રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ)

Samant Singh - Chavda Dynasty - Janmejay Adhwaryu - Sarjak.org
⚔ ચાવડાયુગ શૌર્યગાથા ⚔
ஜ۩۞۩ஜ રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૮૮૫ - ઇસવીસન ૯૪૨)

➡ પંચાસરથી પાટણ તો આવી ગયાં ચાવડાઓ. એ વાતને પણ નવાં સુધારાવાળા સમયગાળાને પણ ૪૫ વરસ થઇ ગયાં. આ સમયગાળા દરમિયાન ચાવડાવંશના ૨ રાજાઓ તો બદલાઈ ગયાં હવે રાજા યોગરાજના જયેષ્ઠ પુત્ર ક્ષેમરાજનો વારો આવ્યો. જોઈએ એ કેવાં રાજા નીકળે છે તે ..... પૂર્વભૂમિકા બધે જ સારી ના લાગે એટલે સીધાં જ મૂળ મુદ્દે આવી જઈએ.

✔ રાજા ક્ષેમરાજ -----------

➡ યોગરાજ પછી તેનો પુત્ર ક્ષેમરાજ ગાદી પર બેસે છે. રાજપુત્ર તરીકે તેણે પરદેશનાં વહાણોનો માલ લૂંટી લીધેલો ને તેથી તેમનાં પિતા નારાજ થઇ પ્રાયોપવેશન કરી મૃત્યુ પામેલાં એ ઘટના ખરી હોયતો તેણે તેની મનોવૃત્તિ પર કંઈ અસર કરી હશે. તેને માટેના ગુનો નીચે પ્રમાણે મળે છે ---

➡ સુકૃતસંકીર્તનમાં જણાવ્યા પ્રમાણે ચન્દ્રની જ્યોત્સનાની માફક તેની કીર્તિ (યશપતાકા) ફેલાઈ. જેની તલવારરૂપી લતા હાથીઓના ગંડસ્થલના ચીરામાંથી નીકળેલા મોતીઓ વડે પુષ્પિત થઇ હતી. એનાં હૃદયમાં પ્રદીપ્ત થયેલો કોપાગ્નિ શત્રુ રાજાઓની સેનાઓ રૂપી રમણીઓના અશ્રુઓથી ઘણો શાંત થયો હતો.

➡ સુકૃતસંકીર્તનમાં મળતી પ્રશસ્તિ મુજબ ક્ષેમરાજે પૃથ્વીનો ઉધ્દ્ધાર કર્યો છતાં સુધાપાન કરવાનું ભૂલી તેની વિશાલ કીર્તિનું પાન કરવાનો રસિયો શેષનાગ કૃશ જ રહ્યો.

➡ ક્ષેમરાજ દોલતવાળો અને રહેણીકરણીમાં ઈશ્વર જેવો હતો. પણ તેના દૂતો (ચાકરો) અવિવેક હતાં તે પંડે ક્રોધનું મૂળ હતો પણ ભાગ્યશાળી ઇન્દ્ર જેવો હતો ખજાનાનો તથા દેશનો ભંડાર હતો અને તેણે પોતે પોતાનાં વંશમાંથી પ્રીતિ તજી હતી.

➡ અગાઉ સુચવેલી સાલવારી અનુસાર ક્ષેમરાજે ૨૫ વર્ષ (લગભગ ઇસવીસન ૮૮૫-ઇસવીસન ૯૧૦) રાજ્ય કર્યું ગણાય. ક્ષેમરાજ અને તેના વંશજોણે લગતા ઉપલબ્ધ ઉલ્લેખોમાં એ રાજાઓની રાણીઓ તથા તેઓના અમાત્યો વિષે કંઈ કરતાં કંઈ જ માહિતી પ્રાપ્ત થતી નથી.

