શહીદ ભગતસિંહ : ક્રાંતિકારી યુવાન, મશાલ જેવા વિચાર

શહીદ ભગતસિંહ: જે ક્રાંતિકારી યુવાનના સળગતી મશાલ જેવા વિચારો પાઠ્યપુસ્તકોમાં મુકવા જેવા હતા, એને બદલે એ વ્યક્તિત્વ પ્રોફાઈલ પિક્ચર બનીને રહી ગયું…

એક લબરમુછીયા જુવાને એક દિવસ માતાને કહ્યું કે મારે ક્રાંતિકારી બનીને દેશની આઝાદીમાં ખપી જવું છે. માતાને થયું કે અંગ્રેજોના જુલ્મો સામે મારો આ નાજુક નમણો દીકરો તૂટી જશે તો? શહીદ થવું એ તો પંજાબી ખૂન માટે ગૌરવની વાત કહેવાય પણ જો તૂટીને અડધેથી પાછો આવ્યો તો? માતાએ દીકરાની પરીક્ષા લેતા કહ્યું કે આ ફાનસના દીવડા પર હાથ મૂકીને સોગંદ ખા…એ છોકરાએ ફાનસ પર હાથ તો મુક્યો, પણ હથેળી કાળી થઈ ગઈ અને માંસ તડતડ બળવા લાગ્યું ત્યાં સુધી ઊહકારો પણ ના કર્યો. અંતે મા વિદ્યાદેવીએ એનો હાથ હટાવીને ચૂમી લીધો ને દીકરાને હસતા મોઢે પરવાનગી આપી. આ જુવાનનું નામ ભગતસિંહ…

ચંદ્રશેખર આઝાદની પાર્ટી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા પછી ભગતસિંહના કમ્યુનિસ્ટ વિચારો ઔર ઊંડા બન્યા. પણ એ આજના જેવા બોલ બચ્ચન ડાબેરી નહોતા. એક ખિસ્સામાં ગીતા ને એક ખિસ્સામાં વિવેકાનંદની આત્મકથા રાખતા ભગતસિંહ મોજીલા જુવાન હતા. પાર્ટીમાં ક્રાંતિકારીઓને દરરોજ ચાર આનાનું ભથ્થુ મળતું. પણ ભગતસિંહ એક ટંકનું જમવાનું છોડીને ફિલ્મ જોવા જતા, જેમાં મુખ્ય ફિલ્મો ચાર્લી ચેપ્લિનની રહેતી. વિચારોમાં કમ્યુનિસ્ટ પણ સ્વભાવે હસમુખા, હાજરજવાબી ને રંગીન જુવાન. (જે આજની તારીખે ડાબેરીઓમાં અપવાદ ગણાય છે!) એકવાર રાજગુરુ એક વિદેશી ફિલ્મી હિરોઇનનું પોસ્ટર પાર્ટી ઓફિસમાં લઈ આવેલા ત્યારે આઝાદે એમને ખખડાવી નાંખ્યા. તરત જ ભગતે રાજગુરુનો પક્ષ લઈને આઝાદને ટોકતા કહ્યું કે ‘ ક્રાંતિ ક્યારેય બદસુરત હોતી નથી. આપણે આઝાદ ભારતનું સપનું લઈને બેઠા છીએ તો આઝાદી પછી હજી ખૂબ બધી ખુબસુરતીઓ આપણે જોવાની છે…’

એકવાર અશફાક અને બિસ્મિલ સાથે બૌદ્ધિક દલીલો થતી એમાં અશફાકે મજાકમાં કહ્યું કે તું તો લગ્નની શહીદીમાંથી પણ બચીને ભાગ્યો ને વાતો દેશ માટે શહીદ થવાની કરે છે. હાજરજવાબી ભગતે તરત જ કહ્યું કે ‘દેશ હોય કે લગ્ન…શહીદ બન્નેમાં થવાનું જ હતું, પણ મેં નક્કી કર્યું કે ગમતી મહેબૂબા માટે શહીદ થવું વધારે સારું…’ લાહોરની જેલમાં ભૂખ હડતાળમાં સાથીઓ પીડાય રહ્યા હતા ત્યારે ભગત એમને જોક્સ કહીને, નવાબોની મિમિક્રી કરીને હસાવતા. એકવાર એમણે દોસ્ત જયદેવને જેલમાંથી જ પત્ર લખ્યો કે ‘ પંદર દિવસમાં હડતાળ સમેટાય જાય પછી તું મારા માટે એક ટન ઘી ને એક ટીન આખું સિગારેટનું લેતો આવજે…’ તેઓ સિગારેટ પીતા હતા કે નહીં એ આપણને ખબર નથી, પણ એક હાથમાં સિગારેટ ને એક હાથમાં ગીતા રાખનારો, પોણા છ ફૂટ ઊંચો, પાતળો, ગોરો એ યુવાન કેવો પ્રભાવશાળી હશે એ પણ જુવાન છોકરીઓની કલ્પનાનો વિષય છે. રાજગુરુએ જાહેરમાં કહેલું કે અમારી સામે છોકરીઓ જોતી નથી ને આને છોકરીઓથી બચાવતા બચાવતા અમારો દમ નીકળી જાય છે.

