વિઠ્ઠલ તીડી – ગુજરાતના ગૌરવ સમાન એક ઝાંસુ વેબ સીરીઝ
પહેલી વાત તો એ કે આ કુલ ૬ એપીસોડની સીરીઝ છે અને સીઝન – ૧ છે, જેના અંતમાં જ કહ્યું છે કે કમશ: એ વાતનો અણસાર આપી જ દે છે કે આની બીજી સીઝન હજુ આવવાની જ છે
આ રીવ્યુ લખવાનો વિચાર મને પહેલેથી જ આવ્યો હતો પણ વચ્ચે કેટલાંક જવાબી સ્ટેટસો અને એક ફિલ્મનો રીવ્યુ વચ્ચે ખોટો આવી ગયો. કેમ મારે રીવ્યુ લખવાની ઉતાવળ હતી ? એની જ વાત કરું પહેલાં તમને ?
સ્કેમ -૯૨ જોયાં પછી હું પ્રતિક ગાંધીનો જબરજસ્ત ફેન બની ગયો હતો. એ માણસની કાર્યક્ષમતા વિષે કોઈનેય શંકા ના થાય એને હું બહુ નજીકથી ઓળખું છું એટલે ! સ્કેમ -૯૨ મેં આજ વરસમાં જોઈ છે. એનું એક બહુ સારું મુવી ગુજરાત ૧૧ પણ મેં આજ વરસે જોયું છે. આમ લગાતાર સારો અભિનય કરનાર આ કલાકાર જેમાં હોય એ જોવાનું મન તો થાય જ ને! એમાં આ સીરીઝ રજુ થતાં પહેલાં યુટ્યુબમાં એવી જાહેરાત ફરતી થઇ હતી કે “સ્ટોરી ઓફ અ ગેમ્બલર ” કેટલાંક અક્કલમઠ્ઠાઓ એ આને વરલી મટકા કિંગ રતન ખત્રી પર બનેલી સીરીઝ ગણાવી હતી. જોકે રજૂઆત પહેલાં તો ગમે તે અનુમાન થઈ શકે – કરી શકે, પણ યુટ્યુબની વિશ્વનીયતા પર સવાલ જરૂર ઉભો કરી ગઈ
આ સીરીઝ આવવાની છે એની જાહેરાત તો જાણે થઇ જ ચુકી હતી. પણ આટલી જલ્દી એ રીલીઝ થશે એની મને ખબર નહોતી. આમેય અત્યારે કાળમુખા કોરોના કાળમાં કશું સારું આવતું જ નથી. સિવાય કે આ ott પ્લેટફોર્મ પર રજુ થતી સીરીઝો અને ફિલ્મો. એમાં પણ ગુજરાતી ફિલ્મો પણ આવી અને ગુજરાતી સીરીઝો પણ આવી. આ વિઠ્ઠલ તીડી પહેલાં જ એક ગુજરાતી મીની સીરીઝ આવી હતી ” વાત વાતમાં ” જેમાં મલ્હાર ઠક્કર છે. પણ આ સિરીઝની અપાર સફળતા આગળ એ ઢંકાઈ ગઈ એ પણ એક નક્કર હકીકત છે. જોકે મારે ગુજરાતના સુપર સ્ટાર નંબર – ૧ કોણ ? મલ્હાર ઠક્કર કે પ્રતિક ગાંધી ! એમાં મારે નથી પડવું. હું આનો જવાબ જાણીબુઝીને આપવાનું ટાળું છું. બંને મારાં પરમ મિત્રો હોવાથી !
આ વિઠ્ઠલ તીડી સીરીઝ આવી એની મને ખબર મને ગુગલની સાઈટો પરથી પડી. જેમાંથી હું મારું મનગમતું ડાઉનલોડ કરું છું. એ રાત્રે જ આવી ગઈ હતી, જોઈ બીજે દિવસે બપોરે. આ સીરીઝ જ્યારે ડાઉનલોડ કરી ત્યારે જ મને ખબર પડી કે આ સીરીઝ હિન્દીમાં નહિ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં છે. મારો આનંદ ફૂલો ના સમાણો !
