અમારા એક નજીકના મિત્રએ અમને કહેલું કે, મધુ રાયને વાંચ્યા બાદ ડાયાબિટીસ થઈ જાય છે. ત્યારે બે દિવસ સુધી તો મેં મધુ રાયને વાંચવાના છોડી દીધેલા. બનેલું એવુ કે એ સજ્જને જીવનમાં પશ્યાતાપ કરવા એકવાર વાંચેલું, અને તે પણ દાદીમાના વૈદ્યુમાંથી ‘મધુપ્રમેહ’નો લેખ.
આમ તો મધુને મારો સંબંધ ઘણો જૂનો છે. જૂનો એટલે બારમાં ધોરણથી, જ્યારે હરિયો આવતો. બારમાંની પરિક્ષા મારે ગણીને 28 દિવસમાં પાસ કરવાની હતી. 336 દિવસ આપણે ઉધામા કરેલા. પછી ખ્યાલ આવ્યો કે પરિક્ષા પાસ કરવી પડશે. હું કાંઈ પન્નાલાલ પટેલ સાત ધોરણ ભણેલા છે, અને આવુ સુંદર સાહિત્ય સર્જેલું તેવુ મેણુ મૃત્યુપર્યત: સાંભળવા નહતો માગતો. મેં રોજ મહેનત કરી. આકરી તપશ્યાના અંતે… હું 50 ટકા સાથે પાસ થયો.
રહસ્ય પરથી પડદો ખોલું તો મેં રોજની આઢ કલાક વાંચ્યું અને ઉતીર્ણ થયેલો. તેમાં વચ્ચે બ્રેક મળે એટલે ઈંટોના સાત રંગ…! એકની એક વાર્તા ! હવે વાર્તા કંઈ બદલવાની નહતી અથવા એવુ પણ કંઈ નહતું કે, આપને પીછલે હપ્તે દેખા કી. આમને આમ મધુ રાયની આદત પડી ગઈ. બાપુજી જોતા તો કહેતા, ‘તારૂ ગદ્ય કોઈ દિવસ બદલતું કેમ નથી ? જો જે ઈંટોના સાત રંગ વધારે ન વાંચતો બાકી ઈંટો ઉપાડવાના વારા આવશે.’ બાપુજી પણ સાચા. કંઈ પેપર એક જ પાઠમાંથી થોડુ પુછાય ? પણ રિક્ષા જેવી પરીક્ષામાંથી પાસ થયા…
એ પછી તો મધુરાય જેવું સાહિત્ય સર્જવાનું પણ મન થયું. લાઈબ્રેરીમાંથી કાલસર્પ નામનો વાર્તાસંગ્રહ વાંચતા ખબર પડી કે, તેઓ શ્રી હરિયા વિશે ઘણું લખી ચુક્યાં છે. હવે મધુરાય હરિયાને કલ્પનાની દુનિયામાં, આટલી યોનીમાંથી પસાર કરીને લઈ ગયા, તો તેને પાછો લાવવા કંઈક લખવું કે નહીં. મેં દિગ્ગજ સાહિત્યકારની માફક કલમ ઉપાડી. આ અઘરૂ કામ કોઈને તો કરવું. એ વિચારે મેં હરિયો રિટર્ન લખી નાખી, પણ સમજણ થતા આ આપણું કામ નહીં એટલે મહાન લેખકની માફક કચરામાં ફેંકી પણ દીધી. ત્યારપછી ઉંડો શ્વાસ લઈ બી.એનું ફોર્મ ભરવા ગયાં !
ફોર્મ ભરીને હું બહાર નીકળ્યો ત્યારે સાંભળ્યું કેટલાક છોકરાઓ મધુરાયના સાહિત્યની વાત કરતા હતાં. આપણે તેમની સાથે ગોઠડી જમાવી. થોડીવાર પછી તેમાંથી એક બોલ્યો, ‘ઓય મેઈન વિષય ગુજરાતી છે ?’
મેં કહ્યું, ‘ના…’
‘તો ડોબા એ રખાયને, આટલું આવડે છે તો… !!’ જો કે જે થાય તે સારા માટે થાય. ગુજરાતીમાં મને આધુનિક સર્જકો આવડે, પણ પાછા અખ્ખાના છપ્પા, શામળની પદ્યવાર્તાઓ અને કવિતા તો બિલ્કુલ ન સમજાય. એટલે નિર્ણય આપણો બરાબર હતો.
હરિયો રિટર્ન વાર્તા ફાડ્યા પછી, નક્કી કર્યું કે મધુરાય જેવું સાહિત્ય રચવું નથી, પણ એમને વાંચવા છે. એ ગાળમાં તેમની કિમ્બલ રેવન્સવુડ વાંચી. 12-12 રાશિની છોકરીઓને જોઈ મેં વિચારેલું કે, હું પણ યોગેશ પટેલ બનીશ. જે બાદમાં અનામતના કારણે મોફુક રાખ્યું.
મધુરાયનું સાહિત્ય પૂર્ણ કર્યા પછી એક દાડો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં બક્ષી એક જીવની નામનું દળદાર પુસ્તક લઈ બેસેલા. ત્યારે Harshad Rupaparaએ મને ટકોર મારતા કહ્યું, ‘આ કોણ છે ?’
મેં કહ્યું, ‘મધુરાય..’
‘અદ્દલ તમારા જેવા લાગે છે.’
આ સાંભળીને મારા ગાલ ફુલી ગયા. જે અત્યારે છે, એ વખાણ વાળા ગાલ છે. એ પુસ્તકમાં મધુરાય ઊભડક પગે બક્ષી પાસે બેઠેલા, અને એક જગ્યાએ ઉભેલા, તે ફોટો જોયો હોય તો ખ્યાલ આવશે કે, જી હા… મયુર ચૌહાણ તો અત્યારે આવા જ દેખાય છે. હું મજાક નથી કરતો કિન્તુ આ પુસ્તકને બક્ષીના કારણે જેટલા વાંચકો મળ્યા છે, તેમાંના બે ત્રણ આજ મયુર ચૌહાણના કારણે પણ મળ્યા છે. બક્ષી સાહેબ પરનો આ સંશોધન ગ્રંથ બાદમાં ઘણા માટે મારી પરિચય પુસ્તિકા બની ગયેલો.
એવુ પણ માનવામાં આવે છે કે, મધુરાય સત્યજીત રાયના ખૂબ મોટા ફેન હતા. પોતાની ઓળખ બનાવવા માટે તેમણે મધુસુદન વલ્લભદાસ ઠાકરમાંથી મધુરાય કરી નાખ્યું. વિવેચકોના મતે તો મધુરાયે જેટલું આપ્યું છે એટલું સારૂ આપ્યું છે, પણ ઓછું આપ્યું છે. હવે તો ડાયસ્પોરા કરે છે, મમતા મેગેઝિન ચલાવે છે. પણ હું તો તેમને હરિયાનો સર્જક ગણું છે. હરિયો એટલે આપણો રસ્ટિ ગણી શકો. રસ્કિન બોન્ડે રસ્ટિની ઉંમર છેલ્લે સુધી ન વધારી, પણ મધુરાયે ઈંટોના સાત રંગમાં જ તેને મોટો કરી દીધો. હવે વિચારો કોઈ પાત્રનું બાળપણ આપણને ગમતું હોય અને તે મોટું થઈ જાય, પછી તે ગમે ? હા, શર્ત એ… તે હરિયો હોવો જોઈએ… !!
~ મયુર ખાવડુ
Leave a Reply