કોઇ એક જ વાર્તાસંગ્રહને આટલા લાભા લાભ અને કૃપાદ્રષ્ટિ સાંપડી હોય, તો તેમાં મહોતું ને મુકવી પડે. ગુજરાતી સાહિત્યમાં છેલ્લા બે વર્ષમાં જે સારા વાર્તાસંગ્રહો આપણી ભાષાને સાંપડ્યા છે તેમાં મહોતું, મહેન્દ્રસિંહની પોલિટેકનિક અને અજય સોનીની રેતીનો માણસને ગણવા રહ્યા. પરફેક્ટ સાહિત્યક ટચ તેમાં આપવામાં આવ્યો છે. અને ફરી મહોતુંને ગુજરાત સરકારનું (સાહિત્ય અકાદમીનું) ત્રીજુ ઇનામ મળ્યું છે, બીજુ ઇનામ મહેન્દ્રસિંહના વાર્તાસંગ્રહ પોલિટેકનિકને અને પહેલું ઉત્તમ ગડાને
અમદાવાદમાં આયોજીત બુક ફેસ્ટિવલમાં પોસ્ટર મુકવામાં આવેલું હતું. પોસ્ટર ચંદ્રકાંત બક્ષીનું હતું. જેમાં લખેલું આછું એવું યાદ આવે છે, ગુજરાતી સાહિત્ય માટે ટૂંકી વાર્તાનું અલોપ થઇ જવું એ સારા લક્ષણ નથી. એ સમયે ટૂંકી વાર્તાનો સૂર્યાસ્ત થવાના આરે હતો. અને આજે ફરી ટૂંકી વાર્તા એક અલગ સ્વરૂપે જીવંત થઇ છે.
કોઇ પણ ભાષા કે સાહિત્યને તેનો સર્જક મળી રહેતો હોય છે. થોડા થોડા ગાળે પણ તે સાહિત્યના પ્રકારને અનુરૂપ થઇ લાંબા ગાળે એક સારી રચના કોઇ ભાષાને સાંપડે છે. આવી જ સારી રચના રામના વાર્તાસંગ્રહ મહોતુંમાંથી મળી છે. મહોતુંની તો ઘણી ચર્ચા થઇ. અને હવે તો કદાચ ગુજરાતમાંથી ખૂબ ઓછા લોકો હશે, જેણે આ વાર્તાસંગ્રહમાની 14 વાર્તાઓ માણી નહીં હોય. અરે… પડદા પર પણ આવી ગઇ છે.
પણ બીજી તરફ દાદ દેવી પડે મહેન્દ્રસિંહના પોલિટેકનિક વાર્તાસંગ્રહને. સ્ત્રીઓની છૂટકો કરવાની મથામણને પેલી બે વાર્તામાં જે ગામઠી ભાષાનો પ્રયોગ કરી તેમણે નવી શૈલી આપી છે, તે ગુજરાતીમાં ન ભૂતો ન ભવિષ્યતી છે. તેઓ આપણા સાહિત્યમાં માય ડિયર જયુ કક્ષાના વાર્તાકાર ગણવા રહ્યા. કોઇ બીબામાં બંધાયા વિના તેમણે પોતાની અલગ શૈલી આપી એક નવીનત્તમ પ્રયોગ કર્યો. આમ તો પ્રયોગ કરવામાં રિસ્ક વધારે હોય છે. પણ તે રિસ્ક જ કદાચ સફળતામાં તબ્દિલ થતું હોય છે. ઉપરથી મહેન્દ્ર સિંહની વાર્તા સિવાય તેમનો નિંબંધ સંગ્રહ પણ આલા દરજ્જાનો રહ્યો.
રામ અને મહેન્દ્રસિંહ સિવાય ઉત્તમ ગડાની વાર્તાઓ મેં વાંચી નથી. પણ હવે તેનો આસ્વાદ માણવો પડશે. કેટલીક કૃતિઓને પારિતોષિક મળ્યા બાદ તે વાંચવા લાયક છે તેવી વાંચકો નોંધ લેતા હોય છે. ઉત્તમ ગડા વિશે પણ એવું જ થયું છે. ટુરિસ્ટ અને બીજી વાર્તાઓને હવે વાંચીશું.
હાસ્યમાં દામોદાર દાળમાં, ડૉ.ક્યૂ લાફ્ટર ડોટ કોમ અને ગઝલથી હઝલ સમ્રાટ રઇશ મણિયારને અભિનંદન. પણ આ હાસ્ય સાહિત્યની નીચે જ એક મસ્તમજાનું હાસ્ય છુપાયેલું છે. શ્રેણી છે એકાંકી-નાટકની જ્યાં લખેલું છે કે, આ વિભાગમાં કોઇ પુસ્તક મળેલું નથી.
~ મયૂર ખાવડુ
Leave a Reply