“વિઠ્ઠલ તીડી બપોરે જોવાની ચાલુ કરી ત્યારે જ મને ખબર પડી કે આ એક ગુજરાતી ટૂંકી વાર્તા “વિઠ્ઠલ તીડી પર આધારિત છે. એમાં એમનું નામ આવ્યું —- મુકેશ સોજીત્રા. મારાં આનંદની કોઈ પરિસીમા જ ના રહી. કારણકે મુકેશ સોજીત્રા મારાં હિતેચ્છુ એ બહુ સારાં મિત્ર છે. મારો હૃદયનો આનંદ બેવડાયો. મનમાં જ નક્કી કર્યું કે જેવી આ સીરીઝ પતે એટલે એમને ફોન કરું સીરીઝ પતિ પછી નેટ ચાલુ કર્યું તો એમની જ વોલમાં આ વિષે અપાર અભિનંદનવર્ષા થયેલી -કરેલી જોવાં મળી. મેં પણ આપ્યાં અને એમને ફોન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તો બીજે દિવસે એમણે મને કહ્યું કે તમે મને ફોન ના કરતાં હું તમને સામેથી ફોન કરું છું, આને કહેવાય – સરળતા, સહૃદયતા અને એક ઋણાનુબંધ સમી મિત્રતા. ગુજરાત આજે આગળ છે તે આને જ લીધે ! આ વાત આપણે બધાએ સ્વીકારવી જ જોઈએ !
એ વાર્તા એમણે જ મને વાંચવી એમની સાઈટ ઉપરથી ઓનલાઈન. જે મેં વાંચી, થોડુંક ટૂંકી વાર્તા વિષે મારુ જ્ઞાન પ્રદર્શિત કરી લઉં “શરૂઆતમાં જો રિવોલ્વર આવે તો એ અંતમાં ફૂટવી જ જોઈએ ” – એન્ટોન ચેખોવ. જોકે એમણે આ વાત વનએક્ટ પ્લે એટલે કે એકાંકી માટે કહી છે. એન્ટોન ચેખોવ એ ટૂંકી વાર્તાના પણ નિષ્ણાત હતાં. ગુજરાતીમાં લાંબી-ટૂંકી વાર્તા , ટૂંકી વાર્તા , લઘુકથા વિષે અનેક ચર્ચાઓ થઇ છે. જે અમારે ભણવામાં પણ આવતું હતું. એન્ટોન ચેખોવનું ઉપરોક્ત વાક્ય એ “વિઠ્ઠલ તીડી” માટે બિલકુલ સાચું પડે છે.
શરૂઆતમાં તીરીનું પત્તું લઈને ફરતો એક છોકરો, જે એનું નામ -વિશેષણ બની ગયું “વિઠ્ઠલ તીડી”. હવે આ તીડી એટલે તો જુગાર -તીનપત્તી એ તો સાવ દીવા જેવી સ્પષ્ટ બાબત છે. પણ આ જ તીરી (ત્રણ તીરીઓ) એને અંતમાં એક બહુ મોટી જીત અપાવે છે. આ જ તો છે તીરી – તીડી – વિઠ્ઠલ તીડીનું મહત્વ. હવે માત્ર આટલું જ કહેવાથી કઈ વાર્તા નથી બનતી ને ! વારતા એટલે લેખકનું જીવનદર્શન, એમની આસપાસ બનતી ઘટનાઓનું નિરીક્ષણ, લેખકના વિચારો, લેખકની અભિવ્યક્તિ, લેખકનું ભાષાપ્રભુત્વ અને એ જે ફોરમેટમાં લખવા માંગે છે એનું પુરતું જ્ઞાન લેખકને હોવું જરૂરી છે. એમાં શ્રી મુકેશ સોજીત્રા સંપૂર્ણપણે વૈતરણી તરી ગયાં છે. આ જ તો છે એમની આવડત અને એમની વાર્તાઓની સફળતાનું રાઝ !
આ વાર્તા સોરઠી બોલીમાં લખાઈ છે. ટૂંકી વાર્તામાં ભાષા બહુ જ મહત્વની છે. જે પોતાની કલમના જોરે લેખકશ્રી પોતાનો ચમકારો બતાવવામાં સફળ રહ્યાં છે. ટૂંકી વાર્તામાં પાત્રાલેખન , કથાવસ્તુ અને અને એનો અંત બહુ જ મહત્વના અંગો છે. આ ત્રણેય આમાં તમને દેખાશે, લ્યો વળી આમાય “૩”નો આંકડો ! બાય ધ વે તીન પત્તી એટલે ત્રણ પાનાની રમત, કોઈ જીતે અને કોઈ હારે ! વાર્તામાં થોડી શિક્ષણપ્રથા પર કટાક્ષ છે. જે સીરીઝમાં નથી બતાવવામાં આવ્યો. તો નિશાળની વાતો ગામલોકોને બહુ જલ્દી ખબર પડી જાય છે, આજુબાજુના ઘરોની નહીં ! આ વાત દરેકે સમજવા જેવી છે. ગ્રામ્યજીવન કેવું હોય તે વાત પણ આમાં જણાઈ આવે છે.
શું છે એમની વાર્તા કે શું છે આ સિરીઝની પટકથા ? શરૂઆતથી જ પકડ જમાવે છે આ સીરીઝ / વાર્તા. એક નાના ભાઈબહેન એક ગ્મળમાં પોતાના પિતા સાથે રહે છે જેઓ ગોરપદુ કરે છે. પિતાનું નામ છે ત્રિભુવનદાસ ત્રિપાઠી. ત્રણ છોકરાં મોટો પ્રમોદ, વચ્ચે બહેન વંદના અને છેલ્લો એટલે કે સૌથી નાનો વિઠ્ઠલ. તેઓ સાથે મળીને કેવાં સંપથી રહે છે, ત્યાંથી શરુ થાય છે. શિક્ષિકા ૩નો આંકડો લખી પૂછે છે કે આ શું લખ્યું છે, તો નાનો વિઠ્ઠલ જવાબ આપે છે કે તીડી. છોકરાઓ હસે છે કે આને તીરી – ત્રણ કહેવાય, તો વિઠ્ઠલ જવાબ આપે છે કે આને તીડી જ કહેવાય. બસ ત્યારથી આ આઠ વરસના છોકરાનું નામ એ વિઠ્ઠલ તીડી પડી જાય છે. આ બંને ભાઈ બહેનો વચ્ચેનો પ્રેમ અને તેમનો મોટાભાઈ પ્રત્યેનો પ્રેમ, ઘર ચલાવવાના ફાંફા પડતાં હતાં, બાપા ગોર પણ તીન પત્તી રમતાં, નાલ્લો વિઠ્ઠલ પણ પણ આ પત્તાની રમત જોતો. છોકરાઓને માતા નથી બસ ખાલી જે છે તે પિતા જ છે. પિતાનો પ્રેમ અને એમનો અભિનય લાજવાબ છે, આ સીરીઝમાં પિતા બનતા કલાકાર (રાગી જાની)નો. તેઓનાં બ્રાહ્મણ સંસ્કાર આબેહુબ રજુ કરાયાં છે. તો બીજી બાજુ પિતાનો પુત્ર પ્રેમ અને પુત્રી પ્રેમ પણ લાગણીસભર જ છે ! તેમને મોટાં પુત્ર માટે પણ પ્રેમ છે એ પણ આ વાર્તા/ સીરીઝમાં વ્યક્ત થયો છે. તેમ છતાં તેમને નાનાં પુત્ર વિઠ્ઠલ તીડી માટે વધુ લાગણી છે. કારણકે એ જ તો વાર્તાનું મૂળ અને એ જ તો વાર્તાનો નાયક છે.
બહેનનો ભાઈ પ્રેમ એ આ વાર્તા/સીરીઝનું જમાપાસું છે ! તેમ છતાં કોઈ પણ પાત્રને અન્યાય નથી કરવામાં આવ્યો. વાર્તા એ તો મુખ્ય નાયક વિઠ્ઠલ તીડી (પ્રતિક ગાંધી)ની આજબાજુ જ ઘૂમે છે અને એમ જ હોય કારણકે આ વાર્તા એ વિઠ્ઠલ તીડીને ઉદ્દેશીને એને કેન્દ્રસ્થાને રાખીને લખાઈ છે અને આ વેબ સીરીઝ પણ એને જ માટે બનાવવામાં આવી છે. વિઠ્ઠલનો ભગિનીપ્રેમ ગજબનો છે, તો એનો પિતાપ્રેમ અને પ્રમોદ પ્રત્યેનો ભ્રાતાપ્રેમ પણ ગજબનો છે.
સિરીઝની શરૂઆત જ કૈંક અલગ રીતે થઇ છે, વિઠ્ઠલની માતાના મોતના સમાચારથી. પણ એમાં નાનાં વિઠ્ઠલનું કામ અદ્ભુત છે, વાર્તામાં આ વાતનો ખલી નિર્દેશ છે. પણ ગામલોકો ત્રિભુવન ત્રિપાઠીને ફરી પરણાવવા અને છોકરાઓનું ધ્યાન રાખવા સમજાવે છે એ વાત પણ વાર્તામાં કરેલી જ છે. આ નાનો વિઠ્ઠલ કેમ ટકલો છે એ વાત રજુ કરવાં જ આને પ્રથમ રજુ કરાઈ છે પછી નિશાળની વાત આવે છે. નિશાળમાં એક વારરમતગમત શિક્ષકે વંદના -વિઠ્ઠલણે મોડાં આવવા બદલ ખખડાવ્યા. તેમાં વિઠ્ઠલે શિક્ષકને પથરો મર્યો અને તેણે નિશાળ છોડી દીધી. વિથ્લે પોતે મિત્રો સાથે પત્તા રમવાનું શરુ કર્યું, ધીરે ધીરે તેની ફાવટ તીન પત્તીમાં આવી ગઈ. ગામના ચોર પર એ તીન પત્તી રમતો ૫-૧૦ રૂપિયાથી શરુ થયેલી રમત હજારો સુધી પહોંચી ગઈ. એમાં તો ભાઈ વિઠ્ઠલને ઘી કેળાં થઇ ગયાં. એ મોટો થયો એના મિત્રો પણ વધ્યાં પણ કાર્ય એક જ તીનપત્તી રમવાનું. ગામમાં તીનપત્તીની સ્પર્ધા થવાં લાગી, વિઠ્ઠલ જ અવ્વલ નંબરે રહેતો. વિઠ્ઠલની આ આવડત જોઇને આજુબાજુના ગામોમાંથી પણ તેણે પત્તા રમવાના આમંત્રણો મળવાં લાગ્યાં, તે ત્યાં ગયો ત્યાં પણ એ જીતતો એનું નામ આખા પંથકમાં ગાજતું થઇ ગયું. એનાં ભાઈના લગ્ન થયાં એનો મોટો ભાઈ લગ્નબાદ અમદાવાદ આવીને વસ્યો. ઘરમાં રહ્યા ત્રણ જણ પિતા – વંદના અને વિઠ્ઠલ. પિતા તરીકેનું કર્તુત્વ બજાવવા ગોર બાપા પ્રમોદને ત્યાં જાય છે. પ્રમોદ વિઠ્ઠલ જુગારી છે એમ કહી ના પાડી દે છે. ગોરબાપાને બહુ લાગી આવે છે, તે પોતાને ઘરે પોતાને ગામ આવતાં રહે છે.