ભગતસિંહ પોતાના અમુક વિચારોમાં બહુ સ્પષ્ટ હતા. તેઓ ભલભલા મોટા માથાઓની જાહેરમાં ટીકા કરતા અચકાતા નહિ. ગાંધીજી માટે એમણે લખેલું કે ‘ આ માણસનો પ્રભાવ જબરદસ્ત છે. નાના નાના છોકરાઓ પણ આની પાછળ પાગલ થઈને ફના થવા ચાલી નીકળે છે. છતાં હું માનું છું કે એ દિવસે પોલીસ સ્ટેશનને આગ લાગી એમાં કંઈ ખાસ ખોટું નથી થયું, પોલીસ સ્ટેશનમાં ક્રાંતિકારીઓ આગ જ લગાડે, ત્યાં કોઈ ક્રાંતિકારી માથું ટેકવવા થોડો જાય!’ નહેરુ-બોઝ સાથે એમના મતભેદો ક્યારેય મનભેદમાં નહોતા પરિણમ્યા, તેઓ નહેરુ-બોઝ વિશે કહેતા કે ‘પંજાબમાં બાહુબળની કમી નથી, પણ વૈચારિક ક્રાન્તિઓનું વાવેતર જોઈએ એવું થયું નથી. એ ક્રાંતિ ભારતના બે જ નેતાઓ કરી શકશે. એક જવાહરલાલ નહેરુ અને બીજા સુભાષચંદ્ર બોઝ…’ આ જ બોઝની એકવાર ખીલ્લી ઉડાવતા ભગતસિંહ લખે છે કે ‘બોઝ રોમેન્ટિક બંગાળી છે. એમની કવિ જેવી સંવેદનશીલતા દેશ માટે કેટલા કામની છે એ મારા માટે શંકાનો વિષય છે. ભારત ભૂતકાળમાં આમ હતું ને તેમ હતું એવી બોઝની રોમેન્ટિક વાતો મને ખાસ સ્પર્શતી નથી…’ સામે પક્ષે ગાંધી-નહેરુ-બોઝ પણ મતભેદને બાદ કરતાં ભગતસિંહ માટે લાગણી તો રાખતા. નહેરુ ભગતસિંહને જેલમાં મળવા જાય, ગાંધીજી લોર્ડ ઇરવિનને ત્રણ વાર મળીને ફાંસી માફ કરવા વિનવણી કરે, બોઝે તો આગેવાની કરીને કોંગ્રેસના મોટા માથાઓ સાથે ભગતની ફાંસી બાબતે રેલીનો છૂપો પ્લાન કરેલો, પણ એ આયોજન નિષ્ફળ નીવડ્યું…

ભગતસિંહ પોતાના નાસ્તિક હોવા બાબતે પણ બહુ જ વિચારવાન હતા, એમણે તત્કાલીન કીર્તિ મેગેઝીનમાં લખેલું કે ઈશ્વર જો મહાન શકિત હોય તો એણે જુલ્મો-અપરાધોને થતા પહેલા જ રોકી લેવા જોઈએ. ધર્મ બાબતે આ જ મેગેઝીનના એક લેખમાં તેઓએ લખેલું કે ‘આપણે ભારતીયો કેવા છીએ? પીપળાની એક ડાળ તૂટી જાય તો આપણા ભગવાન નારાજ થઈ જાય છે. તાજીયાનો એક ખૂણો તૂટી જાય તો અલ્લાહ કોપાયમાન થઈ જાય છે. ભારતમાં માણસોની જિંદગી પશુ કરતા પણ જાય એવી છે. અને પશુઓને પાછા આપણે બલી ચડાવીએ છીએ.’ પણ એમના નિવેદનો આજના વમપંથીઓની જેમ વાયડાયમાંથી નહોતા જન્મતા. ઉપર લખ્યું એમ એક ગીતા, વિવેકાનંદથી લઈને બ્રિટિશ, રશિયન સાહિત્ય, કમ્યુનિસ્ટ સાહિત્ય જેવા હજારો પુસ્તકો પચાવેલા યુવાનનો આ પ્રામાણિક નિષ્કર્ષ હતો. આ દેશની પ્રગતિ આડે ધર્મ નામનો એક વિશાળ પહાડ ઉભો છે એવું એવું તેઓ એટલે જ સ્પષ્ટ માનતા… એમણે અશફાક, બિસ્મિલ જેવા મિત્રો સાથે ચર્ચા કરતા એકવાર કહેલું કે ‘આ રીતે આઝાદી મળે તો પણ એનું કોઈ મહત્વ જ નથી. એ તો ગોરા જશે ને કાળા આવશે. આ દેશમાં ભ્રષ્ટાચાર, કોમવાદ ને જ્ઞાતિવાદની લડાઈઓનો નગ્ન નાચ જોશે તમે લખી રાખજો…’ આજે આઝાદ ભારતમાં આઝાદીની પોણી સદીમાં આપણે આ જોઈ જ લીધુ છે ને!

