Sun-Temple-Baanner

મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૨


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મહારાજ સિદ્ધરાજ જયસિંહ | ભાગ – ૨


⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

મહારાજ સિદ્ધરાજ જયસિંહ

(ઇસવીસન ૧૦૯૪- ઇસવીસન ૧૧૪૩)

——– ભાગ -૨ ——–


✅ જ્યાં અટકયા હોઈએ ત્યાંથી જ શરૂઆત કરીએ…… આ વાત ખાસ મહારાજ સિદ્ધરાજ જયસિંહના લેખ માટે તો ખાસ લાગુ પડે છે. આમેયમાં વિગતો હજી ઘણી બાકી છે એટલે વાતમાં મોણ નાખ્યા વગર સીધાં જ મૂળ વાત પર આવી જઈએ !

✅ વાત ચાલતી હતી મહારાજ સિદ્ધરાજનાં સૌરાષ્ટ્ર વિજયની તો એજ વાત આગળ ધધપાવીએ.
આમ તો , એમ કહેવાય છે કે મહારાજ સિદ્ધરાજ જયસિંહે સુરાષ્ટ્ર જૂનાગઢની જીતથી જ પ્રોત્સાહિત થઈને પોતાનાં નામથી “સિંહ સંવતની શરૂઆત કરી હતી. હકીકતમાં એવું નથી તેઓ જ્યારે મોટાં થયાં અને હવેજ એમણે કૈંક કરી છૂટવાનો – કૈક કરી બતાવવાનો સમય આવ્યો છે એમાં જયારે તેઓએ એક મોટી જીત મેળવી ત્યારથી તેમણે આ સિંહ સંવતની શરુઆત કરી હતી . જો કે ઈતિહાસ હજી એ નક્કી નથી કરી શક્યો કે એમણે સૌ પ્રથમ જીત કઈ મેળવી હતી તે !!!
આ લેખ એ દાનપત્રો અને અભિલેખો અને તે સમયનું આલેખન કરતાં સાહિત્યિક ગ્રંથો પર જ આધારિત છે.

✅ થોડીક માહિતી આપણા સંવતો વિષે પણ આપી દઉં
ભારતીય સંસ્કૃતિમાં ઘણા વંશોએ પોતાનાં માનમાં આ સંવતો શરુ કરી છે જે જે તે સમયમાં અને ત્યાર પછીના સમયમાં રચાયેલા ઈતિહાસ માટે ખુબ જ મહત્વની છે

✅ ભારતની સંવતો અને તેની શરૂઆત

👉 [૧] વિક્રમ સંવત – ઈસ્વીસન પૂર્વે ૫૬
👉 [૨] શક સંવત – ઇસવીસન ૭૮
👉 [૩] ગુપ્ત સંવત -ઇસવીસન ૩૨૦
👉 [૪] વલભી સંવત- ૪૮૦સિંહ સંવત – ૧૧૨૦ (આશરે) સાલ ચોક્કસ નથી

✅ આ સિંહ સંવત તરત જ બંધ થી ગઈ હતી પછી એનું કોઈજ અસ્તિત્વ નથી એ પણ મહારાજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં જ પાછી !

✅ મહારાજ સિદ્ધરાજ જયસિંહનાં વિજય અભિયાનો પણ ખાસ્સાં છે.
આ વિજય અભિયાનોમાં ઘણાબધાં ગુજરાતની બહાર આદર્યા છે એટલેકે એમની સત્તા માત્ર ગુજરાત પુરતી માર્યાદિત ના રહેતાં તે ભારતના અન્ય રાજ્યોમાં પણ વિસ્તરી હતી. આ ઘણી મોટી સિદ્ધિ કહેવાય મહારાજ સિદ્ધરાજ જયસિંહની !
તો એ વિજય અભિયાનો પર એક દ્રષ્ટિપાત નાંખી જ લેવો જોઈએ !!!

✔ મહારાજ સિદ્ધરાજ જયસિંહના વિજય અભિયાનો ——–

✔ નડૂલના ચાહમાનો અને રાજા સિદ્ધરાજ ——–

✅ સોરઠને જીત્યાં પછી રાજા સિદ્ધરાજે નડૂલના ચ્માનોને વશ કરવાનો પ્રયત્ન કર્યો. આ ચાહમાનો સાથે ઘણા સમયથી સારા સંબંધો ન હતાં. ચાહમન રાજવી યોજક પછી નડૂલની ગાદીએ એનાં ભાઈ જિન્હરાજનો પુત્ર અશારાજ આવ્યો. આ આશારાજે સિદ્ધરાજ સાથેના સંબંધો સુધારવાના પ્રયત્ન કર્યાં.
સૂંધાના આ લેખમાં જણાવ્યું છે કે-
“આશારાજે સિદ્ધરાજને માળવા સાથેના યુધ્દમાં મદદ કરીને ખુશ કર્યો.”

