મૌર્ય વંશ – ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વકથા અને ચંદ્રગુપ્તનું કૂળ | ભાગ – ૨

Maurya Dynasty - Chandra Gupta Maurya - Janamejay Adhwaryu - Sarjak.org

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔
ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ
ஜ۩۞۩ஜ ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વકથા અને ચંદ્રગુપ્તનું કૂળ ஜ۩۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૧૮૦)

➡ આજકાલ ઘણીવાર એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે –
“ઇતિહાસના અભ્યાસથી શો લાભ થાય છે આવનારી પેઢીને ?”
અલ્યા ભાઈ ઈતિહાસ છે તો આપણે છીએ. ઈતિહાસ એટલે સંસ્કૃતિ અને સંસ્કૃતિ એટલે માનવજીવનની પરંપરા. આ પરંપરાને સતત અસ્ખલિત રૂપે વહેતી રાખવી એ આપણું કર્તવ્ય નથી શું ? સંસ્કૃતિનો ઉદભવ ઘણો પ્રાચીન છે અને જો પ્રાચીનતાને જ આપણે જાણીશું કે અનુભૂત નહી કરી શકતાં હોઈએ તો વર્તમાનને જાણવાનો કે એ વિષે કોઈ મૂલ્યાંકન કરવાનો આપણને કોઈ જ અધિકાર નથી જ ! પ્રાચીનતાને પુરેપુરી સમજવી અત્યંત આવશ્યક છે. આપણે એ નક્કર વાસ્તવિકતા ન જ વિસરી જવી જોઈએ કે — ઈતિહાસ ભૂતકાળના તાજોતારા અનુભવોની ખાણ છે. આજની યુવા પેઢી તેમાંથી બોધપાઠ લઇ પોતાના ભાવિનું ઘડતર કરી શકે છે અને એટલે જ તો એ દરેક વ્યક્તિ માટે જ નહીં પરંતુ દરેક રાષ્ટ્ર માટે પણ ઉત્તમ માર્ગદર્શક બની રહે છે.

“જંગલી અવસ્થામાંથી મનુષ્યે સંસ્કૃતિનો સાધેલો વિકાસ એ ઇતિહાસનો વિષય માનવામાં આવ્યો છે.” – જવાહરલાલ નેહરુ (જગતના ઇતિહાસનું રેખાદર્શન )

➡ ઈતિહાસ એ સુવાક્યોનો ભંડાર નથી ઈતિહાસ વિષે લખો તો એ સાબિત પણ કરવું જ પડે છે. આ નહેરુથી જ ઈતિહાસ ખોટી રીતે ભણાવાય છે અને ખોટી રીતે ચીતરાયો છે. આ વાક્યમાં તત્થ્ય તો છે પણ એને પ્રતિપાદિત કરવામાં નહેરુ નિષ્ફળ નીવડયા છે એટલે જ એ એમનો અંગત મંતવ્યોવાળો ઈતિહાસ બની રહ્યો છે. જે આપણે ખોટી રીતે ભણી રહ્યાં છે અને એને વિષે ખોટી જ દિશામાં લખી પણ રહ્યાં છીએ. પણ હવે એવું નહિ થાય. જે ભૂલ નહેરુએ “ડીસ્કવરી ઓફ ઇન્ડિયા”માં પણ કરી હતી તે ભૂલનું પુનરાવર્તન હું નહીં કરું ! તારણો પણ કાઢીશ અને એનાં કારણો પણ આપીશ.

➡ મૌર્ય યુગ એ મારો અત્યંત માનીતો યુગ છે એનાં વિષે જેમ બને તેમ તમને વધુ માહિતગાર કરવાં એ જ મારો હેતુ છે.

➡ ઈતિહાસ તો વીરલાઓ જ રચી શકે અને ચંદ્રગુપ્ત એવો જ એક વીરલો હતો. ચંદ્રગુપ્તનાં “કુળ”વિષે ચર્ચા કરીએ એ પહેલા સિકંદરના સમયમાં ડોકિયું કરવું ખુબ જ જરૂરી છે. છે તો આ બધી દંતકથાઓ જ પણ તેમ છતાં ચંદ્રગુપ્તે “મૌર્યવંશ”ની સ્થાપના કેમ કરી તે જાણવું તો જોઈએ જ ને દરેકને !

✔ ચંદ્રગુપ્ત મૌર્યનો ઉદય –

➡ સિકંદરની આ ઓગણીસ મહિનાની ભારતની વિજયકુચે ગ્રીક ઈતિહાસકારો અને લેખકોને ખુબ જ પ્રભાવિત કર્યા માત્ર એવું નથી એમાં રોમન લેખકો પણ પુષ્કળ માત્રામાં ભળ્યાં હતાં. ગ્રીકો અને રોમનોએ તો સિકંદરને વિશ્વવિજેતા ઘોષિત કરી દેવામાં કોઈ જ કસર નહોતી છોડી. એમાં તથ્ય તો છે જ નહીં. પણ ભારતના મુખ્યદ્વાર સમા તેના વાયવ્ય પ્રદેશમાં થયેલી ગ્રીક રાજ્યની સ્થાપના એ ભારતીયોએ નોંધ સુદ્ધાં પણ નથી લીધી. એને લીધે ભારતીય ઇતિહાસમાં સિકંદરના નામનો ઉલ્લેખ સુદ્ધાં પણ નથી આવતો જે વ્યાજબી પણ છે. પણ બૌદ્ધગ્રંથો એ સમયની ગતિવિધિનું દંતકથારૂપે નિરૂપણ જરૂર કર્યું છે. ખ્યાલ રહે કે કૌટિલ્યે પણ પોતાનાં મહાન ગ્રંથ “અર્થશાસ્ત્ર”માં સિકંદરનો ઉલ્લેખ નથી જ કર્યો ! યવનોનો જરૂર કાર્યો છે.સિકંદરને ઉવેખવાનું ચોક્કસ કારણ તો દરેક પાસે હતું જ હતું અને એ જગજાહેર છે.

➡ પણ તેમણે દંતકથામાં આવો ઉલ્લેખ જરૂર કર્યો છે –
કેવળ એક પુરુષે આ સિકંદરના આક્રમણની ઘટના પ્રત્યે પોતાનાં આંખ-કાન ઉઘાડાં રાખ્યાં હતાં. એ મહાપુરુષ હતાં તક્ષશિલા વિશ્વવિદ્યાલયનાં આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય !

➡ ચાણક્ય એક દીર્ઘદ્રષ્ટિ અને અતિસુક્ષ્મ બુદ્ધિમત્તા ધરાવતા રાજનીતિશાસ્ત્રના વિશારદ હતાં.એ સમર્થ સ્વપ્નદ્રષ્ટાની નજરે નિતાંત- અવિરત લડતાં- ઝઘડતાં રહેતાં અનેક નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઇ ચુકેલા ભારતનું ભાવિ અંધકારમય દેખાતું હતું. સાથે સાથે તેમના મનમાં એક સુંદર સ્વપ્ન પણ રમી રહ્યું હતું. એ સ્વપ્ન હતું ભારતના અનેક નાનાં નાનાં સત્વહીન રાજ્યોને બદલે, આખા દેશમાં રાજકીય એકતા, સ્થિરતા અને એકરાગિતા સ્થાપીને તેની સ્વતંત્રતણું રક્ષણ કરી શકે તેવા એક શક્તિશાળી મહારાજ્યની રચનાનું — અખંડ ભારતનું ! સિકંદરની ભારત પરની ચડાઈને લીધે તેને પોતાના એ સ્વપ્નને મૂર્ત કરવાની સોનેરી તક સાંપડી !

➡ એ ચડાઈ – કથિત આક્રમણ વખતે ચાણક્ય તક્ષશિલામાં જ હતા અને કાશ્મીરથી સિંધુ નદીના મુખ સુધીની સિકંદરની વિજયકૂચની વિગતોથી તે સંપૂર્ણતયા વાકેફ હતાં. તેમણે જોયું કે ભારતીય રાજ્યોની ફાટફૂટ અને પરસ્પર અવિશ્વાસની લાગણી જેવી આંતરિક નબળાઈઓનો લાભ લઈને આ વિદેશી આક્રમણકાર સિકંદરે જોતજોતામાં ભારતની જીવનદોરી સમી તેની આખી વાયવ્ય સરહદ પર પોતાની હકૂમત સ્થાપી દીધી. તેમણે એ પણ જોયું કે ભારતનાં રાજ્યોની સેનાઓમાં અસીમ સ્વાતંત્ર્યપ્રેમ અને અતુલ વીરતા હોવાં છતાં વિદેશીઓના ચડિયાતા રણકૌશલ્યની સામે એ બધું નિષ્ફળ નીવડયું હતું. એ બધાં પરથી તેમને લાગ્યું કે પશ્ચિમ ભારતની પરાજીત પ્રજાના હતપ્રાય ચૈતન્યમાં નવી પ્રેરણા અને નવાં અભિલાષોનો સંચાર કરીને અને દેશના છિન્નભિન્ન થઇ ગયેલા તળપદા રાજતંત્રને વ્યવસ્થિત કરીને પરદેશી સત્તા સામે રાષ્ટ્રીય પ્રતિકારનું જો વ્યવસ્થિત સંગઠન કરવામાં આવે તો જ પરાજયની નાગચૂડ ભીષણ બને તે પહેલાં જ તેને નાંખવાનું શક્ય બને.

➡ દેશને માથે અચાનક આવી પડેલી વિદશી શાસનની ઘૂંસરીમાંથી તેને વિમુક્ત કરવાનું કામ અત્યંત દુષ્કર હતું. એ કાર્ય માટે જેમ અસાધારણ સામર્થ્ય અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા કુશળ રાજનીતિજ્ઞ દેશનેતાની પરમાવશ્યતા હતી. તેમ જ સૈન્ય્સંચાલનમાં કુશળ, રણબંકા, બુદ્ધિશાળી સેનાની તથા એક વિશાળ સામ્રાજ્યના સ્વામી બનવાની ક્ષમતા ધરાવનારા રાજવંશી મહાનુભાવ કે જેનામાં નેતૃત્વ શક્તિ હોય એની એટલી જ જરૂર હતી.

➡ દૈવયોગે આચાર્ય ચાણક્ય પાસે એ વખતે એક શિષ્ય હતો જેણે સાત-આઠ વર્ષ સુધી શાસ્ત્ર તથા શસ્ત્રવિદ્યાનું ઉચ્ચ શિક્ષણ આપીને એવાં જ જવાબદારીભર્યા ઉચ્ચપદ માટે તૈયાર કાર્યો હતો. એ શિષ્યનું નામ તો તમે તો સૌ જાણો જ છો —- ચંદ્રગુપ્ત મૌર્ય ! ગુરુશિષ્ય પરંપરાનું ઉત્તમ ભારતીય દ્રષ્ટાંત ! આચાર્ય ચાણક્યે એ વિનયસંપન્ન શિષ્યસાધનનો સદુપયોગ કરીને ભારતભરમાં એકછત્ર નીચે એકતા, સ્વતંત્રતા અને સ્થિરતા પ્રદાન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો.

