કોણ જાણે, કઈ સમાનતા અને આઝાદીની વાત થાય છે…?

પુરુષને પાડીને પુરુષની છબી બગાડી રહેલી બકલોલ માનસિક વિકૃત પુરુષ પ્રજાતિ જોગ…

હમણાં જ તાજો તાજો મહિલા દિવસ વીત્યો છે… એ દિવસે સોશિયલ મીડિયામાં ભમતું થયેલું કન્ટેન્ટ તમે ધ્યાનથી બધું વાંચશો અને સમજશો તો તમને જોવા મળશે કે મહિલા દિવસના દિવસે મહિલાના વાસ્તવિક સન્માનની વાત બહુ ઓછી અને સ્પેશિયલ રાઈટ કે ગલગલીયા કરાવતી પોસ્ટ વધુ જોવા મળી છે… વાસ્તવમાં કોઈને વાસ્તવિક પ્રશ્નોની જાણ જ ન હોય અથવા એમને પડી જ ન હોય એવું લાગ્યું. એમાંય અમુક પરુષોને તો મહિલાઓ કરતા વધારે આઝાદી જોઈએ છે… 😄 જાણે કે આ અમુક હરખ પદુડી પ્રજાતિ ધરાર મહિલાઓને એ અપાવવા માટે મચી જ પડી છે, કે જે મહિલાઓને ખરેખર નથી જોઈતું… કાલ ઉઠીને આ પ્રજાતિના એટલે કે સુધરેલા (પોતાના મતે) એવી ફરિયાદ પણ કરે તો નવાઈ નહીં કે મહિલા જ બાળકને જન્મ કેમ આપે… શા માટે મહિલા જ એક બાળકને નવ માસ ગર્ભમાં ધારણ કરે, પુરુષ કેમ નહિ…? બસ એટલા માટે કે એ એક મહિલા છે…? આ વાહિયાત વિચાર સામે પાછો તર્ક પણ મુકશે કે એમ ન થઇ શકે કે પહેલું બાળક સ્ત્રી આપે તો બીજું પુરુષે પણ આપવું જોઈએ…😓 જેમ હાલમાં થોડાક સમય પહેલા જ હોલિકા માટે સન્માન માંગવા નીકળેલી પ્રજા પણ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી અને એમના તર્ક તો જુઓ, એ કોઈકની બહેન છે, દીકરી છે અને મહિલાનું સન્માન…? મતલબ અટેન્સન મેળવવા કુછ ભી…

આર્ટીકલ વાંચતા અને એને ધરી લેતા પહેલા એટલું સ્પષ્ટ કહીશ કે અહી વાસ્તવિક મહિલાના પરિપ્રેક્ષ્યમાં વાત થઇ રહી છે. બીયર બારમાં બેસીને ફેમીનીઝમની વાત કરતી કે કપડાના વધુથી ઓછા થવાને આઝાદી ગણાવતી કે અન્ય અનેક વિકૃત વિચારોને આઝાદીમાં ખપાવતી મહિલાઓની વાત નથી થઇ રહી. કારણ કે એ જેને સમાનતા કહે છે એવા કૃત્યો તો પુરુષના પણ સમાજમાં માન્ય નથી, એમને પણ એવા બધા માટે કોઈ રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવ્યાનું મને ધ્યાનમાં નથી. પણ છોડો… આપણે વેબસીરીજ અને ફિલ્મોમાં જોઈએ છીએ કે કઈ વાહિયાત બાબતોને ફેક ફેમીનીઝમના કેમ્પેઈન દ્વારા સ્ત્રી સશક્તિકરણના નામે ચલાવીને પોતાના ઉદ્દેશ્યો કે ધ્યેયો પાર પાડવામાં આવી રહ્યા છે. ટૂંકમાં પોતાના કર્યો કરાવવા એવા સમૂહો આખે આખા સમાજને ખોટા માર્ગે દોરવા પ્રયત્ન કરે છે… પણ એ વિષે ફરી ક્યારેક…