✔ રાજા સિદ્ધરાજ અને શાકંભરી ચાહમાનો ——–

✅ શાકંભરીના રાજા વિગ્રહરાજે ત્રીજાએ કર્ણદેવસાથેના યુદ્ધમાં માળવાના ઉદયાદિત્યને મદદ કરેલ હોવાથી સિદ્ધરાજના શરૂઆતના અમલ દરમિયાન શાકંભરીનો રાજવી વિગ્રહરાજ ત્રીજના પૌત્ર અરણોરાજ સિદ્ધરાજનો સમકાલીન હતો.

પ્રબંધચિંતામણીમાં જણાવ્યું છે કે શાકંભરીનો રાજવી અર્ણોરાજ (આનક)સિદ્ધરાજ આગળ નતમસ્તક થઇ ગયો અને તેથી સિદ્ધરાજે તેનું રાજ્ય પાછું આપી દીધું.
સાંભરમાંથી મળેલા લેખમાંથી પણ જણાય છે કે રાજા સિદ્ધરાજે અર્ણોરાજને હરાવ્યો હતો.
અશોક મજુમદાર માને છે કે –

સંભવત: મહારાજ સિદ્ધરાજે ઉદારતા અપનાવી હોય અને અર્ણોરાજને સદાય પોતાને વશ કરવાં માટે તથા એનાં મનમાંથી હારનો ડંખ કાઢી નાંખવા માટે પોતાની પુત્રી અર્ણોરાજ સાથે પરણાવી હોય.
આ વાતને વિસ્તારે સમજવા જેવી છે.
કારણકે કેટલાક તથ્યો પ્રમાણે મહારાજ સિદ્ધરાજ જયસિંહ નિ:સંતાન હતાં.
તેમને કોઈ પુત્ર કે પુત્રી નહોતાં !

ઈતિહાસ જો કે એ જ વાત આગળ કરે છે રાજગાદીના વરસ માટે ઝગડાઓ થયાં હતાં.
જેની વાત આપણે રાજા કુમારપાળમાં કરવાના જ છીએ. આમાં એક વાત બધાં કહે છે કે –
મહારાજ સિદ્ધરાજ જયસિંહને પુત્ર નહોતો પણ પુત્રી હતી કે નહીં તે વાત કોઈ સ્પષ્ટપણે જણાવતું નથી.
લિખિત સાહિત્ય અલબત્ત તે સમયમાં અને ત્યાર પછીના સાહિત્યમાં અને ઇતિહાસમાં એવું જાણવા મળ્યું છે કે-
રાજા સિદ્ધરાજ જયસિંહને દત્તક પુત્રી હતી પોતાની કોઈ પુત્રી તો હતી જ નહીં !
જયારે અત્યારના ગુજરાતી નવલકથા સાહિત્યમાં રાજા સિદ્ધરાજ જયસિંહની પુત્રીના લગ્ન મહાન પૃથ્વીરાજ ચૌહાણ સાથે કરાવેલાં એવું નિરૂપણ થયું છે. જે કોઈપણ રીતે બંધ બેસતું જ નથી !
હવે જરા પૃથ્વીરાજ ચૌહાણની સાલવારી પર પણ નાંખી લઈએ !

મહાન પૃથ્વીરાજ ચૌહાણ એ ઇસવીસન ૧૧૬૬માં જન્મ્યા હતાં અને ઇસવીસન ૧૧૯૨મ મૃત્યુ પામ્યા હતાં.
જો એમનો વિવાહ એ રાજા પૃથ્વીરાજ ચૌહાણ સાથે થયો હોય તો એ લગભગ ઈસ્વીસન ૧૧૮૩ -૮૪માં થયો હોય અથવા એ પછીના વર્ષોમાં થયો હોય !
જયારે મહારાજ સિદ્ધરાજ જયસિંહ તો સન ૧૧૪૩માં મૃત્યુ પામ્યા હતાં.
શું કહેવા માંગું છું એ તમે સમજી ગયાં ને !

