વાઘેલા રાજવંશની સ્થાપના | ભાગ – ૧

Establishment of Vaghela Dynasty - Vaghela Dynasty - Janmejay Adhwaryu - Sarjak.org

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔

ஜ۩۞۩ஜ વાઘેલા રાજવંશની સ્થાપના ஜ۩۞۩ஜ

(ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)

—– ભાગ – ૧ —–


➡ ઇતિહાસમાં કોઈપણ રાજવંશની સ્થાપના થાય ત્યારે કોઈએ પણ એવું માની લેવાની જરૂર નથી કે એમાં એનાં પહેલાનો જ યુગ સારો હતો અને પછીનો જ ખરાબ એ સાંપ્રત સમય ઉપર આધારિત હોય છે કે એ સમય કેવો હતો તે ! એ સમયમાં બનતી ઘટનાઓ જ એવી હોય છે કે રાજવંશ સારો નીકળે છે કે ખરાબ તે નક્કી તહી જતું હોય છે કે કરવામાં આવતું હોય છે. બીજી વાત કે કોઈને ઉતરતા બતાવીને કઈ સફળતાની સીડીઓ ચડાતી નથી.આવું ઇતિહાસમાં થતું આવ્યું છે અને સદાય થતું જ રહેવાનું છે. કોઈ નવો રાજવંશ કે રાજા આવે એટલે એને રાજ ચલાવવાનો અનુભવ તો હોતો જ નથી એણે એ સમજવામાં અને એને જે કરવું છે તે કરવામાં સમય તો લાગતો જ હોય છે, ઘણીવાર આમાં એટલાં વર્ષો નીકળી જતાં હોય છે કે જો એ રાજાનો કે રાજવંશનો સમય એક સૈકા કરતાં ઓછો હોય તો એ રાજવંશ નિષ્ફળ છે એવું સાબિત કરતાં આપણને બિલકુલ વાર નથી લગતી.

➡ ઈતિહાસ એ આચમનનો વિષય છે નહીં કે આકલનનો. આ જ આપણે સમજી શકતાં નથી અને જયારે સમજી શકીએ છીએ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. રાજા હંમેશા ધર્મનિરપેક્ષ જ હોય છે એ ધર્મનિરપેક્ષ નથી એવું તો એ સમયના અને અત્યારનાં ઈતિહાસકારો અને સાહિત્યકારો જ સાબિત કરવાં મથતાં હોય છે. આમાંથી જ એક તુલના જન્મલેતી હોય છે. દરેક કાળ સારો જ હોય છે અને દરેક રાજાઓ પણ સારાં જ હોય છે. દરેક રાજવંશનો તો સુવર્ણકાળ હોતો જ નથી. સુવર્ણકાળ બનાવવા માટે શું શું થઇ શકે અને શું શું કરવું જોઈએ એનું તો ઉત્તમ દ્રષ્ટાંત સોલંકીયુગે પૂરું પાડયું જ છે પણ તેનાં પછી આવનાર વાઘેલાવંશ એને ન જાળવી શક્યો અને કીર્તિમાં કોઈ વધારો ના કરી શક્યો એમાટે ઘણાં પરિબળો જવાબદાર છે એણે માટે કંઈ એકલાં વાઘેલાવંશના રાજાઓને દોષ દેવો એ જરાય વ્યાજબી નથી. વ્યાજબી અને ગેરવ્યાજબી ઠેરવનાર આપણે કોણ?

➡ ઇતિહાસની ઘોર અપૂરતી માહિતી અને આ તુલનાઓએ જ ખોદી છે એમાં બાકી હતું તે આ દંતકથાઓ અને પ્રાંતવાદ અને જાતિવાદ ભળ્યો. આનો લાભ મુસ્લિમ અક્રાંતતાઓ એ ભરપુર લીધો અને એ જ કારણ બન્યું રાજપૂતોના પાટણ માટેનું સબળ પરિબળ ! એમાં તો કોઈ બે મત નથી કે સોલંકીયુગ જ ગુજરાતનો સુવર્ણકાળ હતો. સોલંકીઓ પછી આવનાર વાઘેલા વંશ પણ હતાં તો રાજપૂતો જ ને ! એટલે એને નીચાં પાડવાનો કોઈએ પણ પ્રયત્ન સુધ્ધાં પણ ના જ કરવો જોઈએ અને ના જ કરાય.એ જ દ્રષ્ટીએ આ વાઘેલાવંશની કથા લખું છું અને એને એજ દ્રષ્ટિએ જોવા નમ્ર વિનંતી પણ કરું છું. આમાં મારો પ્રયત્ન એ જ રહેશે કે ક્યાં ઈતિહાસ ખોટો છે અને વાઘેલા વંશે ગુજરાત માટે શું શું કર્યું છે તે ! રાજા તરીકે કેટલાં સક્ષમ તેઓ પુરવાર થયાં હતાં કે નહીં અને ગુજરાતમાં તે વખતે શું માહોલ હતો તે જ દર્શાવવાનો મારો આ પ્રયત્ન છે.

➡ ગુજરાતના ઈતિહાસ પર લખતાં હોઈએ ત્યારે કોઈનો વાંક કાઢવાને બદલે ગુજરાતની વિકાસગાથા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ તો નસીબની બલિહારી છે કે વાઘેલાવંશ ઓછું ટક્યો અને એવી એવી ઘટનાઓ બની કે તેમનું અને સમગ્ર રાજપૂતયુગનું અકાળે અવસાન થઇ ગયું. બાકી એ વંશ જરાય ખોટો નહોતો. વાઘેલા વંશમાં પણ રાજાઓ તો સારાં જ હતાં પણ તેઓ પોતાની કીર્તિને અનુરૂપ કાર્યો ના કરી શક્યાં એમાં એમને તેમ કરવાની તક ના મળી એમ કહેવું ઉચિત ગણાય. વાઘેલા વંશને એજ રીતે જોજો સૌ !

➡ પહેલી વાત તો એ કે સોલંકીઓનાં અંતિમ રાજા ત્રિભુવનપાળની હત્યા કરી રાજા વીરધવલ ગાદીએ બેઠાં. જે કારણ એમની હત્યા માટે અપાયું છે તે તો ઇતિહાસમાં દરેક રાજાઓ માટે આવું જ કારણ અપાયું છે જે છેક મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઇ ત્યારથી તે છેક મરાઠાકાલ આવ્યો ત્યાં સુધી ચાલ્યું આવ્યું છે. રાજા નબળો હતો ….. પ્રજાને રંજાડતો હતો …. પ્રજા એનાં સમયમાં સુખી નહોતી વગેરે વગેરે !!! કોઈ પણ રાજાની હત્યા કાં તો એનાં કુટુંબીજન દ્વારા થઇ છે કે એનાં સેનાપતિ દ્વારા આ જ વાત દરેક રાજાઓમાં લગભગ સરખી જ હોય છે. એટલે વીરધવલે રાજા ત્રિભુવનપાળની હત્યા કરી જે રીતે ગાદી મેળવી એમાં કશું નાવીન્ય નથી એ લખનારનો જ વાંધો ગણાય કે એણે કોઈ નવું કારણ નાઆપ્યું તે ! બીજું કે કાવ્યાત્મક ન્યાય ની દ્રષ્ટિએ વિચારો તો રાજા મૂળરાજ સોલંકીએ મામા સામંતસિંહની હત્યા કરીને જ ગાદી મેળવી હતી તો અંતમાં એ વંશના રાજાની હત્યા કરી કોઈ રાજા રાજગાદીએ બેસે એમાં કશું અજુગતું ના જ લાગવું જોઈએ. કાવ્યાત્મક ન્યાય જ એ છે કે જેવું કરો એવું ભરો. આમાં સોલાકીયુગે ૩૦૨ વર્ષ સુધી રાજ્ય તો કર્યું અને ગુજરાતને મહાન રાજાