૨૭૨ = ૨૬ વર્ષ
• અશોક – ઇસવીસન પૂર્વે ૨૬૮ – ઇસવીસન પૂર્વે ૨૩૨ = ૩૬ વર્ષ + ૪ વર્ષ
• દશરથ – ઇસવીસન પૂર્વે ૨૩૨ – ઇસવીસન પૂર્વે ૨૨૪ = ૮ વર્ષ
• સંપ્રાતિ – ઇસવીસન પૂર્વે ૨૨૪ – ઇસવીસન પૂર્વે ૨૧૫ = ૯ વર્ષ
• શાલિશુક – ઇસવીસન પૂર્વે ૨૧૫ – ઇસવીસન પૂર્વે ૨૦૨ = ૧૩ વર્ષ
• દેવવર્મન – ઇસવીસન પૂર્વે ૨૦૨ – ઇસવીસન પૂર્વે ૧૯૫ = ૭ વર્ષ
• શતધન્વન – ઇસવીસન પૂર્વે ૧૯૫ – ઇસવીસન પૂર્વે ૧૮૭ =૮ વર્ષ
• બ્રૂહદ્રથ – ઇસવીસન પૂર્વે ૧૮૭ – ઇસવીસન પૂર્વે ૧૮૦ = ૭ વર્ષ વર્ષ
========================= કુલ – ૧૪૨ વર્ષ =======================
➡ નોંધ – બિન્દુસાર પછી ૪ વર્ષ જે ખૂટે છે એ સમ્રાટ અશોકનાં જ છે કારણકે સમ્રાટ અશોકે ૪૦ વરસ રાજ કર્યું હતું એમ ઘણે બધે ઠેકાણે નોંધાયેલું છે. એટલે સમ્રાટ અશોકનો રાજ્યકાળ ઇસવીસન પૂર્વે ૨૭૨થી ઇસવીસન પૂર્વે ૨૩૨ ગણાય એટલે એ ૪ વર્ષ સમ્રાટ અશોકમાં ઉમેરી દેવા જ ઉચિત ગણાય !
➡ મૌર્ય સામ્રાજ્ય એટલું વિશાળ હતું કે તેની સત્તા ૧૪૨ વર્ષ સુધી સાચવી રાખવી એ કંઈ નાની સુની બાબત તો ન જ ગણાય ને ! આટલી મોટી સત્તાનો અંત તો આવવાનો જ હતો એટલે એ આવ્યો પણ એ પહેલાં ભારત એક થયું અને ચન્દ્રગુપ્ત મૌર્ય એ પ્રથમ મુક્તિદાતા બન્યો એ હકીકત આપણે સ્વીકારવી જોઈએ અને છાતી ઠોકીને એનું ગૌરવ લેવું જોઈએ ! ચંદ્ર ગુપ્ત મૌર્ય વિષે હજી ઘણું કહેવાનું બાકી જ છે. આ ખાલી સ્રોતો અને વંશાવલી જ છે. જે બધું હવે પછીના ભાગમાં આવશે . આ ભાગ અહીં સમાપ્ત !
(ક્રમશ:)
***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply