પ્રથમ બંદુકથી શરૂઆત કરૂ તો દુનિયાની પહેલી બંદુકનો આવિષ્કાર ચીનમાં થયો હતો. લગભગ 9મી સદીમાં પહેલી બંદુક હોવાનું માનવામાં આવે છે. ત્યારે ગન તો નહતી, પરંતુ ગનની જગ્યાએ વાંસની પાતળી લાકડીને વાપરવામાં આવતી. જેમાં બારૂદ ભરવામાં આવે અને પછી ભડાકો થાય. પછી તો આ સાધનને અંગ્રેજીમાં નામ પણ આપવામાં આવ્યું હેન્ડ કેનન. લાગે છે કે કેનનનો કેમેરો આના પરથી જ આવ્યો હશે (મજાકમાં) ચીનનું આ ધડાકા કરતું સાધન પછી તો મીડલ ઈસ્ટ, યુરોપ અને આફ્રિકામાં ખૂબ ફેમસ થયું. આફ્રિકામાં તો આમ પણ ઝેરીલી સોઈ ભરાવીને ફુંક મારવામાં આવતી, તેનું સ્થાન હવે આ અગ્નિશામકે લઈ લીધુ હતું. 9મીથી 10મી સદી આવી ત્યાં સુધી તેણે દુનિયાને અજગર ભરડામાં લઈ લીધુ. સામેનો વ્યક્તિ મૃત્યુ તો ન પામે પરંતુ નાની-મોટી ઈજા થાય અથવા તો ઘાયલ થાય. આમ શસ્ત્રો અને યુદ્ધના બાજીગર એવા ચીને પહેલી બંદુક બનાવી. આ નાનકડો એવો બંદુકનો ઈતિહાસ.
પછી તેનું થોડુ આધુનિક અથવા તો વિકસિત કહી શકાય તેવુ સ્વરૂપ આવ્યું. ત્યાં સુધીમાં બંદુક વિકાસશીલ રાષ્ટ્રની માફક પોતાના અસ્તિત્વનો પૂરાવો આપવા મોર બનીને થનગની રહી હતી. પરંતુ ખૂદ બંદુકને ખ્યાલ નહતો કે ભવિષ્યમાં તે દુનિયાનું સૌથી ખતરનાક સ્વરૂપ બનવા જઈ રહી છે.
પરંતુ સાપને ઝેર મળી જાય તેમ બંદુકને તેનો બાંશીદો પણ મળી ગયો. જેનો જન્મ સપ્ટેમ્બર 12, 1818માં થયો હતો. ગેટલીન જ્યારે કોલેજમાં હતો ત્યારે તેણે 21 વર્ષની ઊંમરે સ્ટીમબોટનું પ્રોપેલર તૈયાર કર્યું હતું. તે પછી કામમાં મઝા ન આવી એટલે સાદાઈ પૂર્વક ભારતીયોની માફક ક્લાર્કની નોકરી કરવા લાગ્યો. તો પણ અંદર ટેલેન્ટનો ભરેલો કીળો સળવળતો હતો, અને આ કારણે જ તેણે ચોખા અને અનાજ રોપવાના મશીનો બનાવ્યા. પણ કોઈને ખ્યાલ ન હતો કે રિચાર્ડ જોર્ડન ગેટલીન માણસને દળી નાખવાની મશીન બનાવવાનો છે. આ અનાજ રોપવાના મશીન બનાવતા સમયે તે સેન્ટ લુઈસ મસુરીમાં રહેતો હતો. આ સમયે સ્મોલપોક્સે (શિતળા) તેના શરીરમાં ઘાતક હુમલો કર્યો. જેના કારણે ડરીને તેણે દાક્તરીમાં એડમિશન લઈ લીધુ. ન કરે નારાયણ એ સમયના રોગ શોધવાની વેક્સિન નહતી ક્યાંક નાની ઊંમરે મરી ગયા તો ? પરંતુ ભણવા અને પોતાના શરીરને રોગોથી બચાવવા સિવાય ડોક્ટરની ડિગ્રીનો ક્યાંય ઊપયોગ ન કર્યો બન્યું એવુ કે, એ સમયે અમેરિકામાં સિવિલ વોર શરૂ થયું. ગેટલીન ત્યારે અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં રહેતા હતા. રૂપિયા કમાવા અને રોકડીના કરી લેવા ગેટલીને એક ફાયર આર્મ બનાવ્યું. જેને નામ આપવામાં આવ્યું ગેટલીન ગન (મશીન-ગન… ત્યારની તો ગન પણ મોટી હતી. છેલ્લા ફકરામાં સમજાશે.)
ગેટલીન ગન એટલી સફળ નિવડી કે બાદમાં ગેટલીને કંપની પણ ખોલી નાખી. ખબર નહીં કેમ પણ ગેટલીનને પસ્તાવો થયો હશે કે ક્યાં આ જીવતા યમરાજને બનાવ્યો એટલે તેણે ટોઈલેટ બનાવ્યા. ટ્રેકટર બનાવ્યા, પણ જીવનભર તેઓ ગનના કારણે જ યાદ રહ્યા.
