દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારા હવે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ બની ચૂક્યા છે. કમાણીના મામલે બિલ ગેટ્સ અને વોરેન બફેટ આગળ રહેતા હતા, હવે જેફ આ યાદીમાં સૌથી ધનિક છે. એક વિચાર માણસને ક્યાંથી ક્યાં લઈ જાય તેનું ઉદાહરણ છે જેફ. માનવીની અત્યારની સૌથી મોટી સમસ્યા તેની વ્યસ્તતા છે અને સૌથી મોટો ફાયદો મોબાઈલ છે. મોબાઈલમાંથી જ વસ્તુઓનો ઓર્ડર અપાતો હોય અને ઘરે બેસીને દરેક વસ્તુ મેળવી શકાતી હોય તો ? આ વિચારને અગ્રિમ સ્થાન પર રાખી જેફની કંપની એમેઝોન ચાલેલી. અને અત્યારે પુરપાટ વેગે દોડી રહી છે. જેટલી ક્લિક ફેસબુક પેજ પર થતી હશે, તેનાથી વધારે જેફના એમેઝોન .કોમ પર થતી હશે.
જે સમયે જેફે આ કંપનીની સ્થાપના કરવાનું વિચાર્યું ત્યારે તેમને લાગતું પણ ન હતું કે મારી સ્થાપેલી કંપની ઈન્ટરનેટના યુગમાં ધમાલ મચાવી દેશે. વ્યાપાર ઓનલાઈન થઈ જશે. કમાણીની નવી રૂપરેખાઓ ઘડાવા માંડશે અને હું દુનિયાના અબજપતિઓની લિસ્ટમાં સામેલ થઈ જઈશ. બેઝોસના વંશજો ટેક્સાસમાં રહેતા હતા. જેમણે એટલું કામ કર્યું કે બાદમાં તેના પૈસાથી 25,000 એકરમાં એનિમલ ફાર્મ હાઉસ ખોલી નાખ્યું. બેઝોસનો પરિવાર કંઈ નાનો સૂનો ન હતો, તેના નાના અલ્બુકર્કમાં અમેરિકાના પરમાણુ આયોગના નિર્દેશક હતા. આ કામમાંથી તેમણે રિટાયર્ટમેન્ટ લઈ લીધી અને એનિમલ ફાર્મ હાઉસને ઘરનો ધંધો બનાવી ચાલવા લાગ્યા. જેફનો જન્મ થયો ત્યારે તેની માતા કિશોર વયની હતી. જેફના પિતા સાથે માતાનું લગ્નજીવન માંડ એક વર્ષ ચાલ્યું. માતાની મુલાકાત મિગુએલ બેઝોસ સાથે થઈ અને બંન્નેએ લગ્ન કરી લીધા. 15 વર્ષની ઉંમરમાં આખુ પરિવાર અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં રહેવા માટે ચાલ્યું ગયું. જેફના બીજા પિતાએ ત્યાં એન્જિનિયર તરીકેની નોકરી સ્વીકારી લીધી. અને જેફ 6 ધોરણ સુધી ત્યાંજ ભણ્યા. તેના અપર પિતા એન્જિનિયર હોવાના કારણે તેની મશીનોમાં રૂચી વધવા લાગી. પોતાના ભાઈ-બહેનોને પણ તે પોતાના રૂમથી દૂર રાખતો હતો. પિતાનું ગેરેજ હતું જે જેફે પ્રયોગશાળામાં તબ્દિલ કરી દીધુ. અમેરિકાથી પરિવાર મીયામી ફ્લોરિડા ચાલ્યું ગયું. કોલેજમાં ઈલેક્ટ્રીકલ એન્જિનયરીંગની ડિગ્રી હાંસિલ કરી લીધી.
પ્રિંસટન વિદ્યાલયમાં સ્નાતક થયા બાદ 1986માં બેઝોસે કોમ્યુટર સાયન્સમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. ફિટેલ નામની કંપનીમાં આંતરાષ્ટ્રીય વ્યાપાર માટે નેટવર્ક બનાવ્યું. દુનિયા ઘુમવા સિવાય કશું નથી થતું. તેણે 1994માં ન્યૂયોર્કથી સિએટલ સુધી પોતાની દુનિયા ઘુમી ! ગાંધીજીથી લઈને સ્ટીવ જોબ્સ અને લેરી પેજ સુધીના લોકોએ જગત પરિભ્રમણ કરીને જ જાતજાતના અનુભવોથી શીખ્યા છે. આવા જ અનુભવોમાંથી જેફ શીખ્યા અને તેમણે એમેઝોન સ્થાપવાનો નિર્ણય લીધો એમ કહી શકાય.
