મહાન માણસ દેખાવાની કળા

મહાન માણસ દેખાવાની કળા:

મહામાનવ બની જવાની પ્રેરણાઓ તો મોટિવેશનલ સ્પીકરો ને લેખકો આપી શકે. પણ દુનિયા મહાન બની જવાથી જીતી શકાતી નથી. મહાન માણસ તરીકેની છાપ ઉભી કરવી એ મહાન બનવા કરતા પણ પહેલાની આવડત છે. આસપાસ ઘણા માણસો દેખાશે જે મહાન બનવાની લાયકાત ધરાવતા હોય છતાં આખી જિંદગી લઘુમાનવ બનીને રહી જતા હોય. પણ અમુક અપવાદો એવા મળશે જે મહાન હોવા તરીકેની છાપ જગતમાં છાપી નાંખે છે. અને આ ઈમેજ બનાવવા માટે અમુક ગુણ હોવા ફરજિયાત છે…

  1. મોઢેથી ઓછું બોલીને આંખોથી બોલવું: બહુ બોલબોલ કરનારા માણસો હળવે રહીને ઉઘાડા પડી જતા હોય છે. “હું આમ ને હું તેમ…” જેવી વાર્તાઓ આ દુનિયામાં બહુ ચાલતી નથી. જગતમાં થોડાક સસ્પેન્સ ઉભા કરનારા માણસો લોકોને ખેંચી શકે છે. ઓછું બોલીને આંખોથી પ્રતિભાવ આપનારા માણસોના ચહેરા પર એક એવી રોનક હોય છે કે લોકો એને જોઈને જ એક્સ્ટ્રા ઓર્ડિનરી માની લેતા હોય છે.
  2. ફાલતુ માણસોને દુશ્મનો ના બનાવવા: આને તો સીધો કરી નાખું કે પેલાને તો હું દીઠો ના બોલાવું જેવી બળતરાઓ મોટેભાગે સામાન્ય માણસો કરતા હોય છે. મોટા માણસો તો મનમાં દુશ્મની રાખે તો પણ જાહેરમાં ક્યારેય વ્યક્ત ના કરે. કોઈ સેલિબ્રિટીને તમે પથરો મારો ને એ લાકડી લઈને પાછળ દોડે તો એવા દ્રશ્યો બહુ શોભે નહિ. (હા, મોઢેથી સ્માઈલ આપીને પાછળથી વહીવટ કરી નાંખવાનો!) નાના માણસોને દુશ્મન તરીકે ય ઉલ્લેખ કરવો મહાન માણસોને શોભે નહિ.
  3. મક્કમ કહેતા જડ ઓપિનિયન રાખવો: મહાન માણસો બધાના મત સ્વીકારે નહિ. એ પોતે કદાચ બહારથી ખોટા લાગતા હોય તો પણ અંદરથી એટલા ક્લીઅર હોય કે પોતાના સિવાય કોઈની માન્યતાઓને એ સ્વીકારે નહિ. લોકશાહીની વાતો એવરેજ માણસો કરે, પણ કહેવાતા જડ ને કોઈને ના સાંભળતા માણસો પોતાની તાનાશાહીથી સામ્રાજયો ઉભા કરી લે. (ઇતિહાસ શું કહેશે એવી ચિંતા પણ એમને ના હોય!)
  4. સાદગીનું બ્રાન્ડિંગ કરતા શીખો: આ દેશ મૂળભૂત રીતે તો ગરીબોનો જ છે. એટલે અબજોપતિ સેલિબ્રિટીઓ પણ જો “હું તો આ સેલિબ્રિટી લાઈફથી કંટાળી ગયો છું…” કે ” પૈસામાં કશું સુખ નથી ભાઈ…” કે “પૈસા છે તો ય ઊંઘ નથી આવતી…” જેવી વાતો કરે તો ગરીબ ને મધ્યમવર્ગ સાથે જલ્દી કનેક્ટ થાય છે. ધરાર ખીચડી ને ભાખરી ખાનારાઓ ઓટોમેટિક જ પ્રમાણિક ને નમ્ર માણસ તરીકેની છાપ ઉભી કરતા હોય છે.
  5. સંવેદનશીલ ને ઇમેજ ઉભી કરવી: તમને ભલે સગા ભાઈના ભૂખે મરવાથી કોઈ ફરક ના પડતો હોય, પણ સોશિયલ મીડિયા કે જાહેર જીવનમાં ગરીબો કે દેશમાં ગમે એ વર્ગને થતા અન્યાયો માટે એવી રોતલી વાતો કરો કે ભોળી પ્રજાને એમ જ ઠસી જાય કે ઓહો…આ સાયેબ જેવું કોમળ હૃદય આપણું કેમ નથી? એવી વાતો કરીને પીઝા ખાઈને ચુપચાપ સુઈ જાઓ તો પણ ચાલે!
