લાઈબ્રેરીમાં પુસ્તકો સિવાય પણ કેટલી વસ્તુઓ જોવા જેવી હોય છે. યુનેસ્કોને આ વિશેની માહિતી આપવામાં આવે તો તે લોકો પાગલ થઈ જાય. હિંદ છોડો ચળવળમાં જેટલા અહિંસક લોકોએ ભાગ નહતો લીધો એટલી હિંસક ઊધઈ ચોપડાઓ પર ભોજન માટેનો સત્યાગ્રહ કરતી હોય. કંઈક નીત નવીન પ્રકારના લોકો આટા મારતા હોય. ઘણા તો ખાસ ઘરેથી પ્રોગ્રામ બનાવીને આરામ ફરમાવવા આવ્યા હોય. તમે અમારી જૂનાગઢની આઝાદ ચોક લાઈબ્રેરીમાં આજની તારીખે જાઓ, તો બપોરે લોકો સૂતા જ હોય ! એકવાર ત્યાંના સાહેબ બહાર ગયા હશે, અને કોઈ નવરો પત્રકાર આવી ગયો. ફોટો પાડી લીધો અને છાપામાં છાપી દીધો. કાઠીયાવાડી ટાઈપ હેડીંગ માર્યું, ‘ઊંઘે વાચક ઊંઘે… જૂનાગઢનું ઊંઘતું પુસ્તકાલય’
જ્યારે છાપા વાંચવાની ટેવવાળા લાઈબ્રેરીયનને આ ખબર પડી, તો તેણે વિશાળકાય આઝાદ ચોક લાઈબ્રેરીની ઉપર રહેલ એક પતરૂ હટાવી દીધુ. આ કામ મહાનગર પાલિકાના પ્રયાસોથી થયું, બાકી ત્યાં 30 ફુટ ઉપર પહોંચે કોણ ? એટલે ઊનાળામાં પ્રકાશ, અને ચોમાસામાં વરસાદની મહિમાનો વાચકને લાભ મળે. શિયાળામાં તો કોઈ ઘરની બહાર જ ન નીકળે. પછી તો લાઈબ્રેરીયન બદલ્યા. પેલા ટાલિયા સાહેબ ગયા અને નવા સાહેબે હેડમાસ્તરની જેમ જાગો વાચક જાગોના સ્લોગન લગાડી, જૂનાગઢના વાચકોને જાગૃત કરવાનું બીડુ ઝડપ્યું. આમ છતા વાંચકો તો હજુ સૂતા જ છે. લાઈબ્રેરીની આવી અજીબો ગરીબ દુનિયા પર નજર કરો તો ખ્યાલ આવશે કે, જેમ કરન જોહરની ફિલ્મમાં સમલૈંગિકની જરૂર પડે, તેમ ગ્રંથાલયમાં આ વાંચકોની જરૂર પડવાની જ.
1) પૂંઠા તોડ વાંચકો
દુનિયાનો તમામ વાંચક પૂંઠા તોડ હોય છે. ખબર નહીં સવારમાં જેમ આળસ મરડીને ઉભા થયા હોય તેમ ચોપડી વાળે એટલે તેની કમર તુટી જાય. આગળનું પૂઠું તૂટે પછી પેલા બે ચાર પાના ‘માં હમ આપકે બીના જિંદા નહીં રહે સકતે’ કરતા એ પણ તૂટી જાય. પછી કોઈવાર વાંચક ચકળવિકળ થઈ લાઈબ્રેરીયનને પૂછવા જાય, ‘સાહેબ આ ચોપડી જોવ તો કઈ છે ?’ લાઈબ્રેરીયનને એવુ ફિલ થાય કે, આનો ભાવ શું રાખ્યો ?
2) રહસ્ય-વાંચકો
દુનિયાના 1 ટકા વાંચકો એ રહસ્ય વાંચકો હોય છે. માની લોકે તેમને કાજલ ઓઝા વૈદ્યની છલ નવલકથાના બંન્ને ભાગ મળી જાય. તો ગુપ્ત રીતે બીજા ભાગને કોઈ બીજા કબાટમાં રાખી આવે, પણ અફસોસ… ચૂચૂચૂચૂચૂ… ત્યાં એવો જ માણસ પહોંચે જેણે બીજો ભાગ નથી વાંચ્યો. પ્રથમ નંબરના વાંચક સાથે બીજા નંબરનો વાંચક છલ કરે, પરંતુ બધાનો ભગવાન છે, ભવિષ્યમાં ત્યાં કોઈ બીજો વ્યક્તિ છલનો બીજો ભાગ સંતાડશે અને આ પ્રથમ વ્યક્તિ જે છલનો ભોગ બન્યો છે, તે છલ છલોછલ કરશે.