એકવાર કંપનીમાં બેઠા બેઠા વિચારતા હતા. કંઈ મગજમાં આવતું ન હતું. 1994માં નેટ સર્ફિંગ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે, દુનિયામાં દર વર્ષે 2300 પ્રતિશતના માર્જિનથી લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યાંજ સ્પાર્ક થયો અને વિચાર આવ્યો કે ઓનલાઈન બિઝનેસ કરવો જોઈએ. જેફે બીજા દિવસે તો નોકરી છોડી દીધી.
જુલાઈ 5, 1994માં એમેઝોનની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં નામ કેડ્રેબા.કોમ રાખવાનું વિચાર્યું હતું, પણ ત્રણ મહિનામાં જેફનો વિચાર બદલી ગયો અને તેણે નામ એમેઝોન રાખી દીધુ. નામ એમેઝોન રાખવા પાછળનું કારણ જથ્થાની દ્રષ્ટિએ એમેઝોન દુનિયાની સૌથી મોટી નદી છે. તો બીજુ કંપનીઓના નામનું લિસ્ટ ઈન્ટરનેટ પર સર્ચ કરવામાં આવે તો પ્રથમ અક્ષર ‘A’ જ આવવાનો.
એમેઝોન સ્થાપવાનો વિચાર પણ તેને બુક્સ માટે જ આવેલો. જેફ પોતાની આ દુકાનથી ઓનલાઈન બુક વેચવા માંગતા હતા. દુનિયાના લેખકોને બેસ્ટસેલર બનાવવા માગતા હતા. એ પણ ઓછી કિંમતમાં. મૂળ કિંમત કરતા અડધી. પણ સમય જતા આ કંપનીમાં ડિવીડી, કપડા અને ઈલેકટ્રોનિક ગેજેટ પણ વેચાવા માંડ્યા. પોતાના ગેરેજમાં તેમણે આ કંપનીની સ્થાપના કરી અને સ્થાપના સમયે ત્રણ કમ્પ્યુટરથી ઓર્ડર લેવામાં આવતા. કંપનીનો સોફ્ટવેર ત્રણ લાખ રૂપિયામાં તૈયાર થયેલો. જે જેફના માતા પિતાએ દાવ પર લગાવ્યા હતા. તેમની માતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘મને ત્યારે ઈન્ટરનેટ એટલે શું ? તેની ખબર ન હતી. હું પૈસા કંપનીમાં નહીં જેફ પર લગાવી રહી હતી.’ કંપનીમાં માતા પિતાનો 6 ટકા હિસ્સો હતો. સન 2000 આવ્યું ત્યાંસુધીમાં તો માતા પિતા અરબપતિ બની ગયા હતા.
પણ આ અરબપતિ બનવાનું સંઘર્ષમય હતું. 16 જુલાઈ 1995માં જ્યારે જેફ બેઝોસે પુસ્તકો વેચવાનું શરૂ કર્યું અને પ્રથમ જ દિવસે એમેઝોન દ્વારા અમેરિકાના 50 રાજ્યમાં અને બીજા 45 દેશોમાં પુસ્તકો વેચાઈ ગયા, પણ મુશ્કેલી હવે શરૂ થઈ. જમીન પર બેસીને જેફે પુસ્તકોને કવરમાં પેક કરવા પડતા. ત્યાંસુધી કે પાર્સલ પણ પોતે જ ડોર ટુ ડોર વેચવા પડતા. ઘુંટણ પર બેસી પુસ્તકોનું પેકિંગ કરવાના કારણે જેફના ટાંટિયા દુખવા માંડેલા. તેમના મિત્રને તેમણે પૂછ્યું, ‘આ સમસ્યાના નિકાલ માટે આપણે શું કરવું જોઈએ ?’
મિત્રએ મજાકમાં જવાબ આપ્યો, ‘આપણે ઘુંટણ નીચે તકિયા રાખવા જોઈએ.’ અને જેફે બીજા દિવસે ટેબલ ખરીદી લીધા. જેથી પેકિંગ આસાન થઈ જાય. જેફના ઘુંટણીયે આખરે કરી બતાવ્યું અને 20,000 ડોલરની સપ્ટેમ્બરના વિક સુધીમાં કમાણી થઈ ગઈ.