એ જ કે મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એ મહારજ સિદ્ધરાજ જયસિંહ પછી થયાં છે અને મહારાજ સિદ્ધરાજે પોતાની (દત્તક) પુત્રીનો વિવાહ એ અર્ણોરાજ સાથે કરેલો હતો નહીં કે મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણ સાથે.

આ વાત લખવામાં ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક ગૌરી શંકર જોશી “ધૂમકેતુ” થાપ ખાઈ ગયાં છે. જો કે આનો અર્થ એ નથી કે એમની નવલકથાઓ ઉત્તમ નથી એ અતિઉત્તમ જ છે પણ એ ઐતિહાસિક નથી પણ સારી નવલકથાઓ છે પણ એને જ સાચો ઈતિહાસ ના જ માની લેવાય !

ઇતિહાસમાં આનો ઉલ્લેખ મહારજ સિદ્ધરાજ જયસિંહના શાકંભરીના ચૌહાણો પરના વિજય તારીખે આલેખાયો છે.
નડૂલના ચૌહાણોએ તો ગુજરાતના સોઅલન્કિઓનુ સમાંતપદ તો પહેલેથી જ સ્વીકરેલું હતું.
શાકંભરી એટલે એટલે આજનું સાંભર ! જે અજમેર પાસે સાંભર સરોવર તરીકે ઓળખાય છે .
ભારતનું સૌથી મોટું ખારાં પાણીનું સરોવર !

જેના રાજા અજ્ય્દેવનો પુત્ર અર્ણોરાજ પણ સિદ્ધરાજની સત્તા હેઠળ હતો અરે હતો નહોતો એણે મહારાજ સિદ્ધરાજે હરાવીને પોતાની સત્તા નીચે આણ્યો હતો. જેથી કરીને એ રાજપૂત રાજા મહારાજ સિદ્ધરાજસિંહને બીજે કઈ અન્ય વિજયો પ્રાપ્ત કરવાં હોય તો મદદ કરી શકે.

આ એક આખેઆખી રાજકીય ચાલ હતી જેને આખરી ઓપ આપ્યો હતો મહારાજ સિદ્ધરાજ જયસિંહે !
મહારાજ સિદ્ધરાજ જયસિંહને એક પુત્રી હતી ….. પુત્ર તો હતો જ નહીં.!!
પણ આ પુત્રી પણ તેમની પોતાની નહોતી દત્તક લીધી હતી એવું કહેવાય છે.

આ પુત્રીનું નામ કાંચનદેવી હતું. મહારાજ સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવીના લગ્ન સાંભર-અજમેરના રાજા અર્ણોરાજ સાથે કર્યાનો ઉલ્લેખ “પૃથ્વીરાજ વિજય”નામના ગ્રંથમાં મળે છે.
પણ આ માહિતીને જ સંપૂર્ણ સત્ય માની ના લેવાય !
આ કોઈ ઐતિહાસિક ગ્રંથ નથી માત્ર એક એ જમાનાનું વર્ણન કરતી અને પૃથ્વીરાજની પ્રશસ્તિ કરતી કૃતિ માત્ર છે.

આ “પૃથ્વીરાજ વિજય”નામના ગ્રંથમાં અને સોમેશ્વર દોહદના લેખમાં મળે છે.
ઉલ્લેખ મળે છે પણ એ સાચું નથી !
અર્ણોરાજ અને કાંચનદેવીને એક પુત્ર થયો હતો જેનું નામ “સોમેશ્વર” હતું.
આ સોમેશ્વ્રને મહારાજ સિદ્ધરાજે પાટણમાં પોતાની પાસે રાખીને તેનો ઉછેર કર્યો હતો .
આ જ અર્ણોરાજે મહારાજ સિદ્ધરાજ જયસિંહને તેમનાં માળવા વિજયમાં પણ મદદ કરી હતી.

