ઘુમલીનો સૈન્ધવ વંશ | ગુજરાતનો ભવ્ય ઈતિહાસ

Sendhav Dynasty of Dhumali - Janamejay Adhwaryu - Sarjak.org

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔
ஜ۩۞۩ஜ ઘુમલીનો સૈન્ધવ વંશ ஜ۩۞۩ஜ
(સૈન્ધવવંશ ઇસવીસન ૭૩૫ – ઇસવીસન ૯૨૦ )

➡ જીજીવિષા, મહત્વાકાંક્ષા અને આજીવિકા વચ્ચેનો તફાવત ઇતિહાસે સમજી લેવાની જરૂર ખરી ! ઈતિહાસ જયારે ૧૪૦૦ -૧૫૦૦ વરસ પછી એમ કહે કે હજી બીજાં દાનપત્રો મળે તો જ આ વાત પર કૈંક પ્રકાશ પાડી શકાય ! તો આ વાતને સદીઓ વીતી ગઈ છતાં જો કઈ પ્રકાશ ના પાડી શકાયો તો ઈતિહાસ ભણવાનો અને જાણવાનો અર્થ જ શું રહ્યો ! ઈતિહાસ એ પ્રશ્નાર્થચિહ્ન નથી પણ આશ્ચર્યચિહ્ન છે. ઈતિહાસમાં ઘણાં કુતુહલો ભરેલા છે જે બહાર લાવવાની જરૂર છે. દાનપત્રો કે શિલાલેખો એ એક પ્રકારની પ્રશસ્તિ જ છે પણ તોય તેમાંથી ઘણી વિગતો બહાર આવે છે જે વિષે આપણે કશું જાણતાં પણ નથી હોતાં. ઈતિહાસ માન્યતાઓ પર નહીં પણ હકીકત પર આધારિત છે એ વાત હજી સુધી આપણે સમજી શક્યાં જ નથી દુખ તો એ વાતનું છે.

➡ બે રાજવંશોના નામો પાછળ સાચો ઈતિહાસ તો હજી પણ વણછુયો (Untouched) જ રહ્યો છે કોઈએ એનો સ્પર્શ સુદ્ધાં પણ નથી કર્યો. કારણકે આપણી એક આદત છે કે – પોતાનું જ્ઞાન પીરસવું અને ખોટું પિષ્ટપેષણ કર્યા કરવું ! આને લીધે જ ગુજરાતનો સાચો ઈતિહાસ શું છે એની કોઈનેય ખબર નથી ! ઇતિહાસની ઘટનાઓનું આપણે ઊંધું અર્થઘટન કરીએ છીએ તેમ છતાં એ જ સાચો ઈતિહાસ છે એવું પ્રતિપાદિત કરવાં આપણે મથ્યા રહીએ છીએ જિંદગીભર . ઇતિહાસે જ આપણણે નવી એક જિંદગી અને એક નવો જ દ્રષ્ટિકોણ આપ્યો છે એ વાત આપણે સ્વીકારવા જરાય તૈયાર જ નથી !

➡ ગુજરાતનો ઈતિહાસ આવી અનેકો ખામીઓનો ભોગ બની ચુક્યો છે એકવાર નહીં પણ અનેકોવાર . ગુજરાતનો ઈતિહાસ નામ અને કૂળ પાછળ વધુ પડયો પાથર્યો રહે છે એટલે જ એ સચ્ચાઈથી વેગળો છે . જ્યાં ઈતિહાસ ઓછો હોય ત્યાં જ પૌરાણિક કથાઓ અને અનુશ્રુતિઓ અને લોકવાયકાઓ જન્મ લેતી હોય છે. “સૈન્ધવવંશ” અને “જેઠવાવંશ”માં પણ આવું જ કૈક બન્યું છે. તેમ છતાં પણ સૈન્ધવવંશમાં રાજાઓના નામ મળે છે તથા તેમનાં કાર્યોની વિગતો એ જોઈ – તપાસી લઈએ !