➡ આચાર્ય ચાણક્ય પાસેથી ગુરુમંત્ર લઈને, તેમના બોધ અને સહયોગ વડે જે વીરપુરુષે ઉત્તર-પશ્ચિમ ભારતને વિદેશીઓની ઘૂંસરીમાંથી વિમુક્ત કર્યું તે ચંદ્રગુપ્તમૌર્યના કુલ, બચપન અને આચાર્ય ચાણક્ય સાથેના તેમના પરિચય વિષે જાતજાતની વાતો-વાર્તાઓ પુરાણો તથા બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં વાંચવા મળે છે. કોઈએ તેને દાસીપુત્ર કહ્યો છે તો કોઈએ તેને કુલહીન ગણ્યો છે. તો કોઈએ તેને બહારવટે નીકળેલો રાજકુમાર ગણાવ્યો છે.

➡ પરંતુ વિષ્ણુપુરાણ, જૈન ગ્રંથ “પરિશિષ્ટપર્વ”,બૌદ્ધ ગ્રંથ “મહાવંશ” અને વિશાખદત્તના સંસ્કૃત નાટક “મુદ્રારાક્ષસ”ના ટીકાકાર ઢુંઢીરાજના લખેલા ઉદપોદઘાતમાંથી તારવેલી વિગતો ઇતિહાસની દ્રષ્ટિએ વધુ સુસંગત લાગે છે.

✔ ચંદ્રગુપ્ત મૌર્યની કથા –

➡ ચંદ્રગુપ્ત મૌર્ય પિપ્પલિવનના “મોરિય”ગણનો ક્ષત્રિય કુમાર હતો. નંદરાજા કે મગધના રાજદરબાર સાથે તેને કશો સંબંધ નહોતો. પિપ્પલિવનનું મોરિય ગણરાજ્ય ઉત્તર બિહારમાં, હિમાલયની તળેટીમાં, વજ્જિ ગણરાજ્યની પડોશમાં આવેલું હતું . આ વજ્જિ એ પછીથી મહાજનપદ બન્યું હતું. ઇસવીસન પૂર્વે છથી સદીના ઉત્તરાર્ધમાં એ ગણરાજ્ય મગધના રાજા અજાતશત્રુના વિસ્તારવાદનું શિકાર બની ગયું હતું. તે પછી ચંદ્રગુપ્તના વડવાઓ નોકરી-ધંધા અર્થે પાટલિપુત્રમાં આવીને વસ્યાં હતા. ચંદ્રગુપ્તની શિશુ અવસ્થામાં તેમનાં પિતાજી ગુજરી ગયાં હતા અને તેમની નિરાધાર માતાએ ચંદ્રગુપ્તને એક ગોવાળને આપી દીધો હતો. એ રીતે બાળપણમાં માતાપિતાની છત્રછાયાથી વંચિત રહેલો કિશોર ચંદ્રગુપ્ત પાટલિપુત્રની નજીકના કોઈ ગામડામાં એક ગોવાળને ત્યાં સાથીપું કરી રહ્યો હતો ત્યારે એક દિવસ અચાનક તે આચાર્ય ચાણક્યની નજરે પડયો. કંગાલિયતના આવરણ નીચે છુપાયેલી ચંદ્રગુપ્તની રાજસી પ્રતિભા, યોગ્યતા અને ખંડણી ચાણક્યથી છાની ના રહી શકી અને એ જ વખતે ચાણક્યે ચંદ્રગુપ્તના માલિક ગોવાળિયાને એક હજાર કાર્ષાપણ ચૂકવીને ખરીદી લીધો. પછી ચાણક્ય ચંદ્રગુપ્તને પોતાની સાથે તક્ષશિલા લઇ ગયા અને ત્યાં સાત-આઠ વર્ષ સુધી વિવિધ શાસ્ત્રો અને શસ્ત્રવિદ્યાનું ઉત્તમ શિક્ષણ આપીને ઉચ્ચ જીવન માટે તૈયાર કર્યો !

➡ આજ વાત બીજાં ગ્રંથોમાં પણ કૈંક આવી રીતે કહેવામાં આવી છે.

➡ ચન્દ્રગુપ્તનો જન્મ ઇસવીસન પૂર્વે ૩૪૫માં થયો હતો. બૌદ્ધકથાઓ મુજબ ચન્દ્રગુપ્તનો જન્મ પિપ્પલિવનમાં રહેતી “મોરિય”નામની ક્ષત્રિય જાતિના સરદારને ત્યાં થયો હતો. પ્રો. ભાર્ગવે આ મતનું સમર્થન કર્યું છે. તે જણાવે છે કે — ચંદ્રગુપ્તના પિતાને નંદરાજાની સાથે થયેલી લડાઈમાં તેમનાં પિતાનું મૃત્યુ થયું અને નંદરાજાએ તેમનો પ્રદેશ પોતાનાં સામ્રાજ્યમાં ભેળવી દીધો. આથી તેમની વિધવા રાણી પોતાનાં ભાઈઓ (ચંદ્રગુપ્તના મામાઓ) સાથે ત્યાંથી નાસી છૂટીને પુષ્યપુર (કુસુમપુર = પાટલિપુત્ર)માં આવીને છુપી રીતે રહેવા લાગી જ્યાં ચંદ્રગુપ્તનો જન્મ થયો. ચંદ્રગુપ્તના મામાઓ તેને એક ગૌશાળામાં મૂકી આવ્યાં અહીં એક ભરવાડે તેનું પુત્રની જેમ પાલન કર્યું અને જ્યારે તે મોટો થયો ત્યારે તેને એક શિકારીને વેચી દીધો જેણે ચંદ્રગુપ્તને ગાયો ભેંસો ચરાવવાનું કામ સોંપ્યું. તે ગામડાના અન્ય બાળકો સાથે રમતગમતમાં રાજસભા ભરતો. આવી એક સભામાં ચાણક્યે ચંદ્રગુપ્તમાં નેતૃત્વ કરવાની શક્તિના ચિહ્નો નિહાળીને તેના શિકારી માલિકને એક હજાર કર્ષાપણ આપીને ખરીદ્યો અને તેને પોતાની સાથે તક્ષશિલામાં લાવ્યાં. અહીં ચાણક્યે તેને સાત કે આઠ વર્ષ યોગ્ય કેળવણી આપી. પોતાના પિતાનું જુનું વેર વાળવા તેને નંદ રાજ્યની નોકરી સ્વીકારી અને તેની આવડતના દમ ઉપર નંદરાજા ધનનંદે તેને મગધની સેનાના સેનાપતિ પદે નિયુક્ત કર્યો. આ રાજાની સાથે અણબનાવ થતાં તેને દેશવટો આપવામાં આવ્યો. ત્યાંથી તેણે ગ્રીક છાવણીમાં જઈને ગ્રીક ઢબની તાલીમ લીધી પણ ત્યાં પણ તેણે સિકંદરને નાખુશ કરતાં ત્યાંથી તેને વિંધ્યાચલના જંગલોમાં નાસી જવું પડયું. પોતાની જેમ ચાણક્યનું પણ નંદરાજાએ ભરદરબારમાં અપમાન કર્યું હતું. આમ નંદરાજાના અ બને સમાન દુશ્મનોએ સિકંદરના મૃત્યુબાદ તરત જ ગ્રીક સૈન્યને સિંધુ પ્રદેશમાંથી તગેડી મુક્યું તથા પંજાબના રાજા પર્વતક (પોરસ)ની મદદથી મગધ પર આક્રમણ કર્યું અને ભદ્રશાલના નેતૃત્વ નીચે લડતાં નંદના લશ્કરને હરાવ્યું ત્યારબાદ ધનનંદની હત્યા કરી નાંખી અને મગધમાં “મૌર્યવંશ”ની સ્થાપના કરી. (ઇસવીસન પૂર્વે ૩૨૨ -૩૨૧).

➡ આમાંની એકેય વાત સાચી નથી તેમ છતાં એને કેવી રીતે ભણાવાય છે એ જ મને તો ખબર પડતી નથી. ગ્રીક સેનામાં વળી ચંદ્રગુપ્ત ક્યાંથી જોડાયો ચંદ્રગુપ્તનો પ્રવેશ જ સિકંદરનાં કથિત આક્રમણ પછી થાય છે.આપણે એ માની લઈએ કે ચંદ્રગુપ્તનો જન્મ ઇસવીસન પૂર્વે ૩૪૫માં થયો હતો. તો પછી એ જયારે ચાણક્યને મળ્યો હોય એ વર્ષ તો ઇસવીસન પૂર્વે ૩૨૭ કે ઇસવીસન પૂર્વે ૩૨૬ હોય. ચંદ્રગુપ્તે જયારે સાત- આઠ વરસ તાલીમ લીધી એની ઉમર તે વખતે સહેજે ૧૮થી ૨૦ વરસ હોય. વળી આ સાત આઠ વરસ ચંદ્રગુપ્ત મૌર્ય એ જો આચાર્ય ચાણક્યના શિષ્ય હોય તો એ અરસો પણ સિકંદરના આક્રમણનો જ છે. ચંદ્રગુપ્તના ગ્રીકો પરના આક્રમણ અને એમના મગધ પરનાં કબજાનો સમય લગભગ નિશ્ચિત છે—- ઇસવીસન પૂર્વે ૩૨૨ કે ઇસવીસન પૂર્વે ૩૨૧ ! આપણેએવું માની લઈએ કે ચંદ્રગુપ્તે ગ્રીકોને ખદેડવાની શરૂઆત ઇસવીસન પૂર્વે ૩૨૩માં કરી હતી તો એણે લશ્કર ભેગું કર્યું હોય ઇસવીસન પૂર્વે ૩૨૪માં. સિકંદરને મગધ વિષે ખબર નહોતી એ વાત તો પહેલાં આપણે જોઈ જ ચુક્યા છીએ. એની વાત છોડો
તવારીખની વાત કરીએ તો સિકંદર તો ઇસવીસન પૂર્વે ૩૨૫માં ભારત છોડીને પરત ફર્યો હતો એવું કહેવાય છે. હવે …. ચાણક્ય ચંદ્રગુપ્તને તક્ષશિલા લઇ ગયાં કઈ સાલમાં ? આ એક પ્રાણપ્રશ્ન બનીને ઉભો છે. ઇસવીસન પૂર્વે ૩૨૪ની પહેલાં જો ૮ વરસ ગણીએ તો ઇસવીસન પૂર્વે ૩૩૨ આવે. જે તો મહાપદ્મનંદનો સમય છે. બાકી આ નવ બૌદ્ધોની થીયરીને તો ગોળી જ મારવી પડે ! એમનાં ૨-૨ વરસના રાજ્યકાલનો મેળ કોઇપણ સંજોગોમાં મળતો નથી જ ! એમ પણ જો ૨-૨ વરસની ફોર્મ્યુલા આપણે જો માન્ય ગણીએ તો ઇસવીસન પૂર્વે ૩૨૫ થી ઇસવીસન પૂર્વે ૩૨૨ જ રાજા ધનનંદનો સમય માન્ય ગણાય. જે પણ એક ખોટી ફોર્મ્યુલા છે કારણકે ધનનંદ સહેજે ૫-૬ વરસથી વધુ સમય રાજગાદી પર રહ્યો હોય એવું પ્રતીત થાય છે. એ તો પત્યું જાણે ! પણ ચંદ્રગુપ્ત અને ચાણક્ય એ રાજા ધનનંદ સાથે જ વેર લેવાં માંગતા હતાં તેમાં આ સિકંદરની વાત વચમાં લાવી દીધી આ ગ્રીકોએ ! ફાયદો તો થયો ભારતને ભાઈ એ જે ગ્રીકો વસાહતો હતી અને જે ડેરાતંબુ નાંખીને ત્યાં પડયા-પાથર્યા રહેતાં હતાં તેમને ઉચાળા ભરાવી દીધા ચંદ્રગુપ્તે એ વાત આગળ કરશું જ ! પણ આ સિકંદરની વાત ખોટી છે જે વિષે ચંદ્રગુપ્ત અને ચાણક્ય જાણતાં સુદ્ધાં પણ નહોતાં.

➡ ચાણક્ય ગ્રીકોની ગતિવિધિ અને હિલચાલથી જરૂર વાકેફ હતાં એટલે જ એમણે ચંદ્રગુપ્તને તેમ કરવાં પ્રેર્યો હોય એ શક્ય જ નહીં પણ હકીકત છે. ચાણક્ય તક્ષશિલામાં ઘણાં વખતથી હતાં અને હવે ચંદ્રગુપ્ત એ પરિસ્થિતિથી વાકેફ થયો. બાકી સિકંદરનું બેબિલોનમાં મરવું એ માત્ર એક સંયોગ જ હતો જેણે ભારત સાથે કોઇપણ જાતની લેવાદેવા નહોતી. આ બધી વાતો તો મારે પછી કરવાની હતી તે હું અત્યારે શું કામ કરું છું ! જો કે ઈતિહાસ કેમ લખાય અને કેમ ભણાવાય એ માટે આ વાત જાણવી બધાં માટે ખુબ જરૂરી જ છે. બાકી આણે આમ કહ્યું અને આણે તેમ કહ્યું એની માહિતી તો બધાં જ પાસે હોય ! સાબિત તો કરવું જ પડે ને ક્યાં શું ખોટું થયું છે અને ક્યાં શું ખોટું ચીતરાયું છે તે ! ઈતિહાસને દંતકથામાંથી બહાર લાવવો સાચે જ અઘરો છે હોં ! આપણો ઈતિહાસ આવી દંતકથાઓ પર તો ન જ ચાલવો જોઈએ ! પ્રયાસ કરું છું સાચો ઈતિહાસ બહાર લાવવાનો !

➡ એના પરથી તો એવું ફલિત થાય છે કે સિકંદરનું આક્રમણ જે જોરશોરથી બધાંએ ચગાવ્યું છે તે ઇસવીસન પૂર્વે ૩૨૭ થી ઇસવીસન પૂર્વે ૩૨૫ દરમિયાન થયું જ નથી. આમ તો બૌદ્ધ – જૈન ગ્રંથો તે વખતે તો મૌન ધારણ કરીને બેઠાં હતાં તો આ વાત એમણે કરી કઈ રીતે ? સિકંદરના સૈન્યમાં ચંદ્રગુપ્ત હોઈ જ ના શકે. સિકંદરની મથરાવટી જ એવી હતી કે તે કોઈને જીવતો જવા જ ના દે ! જે બે મહાનુભવો તે સમયમાં જો તક્ષશિલામાં જ હોય તો આક્રમણ કોઈ કરી જ ના શકે ? આવી મનઘડંત વાર્તાઓને તો ઈતિહાસમાંથી તિલાંજલિ આપો ભૈસાબ !

➡ ધનનંદની બાબતમાં પણ આવું જ બન્યું છે તેને ઉંચો બતાવવામાં આ ગ્રંથોએ ચંદ્રગુપ્તને નીચો દર્શાવી દીધો . જો ધનનંદની સેનામાં ચંદ્રગુપ્ત હોત તો તે આસાનાથી ધનનંદને પદભ્રષ્ટ કરી જ શક્યો હોત પણ તેમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો ચંદ્રગુપ્ત મૌર્યે એવું ઘણાં બધાં ગ્રંથો નોંધે છે. એટલે આ બંને સૈન્યમાં ચંદ્રગુપ્ત મૌર્યની મૌજૂદગી હતી જ નહીં. એ માત્ર વાર્તાઓ જ છે. તો પછી ભાઈ ઈતિહાસ શું છે ? એની જ તો વાત કરવાના છીએ આપણે !

➡ સૌ પ્રથમ તો ચંદ્ર ગુપતના કુલ વિષે જાણી લઈએ !