✔ માળવા વિજય – માલવ વિજય

✅ માલવ વિજય એ સિદ્ધરાજનું મહાન પરાક્રમ ગણાય છે- મનાય છે.
માળવાના યાશોવાર્વાને હરાવીને મને અવંતિનાથનું બિરુદ ધારણ કરેલું.
આ યુદ્ધની વિગત સમકાલીન અને અનુકાલીન લેખોમાંથી મળે છે.દ્રયાશ્રયમાં હેમચંદ્રાચાર્ય જણાવે છે કે —–
“સિદ્ધરાજ રોજ રાતે એકલાં રાત્રિચર્ચા કરવાં નીકળતાં. આથી એણે બીજાં ન જાણતાં હોય એવી ઘણી માહિતી મળતી. લોકો આનાથી અજાણ હતાં તેથી લોકો એને વિદ્યાધર માનતાં.
એમનાંમાં ગુપ્ત રહસ્ય જાણવાની એક અદભુત શક્તિ રહેલી છે એમ એક લોકવાયકા પ્રચલિત થઇ હતી !
એક વખત આ રાત્રિચર્ચા દરમિયાન મહારાજ સિદ્ધરાજને એક યોગિની મળી હતી તેણે રાજાને કહ્યું કે –
જો તમે તમારી પોતાની, તમારાં કોશની, તમારી સોનાની અને તમારાં સર્વ્સ્વની રક્ષા કરવાં ઇચ્છતાં હોવ તો ભક્તિપારાયણ થઈ રાજા યશોવાર્માની મૈત્રી કરો !”

મહારાજ સિદ્ધરાજે જવાબ આપ્યો કે – “જે તમારી અહર્નિશ પૂજા કરે છે તેનું તમારી શક્તિથી તમારામાં હોય એટલી તાકાતથી આ યુધ્દમાં રક્ષણ કરજો !”
વિક્રમ સંવત ૧૨૦૮ (ઇસવીસન ૧૧૪૪)ની વડનગર પ્રશસ્તિમાં મહારાજ સિદ્ધરાજે મદ ભરેલા માલવનૃપને ભયભીત કર્યાનો ઉલ્લેખ મળે છે !
કવિ સોમેશ્વર કીર્તિકૌમુદીમાં સિદ્ધરાજે જણાવ્યું છે કે મહારાજ સિદ્ધરાજે યુદ્ધમાં મળવાના પરમારોને હરાવ્યા. એમણે ધારાનગરીના રાજવીને કાષ્ટના પિંજરામાં પૂર્યો. એણે તો રાજા નરવર્માની એક જ ધારા લીધી હતી પણ મહારાજ સિદ્ધરાજે તો નરવર્માની સ્ત્રીઓને હજારો અશ્રુઓની ધારા આપી એવો અલંકારિક ઉલ્લેખ થયેલો છે.

જયસિંહસૂરી કૃત કુમારપાલ-ભૂપાલચરિતમાં તો એમ જણાવ્યું છે કે –
રાજા સિદ્ધરાજે નરવર્માને હરાવીને એની ચામડીમાંથી પોતાની તલવારની મ્યાન બનાવવાની પ્રતિજ્ઞા કરી હતી.
આથી ૧૨ વર્ષ સુધી તેઓ ધાર (ધારાનગરી)ને ઘેરો ઘાલીને બેઠાં હતાં.
અંતે તેમણેપોતાનાં હાથી દ્વારા ધારા નગરીનો દરવાજો તોડી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી!

✅ આ વિજય વિષે મેરુતુંગ પ્રબંધચિંતામણીમાં અન્ય ગ્રંથો કરતાં વિસ્તારપૂર્વક વર્ણન કરે છે.
એ જણાવે છે કે —
“એક વખત જયારે સિદ્ધરાજ સોમનાથની યાત્રાએ ગયેલાં ત્યારે માળવાના રાજા યાશોવાર્માએ પાટણપર આક્રમણ કર્યું.”

શાંતુ મંત્રી વગરે એ એણે સમજાવીને એને પાછો વળી જવા કહ્યું. ત્યારે એણે જણાવ્યું કે –
“જો તમે તમારા રાજાની યાત્રાનું પુણ્ય મને આપો તો હું પાછો વળી જાઉં.”
એટલે મંત્રીએ એ રાજાના પગ ધોઈને એનું પુણ્ય આપવાના ચિહ્નરૂપે હાથમાં પાણી મુક્યું અને આ રીતે માળવાના રાજાને પાછો વાળ્યો.

મહારાજ સિદ્ધરાજે જ્યારે આ વાત જાણી ત્યારે એ મંત્રીપર ઘણા ગુસ્સે થયાં.
ત્યારે શાંતુ મહેતાએ જણાવ્યું કે –
“જો જળ મુકવાથી પુણ્ય ચાલ્યું જતું હોય તો બીજા પુણ્યશાળીઓનું પુણ્ય પણ મેં તમને જ આપ્યું છે !”
આ ઘટનાનું નિરૂપણ ૨૦ સદીની “જયભિખ્ખુ”ની નવલકથા “સિદ્ધરાજ જયસિંહ”માં બહુ ઉત્તમ રીતે નાટ્યાત્મક સંવાદોમાં કર્યું છે.