જ્યારે તેઓ ગેટલીન ગન બનાવતા હતા ત્યારે 6 આઈટમો બનાવી હતી. ફેક્ટરીમાં આગ લાગવાના કારણે ભસ્મીભૂત થઈ ગઈ. ગેટલીને હિંમત હાર્યા વિના બીજી 13 બનાવી. અને તમને ખ્યાલ જ છે દુનિયામાં 13નો આંકડો અપશુકનિયાળ છે !
ભવિષ્યનો ખ્યાલ કોને હોય છે ? ગેટલીન ગન સિવિલ વોરમાં તો એટલી ન વપરાય પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં તેનો બરાબરનો ઊપયોગ કરવામાં આવ્યો અને ગેટલીન અમર બની ગયા. ત્યાં સુધીમાં 1903માં તેમની અવસાન નોંધ લખાઈ ગઈ હતી.
આ તો થઈ ગેટલીનની વાત. જેણે ગનનો ઈતિહાસ લખ્યો. પણ બંદુકના ચિત્ર વિચિત્ર નામ પણ માથુ ખંજવાળવા મજબૂર કરે તેવા છે. હિન્દીમાં મોટાભાગે બિહાર દિલ્હી બાજુ તેને કટ્ટા તરીકે ઓળખવામાં આવે અથવા તો તમંચો કહે. ગુજરાતના અખબારોએ તેને અતિ વિશિષ્ટ નામ આપ્યું છે ભડાકો. જે બાપુઓના લગ્નમાં ખૂબ થાય.
ગન સિવાય એક રાઈફલ આવે. જેનો આકાર તો ગન જેવો જ હોય, પણ તેની ફઈ એટલે કે ક્રિશ્ચન શાર્પે તેનું નામ બ્રિચ હોલ્ડિંગ રાઈફર પાડ્યું હતું. 1000 યાર્ડ સુધીમાં તે ઘડાકો કરી શકે. શરૂઆતમાં બ્રિચ હોલ્ડિંગ રાઈફલ બનાવવામાં આવી ત્યારે તે આગળ ઓછી અને પાછળથી વધારે ધડાકો કરતી. ચલાવવાવાળાના હાથ જ વિંધાય જાય. ઊદા- ગેંગ્સ ઓફ વાસેપૂરનો એક સીન…. આ રાઈફલ કમ ગનને અમેરિકન સિવિલ વોરમાં જ યુઝ કરવામાં આવી હતી, પરંતુ ત્યારે ગેટલીને ધૂ્મ મચાવી દીધેલી. પરિણામે ક્રિશ્ચચનની દુકાનને તાળા લાગી ગયેલા, પણ ઈતિહાસમાં તેની રાઈફલ કમ ગન અમર બની ગઈ.
જો કે ગડમથલવાળા ઈતિહાસમાં પકલનું નામ પહેલા લેવું પડે. 1718માં ઈંગ્લેન્ડના જેમ્સ પકલે પકલ ગનનો આવિષ્કાર કર્યો હતો. પરંતુ કાળ ક્યારે આ ગનને ખાઈ ગયો ખબર જ ન પડી. આમ તો વિહ્લ લોક ગન અને ફિન્ટ લોક ગનને સૌ પ્રથમ લિસ્ટમાં ગણી શકાય. જે ક્રમશ: 1509 અને 1630માં પેદા થઈ. પણ વિશ્વમાં આજે પણ ગેટલીન ગનને જ પાવરફુલ માનવામાં આવે છે.
દુનિયાની સૌથી હાસ્યાસ્પદ બંદુક માનો કે રાઈફલ જૂનાગઢના મ્યુઝીયમમાં છે. દરબાર હોલમાં હતી ત્યારે જોયેલી અત્યારે તેનું ઠામ અને ઠેકાણું બદલાઈ ગયું છે, પણ ખાસ વાત કે બંદુકને હાથી બંદુક તરીકે ઓળખવામાં આવે. નવાબ હાથી ઊપર બેસીને શિકાર કરવા માટે જાય એટલે હાથી પર બેસીને તેનો ભડાકો કરે કોઈવાર દુશ્મનને પણ ટાળી દે, કિન્તુ હંમેશા આ બંદુકની સાઈઝ નવાબ માટે પ્રોબ્લેમ સમાન રહી. રૂમ જેટલી મોટી આ હાથી બંદુકનો એકવાર ધડાકો થઈ જાય પછી, તેમાં બારૂદ પૂરવાનું ઊંચકીને નવાબના હાથમાં દેવાની ત્યાં તો રાની પશુ કે દુશ્મન નવાબનો શિકાર કરી જાય. પણ નવાબનો નિશાનો જ એવો હતો. એકવારમાં ઢીમ ઢાળી દે….
~ મયુર ખાવડુ
Leave a Reply