મુદ્દાની વાતે આવીએ… તો…

શુ સોશીયલ મીડિયામાં આવીને આવી મોટી મોટી બડંગો ફૂંકતા લોકો ક્યારેય ખરેખર સ્ત્રીને સમજવા પ્રયત્ન કરે છે…🤔 આખા દેશ કે વિશ્વની મહિલાઓને સાઈડમાં કરીને એ પોતાના આસપાસની જ સ્ત્રીને સમજે તો ઘણું છે, સમાજ તો પછી આપોઆપ બદલાઈ જ જશે ને… કોઈ નથી સમજતું કે સ્ત્રીની વાસ્તવિક જરૂરિયાતો બહુ નાની હોય છે, છતાં એનું ઘણું મોટું વિશ્વ એમાં પ્રતિબિંબિત થતું હોય છે. મેં આજ સુધી સમજદાર મહિલાઓને પુરુષને પાડી દેવાની ભાવના સાથે નથી જોઈ… સિવાય કે ફેક ફેમિનિઝમ વાળી અને વિકૃત માનસિકતા ધરાવતી અમુક ગણી ગાંઠી બાયું… ☺️ ખરેખર જો તમારે મહિલાઓની સાચી જરૂરિયાત સમજવી હોય તો બહાર જવાની કે ધારી લેવાની જરૂર જ નથી તમારા ઘરની જ બાયુંને પૂછજો… તમારા જવાબ તમને ત્યાં જ મળી જશે. તમારી મા, બહેન, દીકરી અને પત્ની કે પ્રેમિકા આ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે, આઈ એમ સ્યોર એ આજના ફેક ફેમિનિઝમને ક્યારેય નહીં સ્વીકારે… હાલમાં એક મિમ જોયું જેમાં ઉપર રાજપુતી પોશાકમાં કોઈ સ્ત્રીની તસ્વીર હતી જેણે ઘૂંઘટ કાઢેલો અને એક વેસ્ટર્ન ટૂંકા કપડામાં ઉભેલી બાઈ અને લખેલું બંધનથી આઝાદી તરફ…🤔 એટલે શું કપડાં જ આઝાદીનો પર્યાય છે…? આ કઈ આઝાદી માટેની વાતો થઇ રહી છે…? જો ખરેખર આ સત્ય હોય તો, આ વાતને સત્ય માનતી બાયું કે ભાયુઓએ કાયમીપણે કપડાં કાઢીને સંપૂર્ણ આઝાદીનો લુપ્ત જરૂર ઉઠાવવો જોઇએ… ભાઈ અગર યહી સમાનતા યા આઝાદી હે તો ઉન્હેં યહ જરૂર મિલના ચાહીએ… આ હું નથી કહેતો આ એ મિમનું અને મુકનાર વ્યક્તિની માનસીકતાનું વિશ્લેષણ માત્ર છે. આઝાદી સૌથી વધુ તો માનસિક ભાવ છે, સ્ત્રીને પહેલા માનસિક રીતે તો આઝાદ કરો…

વાસ્તવમાં મહિલાઓ માંગે છે પ્રેમ, હૂંફ, સન્માન, સ્વમાન અને સબંધોમાં સમાનતા… અને સ્ત્રીને આ બધું આપવું એક સાચા પુરુષનું પ્રથમ કર્તવ્ય પણ છે, સાથે જ પુરુષને એના સન્માન સાથે જીવતો રાખવો સ્ત્રીની પણ ફરજ છે. અમારા વડવાઓ સબંધની બાબતે એક કહેવત કહેતા કે સ્ત્રીને રાણી બનવું હોય તો એણે પુરુષને પહેલા રાજા બનાવવો જોઇએ, કારણ કે નોકરની પત્ની નોકરાણી કેહવાય છે. પણ એ જ નોકરાણી પોતાના ઘરની રાણી પણ હોઈ શકે છે. આ પિતૃસત્તાક નહિ પણ વાસ્તવિક વિચાર છે. એકબીજાનું સન્માન ન થાય તો સમાનતા કે સબંધ ક્યારેય ટકતા નથી. પણ, અહીં એ સમાનતા નહિ જેમાં પુરુષ કપડાં ધોઈને આપે કે પુરુષ રોટલી કરીને આપે. કોઈ સ્ત્રી પોતે પણ આ નથી ઈચ્છતી, બસ એની સ્થિતિ સમજે એટલું જ ઘણું હોય છે. પુરુષની જેમ જ સ્ત્રીઓને પણ ક્યારેક એવી ઈચ્છા અવશ્ય હોય કે એના પર કામ ફરજીયાત ન થોપાય અથવા ક્યારેક એ ન કરી શકે એમ હોય તો પુરુષ પણ એને એ કામમાં સહાયક બને.. જો કે અઢળક એવા પુરુષ છે જ, જે આ બધું જ કરતા હોય છે. કોઈ કારણો સર ખાટલામાં પડેલી બાયુને જીવન ભર સાચવતા પુરુષો પણ છે. પણ આ બધું જ અવગણીને અમુક જમાત ( અહી લક્ષણ પ્રમાણે જીવાત જ વાંચવું) દરેક જગ્યાએ સીધા જ પુરુષ અસ્તિત્વ પર ઘા કરતા હોય છે જે એકેય પ્રકારે યોગ્ય છે. બધા જ… ક્યારેય કોઈ પણ બાબતમાં તમે આખા સમુહને કેવી રીતે ટાર્ગેટ કરી શકો…?