✔ ચંદ્રગુપ્તનું કૂળ –

➡ એક વાત સમજ નથી પડતી કે આ બધાં ઈતિહાસકારો – લેખકો આ કૂળની જ પાછળ કેમ પડયા-પાથર્યા રહે છે ? બહુધા સાબિત થઇ ગયું હોવાં છતાં પણ ચંદ્રગુપ્તના કૂલ પાછળ પડવું તે વ્યાજબી તો નથી જ. તેમ છતાં એ પણ જાણી તો લઈએ જ. ચંદ્રગુપ્તના કુલ અંગે વિદ્વાનોમાં મતભેદો પ્રવર્તે છે.

✔ [૧] ચંદ્રગુપ્ત મૌર્ય પારસી હતો –

➡ ચંદ્રગુપ્ત સમયના મૌર્યકાલીન ભારત અને ઈરાન વચ્ચે કેટલીક સામાજિક, ધાર્મિક અને રાજકીય વિધિઓ વચ્ચે સમય નિહાળીને સ્પૂનર ચંદ્રગુપ્ત મૌર્યને પારસી હોવાનું જણાવે છે. પરંતુ ભારતીય વિદ્વાનોએ તેમ જ સ્મિથ, કીથ, થોમસ વગરે પાશ્ચાત્ય વિદ્વાનોએ સ્પૂનરના મંતવ્યનું ખંડન કર્યું છે.

✔ [૨] ચંદ્રગુપ્ત મૌર્ય શુદ્ર હતો –

➡ મુદ્રારાક્ષસ નામના નાટકમાં તેને વૃષભ (શુદ્ર કે કુલહીન) તરીકે ઓળખાવ્યો છે. પરંતુ કુલહીન એટલે નીચા કુળનો નહીં પરંતુ નિમ્ન (સાધારણ)કૂળનો એવો અર્થ વિદ્વાનો ઘટાવે છે. આ જ અર્થમાં ગ્રીક લેખક જસ્ટિન પણ ચંદ્રગુપ્તને “સામાન્ય કુટુંબમાં જન્મેલો” – (Humble Origin)નો ગણે છે. વિષ્ણુપુરાણનાં ટીકાકાર ચંદ્રગુપ્તને નંદરાજાની “મુરા” નામની ઉપપત્નીનો પુત્ર હોવાનું જણાવે છે. તેવી જ રીતે મુદ્રારાક્ષસના ટીકાકારના મતે “સર્વાર્થ સિદ્ધિ” નામનો એક ક્ષત્રિય રાજા હતો તેને “સુનંદા”નામની ક્ષત્રિય રાણી અને “મુરા”નામની શુદ્ર રાણી એમ બે રાણીઓ હતી. સુનંદાને નવ પુત્રો હતાં જે નંદો કહેવાયા અને મુરાને “મૌર્ય” નામનો પુત્ર હતો. આમ ચંદ્રગુપ્ત મુરા નામની શુદ્ર સ્ત્રીના પુત્ર મૌર્યનો પુત્ર હતો તેથી તે શુદ્ર જાતિનો હતો. પરંતુ પુરાણનો ટીકાકાર ચંદ્રગુપ્તને ધનનંદનો (એટલે કે મુરાનો)પુત્ર માને છે. જ્યારે મુદ્રારાક્ષસનો ટીકાકાર ચંદ્રગુપ્તને નંદરાજાનો (મુરાનો) પૌત્ર માને છે. પુરાણના ટીકાકાર નંદોને શુદ્ર માને છે જ્યારે મુદ્રારાક્ષસનાં ટીકાકાર નંદોને ક્ષત્રિય માને છે. કુળ અંગે એટલે ચંદ્રગુપ્તના મુદ્રારાક્ષસના ટીકાકારનું મંતવ્ય પ્રમાણિક ઠરતું નથી !

➡ આમ તો બંને મંતવ્યો ખોટાં જ છે જેણે ઇતિહાસે ખાલી ખોટાં ચઢાવી જ માર્યા છે કારણકે આ તથ્ય છે જ નહીં એટલે એની વાત જ કરવી નકામી છે. આવાં મંતવ્યો એ ઇતિહાસમાં વિરોધીઓ જ ગણાય.

✔ [૩] ચંદ્રગુપ્ત ક્ષત્રિય હતો –

➡ મહાવંશ અને દિવ્યાવદાન જેવાં બૌદ્ધ ગ્રંથો ચંદ્રગુપ્ત મૌર્યનો ક્ષત્રિય તરીકે ઉલ્લેખ કરે છે. મહાવંશમાં તેને પિપ્પલિવનમાં રહેતી મોરિય નામની ક્ષત્રિય જાતિના સરદારનો પુત્ર ગણવામાં આવ્યો છે. પ્રો.ભાર્ગવે પણ આ મતનું સમર્થન કર્યું છે. કલ્પસૂત્ર જેવા જૈન ગ્રંથોમાં પણ ચંદ્રગુપ્તનો ક્ષત્રિય કૂળનો હોવાનું પુરવાર કરે છે. એરિયન, સર જહોન માર્શલ વગેરે પણ ચંદ્રગુપ્તને ક્ષત્રિય તરીકે સ્વીકારે છે.

➡ પરંતુ સંસ્કૃત વ્યાકરણના નિયમો અનુસાર “મુરા”શબ્દ પરથી “મૌરે” શબ્દ બને….. “મૌર્ય” શબ્દ નહીં. મૌર્ય શબ્દ સંસ્કૃતના મુર (પુ.) પરથી ઉતરી આવેલો છે. આ નગે ડો. રાધાકુમુદ મુખર્જી લખે છે કે વિષ્ણુપુરાણના ટીકાકાર વ્યાકરણના નિયમોનું પાલન કરવાની અપેક્ષા ચંદ્રગુપ્તને એક “માં” શોધી આપવા માટે અધિક આતુર હતાં એમ લાગે છે !