એવામાં વિઠ્ઠલની બહેન વંદનાના લગ્ન ગોઠવાય છે. વંદના લગ્ન પછી પોતાનાં પ્રાણપ્યારાભાઈ વિઠ્ઠલ પાસે જુગાર છોડી દેવાનું વચન લે છે. વિઠ્ઠલ તે વચન પાળે છે, આ દરમિયાન વિઠ્ઠલના પિતાજીનું અવસાન થઇ જાય છે. વિઠ્ઠલ એકલો અટૂલો પડી જાય છે, એવામાં વિઠ્ઠલને એનાં જીજાજી નયનકુમાર ગંભીર રીતે બીમાર પડે છે. હોસ્પીટલમાં દાખલ કરવાં પડયા છે, ખર્ચો ૫૦ હજાર રૂપિયાનો છે. વંદના વિઠ્ઠલને વાત કરે છે, વિઠ્ઠલ પોતાનાં જુગારિયા મિત્રો પાસે જાય છે પણ ૧૦ હજારથી વધુ કોઈ આપી શકે તેમ નહોતું. આખરે એ એક એના જુગારના મિત્ર પાસે જાય છે. જે અમદાવાદમાં બોપલમાં ક્લબ ચલાવે છે, એ કહે છે કે જો તું જુગાર રમે તો જ તને એમાંથી પૈસા મળશે. એ ના પાડે છે, પણ અંતે બનેવીને બચાવવા તે રમવા તૈયાર થઇ જાય છે.
આ બધાં અઠંગ ખેલાડીઓ હોય છે જેમની પશ્ચાદભુ પણ સારી નથી. પણ તેઓ પોતાનાં ક્ષેત્રોમાં વગદાર અને પૈસાદાર હોય છે. વિઠ્ઠલ શરૂઆતમાં હારે છે પછી ૫૦ જીતતાં તે ઉભોથાઈ જાય છે. અઠંગ ખેલાડીઓમાના એક તેને એક છેલ્લી બાજી રમવાનું કહે છે, મિત્રની ના હોવાં છતાં તે અંતે રમવા તૈયાર થઇ જાય છે. પત્તા વહેંચાય છે, પોતે ૫૦ હજારનો દાવ ખેલે છે, બીજાં ટોક્ન મંગાવી રમે છે, એ પોતાનો ફેવરીટ “બ્લાઈંડ’ દાવ ખેલે છે, અંતે શો થાય છે. સામેવાળા પાસે ગુલામ – રાણી – બાદશાહ નીકળે છે. વિઠ્ઠલ પહેલું પાનું ખોલે છે – તીરી, વિઠ્ઠલ બીજું પાનું ખોલે છે – તીરી, વિઠ્ઠલ ત્રીજું પાનું ખોલે છે – તીરી આમ વિઠ્ઠલ જીતી જાય છે. પણ, બાજુવાળાને એક લાફો મારે છે. તેણે જોઈતા હોય છે ૫૦ હજાર પણ મળે છે ૨૫૦૦૦૦ હજાર. હવે તેની આવડત અને તેનો આત્મવિશ્વાસ વધી જાય છે. હવે શું થાય છે એ માટે તો સીઝન – ૨ જ જોવી પડશે. કારણકે આહી જ ક્રમશ: લખાયેલું આવ્યું છે. ટૂંકમાં જે વાર્તા ભાઈ મુકેશ સોજીત્રાએ લખી હતી એ તો પૂરી થઇ ગઈ. આશા રાખીએ કે બીજી સીઝનની વાર્તા પણ તેઓ જ લખે.
ટૂંકમાં ……. નિર્દોષતા થી આત્મવિશ્વાસ એટલે વિઠ્ઠલ તીડી. બાળપણથી પુખ્તતાની સફર એટલે વિઠ્ઠલ તીડી. આની વચ્ચે જે છે તે છે અનુભવ અને એ જ તો છે જીવન !