જો હજુ વધારે ઊંડાણ કે ચર્ચામાં ઉતરીએ તો વાસ્તવમાં મહિલા પોતે એમ નથી ઇચ્છતી કે એ પુરુષને ઓવરટેક કરીને આગળ નીકળી જાય… એ તો સાથે ચાલવા માંગે છે, વામાંનગી શબ્દ એમ જ નથી અસ્તિત્વમાં આવ્યો. એ શબ્દ જ દર્શાવે છે કે મહિલા પુરુષનો અભિન્ન ભાગ છે, એના વગર પુરુષ હંમેશા અધુરો છે. કારણ કે એ જાણે અને સમજે છે કે આગળ નીકળવું એટલે કે એકલા પડી જવું… જેમ અમુક સ્ત્રીના મહત્વને અવગણતા પુરુષો પડી જાય છે. તમારી આસપાસમાં આવા પુરુષોને જોઈ લેજો, સ્ત્રીને અવગણીને એ ક્યારેય સફળ કે સુખી હશે જ નહિ. સ્ત્રી ત્યાગમાં માનનારી હોય છે અને કદાચ આ ભાવનાથી જ એ એક માતા અને મહાનતા બંને પદ મેળવે છે. વાસ્તવમાં તો મહિલાઓ બસ એટલું ઈચ્છે કે દિવસ ભર પતિ માટે એટલે કે પોતાના ઘર પરિવાર માટે કામ કર્યા પછી પુરુષ આવીને એમ કહે કે બેસને તું પણ થાકી હોઈશ. મારી પાસે બેસ… કામ તો તું આખો દિવસ કરે છે. ચાલ થોડોક સમય એકબીજને આપીએ… ઇનશોર્ટ એને પોતાના કામનું વળતળ નથી જોઈતું, એને જોઈએ છે પ્રેમ… એના પ્રયત્નોનું સન્માન, એના હોવા પણાનું સન્માન, એના અધિકારોનું સન્માન… અને આ બધું જ હંમેશા સ્ત્રી પુરુષના અંગત વિશ્વનો ભાગ હોય છે… આ સમાનતા નક્કી એ જ બે લોકો પોતાની સ્વ બુદ્ધિ દ્વારા કરી શકે છે. 😊 એ આઝાદી કે સમાનતા એને ધરાર આપવાની જરૂર નથી હોતી, ત્યાં સુધી જ્યાં સુધી એ પોતે સમસ્યામાં ન હોય… કારણ કે સમાનતા કે આઝાદી કે ખુશીને પૈસા કે ફેક આઝાદી સાથે રિલેટ પણ ન કરી શકાય… કારણ કે આજે પણ મહેલોમાં મહિલાઓ વધુ દુઃખી અને ખેતરમાં મજુરી કરતી બાયું વધુ સુખી હોય છે… કારણ કે એમને વાસ્તવિક અને અવાસ્તવિક આઝાદીની સમજ છે, એ ફેક ફેમિનિઝમને ધિક્કારે છે… જ્યારે મહેલમાં રહેતી મહિલાઓને આ સમજ નથી, એ દેખાદેખી અને ચડસા ચડસીમાં પોતાના ઘર ભાંગતી હોય છે. એમની સમજ અને વિભાવના પણ પેલા આમ કરે છે કે એ લોકો આમ કરે ને અમે કેમ નહિ એના પર આધારિત હોય છે… એમને ટૂંકા કપડાં, મોંઘા મોબાઈલ, ઇન્સ્ટામાં રિલ બનાવવા, બારમાં પાર્ટી કરવી, સિગારો ખેંચવી, અપશબ્દો બોલવા વગેરે વગેરેમાં આઝાદી હોવાનો ભરમ છે… વાસ્તવમાં આ બધું કરતા તો પુરુષો પણ સમ્માનને લાયક નથી હોતા…