હવે તમામ વસ્તુઓ એમેઝોનમાં વેચાતી હતી. લોકો ફેસબુક જેટલો સમય એમેઝોનને આપતા હતા. પણ નવેમ્બર 2007માં એમેઝોને દુનિયા બદલવાનો નિર્ણય લીધો. તેણે બજારમાં એમેઝોન કિન્ડલ નામની ઈ-બુક ઉતારી. જેથી પુસ્તકને ડાઉનલોડ કરી વાંચી શકાય. હવે પુસ્તકોનો ઓર્ડર આપવો અને રાહ જોવી, આવે ત્યારે વાંચવાની શરૂઆત કરવી, આ બધામાંથી બાયબાય કરવાનો વારો આવ્યો. પુસ્તક લોંન્ચ થઈ… ડાઉનલોડ કરો… વાંચો. કંપનીને આ નિર્ણયનો ખાસ્સો લાભ થયો.
બિઝનેસમાં સફળ વ્યક્તિઓના ક્વોટેશનો અને લેક્ચરોનો આવનારી બિઝનેસ પેઢીને લાભ મળતો હોય છે. જેફના ક્વોટેશનો સ્ટીવ જોબ્સની કક્ષાના તો નથી પણ તેનાથી એક ચાસણી ઉતરે તેવા પણ નથી. લાંબા સમય માટે વિચારો તો તમે જીવનના સારા નિર્ણયો લઈ શકો છો, આ માટે તમને બાદમાં અફસોસ પણ નહીં રહે, કારણ કે સફળ થશો કે નિષ્ફળ વિચાર તો તમારો જ હતો. અને હા સફળતા ચૌક્કસ મળશે, હું નાકામિયાબ થઈશ તો મને અફસોસ નથી, પણ હા, જો હું કોશિશ નહીં કરીશ તો મને અફસોસ રહેશે, નવું કામ કરવું એ સફળ થવાનો સૌથી સરળ માર્ગ છે. દસ રૂપિયાની વસ્તુને તમે 11માં વેચો તો નુકસાન છે, પણ 15માં વેચો તો ફાયદો છે. આવા કંઈ કેટલાય ક્વોટેશનો તમે ઈન્ટરનેટ પર સર્ફ કરશો એટલે મળી જાશે. જે નવી પેઢીએ પોતાના વોલપેપર તરીકે યુઝ કરવા રહ્યા.
કંપનીનો લોગો એ ટુ ઝેડ દર્શાવે છે. જેનો અર્થ કે તે કોઈપણ વસ્તુ આપને આપી શકે છે, પણ શરૂઆતના સમયમાં બેઝોસની ઓફિસમાં બેલ રાખેલો હતો. કોઈ બુક વેચાઈ કે બેલ વગાડવાનો. પુસ્તકો વેચાવા લાગ્યા અને બેલ વાગવા જ લાગી. આખરે કંટાળીને બેઝોસે આ બેલ કાઢી જ નાખ્યો. કંપનીમાં કોઈપણ પ્રકારનું પાવરપોંઈન્ટ પ્રેઝન્ટેશન નથી થતું. જે તમે ફિલ્મોમાં જુઓ છો એવું તો બિલ્કુલ નહીં. મીટીંગ માટે લોકોએ એકત્ર થવાનું. આપેલી વસ્તુ સાઈલેન્ટ મોડમાં 30 મિનિટ વાંચવાની અને પછી આગળ વધવાનું.
બેઝોસને આ પહેલા દુનિયાના 50 શ્રેષ્ઠ લિડરોમાં પણ સ્થાન આપવામાં આવેલું. જેની પાછળનું કારણ જેફ બેઝોસ હંમેશા નરમ સ્વભાવથી કામ લે છે. જેમ આવે તેમ જાય અફડાતફડી મચાવે, લોકોમાં ડર પેદા કરવો, જેથી લોકો કામ કરે એવું જેફ બિલ્કુલ નથી કરતા અને કદાચ એટલે જ એમેઝોન ટકી શકી છે અને અવ્વલ નંબર પર છે.
~ મયુર ખાવડુ
Leave a Reply