શું માત્ર તીન પત્તી પર જ છે આ વેબ સીરીઝ. રૂપાંતર – માધ્યમાંતર વિષે આ આગાઉ પણ ઘણી વાતો થઇ ચુકી જ છે. આ સીરીઝમાં વાર્તાને પુરતો ન્યાય આપવામાં આવ્યો છે. પણ પ્લસ પોઈન્ટ છે બધાં જ કલાકારો પ્રતિક ગાંધી,શ્રદ્ધા ડાંગર અને રાગી જાની વગેરે. આમ તો બધાનો અભિનય સારો છે. પ્રતિક ગાંધીને તો આ અગાઉ સ્કેમ -૯૨નો અનુભવ હતો જ હતો. એવો જ ઉત્તમ અભિનય એણે આમાં પણ આપ્યો છે. શ્રદ્ધા ડાંગર હેલ્લારો પછી સારો અભિનય આપી જાણે છે એ એણે આમાં પણ સાબિત કરી આપ્યું છે. જો કે આ વેબસીરીઝ છે.
આ સીરીઝનું જમા પાસું એ સૌરાષ્ટ્રના ગામડાના લોકેશન છે, જેની ફોટોગ્રાફી કમાલની છે. ગીતો અને સંગીત પણ સારું છે. ભાઈ અભિષેક જૈનનું દિગ્દર્શન સારું છે. એડીટીંગ પણ સારું છે. નદીના દ્રશ્યો , મહાદેવ મંદિરની પૂજા અને આરતીના દ્રશ્યો , ગામડાના દ્રશ્યો અદ્ભુત છે. આ સીરીઝ એ માત્ર તીનપત્તી પર નથી. જેમ વાર્તામાં છે કે – વિઠ્ઠલ તીડી શ્રાવણ મહિનાના ઉપવાસ કરે છે. મહાદેવની પૂજા -અર્ચના કરે છે એ વાત આમાં પણ કરવામાં આવી છે. તો માનવતા અને લાગણી પણ દર્શાવવામાં આવી છે. જયારે વિઠ્ઠલ જોડે પત્તા રમતાં એક ભીનું જુગારમાં હારી જતાં રસ્તામાં એનું મૃત્યુ થાય છે. ત્યારે વિઠ્ઠલને લાગે છે કે – આ મેં શું કર્યું ? ગામમાં લોકડાયરો ભરાયો છે ત્યારે ગાયકને પૈસા આપવા માટે મંદિરની દાનપેટીમાંથી રૂપિયા કાઢીને ભજન ગાનારના હાથમાં આપે છે ત્યારે તથા ગોરબાપા – વિઠ્ઠલ અને વંદનાની વાતચીતમાં અનેક લાગણી સભર દ્રશ્યો છે. જે આ સીરીઝને સ્ટોરી ઓફ અ ગેમ્બલર ન બનાવતા એક માનવીય ગુણોથી ભરપુર સીરીઝ બનવવા માટે પૂરતાં છે. વાર્તા લેખકનો પણ આ જ ઉદ્દેશ છે.
આ સીરીઝ ગુજરાતીમાં બનાવવાં માટે અભિષેક જૈનને ખાસ ખાસ અભિનંદન. ગુજરાતી ભાષાની જે મીઠાશ અને માધુર્ય છે તે બીજાં કશામાં ના આવે. એટલે જ આ સીરીઝ માત્ર સૌરાષ્ટ્રની જ નહીં પણ સમગ્ર ગુજરાતના ગૌરવસમી બની છે. ગુજરાતીઓએ આ ગૌરવ લેવાં જેવી બાબત છે. એટલે જ આ સીરીઝનું IMDB રેટિંગ ૯.૯ છે. વાહ ભાઈ વાહ !
લેખક મુકેશ સોજીત્રાને ખાસ ખાસ અભિનંદન અને મિત્ર પ્રતિક ગાંધીને ખાસ ખાસ અભિનંદન. અરે … બધાંને જ અભિનંદન
આ વેબ સીરીઝ જોવાથી કોઈ વંચિત રહી ગયું હોય તો વેળાસર જોઈ લેજો બધાં. ગમશે જ એની મને ખાતરી છે
– જન્મેજય અધ્વર્યુ
Leave a Reply