આમાંથી ઘણું ખરું મેં અનેક મહિલાઓ કે જે મારા સોશિયલ મીડિયામાં છે કે પછી કોઈ રીતે વાતચીત દરમિયાન સંપર્કમાં આવી છે, જે પરિવારમાં છે, આસપાસમાં, ઘરમાં છે અથવા વાતચિત થાય કે સાંભળતા અનુભવતા રહો આસપાસથી… એમાંથી એકને પણ મેં આવા બધા વાહિયાત વિચારોમાં જોઈ નથી… એમના વિચારો બહુ લોજિકલ હોય છે, એમના પ્રશ્નો અને સમસ્યાઓ બહુ જ વાસ્તવિક હોય છે, જે ખરેખર બદલાવ માંગે છે. જેમ કે અમુક વાસ્તવિક સમસ્યા… જો કે એમાંથી એક પણ મહિલા (અથવા સમજદાર કોઈ પણ મહિલાઓ) નથી ઇચ્છતી કે પુરુષ એમના માટે રોજ જમવાનું કે એમના કપડાં ધોઈને આપે… એ બસ ઈચ્છે છે કે દિવસના અંતે એને એમ ન પૂછવામાં આવે કે તું આખો દિવસ શુ કરે છે…☺️ ઇનશોર્ટ એકમેઓનું સન્માન… હૂંફ… પ્રેમ…☺️ સાથીનો સાથ સૌથી વધુ મહત્વનો હોય છે બાકી બહારના પુરુષ સાથે એને ક્યારેય ખાસ લેવા દેવા નથી હોતો કે કોણ શુ વિચારે… એની આઝાદી એના પરિવાર અને પાર્ટનરના વર્તન પર જ નિર્ભર રહે છે… જો કે વાસ્તવિક પ્રશ્નો તરફ તો ફેમિનિઝમના ઝંડા લઈને ફરતી બાયુની નજર જ નથી… હશે તો પણ બહુ ઓછી… અહી નોકરી કરતી મહિલાઓની વાત નથી કારણ કે આવા સમયે બંને પાર્ટનરે એકબીજાને સમજવાની અને સહાયક થવાના પ્રયત્નો જાતે કરવા જોઈએ. કારણ કે જ્યારે બંને કામ કરતા હોય ત્યારે કોઈ એક જ બધું કરે અને અન્ય એના પ્રયત્નો અવગણતું રહે ત્યારે પછી સબંધ વધારે સમય સ્વસ્થ નથી રહેતો.

જો કે બધા આ બધું કરતા પણ નથી. હા પોતાના ઘરમાં કાઈ ન કરી શકતા લોકો જ સોશિયલ મીડિયામાં આવીને આવી બધી વાતો સૌથી વધારે ટીચતા હોય છે. અહીં ફાંકા ફોજદારી કરતા મોટા ભાગના લોકો પોતે જ આ બધી માનસિક વિકૃતિને પોતાના આસપાસમાં સાચવીને બેઠા હોય છે. જે લોકોને વાસ્તવિક સમાનતાની કે સ્ત્રીના મનની વાસ્તવિક સંવેદનાઓની સમજ જ નથી એવા જ્યાં ત્યાં મોઢા મારતા ફરતા લોકો જ્યાં ત્યાં જઈને એવા સંસ્થાનના રાગ રેલાવી આવે જાણે આખાય વિશ્વની મહિલાઓના અધિકાર માટે એકમાત્ર પોતે જ લડી લેવાના હોય. આ પ્રજા ધરાર મહિલાઓને ન જોઈતા અધિકાર અપાવવા દોડ્યા જાય છે. જો કે પોતાની પત્ની, બહેન, માતા, ભાભી કે આસપાસની સ્ત્રીઓને પોતાના વાસ્તવિક અધિકાર માટે સહકાર આપતા પુરુષોને અહીં આવા ગલગલીયા કરાવવાની જરૂર રહેતી નથી…😊 વાસ્તવિક સમાનતા સ્વથી શરુ થાય છે, બીજાના બદલાવથી નહિ… પછી એ સ્ત્રી પુરુષ સમાનતા હોય કે અન્ય કોઈ પણ સમાનતા…

પુરુષ સૌથી વધુ બદનામ ત્યારે થાય, જ્યારે મહિલાઓ સાથે વિકૃત કહી શકાય એવી ઘટનાઓ ઘટે છે. પણ તમે નોટીસ કરજો એવા સમયે પુરુષો ક્યારેય એને સમર્થન નથી કરતા. એમ છતાં બદનામ પુરુષ શબ્દ થાય છે. રહી વાત મહિલા સાથેના બળાત્કાર, છેડતી કે એવા બધા કિસ્સાઓમાં… તો એ પ્રકારની હરકત કે કૃત્યો કરનારા પુરુષ ક્યારેય સન્માન નથી જ મેળવતા, એવા હરામખોરોને સજા મળવી જ જોઈએ અને એમાં કોઈ પુરુષ એમ કહેતો પણ નથી કે એમને છોડી દો… આ બધા છતાં પણ અમુક પુરુષો અથવા અમુક મહિલાઓ કેમ ભૂલી જાય છે… કે એક પુરુષ આવું કૃત્ય કરે ત્યારે સૌથી વધારે દુઃખી પણ એ સ્ત્રીના સબંધી પુરુષ પાત્રો જ હોય છે… એનો ભાઈ, પતિ, પિતા…😬 કેમ એ પુરુષ નથી…? પુરુષને જવાબદાર ઠેરવતા પહેલા શાંત ચિત્તે એ વિચારવું કે સ્ત્રી માટે સૌથી વધારે જો કોઈ લડે છે તો એ હંમેશા એક પુરુષ જ લડે છે… નિર્ભયા કાંડ હોય કે હૈદરાબાદ કાંડ… પુરુષ હંમેશા સ્ત્રી માટે લડે છે. સતીપ્રથા હોય કે બાળવિવાહ સ્ત્રીના અધિકાર માટે લડનાર પુરુષ જ રહ્યા છે. એટલે જ્યાં હોય ત્યાં પિતૃસત્તાક શબ્દને પકડી રાખીને પુરુષને પાડી દેવાની ભાવના જે અમુક લોકો સમાજમાં ઝેરની જેમ ઇન્જેકટ કરી રહ્યા છે, એ વર્તમાન સમયની સમસ્યા કરતા પણ વધુ ભયંકર છે… સ્ત્રી વગર જીવન શક્ય નથી એમ પુરુષ વગર પણ અસ્તિત્વ શક્ય નથી જ…☺️ બેય પાત્ર એકબીજાના પૂરક છે, એકબીજા વગર એકબીજાનું અસ્તિત્વ જ અર્થહીન છે. જેમ લક્ષ્મી વગર વિષ્ણુ અસ્તિત્વ વિહીન છે અને વિષ્ણુ વગર લક્ષ્મી અથવા શક્તિ વગરનો શિવ એક શવ માત્ર છે અને શિવ વગરની શક્તિ દિશાહીન…☺️ બસ આ જ સ્ત્રી પુરુષ અસ્તિત્વની વાસ્તવિક તથ્યતા દર્શાવે છે…

સ્ત્રીને પાડીને જેમ પુરુષ સર્વોપરી ન થાય એમ જ પુરુષને પાડીને સ્ત્રી પણ સર્વોપરી ન થઈ શકે… સર્વોપરિતા માટે બેયનું એકસાથે હોવું જરૂરી છે… આ સંતુલન બગડે છે ત્યારે વિનાશ નિશ્ચિત હોય છે… ☺️

કાલે તો કોઈકે સોશિયલ મીડિયામાં કહેલું કે એક માતા ન હોય તો પુરુષ જન્મ જ ન લઈ શકે… તદ્દન સાચી વાત છે, ૧૦૦ ટકા સત્ય કથન છે. પણ એટલું જ સત્ય એ પણ છે કે સર્જન એટલે કે બાળકના જન્મ માટે પણ સ્ત્રી પુરુષનું એક સાથે હોવું જરૂરી છે… સૃજન એ સ્ત્રી પુરુષ એમ બેયના સમાન અસ્તિત્વ પર આધારિત પ્રક્રિયા છે…એટલે સ્ત્રી અને સાથે જ પુરુષ પણ મહત્વનો છે… ☺️