  6. પારદર્શક ના બનતા, થોડા દંભી બનવું: જેવા હોઈએ એવા દેખાવાની વાતો સાહિત્યમાં ચાલે. બાકી જગત જીતવા માટે તો પોતાની પર્સનાલીટીનો અમુક હિસ્સો ક્યાંય બતાવવાનો જ ના હોય! વધારે પડતા પારદર્શક માણસો આ જગતમાં નગ્ન સાબિત થાય છે.
  7. અમુક તત્વો સામે મોઢું સાવ બંધ રાખવું: તમે ગમે એવા પાવરફુલ હો તો પણ અમુક માણસોને ક્યારેય નહીં પહોંચી શકો. એ તમને પોતે ભોંઠા પડતા હોવા છતાં ગાંઠશે નહિ. એટલે એવા માણસો સામે અવાજ ઉઠાવીને પોતે ભોંઠા પડવા કરતા એની સામે ચૂપ જ રહેવું. હા, સંજોગો પારખીને લાત મારવાની તકમાં તો રહેવું જ.
  8. અંગત સંબંધો સાવ નહિવત રાખવા: બહુ ઊંચા સ્થાને બેસેલા સેલિબ્રિટીઓ જો દરેક સંબંધને “અંગત” બનાવતા ફરે તો એમના ઊંધા માથે પટકાય જવાના ચાન્સ બહુ વધી જાય છે. વળી, જેને બહુ અંગત સંબંધો હોય એ આખી જિંદગી એમાં જ અટવાયા કરતા હોવાથી ભાગ્યે જ ટોચ પર પહોંચી શકે. માનવ સાયકોલોજી જ એવી છે કે ઘર કી મુર્ગી દાલ બરાબરની માફક “હવે આ તો ચાર દિવસથી ઊંચે આવ્યો..બાકી આના ભૂંડા સમયમાં અમે એનો હાથ પકડેલો…” કહીને વેલ્યુ જ ડાઉન કરી નાખે. એના કરતાં સંબંધોમાં હાઈ..હેલ્લો કરો, પાર્ટી કરો પણ થોડુંક અંતર રાખો…
  9. લોકો મોઢામાં આંગળી નાંખીને બોલાવે તો પણ ચૂપ રહેવું: વિવાદમાં માણસ હારશે કે જીતશે એ જે તે મુદ્દે સ્ટેટમેન્ટ આપવાના ટાઇમિંગ પર ડિપેન્ડ કરે છે. એટલે એના પહેલા લોકો ગમે એ નાટક કરે તો પણ હોશિયાર માણસે ચૂપ રહેવું. પોતાના મૌન પ્રતિભાવથી જ ધાક ઉભી કરી દેવી કે હું બોલીશ તો ખરો, પણ તું બોલાવે એમ નહિ હો. મારો ટાઈમ ને મૂડ આવશે ત્યારે. આમ કરવાથી અડધા દુશમનો તો એમ જ થાકી જશે ને પબ્લિક મનમાં કન્ફ્યુઝ થશે કે એક્ચ્યુઅલી આ મામલો છે શું???
  10. કોઈ તમને સમજી શકે તો એ તમારી મહાનતા નથી, પણ નબળાઈ છે: સામાન્ય માણસો કાયમ રોદણાં રડશે કે મને કોઈ સમજી શકતું નથી… પણ મહામાનવો કોશિશ કરશે કે એમના મનની વાત કોઈ સમજી ના જાય! “આ ભાઈ કાલે શું કરશે?” એવી વાતો જો દર ત્રીજો માણસ છાતી ઠોકીને કહેતો ફરે તો સમજવું કે આપણે ગમે એ હોઈએ પણ મહાન તો નથી જ. કંઈક એક્શન લો ત્યારે દુનિયા હતપ્રભ રહી જાય એ જ સાચી મહાનતા છે!

ખૈર, આવી વાતો આમ તો હાસ્યાસ્પદ લાગે, પણ દુનિયાના દસ વીસ મહાન માણસોને યાદ કરો તો ખબર પડશે કે એ તમામ સાથે તમને પ્રેમ-નફરત હોઈ શકે, પણ એ તમામમાં આ દસમાંથી પાંચ સાત મુદ્દાઓ તો જોવા મળે જ છે! કેમ કે, એકવીસમી સદીમાં મહાન હોવા કરતા પણ વધારે મહત્વનું છે મહાન દેખાવું! બાકી તો…

– Bhagirath Jogia

Disclaimer – All the rights of Article is fully reserved by the respective Owner / Writer. Sarjak never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.