➡ વંશાવલીની પહેલી પરંપરામાં યોગરાજ પછી રત્નાદિત્ય, વૈરસિંહ અને ક્ષેમરાજ એવો ક્રમ આપેલો છે એ પરથી એ ત્રણ યોગરાજનાં પુત્રો હોવાનું એ ધારવામાં આવ્યું છે. અહીં યોગરાજ અને ક્ષેમરાજનો રાજ્યકાળ બીજી પરંપરા પ્રમાણે લેવામાં આવ્યો છે. વળી બીજી પરંપરાનો ભૂચડ અને પહેલી પરંપરાનો ચામુંડરાજ એક જ હોવાની કલ્પના કરવામાં આવી છે. પરંતુ અહિયાં જણાવ્યા મુજબ ઉત્તરાધિકાર ક્રમ તો બીજી પરંપરાનો વધારે બંધ બેસે છે. પહેલી પરંપરામાં ૩ વર્ષ ને વૈરસિંહનાં ૧૧ વર્ષને ક્ષેમરાજનાં ૩૯ વર્ષ આપ્યાં છે. જયારે બીજી પરંપરામાં ક્ષેમરાજનાં ૨૫ વર્ષ જણાવ્યાં છે. ખરી રીતે ક્ષેમરાજના ૨૫ વર્ષ હશે અને ત્રણેય ભાઈઓના મળીને ૩૯ વર્ષ થાય એમ અત્યારના ઇતિહાસકાર પંડિત ભગવાનલાલે સૂચવેલું.

➡ એક વાતની સમજ ના પડી કે કોઈ પણજાતના સંઘર્ષ વગર રાજા યોગરાજનાં ત્રણે પુત્રો ગાદીએ આવ્યાં કઈ રીતે ? નથી કોઈનું ખૂન થયું કે નથી કોઈ યુધ્ધમાં મરાયા અને જો આકસ્મિક મૃત્યુ હોય તો એનો ઉલ્લેખ તો થવો જોઈએ ને ! તેમની પત્નીઓના નામ કોઈને ય ખબર નથી બસ ખાલી આના પછી આ રાજગાદીએ આવે છે એટલી જ ખબર છે ! ઇતિહાસમાં વર્ણનો ખુબ જ મહત્વનાં છે એ વાત સ્વીકાર્ય છે પણ માહિતીના અભાવે તો વર્ણનો ના જ હોવાં જોઈએ એ મારું સ્પષ્ટ મંતવ્ય છે, ઈતિહાસ સીધી રીતે નીરુપયેલો જ નથી આ ચાવડા વંશમાં એટલે જ બધાં ગોથાં ખાય છે !

➡ હવે રાજા ચામુંડરાજ અને આહડ વિષે જોઈ લઈએ જરા .......

✔ રાજા ચામુંડરાજ અને આહડ ------

➡ રાજા યોગરાજની કારકિર્દીનાં નિરૂપણમાં એનાં ત્રણ પુત્રોનો ઉલ્લેખ આવેલો. ક્ષેમરાજ તે ત્રણમાં જયેષ્ઠ હોવાનું જણાય છે. વંશાવલીઓની પહેલી પરંપરામાં ક્ષેમરાજ પછી ચામુંડરાજ અને આહડનાં નામ આપ્યાં છે, તે બીજી પરંપરામાં તો બિલકુલ આવતાં જ નથી ને અમુક મુદ્દાઓની રુએ બીજી પરંપરા વધારે બંધબેસતી હોવાનું માલૂમ પડે છે. આ પરથી ચામુંડરાજ અને આહડ એ અણહિલવાડની ગાદીના સીધાં વારસ ન હોવાની શંકા ઉપસ્થિત થાય છે. તો પછી મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની જેમ યોગરાજનાં રાજ્યના ય ત્રણ ભાગલા પડયા હોય ને એનાં બે ગૌણ ભાગ ક્ષેમરાજનાં બે નાનાં ભાઈઓને મળ્યા હોય અને ચામુંડરાજ અને આહડ એ બે તે ભાઈઓનાં નામ હોય એવી કલ્પના કરવી અસ્થાને નથી.