➡ બ્રાહ્મણ ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યને નિમ્ન કૂલમાં ઉત્પન્ન એવં બૌદ્ધ ધર્મગ્રંથ ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલાં દર્શાવે છે. બૌદ્ધગ્રંથ “મહાપરિનિવ્વાનસુત્ત” અનુસાર મૌર્ય પિપ્પલિવનનાં શાસક હતાં. જેઓ ભગવાન બુદ્ધની જેમ ક્ષત્રિય વર્ણ સાથે સંબંધિત હતાં.

➡ જૈન ગ્રંથ “પરિશિષ્ટ પર્વ” અનુસાર ચંદ્રગુપ્તના પૈતૃક ગામડામાં મોર પાળતાં હતાં જેનાં ફલસ્વરૂપ એમને મૌર્ય કહેવામાં આવે છે.

➡ આમ ચંદ્રગુપ્તના પૂર્વજીવન અને કૂલ વિષે વિદ્વાનોમાં મતભેદો પ્રવર્તે છે. ડો. રાયચૌધરીએ ઉપરોક્ત વિવાદાસ્પદ મંતવ્યોનો ગંભીરતા પૂર્વક અભ્યાસ કરીને અનેક પુરાવાઓ દ્વારા સાબિત કર્યું છે કે તે “મોરિય” નામની ક્ષત્રિય જાતિનો હતો.

➡ આ ફૂલ વિષે થોડું સવિસ્તર પણ જાણી જ લઈએ !

✔ ચંદ્રગુપ્તનું ફૂલ (થોડુંક વધારે) –

➡ ચંદ્રગુપ્ત મૌર્યના વંશ આદિના વિષયમાં કશું વધારે કે નવીન તો જાણવા નથી જ મળતું. જે મળે છે એક બીજાના મતોનું ખંડન જ જોવાં મળે છે.
મુદ્રારાક્ષસ નામના સંસ્કૃત નાટકમાં ચંદ્રગુપ્તને “વૃશલ” અને કુલહીન કહેવામાં આવ્યો છે.
સંસ્કૃતમાં “વૃશલ”નાં બે અર્થ થાય છે —

✅ (૧) શુદ્ર
✅ (૨) સર્વશ્રેષ્ઠ રાજા

➡ ત્યાર પછી આપણા અબુધત ઈતિહાસકારો અને સાહિત્યકારોએ પોતાનો મનગમતો અર્થ એટલે કે પહેલો અર્થ કાઢી લીધો —-“શુદ્ર”!
આનાં પર જ બધાં ચરી ખાવાં લાગ્યાં તેમને આ બીજાં અર્થની ખબર નહોતી કે શું !
એ તો જયારે ભારતના એક સારા ઈતિહાસકાર રાધાકુમુદ મુખર્જીએ સઘન અભ્યાસ પછી એવો મત પ્રસ્થાપિત કાર્યો કે — આનો બીજો અર્થ (સર્વશ્રેષ્ઠ રાજા) જ યથાયોગ્ય છે ત્યારે પણ લોકો હજી પહેલાં જ અર્થમાંથી બહાર નહોતાં આવતાં પણ હવે જયારે હિંદુ સંસ્કૃતિની બોલબાલા વધી રહી છે અને શુદ્રોની અવળચંડાઇ જયારે બહર પડી છે ત્યારે તેમણે આ બીજાં અર્થને જ પ્રાધાન્ય આપવાં માંડયું અને એ જ મત સર્વસ્વીકૃત બન્યો !
જૈન ગ્રંથ “પરિશિષ્ટપર્વન્” અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય મયુરપોષકોના એક ગામના મુખિયાની પુત્રીથી ઉત્પન્ન થયો હતો
મધ્યકાલીન અભિલેખોનાં સાક્ષ્ય અનુસાર મોર્ય એ ચંદ્રવંશી માંધાતાઓથી ઉત્પન્ન થયેલાં હતાં.
લગભગ બધાં જ બૌદ્ધ સાહિત્યમાં મોર્યોને ક્ષત્રિય કહેવામાં આવ્યાં છે. “મહાવંશ” ચંદ્રગુપ્તને મોરિય (મૌર્ય) ખત્તિયો (ક્ષત્રિયો)થી પેદા થયેલાં દર્શાવે છે.
દિવ્યાવદાનમાં બિન્દુસાર સ્વયંને ‘મૂર્ધાભિશિક્ત ક્ષત્રિય” કહે છે.
સમ્રાટ અશોક પણ સ્વયંને ક્ષત્રિય જ કહે છે.
“મહાપરિનિબ્બાન સુત્ત”થી મોરિય પિપ્પલિવનના શાસક ગણતાંત્રિક વ્યવસ્થાવાળી જાતિ સિદ્ધ કરે છે. “પિપ્પલિવન” ઇસવીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં નેપાળની તરાઈઓમાં સ્થિત રૂમ્મિનદેઈથી લઈને આધુનિક કુશીનગર જીલ્લાના કસયા પ્રદેશને કહેવતો હતો.

