સાજી જમાને અકબર નામની બુકમાં એક એવી ચેલેન્જીંગ વસ્તુ લખી છે કે, તમે વિચારી ન શકો. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, અકબરનું કદ મધ્યમ પ્રમાણનું હતું. તેનું નાક લાંબુ હતું. કમર ખૂબ પાતળી અને પીઠની પાછળનો ભાગ ખૂબ જ પહોળો હતો. જ્યારે જયપૂર લિટરેચર ફેસ્ટિવલમાં આ પ્રશ્નનો જવાબ તેમને રવિશ કુમારે પૂછ્યો કે, આ તારણ પર તમે કઈ રીતે આવ્યા. ત્યારે તેમનો જવાબ સાંભળીને તમે શોક થઈ જશો. કે આ વિચાર તો આપણને આવ્યો જ નહીં.
તેમનું કહેવું હતું કે તેમણે અકબરનું બખ્તર જોયું હતું. અકબરના આ બખ્તરના આકારને ધ્યાનમાં રાખી અને તેમણે નક્કી કર્યું કે તેનું શરીર આવા પ્રકારનું હોવું જોઈએ. તો બીજી તરફ નાક આવે ! આ પાણીયારૂ અને અણીદાર નાક… આ નિષ્કર્ષ પર તેઓ કઈ રીતે પહોંચ્યા ? તેનો જવાબ છે, અકબર યુદ્ધ લડવા માટે જે મુગટનો ઊપયોગ કરતો હતો, તેની આગળનો ભાગ આગળની તરફ ખેંચાયેલો હતો, એટલે સાજી જમાને નક્કી કર્યુ કે, અકબરનું નાક લાંબુ હોવુ જોઈએ. કેમ કે સામાન્ય રીતે બીજા રાજાઓ અને નવાબોના નાક તો માપસરના જ હતા.
ઈતિહાસ હંમેશા તથ્ય અને સત્ય આ બે વસ્તુ સ્વીકારે છે. હંમેશા જો અને તોને સ્વીકારે છે. હંમેશા જે થયું છે એ બનાવો પર ચાલવાનું શોધખોળ પર ચાલવાનું. નહીં કે તેમાં ફેરફાર કરીને ટાપસી પૂરવાની. અન્યથા જો અને તો બદલીને હું કહું તેમ થઈ જાય.
ઈતિહાસમાં કેટલાક આવા જ રોચક તથ્યો અને કલ્પનાઓનો સંગમ છે. જેમ કે 335 વર્ષનું યુદ્ધ. હવે આવુ યુદ્ધ તો બાળકોની ચોપડીમાં હોય, પણ આવુ યુદ્ધ હતું. નેધરલેન્ડ અને આઈલેસ વચ્ચે આ યુદ્ધ ચાલેલું. નેધરલેન્ડ ત્યારે ડચ તરીકે ઓળખાતું અને આઈલેસ પ્રાંત સાઊથમાં ઈંગ્લેન્ડ તરફ આવેલો હતો. જેના મૂળ ઈંગ્લેન્ડના સિવિલવોરમાં દબાયેલા હતા. 1642થી 1651માં તેમની વચ્ચે શિતયુદ્ધ ચાલ્યુ, અને આ શિતયુદ્ધ ક્યારે ગરમયુદ્ધમાં પરિવર્તિત થઈ ગયું ખ્યાલ જ ન આવ્યો. 2001માં ગ્રેમ ડોનાલ્ડે પોતાના પુસ્તકમાં એવો ધડાકો કરેલો કે આ યુદ્ધ ગણી જ ન શકાય. 335 વર્ષ સુધી ડચ લોકો એવા પ્રદેશ સામે લડ્યા જેને અત્યારે પણ કોઈ ઓળખતું નથી. તો પછી શા માટે યુદ્ધ ખેલાયું. કે પછી સ્વમાન હક અને પ્રતિષ્ઠા માટે વેરની વસૂલાત કરવી જરૂરી હતી ?