✔ રાજા ચામુંડરાજ ----------

➡ આ અનુસાર ચામુંડરાજ એ યોગરાજનો બીજો પુત્ર અને ક્ષેમરાજનો અનુજ હોવા સંભવે. એની પ્રશસ્તિનો સાર નીચે પ્રમાણે છે ---
એ શત્રુઓનાં મસ્તકને કૌતુક-કુન્દુક બનાવતો. એનાં યશનો પ્રકાશ જગતમાં ચોમેર પ્રસર્યો છે. નરેન્દ્રોથી પણ અલંઘિત એવી એની આજ્ઞા જગતમાં પ્રસરતી. તે બળવાન હતો.

➡ આ રાજાએ ૩,૧૩,૨૪ કે ૨૭ વર્ષ રાજ્ય કર્યું કહેવાય છે . તેની પત્નીનું નામ પણ કોઈને ખબર નથી જ ! સંતાનો હતાં કે નહીં તેની પણ કોઈને ખબર તો નથી જ.

✔ રાજા આહડ ---------

➡ આહડ એ રાજા યોગરાજનો ત્રીજો પુત્ર અને ચામુંડરાજનો અનુજ હોવાં સંભવે. એની પ્રશસ્તિમાં એનાં ગુણ આ પ્રમાણે ગાયાં છે. --
એ પ્રબળ શત્રુઓના યશરૂપી ચંદ્ર આગળ રાહુ જેવો હતો. એની કલાઓ વડે લુંટાયેલો ચંદ્ર એનાં યશસાગરમાં ડૂબતો. જગતમાં એની ધવલ કીર્તિ જોઈ લોકો રોજ પૂર્ણિમા માનતાં અને સૂર્ય એને જોઈ કુહુ (અમાવાસ્યા)નો વિતર્ક કરતો. નૂતન રાહુ જેવાં એનાં બાહુ શત્રુઓનાં તેજ કીર્તિરૂપી સૂર્યચંદ્રને એકીસાથે ગળી જઈ છોડતો નહીં.

➡ આ રાજાનાં નામનાં "ઘાઘડ" અને "ઉઘડ" એવાં રૂપાંતરણ મળે છે. એણે ૨૬, ૨૭ કે ૨૮ વર્ષ રાજ્ય કર્યું કહેવાય છે.

➡ આ રાજાએ કર્કરાપુરીમાં આગડેશ્વર અને કન્ટેશ્વરીનાં પ્રાસાદ કરાવ્યા એવું પ્રબંધ ચિંતામવણિમાં આપેલું છે. "આગડેશ્વર તો રાજાના નામના મહાદેવ હોવાનું સ્પષ્ટ થાય છે. કન્ટેશ્વરી એ દેવીના અમુક સ્વરૂપનું નામ હશે; એનાં મૂળમાં રાજાની રાણીનું નામ હોવા ભાગ્યે જ સંભવે ! અણહિલવાડ પાટણમાં આહડેશ્વરનું મંદિર હતું એવો ત્યાંના એક શિલાલેખમાં ઉલ્લેખ આવે છે. એ આ રાજાના સમયમાં બંધાયું હશે. આ મંદિરોવાળી કર્કરાપૂરી એ વનરાજ અને શ્રીદેવીના સંબંધમાં આવતું કાકર ગામ હોવા સંભવે છે. આ સમયે એનો ગ્રામમાંથી પુરીમાં વિકાસ થયો હશે એમ માની ણે ચાલવાનું છે આપણે ! એ ગામ હાલ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું છે. આ પરથી આહડદેવનું રાજ્ય ચાવડા રાજ્યના એ પ્રદેશમાં આવ્યું હોવાનું ફલિત થાય છે. "

➡ રાજા આહડ પછી રાજા વૈરસિંહ રાજગાદીએ આવ્યાં.....

✔ રાજા વૈરસિંહ ------
(ઇસવીસન ૯૧૦ - ઇસવીસન ૯૨૦)

➡ રાજા ક્ષેમરાજ પછી એમનો પુત્ર વૈરસિંહ ગાદીએ આવ્યો. તેણે લગતી પ્રશસ્તિ નીચે પ્રમાણે છે ---

➡ સુકૃતસંકીર્તનમાં મળતી પ્રથમ પ્રશસ્તિ પ્રમાણે એ પૃથ્વીવલ્લભ મદોન્મદ દિગ્ગજોને સિંહ હંફાવે તેમ પોતે વૈરીઓને હંફાવી "વૈરસિંહ" એવું નામ ધારણ કર્યું. હાથીઓને મારી નાંખનાર સિંહ જેવો શત્રુઓનો વૈરી વૈરસિંહ લોકોમાં ખુબ કીર્તિ પામ્યો. એની કીર્તિથી જગતો વ્યાપ્ત થયાં હતાં સમરાંગણોમાં તેનાં તીવ્ર તેજ વડે શત્રુનૃપગણ સંકટમાં મુકાતો.

➡ ધર્મારણ્યમાહાત્મ્યમાં જણાવ્યા પ્રમાણે તેણે ત્રિવેદી બ્રાહ્મણોની મન તથા કર્મથી સેવા કરી. રત્નમાલામાં આપેલી પ્રશસ્તિ પ્રમાણે મ્લેચ્છ લોકોએ એનો પરાજય કરવાં ચાહ્યો પણ થયો નહીં. તેની પાસે પ્રધાન બહુ બુદ્ધિશાળી હતોઅને તે લડાઈમાં જોડાય ત્યારે કદી હાર પામતો નહોતો. વૈરસિંહનાં આ મ્લેચ્છ શત્રુઓ વિષે તેમ જ તેમનાં બુદ્ધિશાળી અમાત્ય વિષે વિશેષ માહિતી મળતી નથી. સૂચિત સમયાંકન અનુસાર આ રાજાએ દશ વર્ષ રાજ્ય કર્યું હતું ઇસવીસન ૯૧૦થી ઇસવીસન ૯૨૦.

➡ રાજા વૈરસિંહ પછી રાજા રત્નાદિત્ય ગાદીએ બેસે છે......

✔ રાજા રત્નાદિત્ય -------
(ઇસવીસન ૯૨૦ - ઇસવીસન ૯૨૩)

➡ રાજા વૈરસિંહ પછી રાજા રત્નાદિત્ય ગાદીએ આવ્યાં. એમની પ્રશસ્તિ વિશેનો સૌ પ્રથમ ઉલ્લેખ સુકુતસંકીર્તનમાં મળે છે. તેમાં જણાવ્યા પ્રમાણે તેણે પોતાનાં બાહુબળથી પૃથ્વીનો ભાર ઉપાડયો અને એ રાજાઓના મંડલમાં મૌલિરત્ન જેવો હતો. પોતાની પ્રચંડ તલવારની ધારથી અસંખ્ય બળવાન શત્રુ રાજાઓને હણીને મોટી જેવી (ઉજ્જવળ) કીર્તિ ચમકાવી. એ પ્રચંડ રાજવીના આદેશપત્રની જેમ તલવારના દંડને જોઈ રિપુરાજાઓ ભયથી ત્વરિત પ્રયાણ કરતાં. એ ભુજમદ વડે રત્નાદિત્ય જેવો હતો. એની તલવારે સંવાર્ત્ક મેઘ જેવી ઝડપથી તેજરૂપી અગ્નિ વરસાવ્યો.

➡ ધર્મારણ્યમહાત્મ્યમાં જણાવ્યા પ્રમાણે તે થોડાં આયુષ્યવાળો હતો.તે પૃથ્વીમાં સૂર્યજેવો તેજસ્વી હતો. તેણે પોતાનાં અપાર પ્રતાપથી દુનિયાનું દુખ ઓછું કર્યું અને તે પ્રખ્યાત જોરવાળો, ધીરજવાળો અને ઈલ્કાબધારી હતો. તેણે ચોર, ધુતારા, વ્યભિચારી અને જુઠાં લોકોને પોતાનાં રાજ્યમાં રહેવાં દીધાં નહીં.

➡ તેમની પત્ની કે અમાત્ય વિષે કંઈ જાણવા મળતું નથી. અગાઉ કરેલ સુધારા મુજબ તેમણે ત્રણ વર્ષ લગભગ ઇસવીસન ૯૨૦થી ઇસવીસન ૯૨૩ રાજ્ય કર્યું હતું.

➡ રાજા રત્નાદિત્ય પછી રાજા ભૂભટ અર્થાત સામંતસિંહ રાજગાદી સંભાળે છે .....

✔ રાજા ભૂભટ અર્થાત સમાંતસિંહ --------
(ઇસવીસન ૯૨૩ - ઇસવીસન ૯૪૨)

➡ ખ્યાલ રહે કે આ રાજા એ ચાવડા વંશના છેલ્લાં રાજા છે કારણ કે રાજા સામંતસિંહ પછી એમનો ભાણીયો એટલે કે રાજા મુલરાજ સોલંકીએ પોતાનાં મામા સામંતસિંહની હત્યા કરી રાજગાદી સંભાળે છે અને ગુજરાતની શાન સમા સોલંકીયુગની સ્થાપના કરે છે.

➡ અગાઉ કરેલ સૂચિત સુધારા પ્રમાણે બે પરંપરામાંથી આવતાં ભૂભટ અને સામંતસિંહ એ એક જ રાજાનાં નામ છે. ભૂભટને બદલે પ્રબંધ ચિંતામણિમાં ભૂયડ કે ભૂયગઢ, ધર્મારણ્યમાહાત્મ્યમાં ભુવડ, કુમારપાલ પ્રબંધમાં ભૂયડરાજ, રત્નમાલામાં ભૂઅડ અને ગુર્જરરાજવંશાવલી ભુવડરાજ રૂપાંતર આપે છે. તેમનાં વિષે મળતી પ્રશસ્તિઓ નીચે પ્રમાણે છે ----

➡ ભૂવડ રાજાએ અનેક શત્રુ સૈનિકોના લોહીથી પોતાની ખડગ રૂપી લતાણે પલ્લવિત બનાવી. એ ભૂપતિનો યશ દિગંતો સુધી વ્યાપ્યો હતો. એમને પોતાની ઉજ્જવળ તલવારથી અરિવર્ગને નિવાર્યો હતો. તેમને ત્રિલોકમાં યશ પ્રસારતાં પૃથ્વી પર લાંબો વખત રાજ્ય કર્યું.

➡ એ શત્રુઓ પરના વિજયનો ગર્વ ધરાવતો. એ શ્રીસંપન્ન હતો. ભુવન (જગત)નું ભૂષણ હતો. એની શુભ્ર (ઉજ્જવળ) કીર્તિ સર્વ લોકમાં વિલસતી. બાહુબળ અને ખડગ વડે વિરોધી વર્ગનો પરાભવ કરી એની જયશ્રી અવિચળ બનતી. ભૂવડ બહુ લાડુ જમનારો, કામી અને સ્ત્રીઓના વૃંદમાં આસક્તિવાળો, હમેશા અંત:પૂરમાં રહેતો અને કામભોગમાં પારાયણ હતો.

➡ રત્નમાલામાં વંશાવલી વર્ણનમાં તેનું નામ સમાંતસિંહ આપ્યું છે. જયારે ગુણવર્ણનમાં તેમનું નામ ગયંદસિંહ આપ્યું છે તે પાઠયદોષથી થયેલ રૂપાંતર હોવાં સંભવ છે. તેમાં જણાવ્યા પ્રમાણે તેની કીર્તિ સારી નહોતી .... કારણ કે બોલવામાં તેને કાંઈ વિચાર નહોતો. વળી તે ટેકી નહોતો, વિવેકી નહોતો અને તેનું ચિત્ત સ્થિર નહોતું. તે સારું કે નરસું અહિત કે હિત જાણતો નહોતો.

➡ પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે ભૂયગડે પાટણમાં ભૂયગડેશ્વર નામનું મંદિર બંધાવ્યું.

➡ પ્રબંધ ચિતામવણિમાં આપેલ મૂળરાજ પ્રબંધમાં આ ભૂવડ વિષે કૈંક વધારે જાણવાં મળે છે. તેમાં જણાવ્યા પ્રમાણે ભૂયડ રાજાના વંશમાં મુંજાલદેવનાં પુત્રો રાજ, બીજ અને દંડ નામનાં ત્રણ ભાઈઓ યાત્રમાં ગયેલા. ત્યાં સોમનાથ દેવને નમસ્કાર કરી પાછાં વળ્યા ત્યારે સામંતસિંહને ઘોડાં ફેરવવાની ક્રીયમાં હતાં ત્યાં રાજાએ ઘોડાને ચાબુક માર્યો એ જોઇને, કાપડી બાવાનો વેશ ધારણ કરેલાં રાજ કે રાજિ નામના ક્ષત્રિયે કારણ વગર તેણે મારેલાં ચાબુકથી પીડાઈને, માથું હલાવતાં "હાં.... હાં...."એમ બોલી દીધું ત્યારે રાજાએ એમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે -- "ઘોડે તો વખાણવા જેવી સરસ ચાલ કરી પણ તે જોયા વગર તેને ચાબુક (તમે) માર્યો ત્યારે મને મર્મમાં આઘાત થયો." તેના આ વચનથી ચકિત થયેલાં રાજાએ તેને તે ઘોડો બેસવા માટે આપ્યો અને તે ઘોડેસવાર તથા ઘોડાનો યોગ્ય યોગ જોઇને પગલે પગલે વખાણ કર્યા અને તેનાં આચરણથી તેનું કુલ મોટું હશે તેમ ગણીને લીલાદેવી નામની પોતાની બહેન તેને પરણાવી. તે લીલાદેવીને ગર્ભ રહ્યાં પછી કેટલોક કાલ ગયાં પછી એકાએક તેનું મરણ થતાં પ્રધાનોએ તેનાં પેટમાં રહેલાં બાળકનું મરણ ન થાય તે માટે તેનું પેટ ચિરાવીને બાળકને ઉગારી લીધું. આ બાળક મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન થયો હોવાથી તેનું નામ મૂળરાજ પાડયું. આ બાળક બાલસુર્ય જેવો તેજોમય હોવાથી સૌને વહાલો થઇ પડયો અને પરાક્રમી હોવાથી મામાનું સામ્રાજ્ય વધારવા લાગ્યો.પણ મામા સમાંતસિંહ જયારે દારુ પીને મત બની ગયો હોય ત્યારે મૂળરાજનો રાજ્યાભિષેક કરે અને ભાનમાં આવતા તેને ગાદી પરથી ઉઠાડી મુકતો. આ દાખલાથી "ચાવડાનું દાન"એમ મશ્કરી પ્રસિદ્ધ થઇ છે. આ રીતે હંમેશા પોતાની મશ્કરી થતી જોઈને મૂળરાજે પોતાનાં માણસો તૈયાર રાખી એક વખત ઉન્મત્ત મામાએ ગાદી ઉપર ત્યારે તેમને મારી મારી નાંખીને પોતે સાચે જ રાજા બની ગયાં. વિક્રમ સંવત ૯૯૮માં રાજા મૂળરાજનો રાજ્યાભિષેક થયો.

➡ સમાંતસિંહે રાજા થયા પછી પોતાની બહેન લીલાદેવીને રાજ સાથે પરણાવી હોય ને પછી જન્મેલ કુમાર મૂળરાજે આવાં પરાક્રમ કર્યા હોય તો લીલાદેવીનું લગ્ન સામંતસિંહનાં રાજ્યકાલનાં આરંભમાં જ થયું હોવું જોઈએ ણે સમાંતસિંહનો રાજ્યકાલ ૧૯વર્ષનો ગણતાં તેમનાં વધ વખતે ભાણેજ મૂળરાજ સોળેક વર્ષનો થયેલો હોઈ શકે.

➡ પ્રાચીનકાળમાં સગીર વય સોળમા વર્ષ સુધી ગણાતી હોઈ રાજ્યાઅભિષેક માટે હવે મૂળરાજ સોલંકી એ પુખ્ત વયનો ગણાય. રાજ્યવૃદ્ધિ અને સત્તાપ્રાપ્તિનાં પરાક્રમો માટે આ વય નાની જણાય છે ને ભુવડ - સામંતસિંહનાં રાજ્યકાલ માટે ૧૯ ને બદલે ૨૭ કે ૨૮ વર્ષ પણ જણાવેલા હોઈ આ છેલ્લા રાજાનો રાજ્યકાલ તેટલો લેવો અહીં વધારે ઉચિત લાગે. પરંતુ તો પછી આ રાજ્યવંશનો આરંભકાલ ૮-૯ વહેલો લેવો પડે ને વનરાજની રાજ્યપ્રાપ્તિ સમયે રાજા ભોજનું રાજ્ય પ્રવર્તતું હોવાનું ગણવા માટે એમનું રાજ્ય ઇસવીસન ૮૩૧-૩૨માં શરુ થયું હોવું જોઈએ. પરંતુ રાજા નાગભટનું રાજ્ય એ વિક્રમ સંવત ૮૯૦ (ઇસવીસન ૮૩૩-૩૪)સુધી ચાલુ હોઈ એ સંભવિત નથી.

➡ સામંતસિંહની પત્ની કે મહામાત્ય વિષે કંઈ જાણવા મળતું નથી. પરંતુ રાજા થયા પછી તેમણે તેમની બહેન લીલાદેવીને પરણાવી અને તેમનાં ભાણેજે તેમને માર્યા અને સોલંકીવંશની સ્થાપના કરી તેટલું જાણવા મળે છે. સૂચિત સમયાંકન અનુસાર તેમણે ૧૯ વર્ષ (લગભગ ઇસવીસન ૯૨૩થી ઇસવીસન ૯૪૨) સુધી રાજ્ય કર્યું ગણાય.

➡ અલ્પ માહિતી પ્રાપ્ત ચાવડાવંશનુંશાસન ૧૦૨ વર્ષ કે ૧૯૬ વર્ષ સુધી ચાલ્યું અને પછી જ એ સમાપ્ત થઇ ગયું. ચાવડાવંશ અહીં પૂરો થઇ જતો નથી. હજી કેટલીક અગત્યની અને જરૂરી માહિતી આપવાની બાકી છે જે હવે પછીનાં લેખમાં આવશે.

➡ મારો હવે પછીનો લેખ ગુજરાતમાં પ્રવર્તમાન ચાવડાઓ અને ઉપસંહાર વિષે.....

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

------- જનમેજય અધ્વર્યુ

Sarjak : જો આપ પણ લેખક છો અને આપની પાસે પણ લોક સાહિત્ય, પૌરાણિક કથા, લોક કથાઓ અથવા ભારતીય તેમજ અન્ય પ્રકારની ઈતિહાસને લગતી રસપ્રદ માહિતી છે. તો સર્જકના માધ્યમથી તમે એ માહિતીને અન્ય લોકો સુધી પહોચાડી શકો છો. સર્જક પર તમારી રચના પ્રકાશન માટે મોકલવા તમારે માત્ર hello@sarjak.org પર આપની રચનાને મોકલવાની રહશે.

નોંધ : સર્જક પર પ્રકાશિત સાહિત્ય જે તે લેખક અથવા સંકલનકર્તાની સમજ અને માહિતી પર આધારિત છે. સર્જક માત્ર પ્રકાશન મંચ છે. સાહિત્યમાં ક્ષતિ, અભાવ અથવા અન્ય માહિતી આપની પાસે હોય તો આપ સર્જકને જણાવી શકો છો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.