આ નવલકથા વિકીસ્રોતમાં પણ ઉપલબ્ધ છે અને એ બહુ સારા વેબ પોર્ટલોમાં પણ મુકાઈ છે એ વાંચી જજો બધાં !!
આ જ પ્રબંધમાં આગળ જણાવ્યું છે કે એક વખત જયસિંહે પાટણના ત્રિપુરુષ વગેરે રાજપ્રાસોદો અને સહસ્રલિંગ વગરે ધર્મસ્થાનો યાશોવાર્મને બતાવીને પુચ્ચ્યું કે –
“દેવો સંબંધે દર વર્ષે એક કરોડ દ્રવ્ય વપરાય છે એ યોગ્ય છે કે નહી ?”

ત્યારે યશોવર્માએ જવાબ આપ્યો કે –
“હું અઢાર લાખ માળવાનો ધણી તમારી આગળ કેમ હારી ગયો એ જાણો છો ? પહેલાં માળવા ભગવાન મહાકાલને અર્પણ કરેલ હોવાથી એ દ્રવ્ય ગણાય.
એ ભોગવનારા અમે એનાં પ્રભાવથી ઉદય અને અસ્ત પામીએ છીએ અને તમારાં વંશના રાજાઓ પણ આટલાં બધાં દેવદ્રવ્યોનો કાયમ ખર્ચ નહીં કરી શકે અને પરિણામે બધા દેવદાનો બંધ કરીને (દેવના કોપથી) વિપત્તિમાં પડશે!

✅ આ વિજય અંગેની આધારભૂત માહિતી આપણને મહારાજ સિદ્ધરાજના સમયના કેટલાંક અભિલેખોમાંથી મળે પણ મળે છે.

વિક્રમ સંવત ૧૧૯૩ (ઇસવીસન ૧૧૩૭)ના ગાળાના લેખમાં રાજા સિદ્ધરાજના નામ આગળ “અવંતિનાથ”નું બિરુદ લગાડેલું છે.

વિક્રમ સંવત ૧૧૯૫ (ઇસવીસન ૧૧૩૯)ના ઉજ્જૈન્માંથી મળેલા લેખમાં મહારાજ સિદ્ધરાજના ચાર બિરુદો ત્રિભુવનગંડ,સિદ્ધચક્રવર્તી,અવંતિનાથ,બર્બરક જિષ્ણુ ,જીત્પ્રભુ વગરે જોવાં મળે છે. આ બિરુદો કેમ અને કેવી રીતે મળ્યાં તે વિષે પણ આપણે આગળ જતાં વાત કરવાનાં જ છીએ.

અ અભિલેખમાં જણાવ્યું છે કે –
માળવાના રાજા યાશોવાર્મને કરાવીને અવંતિમંડળ મહારજ જયસિંહે પોતાનાં કબજામાં રાખ્યું અને એ પ્રદેશનો વહીવટ નાગર જ્ઞાતિના દંડનાયક દાદ્કના પુત્ર મહાદેવને સોંપ્યો.
વિક્રમ સંવત ૧૧૯૬ (ઇસવીસન ૧૧૩૯-૪૦)નાં દાહોદના લેખમાં જણાવ્યું છે કે સિદ્ધરાજે સુરાષ્ટ્ર અને મળવાના રાજાઓને કરગૃહમાં નાંખ્યા.

આમ, માળવાની ગણના મહારાજ સિદ્ધરાજના રાજ્યપ્રદેશમાં એક મંડલ-અવંતિમંડલ તરીકે થવાં લાગી અને એ મંડલનો વહીવટ નાગર મહામાત્ય દાદ્કના પુત્ર મહાદેવને સોંપ્યો.

✅ આ આખી ઘટના વિષે એમ પણ ક્યાંક લખાયું છે કે –
મહારાજ જયસિંહ જયારે માતા મીનળદેવી સાથે સોમનાથની યાત્રાએ ગયાં હતાં ત્યારે માળવાના રાજા નરવર્માએ અણહિલપુર (પાટણ)પર ચઢાઈ કરી પરંતુ કુશળ રાજવહીવટી મંત્રી શાંતુ મહેતાએ પોતાનાં ચાતુર્યથી નરવર્મા સાથે સંધિ કરી લીધી અને જયસિંહ જ્યારે સોમનાથની યાત્રાએથી પરત ફર્યા ત્યારે તેમણે મળવાનાં રાજાને હરાવીને પોતાનાં અપમાનનો બદલો લીધો.

અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે – માળવાના આ જ રાજાએ પિતા કર્ણદેવને યુધમાં માર્યો હતો તે વખતે તો સિદ્ધરાજ બહુ નાનાં હતાં પણ જેમ જેમ સમજણા થતાં ગયાં તેમ તેમ તેઓએ મનમાં ગાંઠ વાળી હતી કે હું જ્યારે રાજગાદી સંભાળીશ ત્યારે પિતાની હત્યાનો બદલો જરૂર લઈશ .
આ જીત એ દ્રઢસંકલ્પનું જ પરિણામ છે.

બીજી એક જગ્યાએ આ ઘટનાનું વર્ણન પણ થયેલું જોવાં મળે છે.પણ એમાં સામ્ય ઘણું છે
જે એક વાત નવી છે તે આ છે –

“સિદ્ધરાજ જયસિંહ જયારે સોમનાથની યાત્રાએ પાછાં ફરતાં હતાં ત્યારે તેમણે રાજા નરવર્મા દ્વારા ગુજરાતમાં થયેલી – કરાયેલી પ્રજાની રંજાડ જોઈ/ તેથી તેઓ ગુસ્સે ભરાણા અને પોતાને ચઢેલા ક્રોધના આવેગમાં મહારાજ સિદ્ધરાજે ધારા (માળવાની રાજધાની) પર ચડાઈ કરી.
માળવા પર વિજયકૂચ કરતી વખતે વચમાં આવેલાં હાલના પંચમહાલ પ્રદેશના ભીલોને હરાવ્યા અને ભીલોની સેવા પણ પ્રાપ્ત થઇ હતી.

આ પંચમહાલનો ભીલ તે બીજો કોઈ નહીં પણ ….. બર્બરક !!!
હવે એની વાત …..

✔ મહરાજ સિદ્ધરાજ જયસિંહ અને બર્બરક –

✅ આ બર્બરક એ પંચમહાલના ભીલોનો રાજા હતો.
રાજા હતો એટલે માણસ હતો આજે પણ જ્યાં આ છોટાઉદેપુર જીલ્લો છે ત્યાં આદિવાસીઓ એટલે કે ભીલોની જ વસ્તી છે
અને આ માળવાની સરહદે આવેલું છે.
ભૂગોળ બંધ બેસતી જ આવે છે,
જયારે મહારાજ સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા પર ગુસ્સે ભરાઈને તેના પર આક્રમણ કરવાં જઈ રહ્યાં હોય છે ત્યારે રાતમાં આ ભીલ પ્રદેશ આવતો હતો તો એને જીતી લઈને એને સાથે ભેળવવાના ઈરાદાથી જયસિંહે આ બર્બરક ભીલ સાથે યુદ્ધ કર્યું.

✅ ઉજ્જૈનના વિક્રમસંવત ૧૧૯૪(ઇસવીસન ૧૧૩૮)ના લેખમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહને “બર્બરકજિષ્ણુ”નું બિરુદ લગાડવામાં આવ્યું છે. આ બિરુદ સિદ્ધરાજના માલવ વિજય પછી થોડાંક સમયમાં ઉમેરાયું છે. જયસિંહ પાસે ઋષિઓએ આવીને ફરયાદ કરેલી કે આ બર્બરક અમને બહુ હેરાન કરે છે.

અમારા માણસોને મારી નાંખે છે . અમારાં હવન-યજ્ઞોમાં બધા નાખે છે અને તે સંપન્ન થવા જ દેતો નથી અમને અને સમગ્ર રાજ્યની પ્રજાને બહુ ત્રાસ આપે છે.
આથી મહારાજ સિદ્ધરાજ જયસિંહને બર્બરક સાથે યુદ્ધ કરવાની ફરજ પડી હતી.
બર્બરક એક માણસ હતો …. રાક્ષસ નહીં !