335ની સાથે 38 મિનિટને પણ આમા સ્થાન આપી શકાય. દુનિયાનું આ સૌથી નાનું યુદ્ધ હતું. 27 ઓગસ્ટ 1896માં આ યુદ્ધના મંડાણ થયા અને પરિણામ 38 મિનિટમાં આવી ગયું. હજુ પણ તેમાં શંકા છે, કારણ કે ઘણા લોકો 38 નહીં 45 મિનિટમાં યુદ્ધની ફાઈનલ પતી ગયેલી તેવુ માને છે. પણ કેટલીક જગ્યાએ એવો ઊલ્લેખ કરવામાં આવે છે કે, વોર તો 38 મિનિટમાં પતી ગયેલું, પણ છેલ્લી ઘડીએ એક બાબુમોશાય બંદુકબાઝ નિંદરમાંથી જાગ્યો અને તેણે ધડાકા કર્યા પરિણામે 7 મિનિટ વધારે ખેંચાઈ ગઈ. હવે આ સાત મિનિટ પાછી જો અને તો જેવી છે.
અચ્છા નેપોલિયન તેના જીવનમાં કેટલા યુદ્ધો હાર્યો. એક જ વોટર્લુનું યુદ્ધ. આ સિવાય તે અજેય રહ્યો. પણ ઈતિહાસ સહમત નથી. ઈતિહાસના મતે તો નેપોલિયન ભાઈ સસલાઓ સામે હારી ગયેલા. બનેલુ એવુ કે નેપોલિયનને શિકાર કરવાનું મન થયું. તેણે 100 જેટલા સસલાઓ મંગાવ્યા. જેમને નેપોલિયનની સામે છોડવામાં આવ્યા. નેપોલિયનને વિશ્વાસ હતો કે હું વિશ્વ વિજેતા આ સસલાઓને તો હમણાં જ હણી નાખીશ, પણ ઊલટું થઈ ગયું. સસલાઓ નેપોલિયનની સામે થયા અને નેપોલિયને બે હાથ ભેગા કરી અને હળી કાઢી. આ જોઈ તેમના બીજા સૈનિકો પણ હસવા લાગ્યા. હવે આ સૈનિકોના શું હાલ થયા હશે તેનો પણ કોઈક અલગ ઈતિહાસ હશે.
ઉતર કોરિયાના તાનાશાહ કિમ જોગ ઉનના પિતાને તમે સરમુખ્તાર તરીકે ઓળખતા હશો. આ સિવાય તેને કઈ રીતે બિરદાવો ? કિમ જોગ દ્વિતિયે શોપ ઓપેરા રાઈટર હતો, તેની બાયોગ્રાફી અને કોરિયનો પણ એ વાતનો સ્વીકાર કરે છે કે, તેણે 6 મ્યુઝીકલ શોપ ઓપેરા લખ્યા હતા. પરંતુ દિમાગનું દહી-હાંડી કરી નાખે તેવી વાત એ છે કે, આ માણસ હવામાનને કાબૂમાં રાખી શકતો હતો. હવે તે કોઈ એક્સમેન સિરીઝનો મ્યુટન તો હતો નહીં ?
બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના બર્લીન પર બોમ્બમારો થયો. હવે જ્યારે બોમ્બમારો થાય ત્યારે નિકંદન તો નિકળવાનું જ, પરંતુ નિયતિને કંઈક ઓર મંજૂર હતું, જેનું કારણ હતું હવે પછી થનારૂ વિસ્મય. આ બોમ્બ જ્યાં ફોડવામાં આવ્યો ત્યાં પ્રાણી સંગ્રહાલય હતું, પરિણામે બોમ્બ પડ્યો ત્યાં હાથી હતો. અને જોગ સંજોગ એક જ હાથીનું ઢીમ ઢળ્યું. ખબર નહીં લોકો ક્વોરામાં આવા સવાલો પણ પૂછે છે…!
દુનિયાને શૂન્ય અને વૈદિકગણિતની માફક શેમ્પુની ભેટ આપનારો પણ ભારત જ છે. સંસ્કૃતમાં એક શબ્દ છે ચમ્પુ. જેનો અર્થ થાય છે, મસાજ કરવી અને આ મસાજ પરથી શબ્દ આવ્યો શેમ્પુ. ભારતમાં જ્યારે શેમ્પુ બનાવવામાં આવ્યું ત્યારે તે આયુર્વેદિક ઔષધીઓથી બનાવવામાં આવ્યું પછી તો તેમાં કંઈ કેટલાય પેતરાઓ અજમાવવામાં આવ્યા અને ચમ્પુ બની ગયું શેમ્પુ. આને કહેવાય દુનિયાનો સૌથી મોટો કાંકરીચાળો.
~ મયુર ખાવડુ
Leave a Reply