આજના વોટ્સએપિયા મેસેજમાં જેમ એમને હિંસક સાબિત કરીને અલગ જ રૂપમાં રજૂ થાય છે એ અડધું જ સત્ય ચિત્ર છે. એમણે લખેલું કે ‘બૉમ્બ અને પિસ્તોલથી ક્રાંતિઓ નથી થતી. ક્રાંતિની તલવાર, વિચારોની ધાર પર જ શાનથી ઉભી રહી શકે છે…’ હા, અંતિમ ઉપાય તરીકે હથિયાર ઉપાડી લેવામાં એમને કોઈ જ પરહેઝ નહોતો. એટલે જ સ્કોટને બદલે સોનડર્સ મરી જાય તો ભગતસિંહ અફસોસ વ્યક્ત કરે. સદનમાં ખાલી જગ્યાએ બૉમ્બ ફોડે એ માત્ર બહેરાઓના કાન ખોલવા, નહિ કે કોઈ નાગરિકની હત્યાના ઇરાદે. આટલી હિંસા બાબતે ગાંધીજી સામે એ નમ્રતાથી અસહમત થઈ શકતા. (આ જ તો બુદ્ધિજીવી મરદોનું આદર્શ રાજકારણ હોવું જોઈએ, જે ત્યારે ભારતમાં હતું…) માન્યતાઓમાં સ્પષ્ટતા એટલી કે પોતાના પિતાજી અને ગાંધીજી સરકાર સામે માફીની વાતો કરે તો ય ભગતસિંહનો પિત્તો જાય. કદાચ એમના મનમાં થઈ ગયુ હશે કે મારી શહીદીથી મોટો સંદેશ આ દેશ માટે કોઈ હોય જ ના શકે!

ભગતસિંહ ભારતના જ હીરો નથી બન્યા, આજે આઝાદ પાકિસ્તાનમાં પણ એ હીરો છે. એમનું જન્મસ્થળ, બંગા ગામ, જે હવે પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરની નજીક છે. થોડા વરસ પહેલાં જ પાકિસ્તાન સરકારે એમના જન્મસ્થળને નેશનલ હેરિટેજ જાહેર કર્યું છે. કહેવાય છે કે ખ્યાતનામ કવિ ફૈઝ અહેમદ ફૈઝની મોટાભાગની ક્રાંતિકારી રચનાઓ પાછળની પ્રેરણા ભગતસિંહ હતા. આની પાછળ એક કારણ એ છે કે ભગતસિંહે જ્યારે સોનડર્સને ગોળી મારી ત્યારે કવિએ એ નજરોનજર જોયેલું પણ ક્યારેય મોઢું ના ખોલ્યું…. પણ પવિત્ર ગુન્હાના મુકસાક્ષી બનવાના ફાયદારુપે ફૈઝને જીવનભર પ્રેરણા મળતી રહી. 2019 કે 2020 આસપાસ પાકિસ્તાનના એક ભવ્ય સાહિત્ય-ઇતિહાસના પ્રોગ્રામમાં ભગતસિંહ એક ડિબેટનો વિષય હતા એવું ડોન અખબારે રિપોર્ટિંગ કરેલું…આ જ તો મહાપુરુષોની ખાસિયત છે. એમને વિચારોનો વિસ્તાર કરવા માટે કોઈ સરહદો નડતી નથી.

આવા મરદમૂછાળા ભગતનો અંગ્રેજોના મનમાં કેવોક ડર હશે કે ફાંસીની તારીખ 24 માર્ચ, 1931 હતી, છતાં અગિયાર કલાક પહેલાં 23મીએ સાંજે સાત વાગે જ ચુપચાપ ફાંસી આપી દીધી. એમના મૃતદેહને નાના ટુકડાઓમાં કાપીને, એક કોથળામાં ભરીને પાછલા દરવાજેથી નદીકિનારે ફેંકી દેવામાં આવ્યો. કારણ કે જો પ્રજાને જાણ થઈ જાય ને ભગતના લાખો આશિકો જેલ પરને સરકાર પર તૂટી પડે તો???

ખૈર, ભગતસિંહ થોડા એવી ક્રુરતાઓનું કારણ બનવા જન્મ્યા હતા? કે, માની સામે હથેળી બાળીને શહીદ થવા નીકળ્યા હતા? એમનો શહીદ થવા પાછળનો સંદેશ તો બીજો જ હતો. આઝાદીનું મૂલ્ય જતન કરવાની એમની ચિંતાની ફલશ્રુતિ એવા ચિંતનનું આપણે પાલન કરીએ એ જ ભગતસિંહની શહીદીના દસમા દાયકાને પહેલે વર્ષે સાચી કદર!

-Bhagirath Jogia

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.