કારણકે આ ઈતિહાસ છે કોઈ પૌરાણિક કથા નથી !
તો પણ દંતકથામાં એને બાબરા ભૂત તરીકે ઓળખવામાં આવે છે
કદાચ આ ઉજ્જયની નગરીની જ અસર હશે!
કારણકે આ ઉજ્જયની નગરીમાં જ રાજા વિક્રમાદિત્ય અને વેતાલની વાતો દંતકથાનો ભાગ બની જ ચુકી હતી.
વળી મહારાજ સિદ્ધરાજ જયસિંહ પણ આ વિક્રમાદિત્ય બીજા જેવોજ મહાશક્તિશાળી હતો.

આ વિક્રમાદિત્ય બીજાના ગુપ્તકાળને સુવર્ણ યુગ કહેવાતો હતો ભારતનો તો સિદ્ધરાજ જયસિંહના સમયને પણ ગુજરાતનો સુવર્ણયુગ કહેવાય છે.
આમ ઘણું સામ્ય છે એ બંને વચ્ચે !

ભીલોનો રાજા બર્બરક એ મહાશક્તિશાળી હતો એનીસાથે મહારાજ સીધ્રાજ જયસિંહને યુદ્ધ થાય છે.
યુદ્ધમાં મહારાજ જયસિંહની તલવાર ભાંગી જાય છે તો એ બંને વચ્ચે દ્વંદ્વયુદ્ધ થાય છે.
આ દ્વંદ્વયુદ્ધમાં મહારજ સિદ્ધરાજ જયસિંહ એને હરાવે છે અને એને બંધક બનાવી દે છે.
આખરે બર્બરકની પત્ની પિંગલિકા – પિંગળાની વિનંતીથી મહારાજ જયસિંહ એને છોડી દે છે એ શરતે કે એને સદાય જયસિંહની સેવામાં હાજર રહેવું પડશે.

આ અહેસાન અને શરતને લીધે બર્બર ક સદાય માટે મહારાજ સિદ્ધરાજજયસિંહને આજીવન વફાદાર રહ્યો.
આ બર્બરકે મહારાજ સિદ્ધરાજને અઢળક દ્રવ્ય આપ્યું હતુંઅને સિદ્ધરાજને માળવા જતી વખતે જ ક્ષિપ્રા નદી પર પુલ પણ બંધી આપ્યો હતો.

ત્યાર પછી પણ આ બર્બરકે મહારાજ સિદ્ધરાજ જયસિંહને ઘણાં યુદ્ધો જીતવામાં મદદ કરી હતી .
એમ કહેવાય છે કે ત્યારપછીથી એ ઇતિહાસમાં બાબરા ભૂતના નામે પ્રસિદ્ધ થયો !
મહારાજ સિદ્ધરાજ જયસિંહે બર્બરક પર વિજય મેળવ્યો તેથી તેને “બર્બરકજિષ્ણુ” પણ કહેવાય છે
જયસિંહે બર્બરકને હરાવીને પ્રજાનું રક્ષણ કર્યું ત્યારથી જયસિંહને “સિદ્ધચક્રવર્તી” નું બિરુદ પણ પ્રાપ્ત થયું હતું.

ક્યાંક એવું પણ નોંધાયું છે કે – આ બર્બરકે મહારાજ સિદ્ધરાજની સૌરાષ્ટ્ર પરની ચડાઈ વખતે મહારાજ જયસિંહને ઘણી મદદ કતી હતી.

ક્યાંક એવું પણ નોંધાયું છે કે – બર્બરકે સિદ્ધપુર (શ્રીસ્થલ)માં મંદિરો પણ તોડી નાંખ્યા હતાં.
તેથી તેનો સંહાર કરવાં માટે પ્રજાએ મહારાજ સિદ્ધરાજ જયસિંહને વિનંતી કરી હતી !

✅ બર્બરકની વાત તો અહી પૂરી થઈ પણ રાજા સિદ્ધરાજ જયસિંહ અને રાજમાતા મીનળદેવીની કાર્યશૈલી અને કાર્યશક્તિની વાતો હવે ત્રીજા ભાગમાં !
એટલે કે ભાગ – ૨ અહીં સમાપ્ત અને ભાગ -3 હવે પછીના લેખમાં
રાજમાતા મીનળદેવીને મહત્વ આપવું છે તેથી આમ કરું છું હોં !
મહારાજ સિદ્ધરાજ જયસિંહ વિષે તો હજી ઘણું ઘણું બાકી જ છે જે હવે પછીના ભાગમાં આવશે !
અત્યારે તો આટલું પુરતું છે !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

– જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.