✔ ઘૂમલીનો સૈન્ધવ વંશ :-

➡ વળા (વલભીપુર)માંથી મળેલ મુદ્રામાં જાનાવેલ મહારાજ અહિવર્માનાં પુત્ર મહારાજ મહાસેનાપતિ પુષ્યેણ અને ઘૂમલીનાં દાનશાસનોમાંથી મળતી વંશાવલીનો પહેલો રાજા પુષ્યદેવ એક જ હોવાની માનવામાં આવ્યું છે. પરંતુ મુદ્રામાંના ઉલ્લેખ પરથી તેમના પિતા અહિવર્મા સૌરાષ્ટ્રમાં રાજ્ય કરતાં હશે કે કેમ તે સ્પષ્ટ થતું નહોતું પરંતુ હવે આંબળાસના દાનપત્ર પરથી પુષ્યદેવની પહેલાં તેમનાં પિતા અહિવર્માએ સૌરાષ્ટ્રમાં કુબેરનગરમાં રાજ્ય કર્યું હોવાનું માલુમ પડે છે. ઘુમલીના સૈન્ધવ રાજાઓની વંશાવલીમાં કુબેરનગરનાં આ રાજાનો સમાવેશ કરતાં આ વંશાવલીમાં સૈન્ધવ કૂળના ૧૪ પુરુષોનો સમાવેશ થાય છે એક નામ કૈંક આઘુપાછું થઇ ગયું હોય અથવા રહી ગયું હોય એમ લાગે છે. આમાંથી ૬ રાજાઓના તામ્રપત્રો ઉપલબ્ધ છે. તેમની કુલ ૯ પેઢી થાય છે.

✔ રાજા અહિવર્મા :-

➡ ૧૪ રાજાઓનો તાળો મળી ગયો આખરે આ પહેલો રાજા જ એમાં નહોતો. સૈન્ધવવંશનો પહેલો રાજા જોકે એ જ સૈન્ધવવંશનો સ્થાપક છે એવું સાબિત થતું નથી આ દાનપત્રો પરથી તો ! પણ વંશાવલી પ્રમાણે એ સૈન્ધવ વંશનો પ્રથમ રાજા છે. વંશાવલી અને નામોની ગડભાંજમાં ના પડીએ તો વધુ સારું છે. કોના પછી કોણ રાજા થયો એ મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે એ રાજા કેવો હતો ? આ દાનપત્રમાં જણાવ્યા મુજબ આંબળાસ દાનપત્રવાળા અહિવર્માએ વળા મુદ્રાવાળા પુષ્યેણનો પુત્ર હોવાં સંભવે છે. પરંતુ જો આ પુષ્યેણ અને ઘૂમલી દાનશાસનવાળા પુષ્યદેવ એક હોય તો આ પુષ્યેણ – પુષ્યદેવને બે પુત્રો હોવાં જોઈએ. આનાથી એક વાત તો સાબિત થઇ જાય છે કે રાજા અહિવર્મા એ પુષ્યેણનાં પુત્ર હતાં જો કે પુષ્યેણને એક નહીં પણ બે પુત્રો હતાં. બંને પુત્રોના નામ આ છે — અહિવર્મા અને કૃષ્ણરાજ અને તેમાં કોણ જ્યેષ્ઠપુત્ર છે એ વાત કરવામાં નથી આવી. પણ આ અહિવર્મા કુબેરનગરમાં અને કૃષ્ણરાજ ભુતામ્બિલિકામાં રાજ્ય કરતો હશે એવું ફલિત થાય થાય. પુષ્યેણનો સમય ઇસવીસન ૭૩૪ -૭૫૪નો આંકવામાં આવ્યો છે. એ પરથી તેમના પિતા અહિવર્માનો સમય ઇસવીસન ૭૧૪-૭૩૪નો અંકાય ને તે મહાસેનાપતિનું બિરુદ ધરાવતા ન હોઈ એ સિંધના રાજા હોવાનું સંભવે !

➡ પુષ્યેણ સિંધમાં થયેલા આરબ આક્રમણને કારણે સિંધ છોડી સૌરાષ્ટ્રમાં આવી વસ્યા હોય ! શરૂઆતમાં તેમણે ત્યાં વલભીના મૈત્રક રાજાના મહાસેનાપતિ તરીકે અધિકાર ધરાવ્યો હોય ને આગળ જતાં મૈત્રક રાજાના અનુગ્રહથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં નાની ઠકરાત સ્થાપી “મહારાજ” તરીકે રાજસત્તા પ્રાપ્ત કરી હોય એવું સંભવિત લાગે છે.

✔ રાજા પુષ્યદેવ :-

➡ સૈન્ધવ દાનપત્રો પૈકી જાઈક બીજાના દાનપત્રમાં આ રાજાઓની લાંબામાં લાંબી વંશાવલી આપવામાં આવી છે તેમાં પુષ્યદેવની પ્રશસ્તિ આપેલી છે.

