રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૬

Raja Karn Dev Vaghela - Vaghela Dynasty - Janmejay Adhwaryu - Sarjak.org

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔

ஜ۩۞۩ஜ રાજા કર્ણદેવ વાઘેલા ஜ۩۞۩ஜ

(ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૦૪)

—— ભાગ – ૬ —–


➡ ઇતિહાસમાં મુસ્લિમ સહિત્યકારોએ અને ઈતિહાસકારોએ ઘણું જ ખોટું લખ્યું છે અને ભારતીય રાજાઓને ઘણાં જ ખરાબ ચીતર્યા છે. પણ જે જૈન સાહિત્યકારો અને બીજાં હિંદુ સાહિત્યકારોએ દરેક રાજવંશ વિષે લખ્યું છે એ પણ સાચું જ છે એવું માની લેવાની ભૂલ પણ ના જ કરાય જે ખાસ કરીને વાઘેલાવંશની બાબતમાં બન્યું છે. જ્યારે ઇસવીસન ૧૧૭૮માં સોલંકીયુગની નાયકીદેવી એ મહંમદ ઘોરીને હરાવ્યો હતો એ વાત જયારે આપણા સાહિત્યકારોએ કરી ત્યારે એનાં જવાબમાં જ મુસ્લિમ આક્રમણ કુતુબ-ઉદ-દીન-ઐબક દ્વારા થયું હતું . આનું વર્ણન મુસ્લિમ સાહિત્યકારોએ આબેહુબ કર્યું તેવું વર્ણન આપણા સાહિત્યકારો ઇસવીસન ૧૧૭૮માં નહોતાં કરી શક્યાં. મુસ્લિમ સાહિત્યકારોએ ભારત પરનાં આક્રમણો અને યુધ્ધો તથા તેમાં મુસ્લિમ આક્રાંતાઓની જીતના વર્ણનો તે ઘોરીના સમયથી જ લખાવાનાં શરુ થયાં હતાં. કારણકે આ ઘોરીડો જ ભારતમાં મ્લેચ્છોનું શાસન લાવવામાં કારણભૂત હતો – મૂળમાં હતો. સાહિત્યકારો અને ઈતિહાસકારોએ ભારતના ઇતિહાસની રૂપરેખા આપવાની ત્યારથી જ શરૂઆત કરી હતી અલબત્ત મુસ્લિમ સાહિત્યકારો અને ઈતિહાસકારોએ. તે સમયના અને ત્યાર પછીનાં સાહિત્યકારો પાસેથી જ આપણને ગુલામવંશ, ખિલજી વંશ અને તુઘલુક વંશના ઇતિહાસની જાણકારી પ્રાપ્ત થાય છે. આમાં અલ બેરુનીતો ભારતમાં ગઝનવી સાથે જ આવ્યો હતો એ વાતને ધ્યાનમાં રાખીને જ પછીના આક્રમણકારો અને બની બેઠેલાં ભારતનાં સુલતાનો પણ પોતાની વિજ્યગાથાઓ અને પરાક્રમોની વાર્તાઓ લોકો સમક્ષ પહોંચાડવા માટે પોતાની સાથે સાહિત્યકારો અને ઈતિહાસકારો રાખતાં હતાં. અલ બેરુની જેવી સ્ત્ય્યતા અને તટસ્થતા એમનાંમાં ખટકે છે અને એનું એક કારણ પણ છે કે તે બધાં ધર્માંધ અને ધર્મઝનૂની હતાં. તેઓ મુસ્લિમ શાસકોના આશ્રય તળે પાળતાં હોવાથી તેમનાં કોઈ ખોટાં કાર્યોનો નિર્દેશ એમાં મળતો જ નથી. આને લીધે જ ઇતિહાસમાં ઘણી ગેરસમજો ફેલાઈ છે. ખુશરો એમાંનો જ એક હતો જે ખિલજી પ્રત્યેની વફાદારી દર્શાવવા ઘણું જ ખોટું લખ્યું છે એમાં દેવલરાનીની વાત મુખ્ય છે જે સોએ સો ટકા કાલ્પનિક જ છે. એ માત્ર એક સાહિત્યિક કૃતિ જ છે એને ઈતિહાસ આપણા જ લોકોએ માની લીધો છે. સમયગાળા દર્શાવવા માટે કંઈ ઈતિહાસ સાથે ચેડાં ના જ કરાય. ખબર નહીં પણ કેમ તે સમયના ભારતીય સાહિત્યકારોએ આનો વિરોધ ના કર્યો તે જ મને સમજાતું નથી. માત્ર ૧૫મી સદીના કાન્હડદે પ્રબંધમાં જ રાજા કાન્હડદેનાં પુત્ર વિરમદેવની અલાઉદ્દીન ખિલજીની પુત્રી ફિરોઝા સાથેની પ્રણયગાથાનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે. હકીકતમાં તો ખિલજીને કોઈ પુત્રી જ નહોતી માત્ર ચાર પુત્રો જ હતાં જો આ ફિરોઝાવાળી વાત ખોટી હોય તો રાજા કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવલદેવીની વાત પણ ખોટી જ હોય. કારણ કે રાજા કર્ણદેવ વાઘેલા વિષે ઇતિહાસમાં કોઈ સાચી માહિતી પ્રાપ્ત થતી જ નથી આનો ભોગ માત્ર રાજા કર્ણદેવ વાઘેલા જ બન્યો છે એવું નથી એનો ભોગ એનાં કુટુંબીજનો , સમગ્ર વાઘેલાવંશ, ગુજરાતનાં બીજાં રાજવંશો અને રાજાઓ અને સમગ્ર ગુજરાતની પ્રજા બન્યાં છે. જે સરાસર ખોટું જ છે. તે સમયના ગુજરાતી અને ભારતીયસાહિત્યકારોનાં સાધેલાં મૌને આ મુસ્લિમ સાહિત્યકારોને રીતસરનો છુટો દોર આપી દીધેલાંનું પ્રતીત થાય છે. એમાં જ આ દેવલદેવીની કથાનો ઉદભવ થયો છે. જે ખોટું છે એ સાબિત હું આ જ લેખમાં કરવાનો છું. આગળના મારાં લેખમાં મેં એ વાત તો કરી છે પણ આ લેખમાં શું ખોટું છે એ સાબિત કરવાનો જ છું.

➡ ઇસવીસન ૧૧૭૮નાં ઘોરી સાથેનાં ભીમદેવ સોલંકી દ્વિતીય-નાયકીદેવી અને બાળ મુળરાજે મહંમદ ઘોરીને પરાજયનો સ્વાદ ચખાવ્યો હતો ત્યારે મુસ્લિમ સાહિત્યકારોએ એનું વર્ણન કરતાં એક વાત કરી હતી કે આ કાયદારાનાં યુધ્ધમાં એક રાજા “રાય કરણે” ખુબ જ બહાદુરીપૂર્વક ઘોરીની સેનાનો મુકાબલો કર્યો હતો. આ જ વાત તેઓ ઇસવીસન ૧૧૯૭નાં ઐબકનાં પાટણ પરનાં હુમલા વખતે કરતાં ક્યાંક ક્યાંક નજરે પડે છે. પછી તેઓ ઇસવીસન ૧૨૯૯નાં અલાઉદ્દીન ખિલજીનાં આક્રમણ વખતે પણ રાજા કર્ણદેવ વાઘેલા માટે પણ “રાય કરણ” એવો શબ્દપ્રયોગ કરતાં નજરે પડે છે. આમાં ક્યાંય સાલવારીની ચોકસાઈ કે ઘટનાની નિશ્ચિતતાનો અભાવ જરૂર જણાય છે. ક્યાંય કશે સંબદ્ધતા નજરે પડતી નથી, તેમ છતાં પણ ઈતિહાસ આવી જ વાતોને અનુમોદન આપે છે આવી વિસંગતતા હોવાં છતાં પણ આ જ સાચું છે એવું સાબિત કરવાં તેઓ તુલ્યા રહે છે. આ તો એક દ્રષ્ટાંત છે આવાં અનેક દ્રષ્ટાંતો છે જેમાંનાં કેટલાંકની હું અહી વાત કરવાનો જ છું. જેમાં શિરમોર છે આ — દેવલરાની-દેવલદેવી ! એ રાજા કર્ણદેવ વાઘેલા સાથે સંબંધિત હોઈ એની જ વાત કરીએ હવે …..

✔ દેવલદેવી – એક ઐતિહાસિકતા અને એક સત્યતા –

➡ મુસ્લિમો સામે ગુજરાતનાં રાજા કર્ણદેવ હારી જતાં ગુજરાતમાંથી ચૌલુક્યવંશની એક શખા વાઘેલાવંશનો અંત આવ્યો. રાજા કર્ણદેવ હારી જઈને દક્ષીણ દિશામાં નાસી ગયાં. તેમનાં કુટુંબના શા હાલ થયાં તે અંગે કેટલોક મતભેદ પ્રવર્તે છે.

➡ સમકાલીન મુસ્લિમ લેખક અમીર ખુશરો પોતાનાં “ખ્વાજા ઇતુલ ફતૂહમાં ગુજરાત ઉપરની ચડાઈના વિષે ટૂંકો વૃત્તાંત આપે છે. જેમાં કર્ણદેવનાં કુટુંબ સંબંધી કંઈ ઉલ્લેખ આવતો જ નથી.પરંતુ પોતાનાં “ખિજ્રખાન વ દેવલરાની”અથવા “આશિક” નામના કાવ્યમાં આ સંબંધી કેટલુંક વિગતવાર નિરૂપણ કરે છે. જે આ પ્રમાણે છે —–

➡ અલાઉદ્દીન ખિલજીએ ગાદીએ આવ્યાં પછી તરતજ પોતાનાં ભાઈ ઉલુગખાનને ગુજરાત જીતવા મોકલ્યો. કર્ણદેવ હાર્યા અને નાસી ગયાં અ વખતે તેમની રાણીઓ તથા ખજાનો મુસ્લીમોના હાથમાં આવ્યો. ઉલુગખાને રાણી કમલાદેવીને દિલ્હી મોકલી દીધી ત્યાં તેઓ બાદશાહના બેગમ બન્યાં.

➡ રાણી કમલાદેવીને બે દીકરીઓ હતી. અબ્ન્નેનેએ બંનેને રાજા કર્ણદેવ પોતાની સાથે લઇ ગયાં હતાં. તેમની મોટી દીકરી મૃત્યુ પામી. નાની દેવલદેવી હયાત હતી અને રાજા કર્ણદેવની જોડે જ રહેતી હતી. રાણીએ ૮ વર્ષ બાદ બાદશાહ અલાઉદ્દીન ખીલ્જીને પોતાની પુત્રીને તેડાવી મંગાવવાની વિનંતી કરી. બાદશાહે રાજા કર્ણદેવને દીકરી ક્મલાદેવીનિ સોંપી દેવાનું ફરમાન કર્યું. રાજા કર્ણદેવ અન્ય ભેટ સાથે તેને મોકલવા તૈયાર હતો પણ ઉલુગખાનનાં સૈન્યથી ભયભીત થઈને તે પોતાની દિકરીને લઈને દક્ષિણમાં ભાગી ગયાં. દેવગિરિનાં રાજા શંકરદેવે પોતાનાં ભાઈ ભીલ્લમ્દેવ મારફતે રાજા કર્ણદેવ પાસે દેવલદેવીની માંગણી કરી. કર્ણદેવે તે સમયે સંજોગવાશત આ માંગણી સ્વીકારી લીધી. ભિલ્લમદેવ સાથે પોતાની પુત્રી મોકલી આપી. પણ કમનસીબે રસ્તામાં ઈલોરાની ગુફાઓ જોઇને નીકળતાં મુસ્લિમ સૈનિકોનાં હાથે ચડી ગઈ અને મુસ્લિમોએ તેણે કેદ કરી લીધી અને તેણે દિલ્હી મોકલવામાં આવી. આ વખતે તેની ઉમર ૮ વર્ષની હતી.

➡ બાદશાહ ખિલજી દેવલદેવીનાં નિકાહ પોતાનાં દસ વર્ષનાં પુત્ર ખિજ્રખાન સાથે કરાવવા માંગતો હતો. કમલાદેવીએ તેમાં પોતાની સંમતિ આપી. દેવલદેવી માટે તો દિલ્હી નવું અને સારું હતું ત્યાં તે સમયે કોઈ રાજપૂતો તો હતાં જ નહી અને દેવલદેવીની માતા સિવાય ત્યાં દિલ્હીમાં ખિલજીના મહેલમાં બીજાં કોઈ રજપૂતો તો હતાં જ નહિ જે દે-ખાવડા હોય અને યુવાન પણ હોય. જે હોય તે આ ખિજ્રખાન જ હતો. દેવલદેવીણે વાત કરવાં તો કોઈ જોઇએ ને! એમાં ખિજ્રખાન થોડોક દેખાવમાં સારો હતો અને એનાં કરતાં માત્ર બે જ વર્ષ મોટો હતો એટલે દેવલદેવીને એની સાથે ફાવી ગયું. દેવલદેવીને ખિજ્રખાનનાં સાથ અને સહવાસમાં પ્રેમ થઇ ગયો. બંનેએ સાથે જીવવાં મરવાની કસમો પણ ખાધી. એમનો આ પ્રેમ એ માત્ર એક આકર્ષણ ન રહેતાં એમનાં નિકાહ પણ કરવામાં આવ્યાં. અલાઉદ્દીન ખિલજીની પણ આ જ ઈચ્છા હતીને. પણ આ સમય દરમિયાન મલિક કાફૂરે બાદશાહ ખિલજીનાં મનમાં કેટલીક ગેરસમજો ઊભી કરી આથી ખિજ્રખાનણને ગ્વાલિયરનાં કિલ્લામાં કેદ કરવામાં આવ્યો. ત્યાં પાછળથી તેની આંખો ફોડી નાંખવામાં આવી (ઇસવીસન ૧૩૧૬માં). આ સમય અલ્લાઉદ્દીન ખિલજીનો અંતિમ સમય હતો. આ સમયગાળા દરમિયાન જ અલાઉદ્દીન ખિલજીનું મૃત્યુ થતા મુબારકશાહ ગાદીએ આવ્યો. મુબારકશાહે દેવલદેવી સાથે નિકાહ પઢવાની ઇચ્છાથી ખિજ્રખાનને મારી નાંખ્યો અને બળજબરીથી દેવલદેવીની અનિચ્છા છતાં તેણે પોતાનાં જનાનખાનામાં દાખલ કરી. વાત તો જાણે આટલી જ છે.

➡ હવે આ તો એક કાવ્ય છે જે અહીં પૂરું થાય છે તેમ છતાં એનો ઇતિહાસમાં ઉલ્લેખ થતો હોઈ અને આ રાજા કર્ણદેવ વાઘેલાનાં અંત સાથે વાત સંકળાયેલી હોઈ એને જ લોકોએ સાચો ઈતિહાસ માની લીધો છે. કેટલાંક હલેલટપ્પુઓ તો આમાં પણ દેવલદેવીની દુરંદેશીતા અને વીરતા જુએ છે. આમાં તો દેવલદેવીએ ખિજ્રખાનને પોતાની પ્રેમજાળમાં ફસાવીને ખિલજીવંશનું સમાપન કરી દીધું એટલે કે એનો અંત લાવવા માટે કારણભૂત બની એમ લખે છે – કહે છે અને એવું જ સાબિત કરવાં વારંવાર નેટ ઉપર અને ફેસબુક પર ઝળક્યા કરે છે. મુળે આવાં સ્ટેટસ એ ટવીટરની નીપજ જ છે જેમાં કોઈપણ જાતની સચ્ચાઈ જ નથી. જે પાત્ર વિષે કોઈને પણ કશી ગતાગમ ના હોય એવાં જ લોકો પોતાને ઇતિહાસના જાણકાર બતાવે છે. પણ આ વાતમાં કેટલી સચ્ચાઈ છુપાયેલી છે તેઓ ઈતિહાસકારોએ સાબિત કરી જ દીધું છે જેનાં દ્રષ્ટાંત હું અહી આપું છું. આમાં જ તમને ખબર પડશે કે ખુશરો ભાઈએ આમાં શું ખીચડી પકાવી છે તે !

➡ મુસ્લિમ ઈતિહાસકારો જેવાં કે ઇસામી, બરની,નિઝામુદ્દીન, બ્દાઉની, ફરિસ્તહ વગરે એ પણ મોટે ભાગે આ જ કાવ્યને નજર સમક્ષ રાખીને આ પ્રસંગની પોતાનાં પુસ્તકમાં નોંધ લીધી છે.

➡ ઇસામી (ઇસવીસન ૧૩૫૦) જણાવે છે કે — કર્ણદેવ ગુજરાત ઉપરની પ્રથમ ચડાઈ વખતે કિલ્લમાં ભરાઈ રહ્યો હતો. મુસ્લિમો ગુજરાતનો પ્રદેશ છોડીને એને લૂંટીને દિલ્હી પરત ફર્યા ત્યારે કર્ણદેવે બહાર આવીને પોતાની સત્તા પછી મેળવી હતી. આવું તો ભાઈ ભીમદેવ સોલંકી બીજાં માટે પણ કહેવાયું છે જેનું કોઈ સાક્ષ્ય પ્રમાણ મળતું જ નથી અને બાય ધ વે એ વખતે જ વાઘેલાવંશના લવણપ્રસાદ -વીરધવલ અને વસ્તુપાળનો પ્રવેશ કથાનકમાં થયો હતો તે જાણ સારું ! આજ વાત ૫૦ વરસ પછી પછી એવીને એવી જ રીતે આ જ મુસ્લિમ આક્રમણકારો માટે દોહરાય ખરી કે ! બીજું કે ઇસામીએ આ વાત છેક ઈસ્વીસન ૧૩૫૦માં કરી છે જયારે તુઘલુક્વંશ પોતાનાં ૩૦ વરસ પૂરાં કરી ચુક્યો હતો ત્યારે આ વાત જો કરવામાં આવે તો એની સચ્ચાઈ વિષે જરૂર શંકા જાય. ચલો આગળ જોઈએ કે આ ઇસામી શું કહે છે તે — આ પછી અલાઉદ્દીને ફરીથી માલિક જહમત અને પન્જુમીનની આગેવાની હેઠળ બીજીવાર સૈન્ય ગુજરાત પર ચડાઈ કરવાં મોકલ્યું. આ વખતે રાજા કર્ણદેવ સંપૂર્ણ રીતે હારી જઈને બરબાદ થઇ ગયાં અને મહરાષ્ટ્ર તરફ નાસી ગયાં. ત્યાં યોગ્ય આવકાર ન મળતાં તેઓ તેલંગણ તરફ ગયાં. ત્યાંનાં રાજા રુદ્રદેવે તેને આશ્રય આપ્યો. આ વખતે દેવલદેવી સહિત રાજા કર્ણદેવની પુત્રીઓ તથા રાણીઓ મુસ્લિમોસના હાથે કેદ પકડાઈ. આ સર્વેને બાદશાહના હુકમથી દિલ્હી મોકલવામાં આવ્યાં.

➡ ઝિયાઉદ્દીન બરની “તારીખે ફિરોજશાહી” (ઇસવીસન ૧૩૫૯) જણાવે છે કે, અલાઉદ્દીન ખિલજીએ ગાદીએ આવ્યાનાં ત્રણ વર્ષ પછી ઉલુગખાનઅને નુસરતખાનને મોટાં સૈન્ય સાથે ગુજરાત પર ચઢાઈ કરવાં મોકલ્યા. તેમણે ગુજરાત કબજે કર્યું. રાજા કર્ણદેવ ગુજરાતમાંથી નાસીને દેવગિરિનાં રામદેવનો આશ્રિત બન્યો. તેની પત્નીઓ, તેની દીકરીઓ તેમજ તેનો સર્વ ખજાનો મુસ્લિમોનાં હાથમાં આવ્યો. આ સર્વેને લઈને ઉલુગખાન અને નુસરતખાન દિલ્હી આવ્યાં.

➡ ત્યાર પછીનાં લેખકોમાં નિઝામુદ્દીન અને બદાઉની બંને બરનીને અનુસરી જણાવ્યું છે કે — ઉલુગખાને દેવલદેવીને કેદ પકડી એ કથનને સમર્થન આપે છે. બદાઉની અમીર ખુશરોનાં કાવ્યની ત્યાર પછીની દેવલદેવીની હકીકતને સ્વીકારે છે જયારે નિઝામુદ્દીન તેણે સમર્થન આપતો નથી. બદાઉની સ્પષ્ટપણે કમલાદેવીનું નામ કે તેણે પોતાની દીકરીને બળજબરથી દિલ્હી તેડાવી તે જણાવતો નથી .

➡ ફરિસ્તહ પોતાનાં ગ્રંથમાં જાણીતી સર્વ વિગતો ઉમેરી લે છે તેમ જ પોતાનાં ગ્રંથને રસમય બનાવવાં કેટલીક વિશેષ હકીકતો ઉમેરે છે. તે જણાવે છે કે — કમલાદેવીને રાજા કર્ણદેવની અન્ય રાણીઓ તથા દીકરીઓ સાથે ગુજરાત પરની પહેલી ચડાઈ વખતે કેદ કરવામાં આવી. કર્ણદેવ નાસીને યાદવ રાજવી રામચંદ્રનાં આશ્રયે ગયો. તેની મદદથી તે ગુજરાતની હદે બાગલાણનાં કિલ્લામાં રહ્યો. જયારે અલાઉદ્દીને યાદવ રાજવી રામચન્દ્રના રાજ્ય પર ચડાઈ કરવાં મલિક કાફૂરની આગેવાનીમાં મુસ્લિમ સૈન્ય મોકલ્યું ત્યારે કમલાદેવીએ પોતાની દીકરી દેવલદેવીને દિલ્હી તેડી લાવવાની વિનતી કરી. મલિક કાફૂરે દક્ષિણમાં જઈ રાજા કર્ણદેવણે પોતાની દીકરી સોંપી દેવાનું જણાવ્યું. કર્ણદેવે આ માંગણી સ્વીકારી નહીં. તેમણે પોતાની દીકરી રામચંદ્રનાં મોટાં પુત્ર શંકરદેવને પોતાની પુત્રી પરણાવવાનું નક્કી કર્યું. તેણે શંકરદેવ પાસે મોકલી દેવામાં આવી. રસ્તે જતા કેટલાંક મુસ્લિમ સૈનિકો જેઓ ઈલોરાની ગુફા જોઇને પાછાં ફરતાં હતાં તેમનો ભેટો થયો. બંને ટુકડીઓ વચ્ચે યુદ્ધ થયું. અંતે દેવલદેવી મુસ્લીમોના હાથે પકડાઈ ગઈ.તેણે ટુકડીના સરદાર અલપખાન પાસે લઇ જવામાં આવી ત્યાંથી તેને દિલ્હી મોકલવામાં આવી. ત્યાં ખિજરખાન સાથે તેનું લગ્ન થયું. આ વાતમાં ફરિસ્તહ પણ અમીર ખુશરોના કાવ્યમાં જણાવેલ બાબત “કર્ણએ પોતાની દીકરી દિલ્હી મોકલવાનું કબુલ કર્યું”તે વાતને સમર્થન આપતો નથી.

➡ વિવિધ તીર્થકલ્પમાં જિનપ્રભસૂરિએ જણાવ્યું છે કે — પછી મુસ્લિમ યુવરાજ (ઉલુગખાન)વાગડદેશ અને મોડાસા વગરે શહેરો ભાંગીને અસાવલ પહોંચ્યો. રાજા કર્ણદેવ નાઠો. સોમનાથના લિંગને ઘણનાં ઘા મારી ભાંગી નાંખી દિલ્હી તરફ મોકલ્યું. વિક્રમ સંવત ૧૩૯૩માં રચાયેલ નાભિનંદનોધ્ધાર પ્રબંધમાં જણાવ્યું છે કે — ગુર્જરાત્રાધિપ કર્ણ જેનાં પ્રતાપથી (અલાઉદ્દીનના હાથે)હાર્યો અને પ્રદેશ જઈને રંકની માફક રખડી રઝળીને મરણ પામ્યો. કાન્હડદે પ્રબંધમાં જણાવ્યું છે કે — મુસ્લિમોએ પાટણ લીધું. માધવની સલાહ અનુસરીને કર્ણદેવ પાછલે દરવાજેથી નાઠો અને એની સાથે રાણી પગે ચાલતી નાઠી. રાસમાળામાં ફાર્બસ પણ ખુશરોનાં કાવ્યનાં આધારે જણાવે છે કે — અલપખાનના હુમલા સામે કર્ણ ટકી શક્યો નહીં. તે દક્ષિણમાં નાસી ગયો. તેની રાણી કમલાદેવી મુસ્લિમોના હાથે કેદ પકડાઈ. તે બાદશાહની માનીતી બેગમ બની. તેણે પોતાની દીકરી દેવલદેવીને દિલ્હી તેડાવી લેવાની બાદશાહને વિનંતી કરતાં બાદશાહે ગુજરાત પર ફરીથી આક્રમણ કર્યું. કર્ણદેવે પોતાની દીકરી દેવગિરિના રાજા શંકરદેવને પરણાવવાનો સંજોગવાશત વિચાર કર્યો. દેવલદેવીને ત્યાં મોક્લી દેવામાં આવી પણ તે પકડાઈ ગઈ. તેને બાદશાહના પુત્ર સાથે પરણાવવામાં આવી. મુહણોત નેણસી પણ આ જ વાતને અનુમોદન આપવમાં આવ્યું છે. કોમીસેરીયટ પણ આજ વાતને અનુસરીને આગળ વધે છે.પણ તેમાં થોડોક ફેરફાર કર્યો છે એમણે તેઓ શંકરદેવનાં ભાઈ ભીમદેવ દ્વારા દેવલદેવીના હાથની માંગણી કરી પણ તે સમયે તેઓ એમ પણ જણાવે છે કે દેવલદેવીને તેરમાં વર્ષે ભીમદેવના રક્ષણમાં મોકલી.. બરાબર દસ વર્ષે માતા અને દીકરી દિલ્હીમાં મળ્યાં. બાદશાહનો કુંવર ખિજ્રખાન અને દેવલદેવી પ્રેમમાં પડયાં. અંતે કેટલાક સમય બાદ તેમનું લગ્ન થયું. તેના પછી કેટલાંક સમય બાદ મુબારકશાહે ખિજ્રખાનને મારી નાંખ્યો. તે દેવલદેવીને લઇ ગયો અને બીજી રાણીઓને મારી નાંખી.

➡ અત્યારના ઈતિહાસકારોમાં આ બધાં વિષે મતભેદ પ્રવર્તે છે. આ આખી વાત જ ઉપજાઉ છે એમ તેમનું માનવું છે અને એ જ સત્ય છે.

➡ દેવલદેવીના પાત્રનું મૂળ તેમણે શોધી કાઢ્યું છે. રણથંભોરનાં રાજા હમીરદેવ ચૌહાણની પુત્રીનું નામ દેવલદેવી હતું. તેનું માંગું પોતાનાં શાહજાદા ખિજ્રખાન માટે અલાઉદ્દીને કર્યું હતું. અમ દેવલદેવીનું નામ એ ખુશરોએ આમાંથી લીધું છે જે વાત પણ ઉપજાઉ જ છે. દેવલદેવી માટે હમીરદેવે ના પડી એટલે ખિલજીએ રણથંભોર પર અક્રમણ કર્યું એ સંભવ છે. આ વાત રાજપુતાનાના ઇતિહાસમાં પણ નોંધાઈ છે કે રાણા હમીરદેવ ચૌહાણની પુત્રીનું નામ દેવલદેવી હતું. પણ એનો અર્થ એ નથી કે દેવલદેવી એ કર્ણદેવની પુત્રી ના જ હોઈ શકે ? પણ એની કોઈ સાબિતી પણ નથી જ મળતી ને ! ક્મલાદેવીની વાત જ જ્યાં સાચી ના હોય ત્યાં આ વાત ક્યાંથી સાચી ઠરવાની હતી તે! એટલાં જ માટે હમીરદેવની પુત્રી દેવલદેવીના નામની સીધેસીધી ઉઠાંતરી કરી છે આ ખુશરો ભાઈએ. કારણકે એ ઘટના પણ એમનાં જ કાળમાં ઘટેલી છે. ખુશરોને કાને આ નામ પડયું હોય અથવા તો એમણે કદાચ આ દેવલદેવીને જોઈ પણ હોય એ કદાચ ખિલજીની સેના સાથે રણથંભોર ગયાં પણ હોય એ શક્ય છે તો ખરું જ પણ દેવલદેવી ખિજ્રખાન સાથે પરણે એ તો કલ્પના જ છે માત્ર. એટલે કે એને ગુજરાતના રાજા કર્ણદેવ સાથે કોઇપણ જાતની લેવાદેવા નથી જ નથી.

➡ હવે આ તો કોણે કોણે વધારીને કહ્યું છે એની વાત થઇ પણ ૧૯મી સદીથી તે અત્યાર સુધીનાં સાહિત્યકારો અને ઈતિહાસકારો ખુશરોના આ કાવ્યને કેવી રીતે મુલવે છે એ પણ જોઈ લઈએ. એમાં જ સચ્ચાઈની ખબર પડવાની છે સૌને !

➡ શ્રી ક મા મુનશી આ કાવ્યને એક પ્રેમ કાવ્ય માને છે અને તેની ઐતિહાસિકતા સ્વીકારતા નથી. તેઓ જણાવે છે કે “આશિક” એક પ્રેમ કાવ્ય છે. બરની કર્ણની કેદ પકડાયેલી કોઈ પણ રાણીનું નામ આપતો નથી. પદ્મનાભ કાન્હડદે પ્રબંધમાં કર્ણદેવ પોતાની રાણી સાથે પગપાળો નાસી છૂટ્યો એનું જ ગીતું વારંવાર ગાયાં કરે છે. નિઝામુદ્દીન જરૂર એમાં દેવલરાનીનું નામ ઉમેરે છે. સંભવ છે કે, કમલાદેવીનું નામ ખુશરોએ પોતાનાં કાવ્ય માટે ઉપજાવી કાઢ્યું હોય. બીજાં હુમલા વખતે દેવલદેવી પકડાઈ એમ મૂળ કાવ્યમાં લખ્યું છે તે પણ સરાસર ખોટું જ છે. જો પકડાઈ હોય તો પ્રથમ હુમલા વખતે જ પકડાવાની શક્યતા રહેલી છે. જયારે કર્ણદેવની સર્વ રાણીઓ કેદ પકડાઈ ત્યારે એમાંથી માત્ર એક ચાર-પાંચ મહિનાની દૂધપીતી બાળકી કેવી રીતે વિખુટી પડી શકે? એ માં વગર રહી જ ના શકે તો ૮-૮ વરસ સુધી રાજા કર્ણદેવે એનું પાલન કર્યું કઈ રીતે ? એનાં પાલનહાર કોણ ? એ જો કર્ણદેવ સાથે નાસ્તી ફરતી હોય તો રાણી લક્ષ્મીબાઈએ પોતાનાં બાળકને પીઠ પાછળ કસીને બાંધીને યુદ્ધ કર્યું હતું તેવી રીતે તો રાજા કર્ણદેવે પોતાની વ્હાલસોયી પુત્રીને ન્હોતાં ઊંચકીને ફર્યા. આવાં સંજોગોમાં પુત્ર પોતાનાં પિતા કે ઓળખીતા-પાળખીતા પાસે જ હોય એ કંઈ કુંભમેળો નહોતો કે આમ વિખુટી પડી જાય …. એ તો ખાલી કાવ્યમાં જ શક્ય બને અને એ પણ આવાં કાવ્યોમાં જ !

➡ મૂળકાવ્યમાં જણાવ્યું છે કે — અલાઉદ્દીને પોતાનાં પુત્ર સાથે કર્ણદેવને તેની પુત્રી પરણાવવાનું જણાવ્યું અને તે કર્ણદેવે મંજુર પણ રાખ્યું. જો એમ હોય તો કર્ણદેવ પોતે આ અંગે રાજી હોય અને તેની પોતાની પાસે પોતાનો કહેવાય એવો પ્રદેશ જ ના રહ્યો હોય તો પછી સુલતાન ખિલજી પોતાનો વિચાર ફેરવવાની કે ફરીથી ચડાઈ કરવાની શી જરૂર ? કવિ ખુશરોએ જણાવેલી બંનેની ઉંમર પણ હાસ્યાસ્પદ જ છે. આ ઉપરાંત મૂળ કાવ્યમાં જણાવ્યું છે કે — ખિજ્રખાનનાં મૃત્યુ વખતે દેવલદેવી તેની પાસે હતી અને તેણે સખ્ત રીતે ઘાયલ કરવામાં આવી હતી. જો આ વાત સત્ય હોય તો આ સમય દરમિયાન ભારતમાં આવેલ ઈબ્નબતુતા પોતાની નોંધમાં જરૂર ઉલ્લેખ કરે. ઈબ્નબતુતા વિષે ફિલ્મમાં જેમ ઈબ્નબતુતા -તા – તા – તા કરીને ગીતો ગવાય છે. એનાં કરતાં થોડીક માહિતી ઈબ્નબતુતા વિષે મેળવી જ લઈએ.

✔ ઈબ્નબતુતા –

➡ ઈબ્નબતૂતાનું પૂરું નામ “શેખ અબ્દુલ્લાહ મુહમદ બીન ઈબ્રાહીમ અલ લવાતી હતું. તેણે એશિયાના ઘણાં વિસ્તારોની મુસાફરી કરી હતી. ઈબ્નબતૂતા સુલતાન તુઘલકનાં સમયમાં ભારત આવ્યો હતો. ચીનમાં હિંદના એલચી તરીકે ગયાં ત્યારે ચીન જતાં રસ્તામાં એણે ગુજરાતની મુલાકાત લીધી હતી. એ સમયે ગુજરાતમાં “કોરી”નું ચલણ હતું. જે સૌરાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ બાબત હતી તેમ નોંધે છે. તેમને ગુજરાતના નંદુરબાર, ખંભાત, ઘોઘા, પીરમબેટ, અને કાવી જેવાં સ્થળોની મુલાકાત લીધી હતી અને ગુજરાતના વ્યાપાર વિષે વિગતે વર્ણન કર્યું છે. એણે પોતાનાં ગ્રંથ “તોહફતુન્તુઝ્ઝારફિ કરાઈ બિલ અસ્સાર વ અજાઈ બિલ અસફાર”માં પોતાનાં પ્રવાસનું વર્ણન કર્યું છે. આ ગ્રંથ “રીહલા” જેવાં ટૂંકા નામથી ઓળખાય છે. એનો અનુવાદ મહેંદી હસને કર્યો છે. આ ગ્રંથમાં ગુજરાતની સામાજિક સ્થિતિ પર સારી એવી વિગતો નોંધવામાં આવી છે.

આ ઈબ્નબતૂતાપોતાની નોંધમાં લખે છે કે — “ખિજ્રખાનની માતા તેની સાથે હતી. હુમલાખોરોએ તેણે હડસેલીને બારના બંધ કરી દીધા અને ખિજ્રખાનને મારી નાંખ્યો, ત્યારબાદ તેનાં શબને ખાડામાં ફેંકી દીધું.” ઈબ્નબતૂતા ખિજ્રખાનની માતાને ઇસવીસન ૧૩૨૭માં મળ્યો હતો. જો દેવલદેવી આ પ્રસંગે ખિજ્રખાન પાસે હોત તો તેની માતાએ ઈબ્નબતૂતાને જરૂર આ અંગે વાત કરી હોત. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ખિજ્રખાનનાં મૃત્યુ સમયે ફક્ત તેની માતા જ તેની પાસે હતી.

આ વાત પણ શ્રી ક મા મુનશી “ગ્લોરી ધેટ વોઝ ગુર્જરદેશ”માં કરી છે.

➡ ટૂંકમાં તેઓ આ પ્રસંગને કલ્પિત માને છે. તેઓ જણાવે છે કે “રાજા કર્ણદેવને દેવલદેવીનામે પુત્રી હતી એમ જણાવતો કોઈ સ્પષ્ટ આધાર ઉપલબ્ધ નથી. ખુશરોએ પોતાના કાવ્ય માટે દેવલદેવી નામ રણથંભોરનાં રાજા હમીરદેવની પુત્રી ઉપરથી લીધું છે. આ હમીરદેવની પુત્રી દેવલદેવી સાથે અલાઉદ્દીન પોતાનાં પુત્રને પરણાવવા માંગતો પણ તેમાં તે નિષ્ફળ નીવડયો હતો એમ જોધરાજે “હમીર રાસો”માં કહ્યું છે. તેની સાથે અગાઉ સહમત હતાં પરંતુ હવે તેમને તે વાત છોડી દીધી હોય એમ લાગે છે. કેટલાંક મુખ્ય વિગતોને ખરી મને છે અને ત્યારપછીની વિગતોને કલ્પિત માને છે.

➡ હજી થોડી ચર્ચા અને રાજા કર્ણદેવના વંશજોની વાત કરવાની બાકી છે જે ભાગ – ૭માં આવશે અને આ ભાગ – ૭ એ રાજા કર્ણદેવ ઉપરનો છેલ્લો ભાગ જ છે !

અહીં ભાગ – ૬ સમાપ્ત.

ભાગ – ૭ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!

!! જય સોમનાથ !!

!! જય મહાકાલ !!

!! હર હર મહાદેવ !!

– જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.