ગુજરાતનો ભવ્ય ઈતિહાસ – કચ્છના રાજ્યો અને સમા રાજ્ય – ભાગ – ૨

Rajput Dynasty of Kachchh - Gujarat - Rajputana - Janmejay Adhwaryu - Sarjak.org

ગુજરાતનો ભવ્ય ઈતિહાસ – કચ્છના રાજ્યો અને સમા રાજ્ય – ભાગ – ૨

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔
ஜ۩۞۩ஜ કચ્છના રાજ્યો અને સમા રાજ્ય ஜ۩۞۩ஜ a
(ઇસવીસનની છઠ્ઠી સદીથી ઇસવીસનની દસમી સુધી )
—— ભાગ – ૨ ——

➡ અનુમૈત્રક કાલ અને પછી રાષ્ટ્રકૂટ વંશમાં ગુજરાતના ઘણાં રાજપૂતોએ પોતપોતાની રીતે અલગ રજવાડા પર પોતાની સત્તાની ધક જમાવી હતી, આના પછી જ ગુજરાતના અણહિલવાડ પર એટલે કે સમગ્ર ગુજરાત પર શાસનનાં હેતુસર પોતાની સત્તાનો પાયો નાંખ્યો હતો. હવે જ્યાંથી અધૂરું છોડ્યું હતું તે વાત આગળ ધપાવીએ.

➡ આ નરપતની દશમી પેઢીએ લાખિયાર ભડ થયો. તેણે નગર સમૈ નામે નાગર બંધાવ્યું અને ત્યાં પોતાની રાજગાદી પ્રસ્થાપિત કરી. તેના વંશજોના રાજ્યના સમય પરથી નરપતનો રાજ્યકાલ ઇસવીસનની સાતમી સદીના પૂર્વાર્ધનો આંકી શકાય. આ લાખિયાર ભડનો પુત્ર લાખો ઇસવીસનની નવમી સદીના મધ્યકાળમાં સિંધની ગાદીએ આવ્યો. તે પાટગઢનાં ચાવડા રાજા વાઘામની પુત્રી બોધિને પરણ્યો. આ બોધિથી તેણે મોડ, વરીયા, સાંગઅને ઊઠો એમ ચાર પુત્ર થયાં.

➡ ખેરગઢના સુર્યસિંહ ગોહિલની કુંવરી ચંદ્રકુંવરને લાખો વૃદ્ધાવસ્થામાં પરણ્યો. તેનાથી તેને ઉન્નડ, જેહો, ફૂલ અને મનાઈ એમ ચાર પુત્ર થયાં. ચંદ્રકુંવર રાણીએ લાખા પાસે પોતાનાં મોટાં પુત્ર ઉન્નડને લાખા પછી ગાદી મળે એવું વચન માંગી લીધું. તેથી લાખા પછી ઉન્નડ જામ કહેવાયો. નાની ઉંમરમાં ઉન્નડ જામ કહેવાતો હોવાથી મોડનું મન ઉદાસ રહેતું.

➡ સિંધુપતિ થયા પછી થોડા વર્ષે જામ ઉન્નડ મોડ અને મનાઈ સાથે શ્રી નારાયણ સરોવરની યાત્રા કરવા સિંધથી કચ્છ આવ્યાં. પાછાં ફરતાં શેરોગઢ – લખપત પાસેના જંગલોમાં મનાઈએ ઉન્નડને એકલો જોઈ રાજતૃષ્ણાને લીધે મારી નાંખ્યો. મોડ ત્યાં આવી પહોંચ્યો અને આ જોઈ તેને બહુ દુખ થયું.

➡ મનાઇએ મોડને પોતાના બે વચ્ચે સિંધનું રાજ્ય વહેંચી લેવાં કહ્યું પરંતુ મોડ આ કાવતરામાં નિર્દોષ હોવાથી તેણે તેમ કરવાની ના પાડી અને સિંધમાં પોતે પણ દોષિત ગણાશે અને લોકો શંકા કરશે એમ વિચારી તે કચ્છમાં જ રહ્યો અને મનાઈને પણ ઠપકો આપી કલંકિત મોઢું લઇ સિંધ ન જવા સલાહ આપી. મોડ અને મનાઈએ કચ્છના પાટગઢમાં રહેતાં પોતાનાં મામા વાઘમ ચાવડા પાસે પોતાને રક્ષણ આપવાં વિનંતી કરી અને વાઘમ ચાવડાએ તેમને આશ્રય આપ્યો.

➡ જામ ઉન્નડનાં મૃત્યુના સમાચાર સિંધનાં નગર સમૈમાં પહોંચી ગયાં. ચંદ્રકુંવર રાણીએ જામ ઉન્નડના પાટવી કુંવર જામ સમાને સિંધની ગાદીએ બેસાડયો.અને લશ્કર પાટગઢ મોકલ્યું.આ જાણીને વાઘમ ચાવડાએ મોડ – મનાઈણે ચાલ્યા જવા કહ્યું. ત્યાર પછી મોડ – મનાઈએ કચ્છમાં રહેતાં સમા રાજપૂતોમાં ભળી જઈ વાઘમ ચાવડાને મારી પાટગઢમાં સમા સત્તા સ્થાપી . ઇસવીસન ૮૦૦થી ઇસવીસન ૮૨૫.

➡ આસમયે કચ્છના પાવર પરગણામાં સાત સાંધ નામે ઓળખતા ચૌલુક્ય વંશના રાજાઓ રાજ્ય કરતાં હતાં. તેમની રાજધાની ગુંતરી (હાલ તાલુકા નખત્રાણા )માં હતા. પાટગઢના ચાવડો આ રાજાના ખંડિયા હતા. વાઘમ ચાવડાનું ખૂન થયું અને પાટગઢમાં સમા સત્તા સ્થપાઈ તે સમાચારની જાણ થતાં આ સાંધોએ મોડ – મનાઈને તેમની ખંડણી ભરવા કહ્યું. ખંડણી ભરવાના ભણ નીચે મોડ-મનાઈએ ગાડાઓમાં લશ્કર મોકલી આ સાતે સાંધોને મારી અને ગુંતરીમાં પણ સમા સત્તા સ્થાપી.

➡ ચાવડા અને સોલંકી સત્તાનો અંત આણ્યા પછી મોડ – મનાઈની દ્રષ્ટિ વાઘેલાઓ પર પડી. આ સમયે મેડી (તાલુકો – રાપર)માં ધરણ વાઘેલાનું રાજ્ય હતું. વાઘેલા સત્તાનો નાશ થતો અટકાવવા મોડના પુત્ર સાડને ધરણ વાઘેલાએ પોતાની બહેન પરણાવી. મોડે સાડને વાગડ મુક્યો ત્યાં પણ તેણે સમા સત્તા વિસ્તારી. સિંધીઓ અને બીજા પરદેશી રાજ્યોના આક્રમણથી કચ્છને રક્ષતા જામ મોડે કચ્છની પૂર્વ દિશાએ વાગડ પરગણામાં એક ડુંગરી કિલ્લો બાંધવા માટે એક ડુંગરને પસંદ કર્યો. પરંતુ ત્યાં કંથડનાથ નામે એક તપસ્વી તપ કરતો હોવાથી તેણે ત્યાંથી ખસવાની – ઊભાં થવાની ના પાડી. તેમ છતાં મોડે તેણે ત્યાંથી જબરજસ્તીથી ઉઠાડી ત્યાં કિલ્લો બાંધવાનું શરુ કર્યું. પરંતુ બંધાતા બંધાતા કિલ્લો પાંચેક વાર પડી ગયો. તેથી કિલ્લો બાંધવાનું કામ પડતું મુકાયું. કચ્છમાં સમા સત્તા સ્થાપી જામ મોડ ઇસવીસન ૮૯૯માં મરણ પામ્યો.

➡ પાછળથી મોડના પુત્ર સાડે તે કિલ્લો બાંધવાનું શરુ કર્યું. પરંતુ કિલ્લો બંધાતા ફરી પાછો પડી જવા લાગ્યો. તેથી સાડે કંથડનાથ બાવાની શોધ અને તેમને કરી દઈને પોતાનું આ કાર્ય પાર પાડયું અને કિલ્લાનું નામ કંથડનાથ બાવાનાં નામ પરથી “કંથકોટ” પાડયું.

➡ આગળ જતાં સમા સત્તાની વૃધ્ડી થતી જોઈ ધરણ વાઘેલાને તેની ઈર્ષ્યા આવી તેથી સાડને પોતાને ત્યાં જમવાનું તોતરું આપી તેને એ બહાનેપોતાને ત્યાં બોલાવીને દગાથી મારી નંખાવ્યો. આ વાતની ખબર ધરણ વાઘેલાણે મળતાં તેણે સાડના પુત્ર ફૂલણે બચવવા દાસી કારાક સાથે અન્યત્ર મોકલી દીધો. કરાક દાસી ફૂલણે લઇ બાભણાસરમાં ધુલારા બાદશાહના દરબારમાં અણગોર કારભારીના આશ્રયે રહી. ફૂલ મોટો થતાં તીરકામઠાથી રમતો હતો ત્યાં ધુલારો બાદશાહ શિકાર કરવાં નીકળ્યો ત્યારે વાઘે તેના પર તરાપ મારી. ફૂલે બાદશાહને વાઘના મોમાંથી બચાવ્યો. તેથી ધુલારા બાદશાહે ખુશ થઈને ફૂલ સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવી આપ્યાં.

➡ ત્યાર પછી ધુલારા બાદશાહનું મોટું લશ્કર લઇ પોતાનાં પિતાનું વેર લેવા માટે ફૂલ સિંધથી ધરણ વાઘેલા પર ચઢી આવ્યો. ધરણ વાઘેલાએ તેનાથી ગભરાઈ જઈ પોતાની પુત્રી ધેણને ફૂલ સાથે પરણાવી એક સુખદ સમાધાન કર્યું.

➡ પ્રસંગવસાત ધેણ રાણી સાથે ચોપટ રમતાં રાણીએ ફૂલને મહેણું માર્યું —
“ઢળ પાસા જેમ ધરણ ઢળ્યા”
આ સાંભળી ફૂલને માઠું લાગ્યું અને તેણે ધરણને મારી તેનું રાજ્ય ખાલસા કર્યું.

➡ ફૂલને સોનલ નામે વીર પત્નીથી (ઇસવીસન ૯૧૯ -ઇસવીસન ૯૨૦)માં લાખો નામે પ્રતાપી પુત્ર જન્મ્યો. ફૂલનો આ કુંવર લાખા ફૂલાણી તરીકે જાણીતો છે.

➡ જામ ફૂલે કંથકોટ પછી મિંયાણી (હાલ તાલુકો ભુજ)માં બીજો એક કિલ્લો બંધાવ્યો અને તેણે પોતાનાં કારભારી અણગોરના નામ પરથી “અણગોર ગઢ” નામ આપ્યું.

➡ અણગોર ગઢ હાલના ભુજ તાલુકામાં આવેલો ગઢ છે. તેની નજીકમાં હાલમાં કોઈ મિંયાણી નામે ગામ નથી. પરંતુ એ ગઢ બંધાવ્યો ત્યારે ત્યાં એ નામનું ગામ જરૂર હોવું જોઈએ !

➡ જામ ફૂલને પાંચ રાણીથી છ પુત્રો હતાં. આ છ પુત્રોમાં લાખો સૌથી તેજવી અને ચપળ હતો. તેના સૌંદર્યઅને બુધ્દી ચાતુર્યથી બધાં પ્રભાવિત થતાં. ઉદારતા અને પરાક્રમના પ્રભાવથી પ્રજામાં તે ખુબ જ માનીતો થયો હતો. તેની સાવકી માતાઓથી આ સહન થતું નહીં અને તેઓ તેની ઈર્ષ્યા કરતાં હતાં. લાગ જોઇને તેમણે લાખા પર ખોટું આળ ચઢાવ્યું. આથી જામ ફૂલે લાખને દેશવટો આપી દીધો. કચ્છમાં આ લાખો ફુલાણી એટલો બધો લોકપ્રિય હતો કે ત્યાંના લોકો એને દેવની જેમ પૂજતા અને એને મહાવીર ગણતાં હતાં . એટલે જ સમગ્ર કચ્છ ને સૌરાષ્ટ્રમાં આ લાખ ફુલાણીની દંતકથાઓ અને એની વીરગાથાઓ પણ પ્રચલિત થઇ છે. ગુજરાતી માં આ લાખા ફુલાણી પર ફિલ્મ પણ બની છે.

➡ દેશવટો પામ્યા પછી લાખો અણહિલપુર પાટણમાં આવ્યો ત્યાં વનરાજ ચાવડાના વંશજ સમાંતસિંહના રાજ્યમાં અવ્યવસ્થા અને અંધાધુંધી ફેલાયેલી હતી. તે નિવારવા લાખાને પાટણપતિએ અને પ્રજાએ પોતાને ત્યાં રાખ્યો.

➡ થોડા વખત પછી જામ ફૂલનું મૃત્યુ થતા કચ્છમાં ખુબ જ અંધાધુંધી ફેલાઈ તેમ જ ભયંકર દુકાળ પણ પડ્યો હતો. પ્રજા ખુબ જ આક્લાઈ ગઈ હતી એટલે તેમણે લાખને અણહિલપુરથી પોતાને ત્યાં પાછો બોલાવી લીધો. લાખો કચ્છમાં આવ્યો અને રાજગાદી પર બેસી એણે સત્તાનાં સૂત્ર સાંભળ્યા

➡ આ લાખો રાજા મૂળરાજ સોલંકીનો સમકાલીન હતો.

✔ સોલંકી રાજ્ય ———

➡ કચ્છના પાવર પરગણા પર સોલંકી રાજસત્તા હતી. વેરો, વેરડો, વેરસિંહ,કાયો,કંરપાણ, રાણો અને રાજપાલ એ સાત સંઘણે નામે ઓળખતા. તેમની રાજધાની ગુંતરીમાં હતી. ચાવડા રાજ્ય પર તેમની અધિસત્તા હતી. તેથી ત્યાં સમા સત્તા સ્થપાતાં તેઓ એક થયા અને સમા સત્તાનો ઉચ્છેદ કરવાં તૈયાર થયા. પરંતુ તે સાતે ભાઈઓણે સમા રાજા મોડ અને મનાઈએ મારી નાંખી ગુંતરી સર કર્યું ને રાજવ્યવસ્થા મોડના હાથમાં આવી.

✔ વાઘેલા રાજ્ય ———

➡ આ સમય દરમ્યાન ગેડી (તાલુકો – રાપર)માં વાઘેલાઓનું રાજ્ય હતું. આ વાઘેલા વંશનો ધરણ વાઘેલો ત્યાં રાજ્ય કરતો હતો. સમા રાજાઓની નજર સોલંકીઓનો નાશ કરી આ વાઘેલાઓ પર પડી. પણ ધરણ વાઘેલાએ પોતાની બહેન મોડનાં પુત્ર સાડને પરણાવી આ એક કથિત જંગની વાતનો અંત આણ્યો. પરંતુ સત્તાની વૃદ્ધિ થતી જોઈ વાઘેલા રાજા ધરણે સાડને પોતાને ત્યાં જમવાનું નોંતરું આપી તેને પોતાને ત્યાં બોલાવીને મરાવી નાંખ્યો. આ વાતની ખબર ધરણની બહેન એટલે કે સાડની રાણી ધરણ વાઘેલીને પડતાં સાડનો પુત્ર ફૂલ નાનો હોવાથી તેની સલામતી ખાતર દાસી સાથે અન્યત્ર મોકલી દીધો. આ દાસી ફૂલને લઈને સિંધના બાભણાસારમાં ધુલારા બાદશાહના દરબારમાં કારભારી અણગોરના આશ્રયમાં રહી. ત્યાં ફૂલ મોટો થતા પરાક્રમી અને હોંશિયાર થયો. તેણે ધુલારા બાદશાહને એક વખત શિકારે જતાં વાઘના મોમાંથી કોળીયો થતાં બચાવ્યો હતો એથી ખુશ થઈને ધુલારા બાદશાહે ફૂલને પોતાની કુંવરી પરણાવી દીધી હતી. ધુલારાના દરબારમાં કેટલોક વખત રહીને ફૂલ ધુલારા બદાશાહનું લશ્કર લઈ ધરણ વાઘેલા પર પોતાના પિતાનું વેર લેવા ચઢી આવ્યો. તો ધરણ વાઘેલાએ પોતાની ધેણ નામે કુંવરી ફૂલને પરણાવી સંધિ કરી.એમ કહેવાય છે કે આ સંધિ પછી વાઘેલાઓ પોતાની જાતને ઘણાં સુરક્ષિત સમજતા હતાં અલબત્ત કચ્છમાં જ હોં ! પણ તેની કોઈ ચોક્કસ વિગતો પ્રાપ્ત થતી નથી. આ સંધિનું પરિણામ શું આવ્યું તે પણ કોઈનેય ખબર નથી કારણકે આ એક અનુશ્રુતિ જ છે જેની નોંધ ઇતિહાસના ચોપડે નોંધાઈ જ નથી. એમ કહેવાય છે કે –આગળ જતાં ધેણ રાણીએ લાગ જોઇને ફૂલને મેણું માર્યું તેથી ગુસ્સે થઈને ધરણ વાઘેલાને મારી નાંખ્યો અને તેનું રાજ્ય હડપી લીધું અને એનાં પર પોતાની સત્તા જમાવી. આ બધું મેં લખ્યું છે પણ આ કચ્છના વાઘેલાની વાત હોઈ ફરી રીપીટ કર્યું છે. મોડના સમય અનુસ્સાર એનાં પુત્ર ફૂલનો રાજ્યકાલ આશરે ઇસવીસન ૯૨૦ – ૯૪૦નો આંકી શકાય. આ સમયમાં પણ કેટલાંક એને ઈસવીસન ૮૨૦- ૮૪૦ ગણે છે જે મેં આગળ જણવ્યું જ છે.

➡ વાઘેલાકૂલની ઉત્પત્તિ સામાન્ય રીતે સોલંકી રાજા કુમારપાલના સમય (૧૨મીસદી)માં થઇ મનાય છે અને તે કૂલનું નામ વાઘેલ ગામ પરથી પડયું ગણાય છે.. એ ગામની જાગીર રાજા કુમારપાલ પાસેથી એના મસિયાઈ ભાઈ આનાક (અર્ણોરાજ)ને મળેલી કહેવાય છે. જો વાઘેલા કુળની ઉત્પત્તિણે લગતી આ અનુશ્રુતિમાં ઐતિહાસિક તથ્ય રહેલું હોય તો તે સાથે ગેડીના વાઘેલાઓના આ સમયાંકનનો મેળ મળે નહીં !

✔ કાઠી રાજ્ય ———

➡ આઠમી સદીના પૂર્વાર્ધમાં કાઠીઓ સિંધમાંથી કચ્છમાં પસાર થયાં હતાં. પાવરગઢમાં (હાલ મધ્ય કચ્છ)માં તેઓએ પોતાની રાજધાની રાખી તેઓ તેના મધ્ય અને દક્ષિણ ભાગ ઉપર રાજ્ય કરતાં હતાં. પાવરગઢના કાઠીઓ ભદ્રાવતીનાં માલિક બની બેઠાં. આ કાઠીઓની સત્તા અહીં ૧૪૭ વર્ષ સુધી રહી હતી . તેમની વંશાવલી વિષે કોઈ માહિતી મળતી નથી. પણ એમ કહેવાય છે કે એમની સત્તા ૧૪૭ વરસ સુધી રહી હતી. આ સમયે કચ્છની બીજી મુખ્ય જાતિ પૂર્વમાં ચાવડાઓની હતી.

➡ પૂર્વ કચ્છમાંનાં વાગડમાં કંથકોટનો જુનોકિલ્લો સ્થિત છે. એમ કહેવાય છે કે આઠમી સદીમાં કાઠી રાજાઓની તે રાજધાની હતી અને તે તેમની પાસેથી તે ચાવડાઓએ લઇ લીધી હતી.

➡ લાખા ફૂલાણીએ કાઠીઓની સાતતા છીનવી લીધી હતી એવી પણ એક અનુશ્રુતિ છે.

➡ ઠેકઠેકાણે ચાવડા, સોલંકી અને વાઘેલાઓની સત્તા પ્રવર્તતી હતી તેમના આરંભ હેલાં અને તેમનાં અંત પછી પણ. પરંતુ આ અનુમૈત્રક યુગની વાત હોવાથી એ અહીં પ્રસ્તુત છે. આમ તો આ ગુજરાતનો ઈતિહાસ છે જ પણ તેની ગણના ગુજરાતના મહત્વનાં રાજવંશોમાં થતી નથી એ પણ એટલું જ સાચું છે. અનુ મૈત્રકકાલના કેટલાંક મહત્વના રાજવંશો વિષે આપણે વાત કરવાંનાં જ છીએ . જેમાં મહત્વના બે વંશ બાકી છે — વઢવાણનો ચાપ વંશ અને અને સૈન્ધવ વંશ. પહેલાં વાત કરીશું વઢવાણના ચાપ વંશ વિષેઅને પછી જ સૈન્ધવ વંશની વાત કરીશું. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણાં રાજવંશો થયાં છે તેમ જ જામનગર અને ભાવનગરમાં અને જુનાગઢ અને ગોંડલમાં તેમજ અન્ય ઠેકાણે પણ. પરંતુ એ બધાનો સમાવેશ આપણે અત્યારે નહિ પણ ભવિષ્યમાં કરીશું જ !

➡ ગુજરાતના ઈતિહામાં હજી ઘણાં વંશો બાકી છે જેમ કે – રાષ્ટ્રકૂટ વંશ, ગુર્જર પ્રતીહાર વંશ, મૈત્રક વંશ અને ક્ષત્રપ વંશ આ બધું પતે પછી જ કોઈ વિષે લખી શકાય પણ તે ભવિષ્યમાં બાકી અત્યારે તો નહીં જ.

➡ મારો હવે પછીનો લેખ વઢવાણના ચાપ વંશ વિષે !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.