➡ ઉપલબ્ધ દાનપત્રોની મિતિ ગોઠવતાં આ પુશ્ય્દેવનો રાજ્યકાળ ઇસવીસન ૭૩૫-૭૫૦નો આંકવામાં આવ્યો છે. તેનો સમય જોતાં પુષ્યદેવ મૈત્રક નરેશ શીલાદિત્ય છઠ્ઠા ( લગભગ ઇસવીસન ૭૩૫-૭૬૦)નો સમકાલીન જણાય છે. જાઈક બીજાના દાનશાસનમાં તેને જયદ્રથ વંશનો “ક્ષિતિપતિ” (રાજા) કહેવામાં આવ્યો છે. તેમાં તેને ભુતામ્બિલિકા નગરોની આસપાસ આવેલાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પ્રદેશ પર તેમ જ પશ્ચિમ સમુદ્ર પર સત્તા ધરાવતો હોવાનું જણાવવામાં આવ્યું છે. દાનશાસનોમાં પુષ્યદેવની આરંભિક કારકિર્દી વિષે કઈ પણ જાણવા મળતું નથી. વલભીપુરમાંથી મળેલા મુદ્રાંકલેખમાં જણાવેલો જયદ્રથવંશી રાજા પુષ્યેણ અને આ પુષ્યદેવ એક જ હોવાનું સુચવાયું છે. પરંતુ ઉપર જણાવ્યા મુજબ એ બે ભિન્ન હોય એ વિશેષ સંભવિત છે. આ રાજાની બીજી કશી વિગતો ક્યાંયથી પણ મળતી નથી .

✔ રાજા કૃષ્ણરાજ પહેલો :-

➡ પુષ્યદેવ પછી તેમનો પુત્ર કૃષ્ણરાજ પહેલો ગાદીએ આવ્યો. તેનો ઉલ્લેખ તેમના પુત્ર રાણક પહેલાના દાનશાસનમાં તથા તેમના વંશજ જાઈક બીજાના દાન શાસન (ઇસવીસન ૯૧૫)માં આવે છે. આ રાજાનો સમય સમય ઇસવીસન ૭૫૦- ૭૭૦નો આંકવામાં આવ્યો છે. તે અનુસાર તે મૈત્રક નરેશ શીલાદિત્ય છઠ્ઠા (ઇસવીસન ૭૩૫-૭૬૦) અને શીલાદિત્ય સાતમાં (ઇસવીસન ૭૬૦-૭૮૯)નો સમકાલીન જાણ્ય છે. એના પુત્ર રાણકના દાનશાસનમાં રાજા કૃષ્ણરાજને ‘સમધિગત – પંચમહાશાબ્દ” અને “મહાસામંત” કહ્યો છે. એના પિતા “મહારાજ”નું બિરુદ ધરાવતાં, જ્યારે રાજા કૃષ્ણરાજઅને તેના વંશજો માત્ર બે જ બિરુદો ધરાવતાં. આ પરથી આ રાજાઓની સામંત-સ્થિતિ સૂચિત થાય છે. પ્રશસ્તિમાં આ રાજાને ખડગ વડે શત્રુઓના નાયકનો સંહાર કરનાર કહ્યો છે. તેની પ્રશસ્તિ નીચે મુજબ આપેલી છે.

“સૈન્ધવવંશમાં જન્મેલો, જેણે અશેષ મહાશાબ્દ પ્રાપ્ત કર્યા છે તેવો મહાસામંત કૃષ્ણરાજ હતો. પોતાનો ધવલ યશોરાશિ ફેલાવવનાર, ભારે પરાક્રમી, જેનો પ્રતાપ ખુબ ફેલાયો છે તેવો મિત્રવર્ગને ખુશ કરે તેવો, પરિવારની અપેક્ષા ન કરતો, પૃથ્વીની અંદર આશ્ચર્ય પમાડે તેવો, રણભૂમિમાં એકલે હાથે સાહસરૂપી મહોત્સવ કરનાર હતો.

➡ માત્ર અલંકૃત વિશેષણોથી તેણે નવાજવામાં આવ્યો છે પણ તેની કોઈ અંગત વિગત કે તેમનાં સત્કાર્યોની નોંધ ક્યાંયથી મળતી નથી !

✔ રાજા અગ્ગુક પહેલો :-

➡ રાજા કૃષ્ણરાજ પછી તેમનો પુત્ર અગ્ગુક પહેલો ગાદીએ આવ્યો. એમનું પોતાનું તો કોઈ દાનપાત્ર મળ્યું જ નથી. તેમના પુત્ર રાણક પહેલાનું દાનપત્ર જરૂર મળે છે પણ તેની મિતિ ઉપલબ્ધ નથી. એમનાં પુત્ર જાઈક પહેલાનું એક દાનશાસન જરૂર મળ્યું છે . સૂચિત સમયાંકન અનુસાર આગ્ગુક પહેલાનો સમય ઇસવીસન ૭૭૦-૭૯૦નો ગણાય. ઘૂમલીમાંથી મળેલાં પહેલાં બે દાનપત્રોમાં વંશાવલીની શરૂઆત આ રજાથી કરવામાં આવી છે. તે પરથી આ રાજવંશમાં પુષ્યદેવ પછીનો મહત્વનો રાજા એ અગ્ગુક પહેલો ગાનાતો હોય એવું સૂચિત થાય છે. તેને “સૈન્ધવવંશશેખર” કહેવામાં આવ્યો છે.. સૂચિત સમયાંકન અનુસાર આ રાજાના સમયમાં વલભીના મૈત્રક રાજ્યનો અંત આવ્યો હતો.