3) સરકારી ભરતી પરિક્ષાના વાંચકો
મોટાભાગની લાઈબ્રેરીમાં આ પ્રકારના વાંચકોનું પ્રભૂત્વ રહેવાનું. જ્યાં સુધી આ દુનિયામાં તલાટી મંત્રીની પરિક્ષા છે, ત્યાં સુધી તેના વાંચકો લાઈબ્રેરીમાં જ પડ્યા રહેવાના. મને આજની તારીખે ખબર નથી પડતી, આ સરકારી નોકરીવાળા કાનમાં હેન્ડસ-ફ્રી ભરાવીને શા માટે વાંચતા હોય છે ? પણ અત્યારે તો લાઈબ્રેરીમાં કીડીઓ કરતા માખીઓ વધી જાય તેમ આ લોકો વધી ગયા છે. હર હર તલાટી ઘર ઘર તલાટી…
4) આશિકો
કોઈપણ લાઈબ્રેરી હોય એટલે તેની બહાર આશિકો પણ હોવાના. સોરી આશિકોની એક જમાત હોવાની. આશિકોની પાંચ જોડી લાઈબ્રેરીના ગાર્ડનમાં બેઠી હોય તો તેમાંથી બે જોડી તો ચેતન ભગતને વાંચીને પ્રેમમાં પડી ગઈ હશે, અને બાકીના દર્જોય દત્તા અને રવિન્દ્ર સિંહની ફૌજને. આ લોકોનું કામ લાઈબ્રેરીએ વાંચવા જાવ છું કહી, પ્રિત પીયુને પાનેતર, પરંતુ કહાની મેં ટ્વીસ્ટ હૈ, નંબર ત્રણવાળા પાસ નથી થતા, પણ આશિકો પાસ થઈ જાય છે. એટલે જ કવિ કહી ગયા, આશિક કો કોઈ હરા નહીં સકતા.
5) જુર્માનો ભરનારા લોકો
લાઈબ્રેરીમાં તમારી પાછળ ઊભેલો માણસ તમારી સામે જોવે અને પછી બોલે, ‘બે દિવસ બુક લેટ થઈ તો એ પણ નથી ચલાવતા. હું તો પેલીવાર લાગમાં આવી ગયો.’ અને 14 દિવસ પછી, તમે તેની આગળ ઊભા હો અને તે તમારી પાછળ. એ શાંત હોય અને તમે તેનો જ ડાઈલોગ મારતા હો. 14 દિવસમાં બુક પૂરી નથી થતી તો બરાબર, પણ જુર્માનો તમારો બુક જેટલો થઈ જાય તો લાઈબ્રેરીમાં ખાતુ શા માટે ખોલાવવું જોઈએ. અમારા એક મેડમ તો જ્યારે જુર્માનો ઊઘરાવતા ત્યારે બોલતા પણ ખરા, બારી બારી સબકી બારી અબકી બારી મયુરભાઈ કી બારી.
6) નસીબ વિનાના વાંચકો
કેટલાક વાંચકો નસીબ વિનાના હોય છે. તમને ખ્યાલ હશે નવી સિસ્ટમ આવી. પેલી ટ્ક વાળી… સેન્સરથી બધુ થાય એવી. હવે, બને એવું કે જ્યારે તમારે તમારી મનગમતી ચોપડી લેવાની હોય ત્યારે જ તે બંધ થઈ જાય. વિચાર આવે આના કરતા તો અમારા દાદાના વખતમાં લખીને કામ કરતા એ બરાબર હતું. ઊપરથી બુક ઈશ્યુ કરનાર બોલે પણ ખરો, ‘આજ સવારનું આમ જ છે.’ પણ બન્યું તો તમારા જ કિસ્સામાં હોય. તો ઘણા બિચારા જેવી બુક ઉપાડીને ઈશ્યુ કરવા જાય ત્યાં તેને ઓર્ડર આપવામાં આવે, રહેવા દો આમાં હજુ ઈશ્યુ કરવાનું સ્ટીકર નથી લગાવ્યું.
નોંધ: તમને પડેલી દુવિધા કે કષ્ટનું હું નિવારણ નહીં કરી શકું. આ તો લાઈબ્રેરી લાઈબ્રેરીએ સમસ્યા છે.
~ મયુર ખાવડુ
Leave a Reply