➡ મગધ સામ્રાજ્યની પ્રસારનીતિને કારણે એમની સ્વતંત્ર સ્થિતિ શીઘ્ર જ સમાપ્ત થઇ ગઈ. આજ કારણ હતું કે ચંદ્રગુપ્તનું મયુરપોષકો, ચર વાહો તથા લુબ્ધકોનાં સમ્પર્કમાં પાલન થયું. પરંપરા અનુસાર ચંદ્રગુપ્ત બાળપણમાં અત્યંત તીક્ષ્ણબુદ્ધિવાળો હતો અને સમવયસ્ક બાળકોનો સમ્રાટ બનીને એનાં પર શાસન કરતો હતો. આવાં જ કોઈ અવસરે ચાણક્યની દ્રષ્ટિ ચંદ્રગુપ્ત પડી. એનાં પરિણામસ્વરૂપ ચંદ્રગુપ્ત તક્ષશિલા ગયાં જ્યાં એમણે રાજોચિત શિક્ષા આપવામાં આવી.
ગ્રીક ઈતિહાસકાર જસ્ટિન અનુસાર સાન્દ્રોકાત્તસ (ચંદ્રગુપ્ત) એક સાધારણ કુટુંબમાં જન્મેલો વ્યક્તિ હતો.

➡ ચંદ્રગુપ્ત મૌર્યના વંશજ આજે પણ મૌર્ય કે મોરી ધનગરોમાં મળી આવે છે જેઓ પ્રાચીનકાળમાં ચિત્તોડગઢમાં રાજ કરતાં હતાં અને બપ્પા રાવલે તેમને હરાવી ત્યાં સિસોદિયા (રાવલ)વંશની સ્થાપના કરી એને રાજધાની બનાવી હતી. જો કે એ રાજધાની તો જૈત્રસિંહ-હમીરસિંહે બનાવી હતી પણ બપ્પા રાવલે આ મૌર્યોને હરાવીને ચિત્તોડગઢ જરૂર જીત્યું હતું. હવે વિચારો કે જે ૯૦૦ વરસ પછી પણ ચિત્તોડ પર રાજ કરતાં હોય એને શુદ્રો કહેવાં કેટલે અંશે વ્યાજબી કહેવાય અને એમાંય પાછાં આજે પણ એમનાં વંશજો તો મળી જ રહે છે !

➡ વિષ્ણુપુરાણ અને અન્ય બ્રાહ્મણ ગ્રંથો અનુસાર ચંદ્રગુપ્ત ચંદ્રવંશી ક્ષત્રિય છે અને મુરાનો પુત્ર છે . એતો બુદ્ધિના બારદાન આપણા જ લોકો છે કે જેમને “મુરા”ને વધારે પ્રાધાન્ય આપ્યું અને ક્ષત્રિયને ઓછું ! આમા વાંક કોનો તે તમે જ વિચારજો જરા શાંતિથી !

ततश्र नव चैतान्नन्दान कौटिल्यो ब्राह्मणस्समुद्धरिस्यति ॥२६॥
तेषामभावे मौर्याः पृथ्वीं भोक्ष्यन्ति ॥२७॥
कौटिल्य एवं चन्द्रगुप्तमुत्पन्नं राज्येऽभिक्ष्यति ॥२८॥
– (વિષ્ણુપુરાણ)

➡ ભાવાર્થ – તદન્તર આ નવ નંદોને કૌટિલ્ય નામના એક ચુસ્ત બ્રાહ્મણ મરાવી નાંખશે. એમનો અંત થતાંની સાથે જ મૌર્ય નૃપ રાજા પૃથ્વી પર રાજ કરશે. કૌટિલ્ય જ મુરાથી ઉત્પન્ન થયેલા ચંદ્રગુપ્તનો રાજ્યા – અભિષિક્ત કરશે !

➡ બૌદ્ધ ગ્રંથો અનુસાર ચંદ્રગુપ્ત ક્ષત્રિય અને ચાણક્ય બ્રાહ્મણ હતાં.

मोरियान खत्तियान वसजात सिरीधर।
चन्दगुत्तो ति पञ्ञात चणक्को ब्रह्मणा ततो ॥१६॥
नवामं घनान्दं तं घातेत्वा चणडकोधसा।
सकल जम्बुद्वीपस्मि रज्जे समिभिसिच्ञ सो १७॥
– (મહાવંશ)

➡ ભાવાર્થ — મૌર્યવંશ નામના ક્ષત્રિયોમાં ઉત્પન્ન થયેલાં ચંદ્રગુપ્તને ચાણક્ય નામના વિદ્વાન બ્રાહ્મણે નવે ધનનંદોને ચંદ્રગુપ્તનાં હાથે મરાવી નાંખી સંપૂર્ણ જમ્બૂદ્વિપના રાજા તરીકે અભિષિક્ત કરશે !

➡ ઇતિહાસમાં આ બધું જ લખાયેલું છે અને એ ઉપલબ્ધ પણ છે પણ એ વાંચે કોણ ? અને ભણાવે કોણ ? ભણાવવા માટે એ પહેલાં વાંચવું અને સમજવું પણ પડે છે . બાકી મતમતાંતરોને પ્રાધાન્ય આપ્યાં વગર અને આવાં કૂલોનાં પિષ્ટપેષણમાં પડયા વગર જે મહત્વનું છે એટલેકે એમનાં કાર્યો એ જ ભણાવવું જોઈએ અને એનાં પર જ લખાવું જોઈએ એવું મારું તો સ્પષ્ટપણે માનવું છે.

➡ હવે પછીના ભાગમાં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક અને એમનાં વિજયો આવશે !
આ ભાગ અહીં સમાપ્ત !

(ક્રમશ:)

***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.