➡ જાઈક પહેલાનાં દાનપત્રોમાં આગ્ગુક પહેલાની પ્રશસ્તિ નીચે પ્રામાણે છે —–
“પશ્ચિમ સમુદ્રનો અધિપતિ, જેણે મોટા મોટાં ગર્વિષ્ઠ શત્રુઓને નમાવી દીધાં છે તેવો, ફેલાયેલા પ્રતાપવાળો, સાચા અંત:કરણ પૂર્વક મિત્રવર્ગને વૈભવનું દાન કરનારો, કલંક રહિત, તે પણ “સૈન્ધવવંશશેખર” કહેવાતો હતો. જેણે સર્વ મહાશબ્દો પ્રાપ્ત કર્યા છે તેવો અને “મહાસામંત” કહેવાતો હતો.”

➡ “દિગ્ગજ જેવો પરાક્રમી, પોતાના પ્રસિદ્ધ થયેલ અનેક ગુણસમૂહથી સજ્જન લોકોના મનને પ્રસન્ન કર્યા છે, કેવળ પોતાના હાથના પરાક્રમથી જેણે સ્નેહી મનુષ્યોનો સંગ્રહ કર્યો છે તેવો, લક્ષ્મીનો વૈભવ ભોગવતો, શત્રુરૂપી અંધકારને દૂર કરનારો અને દિગ્ગજ જેવો દેખાતો હતો. અત્યંત મોટા સમુદ્રના સૈન્યરૂપ જળમાં ડૂબેલા પોતાનાં ભૂમંડળને સહેલાઈથી પાછું લેવાથી મહાવરાહના જેવો પ્રભાવશાળી હતો.”

➡ ઇસવીસન ૭૭૬માં ખલીફ -અલ – મહદીએ મોકલેલા દરિયાઈ હુમલાને કેટલાકે બરડા સાથે સાંકળ્યો છે. આ હુમલો કુદરતી આફતને લીધે છેવટે નિષ્ફળ ગયો. એમાં કુદરતી આફત ઉપરાંત પ્રતિપક્ષના પુરુષાર્થે પણ કંઈ ભાગ ભજવ્યો લાગે છે. કેમ કે પ્રશસ્તિમાં અગ્ગુકના સંબંધમાં પ્રતિપક્ષના વિકૃતબળે ડુબાડેલા પોતાના ભુમાંન્દલનો ઉદ્ધાર કરીને એણે પ્રાપ્ત કરેલા વરાહ અવતારના મહિમાનો ઉલ્લેખ આવે છે.

➡ આ સિવાય બીજી કોઈ પણ વિગત મળતી નથી અને એનો ક્યાંય પણ ઉલ્લેખ થયેલો જોવાં મળતો જ નથી !

✔ રાજા રાણક પહેલો :-

➡ અગ્ગુક પહેલાં પછી રાણક પહેલો ગાદી પર આવ્યો. ઘૂમલીના છ દાનશાસનો પૈકીનું એક દાનશાસન મહાસમાંત શ્રી રાણકનું છે. આ રાણક કૃષ્ણરાજનાં પુત્ર અગ્ગુકનો પુત્ર હતો. સૈન્ધવોની વંશાવલીમાં કૃષ્ણરાજનો પુત્ર અગ્ગુક આવી બે જોડી નજરે પડે છે. એમાં કૃષ્ણરાજ પહેલાને અગ્ગુક નામે પુત્ર અને અગ્ગુકને રાણકનામે પુત્ર હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ આ દાનશાસનમાં આવે છે અને અગ્ગુક પહેલાને રાણક પહેલો નામે પુત્ર હોવાની માહિતી દાનશાસન “A” અને “B”માં પણ આપેલી છે. કૃષ્ણરાજ બીજાને અગ્ગુક નામે પુત્ર હોવાનો ઉલ્લેખ પણ આ જ દાનશાસનમાં થયેલો જ છે. આ દાનશાસનમાં જણાવેલ રાણક કૃષ્ણરાજ પહેલાનાં પુત્ર અગ્ગુક પહેલાનો પુત્ર કે કૃષ્ણરાજ બીજા પુત્ર અગ્ગુક બીજાનો પુત્ર આ બાબતમાં વિદ્વાનોમાં તીવ્ર મતભેદ પ્રવર્તે છે.

➡ આ દાનશાસનનું વર્ષ મળ્યું નથી, ને દાન દેનાર રાણકનાં પિતા તથા પિતામહનું નામ વંશાવલીમાં બે જગ્યાએ બંધ બેસે તેમ છે તેથી આ પ્રશ્નનાં નિરાકરણ માટે દાનશાસનમાંના લખાણનો જ સહારો લેવો રહ્યો.

➡ આ દાનશાસનનું પહેલું જ પતરું મળ્યું હોઈ, શાસનલેખ અપૂર્ણ છે, ને તેમાં અંતે રાણીશ્રી ક્ષેમેશ્વરીનો ઉલ્લેખ આવે છે. આ પરથી અલ્તેક્રર એવી કલ્પના કરે છે કે આ ક્ષેમેશ્વરી તે ચાપ રાજા ક્ષેમરાજની પુત્રી કે બહેન હોવી જોઈએ ને ક્ષેમરાજે ઇસવીસન ૮૪૧થી ઇસવીસન ૮૮૦ સુધી રાજ્ય કર્યું હોઈ આ રાણકને રાણક પહેલો (ઇસવીસન ૮૧૪ સુધી) નહિ પણ રાણક બીજો (ઇસવીસન ૮૫૯થી ૮૭૯) ગણવો જોઈએ. આલ્તેકર આને વધારે ગંભીર વાંધો ગણાવે છે. પરંતુ આ દલીલમાં ખાસ વજૂદ નથી. પછીના ગુપ્તવંશમાં હર્ષગુપ્તને હર્ષગુપ્તા નામે અને મહાસેનગુપ્તને મહાસેનગુપ્તા નામે બહેન એ ખરું, પરંતુ માત્ર એ પરથી ક્ષેમેશ્વરી એ ક્ષેમેશ્વરની બહેન હોવી જ જોઈએ એવું કહી ના શકાય. વળી એ અનુમાનિત ક્ષેમેશ્વર એ ચાવડા વંશનો ક્ષેમરાજ જ હોય એ પણ નિશ્ચિત ન ગણાય. તદુપરાંત ક્ષેમરાજનો રાજ્યકાલ અહીં આગાઉ સુચવેલા સુધારા પ્રમાણે ઇસવીસન ૮૪૧-૮૬૬નો નહિ પણ ઇસવીસન ૮૮૫ -૮૯૧નો હોવા સંભવે છે. તે અનુસાર તો જમાઈ રાણકનું રાજ્ય સસરા ક્ષેમરાજનું રાજ્ય શરુ થતા પહેલાં પૂરું થઇ જાય ! આથી ક્ષેમેશ્વરીનાં ઉલ્લેખ પરથી કરાયેલી દલીલ કેવળ કલ્પના ગણવી ઘટે ને તેના પરથી અહીં કઈ મદાર બાંધી શકાય તેમ નથી.

➡ આથી આ દાનશાસનનો રાણક તે આગ્ગુક પહેલાનો પુત્ર રાણક પહેલો હોય એ જ બંધ બેસે છે. ત્રીજું રાણક પહેલાનો વારસો આગ્ગુક બીજાં પાસેથી એકવાર જાઈક પહેલા પાસે ચાલ્યો ગયો. તે પછી જાઈકે અગ્ગુક બીજાંને પોતાના ખંડિયા તરીકે સત્તા પર રહેવા દીધો ને અગ્ગુક બીજાની જેમ તેનો પુત્ર રાણક બીજાની પણ તેવી સત્તા ચાલુ રહી એ તર્ક અસંભવિત જ લાગે છે. આ દાનશાસનનો રાણક તે અગ્ગુક પહેલાનો પુત્ર રાણક પહેલો હોવાની સ્વીકારતા અગ્ગુક બીજાની સત્તા લુપ્ત થયાં પછી તેના કુલની સત્તા ચાલુ રહેવા વિષે આવી કોઈ કલ્પના કરવાની રહેતી નથી. ચોથું અગ્ગુક બીજાનો પુત્ર રાણક જાઈક પહેલાના ખંડિયા તરીકે સત્તા ધરાવતો હોય તો એ રાણક પોતાના દાનશાસનમાં પોતાના એ એ ઉપરીનો નામનિર્દેશ પણ ન કરે ?

➡ આ બધી રીતે જોતાં આ દાન શાસન અગ્ગુક પહેલાનાં પુત્ર રાણક પહેલાનું હોય એ મત જ સ્વીકાર્ય ગણાય.

➡ આ રાજા પરછત્રી વિષય પર સત્તા ધરાવતો હતોઅને એની રાજધાની ભૂતામ્બિલિકા હતી. આ રાજાના દાનપત્રમાં તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે આપવામાં આવી છે. “નિરંતર સળગતાં બળવાન પ્રતાપરૂપી અગ્નિથી તમામ શત્રુરૂપી લાકડાંના સમુહને જેણે બાલી દીધો છે તેવો, ફેલાયેલા નિર્મલ યશરૂપી તાજા દાંત સરખા શુદ્ધ અને ધવલ બધી દિશાઓના સમૂહને જેણે કર્યું છે તેવો, ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થયેલ ફલસમૂહની છાયાથી યુક્ત જાણે મહાવૃક્ષ ન હોય તેમ તે ઘણાં જુદા જુદા પ્રકારના પક્ષીઓ- માણસોને આશ્રય આપતો. નામથી પ્રાપ્ત થયેલ સંપૂર્ણ મહાશબ્દવાળા મહારાજાઓની લક્ષ્મી જેણે પ્રાપ્ત કરી છે તેવો તે હતો. તેના વંશજોના દાનપત્રોમાં તેની પ્રશસ્તિ નીચે મુજબ છે. “અનિન્ધ, જેણે શરદઋતુના ચંદ્રના કિરણોનાં સમૂહની માફક ધવલ યશોરાશિ ફેલાવી છે તેવો, જેની કીર્તિ ખુબ પ્રસરી છે તેવો, સાક્ષાત ધર્મરાજા જેવો, પુણ્યનો રાશિ, વિદ્વાન, નમ્ર, ઉદાર અને પરાક્રમી હતો.” “તીક્ષ્ણ તલવારના ઘાથી હયેલ શત્રુઓના ઘામાંથી નીકળતી લોહીની ધારથી શોભતી યુદ્ધભૂમિમાં જયલક્ષ્મી જેની પાસે છે તેવો હતો.”

➡ આ દાનપત્ર પરછત્રી વિષયમાં આવેલું ભેટાલિકા ગામનું દાન નોંધે છે. દાનની પ્રતિગ્રહિતાની વિગતો, દાનની મિતિ, દૂત્ક, લેખક ઇત્યાદિ વિગતો જે બીજાં પત્ર પર કોતરવામાં આવી હશે તે પતરું મળ્યું ન હોવાથી તે માહિતી ઉપલબ્ધ નથી.

✔ રાજા કૃષ્ણરાજ બીજો :-

➡ રાણકને બે પુત્રો હતા – કૃષ્ણરાજ આને જાઈક ! રાણક પછી રાજા કૃષ્ણરાજ ગાદીએ આવ્યો, જેનાં વિષે તેનાં ભાઈ જાઈક પહેલાના ઇસવીસન ૮૩૨ના દાનપત્રમાંથી માહિતી મળે છે. કૃષ્ણરાજ બીજાનું મૃત્યુ ઇસવીસન ૮૨૯માં થયું હોય એવું જણાય છે.સૂચિત સમયાંકન અનુસાર તેનો સમય ઈસવીસન ૮૧૦ -૮૨૫નો જાણવા મળે છે

➡ દાનપત્રોમાં કેટલીકવાર એકની એક એક જ પ્રશસ્તિ ઘણા રાજાને લાગુ પાડવામાં આવે છે. તેમાં કોઈ રાજકીય બનાવ ઉલ્લેખવામાં આવે છે. તો મોટા ભાગે પ્રશસ્તિ બદલાય છે પણ અહીં તો માત્ર પ્રશસ્તિ જ છે તેવું ચોક્કસપણે જણાય છે.

➡ દાનપત્રો માટે એક મત એવો છે કે એમાં કવિકૌશલ છે પણ તથ્ય તો કયાંય ઢુંકતું પણ નથી. પહેલેથી તે છેલ્લે સુધી એ કલ્પનાવિલાસ જ છે. આમેય આમાં ઘણાં મતમતાંતર તો છે જ અને ઘણી ખૂટતી વિગતોની કમી જણાય છે કારણકે આમાં પુરતી વિગતો જ નથી. ખરેખર તો આ સૈન્ધવો પ્રતીહારોના સામંતો હોય તો એકાદ બે ન સમજાવી શકાય તેવી વાત ડૉ. આલ્તેકરે પોતે જ નોંધી છે. ઉનાનો બલવર્મા અને વઢવાણનો ધરણીવરાહ આ ગાળામાં જ પ્રતીહારોના સામંતો હતાં. તેમને આવાં દાનપત્રો આપવામાં પ્રતિહાર રાજાની મંજુરી લેવી પડતી પડતી. એવી મંજુરી પ્રસ્તુત દાનપત્રમાં મેળવેલી ક્યાંય દેખાતી નથી. આથી જ ડૉ . આલ્તેકર એવું અનુમાન કરે છે કે આ સૈન્ધવો તે વખતના સૌરાષ્ટ્રના બીજાં રાજાઓ કરતાં વધુ સ્વતંત્ર હતા. આ અનુમાન પણ સાવ નિરાધાર છે. ખરેખર તો ડૉ. આલ્તેકરે નોંધ્યું છે તેમ આ સૈન્ધવ રાજાઓના એકે દાનપત્રમાં પ્રતિહાર સત્તા વિષે ઈશારો પણ નથી.

➡ વળી આ રાજા કૃષ્ણરાજનું પોતાનું કોઈ દાનપત્ર મળતું નથી. પરંતુ તેના પુત્ર જાઈકના બે દાનપત્રો મળે છે. કૃષ્ણરાજ અને પછીના ત્રણ રાજાઓ માટે “પર્વતીય જનોને ખુશ કરનાર” એવું પ્રશસ્તિપદ પ્રયોજાયુંછે, તેમાં ભૂતામ્બિલિકાની આસપાસ આવેલા પહાડી પ્રદેશના રહેવાસીઓનો ઉલ્લેખ સૂચિત રીતે થયો હોવાનું ડૉ. આલ્તેકર ધારે છે. તેમના જણાવ્યા પ્રમાણે ભૂતામ્બિલિકા છેક પુષ્યદેવના સમયથી જ સૈન્ધવોની રાજધાની રહી હોવાનું દ્રષ્ટિગોચર થાય છે. અગાઉ જણાવેલ દાનપત્રમાં તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે આપવામાં આવી છે.

➡ “રાણકનો મોટો પુત્ર, શત્રુના સમુદાયને હરાવવામાં સમર્થ અને અત્યંત ઉત્સાહી, રામની સેવામાં સમર્થ અને યોગ્ય રીતે ભરતની માફક દ્રઢ નિશ્ચયવાળો, ભીમસેન જેવો મહાપરાક્રમી,સૂર્ય સમાન તેજસ્વી, કૃષ્ણની માફક સત્યાનુરાગી અને નરકોપદ્રવ દૂર કરનાર, શંકરની જેમ પાર્વતીય જનોનેખુશ રાખનાર પુણ્યનો રાશિ, માતાના ચરણારવિંદને વંદન કરવાથી જેની કીર્તિ ખુબ વ્યાપ્ત થઇ છે તેવો અત્યંત ધન્યતાને પાત્ર હતો.

✔ રાજા અગ્ગુક બીજો :-

➡ રાજા કૃષ્ણરાજ બીજા પછી એમનો જયેષ્ઠ પુત્ર અગ્ગુક બીજો ગાદીએ આવ્યો તેનો ઉલ્લેખ તેમના કાકા જાઈકના દાનશાસન (ઇસવીસન ૮૩૨માં આવે છે. ડૉ. આલ્તેકરના મત મુજબ કૃષ્ણરાજ યુવાનવયે અવસાન પામ્યો ત્યારે અગ્ગુક સગીર વયનો હતો. તેથી રાજ્યકારભાર તેના કાકા જાઈક પહેલાના હાથમાં આવ્યો અને જાઈકે ધીમે ધીમે પોતાની સત્તા જમાવી અને છેવટે અગ્ગુકને ઉઠાડીને પોતે રાજા બન્યો હતો.

✔ રાજા જાઈક પહેલો :-

➡ તે રાણક પહેલાનો પુત્ર અને કૃષ્ણરાજ બીજાનો સાવકો ભાઈ હતો. તેનો સમય લગભગ ઇસવીસન ૮૨૫થી ઇસવીસન ૮૪૫નો આંકવામાં આવે છે, ઘૂમલીમાંથી મળતાં છ દાનશાસનોમાંના બે દાનશાસનો જે મિતિ વગરનું છે તે તેનાં પોતાનાં છે. તેમાંના પહેલામાં એ જણાવે છે તેમ રાજલક્ષ્મી કુલક્રમે કૃષ્ણરાજ બીજાનો ઉત્તરાધિકાર તેના પુત્ર અગ્ગુકનો હોવા છતાં અગ્ગુકણે ત્યજી જાઈકને પ્રાપ્ત થઇ. આ પરથી રાણક પહેલાનો રાજ્યવારસો પહેલાં કૃષ્ણરાજ બીજાના કુળમાં ગયો હોવાં છતાં છેવટે જાઈક પહેલાને પ્રાપ્ત થયો એ સ્પષ્ટ જણાય છે. આ પલટાની પાછળ જાઈક જ રાજલક્ષ્મીનું લાલનપાલન કરવા યોગ્ય હતો એ કારણ રહેલું જણાવવામાં આવ્યું છે. આનો ખરેખર શું અર્થ સૂચિત હશે ? નિર્બળ અગ્ગુકની સત્તા સબળ જાઈકે પોતાના પરાક્રમથી પડાવી લીધી હશે કે અગ્ગુકે પોતે નિર્બળ નીવડતાં રાજસત્તા ગુમાવી હશે ણે મંત્રીઓએ કે પ્રજાએ તે પ્રબળ જાઈકને સોંપી હશે ? ગમે તેમ, સૈન્ધવ રાજ્યનાં સુત્રો છેવટે જાઈક પહેલાના હાથમાં આવ્યાં.

➡ આ પછી રાજાઓ થયાં આગળ જણાવ્યા પ્રમાંણે નામો બદલાયા અલંકૃત વિશેષણો વપરાય તોય આ બધાં દાનશાસનો એક સરખાં જ લાગે છે . કઈ જ નાવીન્ય નથી લાગતું એટલે ઇનામો વિષે તમને ખબર જ છે એટલે હવે આગળ વધારે કશું લખવાં જેવું લાગતું જ નથી ઈતિહાસ આગળ નથી વધતો કે નથી એમાં કોઈ મોડ આવતો . એ માત્ર ચાલ્યા જ કરે છે એટલું જ. એટલે એને અહીં અટકાવી દેવો વધારે યોગ્ય છે. વિગતો નથી માત્ર વર્ણનો છે અને ઇતિહાસમાં માત્ર વર્ણનોનું કોઈ જ સ્થાન નથી હોતું. ખરેખર તો આને ઈતિહાસ જ ના કહેવા આ માત્ર વખાણ જ છે.

➡ ઘૂમલીમાથી મળેલાં દાનશાસનોમાં એનું નામ “ભૂતામ્બિલિકા” આપવામાં આવ્યું છે. ધીણકીવાળા બનાવતી દાનશાસનમાં એને બદલે “ભૂમિલિકા” શબ્દ વાપર્યો છે. પોરબંદરના વિક્રમ સંવત ૧૩૧૫ના લેખમાં એ સ્થાને “ભૂમલિકા” રૂપ પ્રયોજયું છે. આ પરથી તેનું આગળ જતાં “ભૂમલી”ને છેવટે “ઘૂમલી” એવું રૂપાંતર થયું છે. ઘૂમલી હાલમાં છેક જ વેરાન થઇ ગયું છે ને ત્યાં જુનો રાણાનો મહેલ, રામ્પુલ, જેઠાવાવ તેમ જ કેટલાંક નાનાં મંદિરો ઉપરાંત મોટું નવલખાનું મંદિર અવશેષરૂપે ઉભેલાં છે. પણ આ બધાં અવશેષો એ કંઈ સૈન્ધવવંશની ચાડી નથી ખાતાં કારણકે આમાંનું એકેય સૈન્ધવવંશે બંધાવ્યું જ નથી. તેઓ ક્યાં રહેતાં હતાં અને તેમના મંત્રીઓ કોણ હતાં અને તેમની પ્રજા શું ધંધો કરતી હતી અને તેમનું રાજ્ય કેવડું હતું તેનો ક્યાંય પણ ઉલ્લેખ થયેલો જોવાં મળતો નથી . વળી, રાજાઓ વિષે પણ પુરતી વિગતો પ્રાપ્ત થતી નથી. જ્યાં ઘૂમલી ગામ જ અદ્રશ્ય થઇ ગયું હોય ત્યાં સૈન્ધવવંશનાં કોઈ પુરાવાઓ ના જ મળે તે સ્વાભાવિક જ છે. ઘુમલી ગામ કેમ અદ્રશ્ય થઇ ગયું તે હજી પણ સૌના મનમાં એક કોયડો જ છે. એ બાબતમાં અને સૈન્ધવવંશ વિષે હજી ઘણાં સંશોધનો થવાના બાકી જ ચ્ચે અને ઈતિહાસ રાહ જોઇને બેઠો છે બીજાં કોક દાનપત્રો ક્યાંકથી મળી આવે એની અને કહેવાય છે શું કે સૈન્ધવવંશ બહુ જ પરાક્રમી હતો . હતો તો હતો એનાં પુરાવાઓ તો આપો !

➡ આ બધામાં એક વાત ના ભુલાઈ જવી ના જ જોઈએ કે બરોબર આ જ સમયે દક્ષિણ ગુજરાતમાં એક મહાપ્રાતાપી અને ગૌરવશાળી ક્ષત્રિય વંશ ” ગુર્જર પ્રતિહાર વંશ” રાજ કરતો હતો !

➡ સૈન્ધવવંશ તો પૂરો થયો માંડ માંડ હવે કોક નવાં રાજવંશ વિષે વાત કરશું !

ગુજરાતનો ઈતિહાસ
(ક્રમશ :}

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

~ જનમેજય અધ્વર્યુ

One thought on “ઘુમલીનો સૈન્ધવ વંશ | ગુજરાતનો ભવ્ય ઈતિહાસ”

  1. ઉપરોક્ત લેખમાં સૈન્ધવ રાજ્યની જે વાત છે એ જ મુદ્દે મધ્યપ્રદેશના એક ડૉ. તેજસિંહ સૈન્ધવે સંશોધન કરેલું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.