જો કોઈ એક પુરુષ કોઈ પાપ (એવા કામ જે અયોગ્ય છે) કરે છે, તો એના માટે એ જવાબદાર છે, પૂર્ણ પુરુષ અસ્તિત્વ નહિ… અને આ બાબતનો વિરોધ પણ સૌથી વધારે પુરુષ જ કરે છે. જે સફળ મહિલાઓના ફોટા શેર કરીને તમે ફેક ફેમીનીજ્મ ફેલાવવા પ્રયત્ન કે નર્યો ગર્વ લઈ રહ્યા છો, એ દરેકને આ સ્થાને લાવવા માટે પણ સૌથી વધારે પરિશ્રમ એક પુરુષનો જ હોય છે…☺️ સમાનતા બહુ જ આવશ્યક, જરૂરી અને સારો વિચાર છે. તેમજ, આ આવશ્યક વિચારની યોગ્ય સમજ હોવી એનાથી પણ વધારે જરૂરી છે…☺️

વાસ્તવમાં સ્ત્રીની શક્તિઓ ગણાવનાર વ્યક્તિ જ સૌથી પહેલો મૂર્ખ છે… કારણ કે જે શક્તિ એટલે કે સ્ત્રી શવ ને શિવ બનાવી શકે છે, એ ક્યારેય સામાન્ય હોઈ જ ન શકે… રહી વાત પવિત્ર અપવિત્રતાની તો સ્ત્રી ક્યારેય અપવિત્ર હોઈ જ ન શકે… સ્ત્રી શબ્દ પોતે જ પવિત્રતાનો પર્યાય છે. સ્ત્રી એટલે કે એક મા, અને મા એકમાત્ર એવી વ્યક્તિ છે જેનું અસ્તિત્વ ઈશ્વર કરતા પણ પહેલા આવે છે… એટલે સુધી કે એ ઈશ્વરને પણ અવતાર લેવા માટે એ જ સ્ત્રી ગર્ભનો જ સહારો લેવો પડે છે… એટલે સ્ત્રીને ક્યાંય કોઈ નિર્ધારણની જરૂર નથી… એ સક્ષમ છે, સશક્ત છે, મજબૂત છે, આવશ્યક છે, જરૂરી છે, અને સર્વસ્વ છે… એના વગર અસ્તિત્વની કલ્પના જ અશક્ય છે… પણ સમાન ભાવે…☺️☺️

અંતમાં એટલું જ કહીશ કે સ્ત્રી ને સ્ત્રી તરીકે જ સ્વીકારો… સ્ત્રીને પુરુષ બનાવીને પ્રકૃતિને પડકાર કરવાની જરૂર નથી. વાસ્તવમાં એને અલગ ગણવાની ભાવનાએ જ સમસ્યાઓ સર્જી છે, હવે અન્ય અલગતા લાવીને સમસ્યાને વધુ વિસ્તારિત કરવાની જરૂર જ નથી. બાકી શારીરિક પ્રકારે જે એને ઈશ્વરે આપ્યું છે એ જ એના અસ્તિત્વનું પ્રતિક છે. સ્ત્રી સ્ત્રી તરીકે જ વધારે ખુશ રહી શકે છે, જો એને સ્ત્રી હોવાના કારણે રોકવામાં કે અટકાવવામાં ન આવે. તો મહિલા દિવસની ઉજવણી એક દિવસ નહી પ્રત્યેક દિવસ કરો અને એને જેમ છે એમ જ સ્વીકારો. રહી વાત આગળ નીકળવાની કે પાછળ રહી જવાની… તો સ્ત્રી હંમેશા પુરુષ કરતા આગળ જ હોય છે, અને એ આગળ જ રહેવાની છે… કારણ કે માતા હંમેશા પ્રથમ જ હોય છે…☺️ અને દરેક સ્ત્રી એક માતા પણ હોય છે… જ્યાં સુધી એ સ્ત્રી છે…😍

– સુલતાન

( નોંધ : સંપૂર્ણ પણે સ્વ અનુભવ, વિચાર અને અધ્યયન પર આધારિત. શક્ય છે સ્થિતિ અને પરિસ્થિતિ પ્રમાણે અમુક વિભાવનાઓ બદલાઈ જતી હોય.)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.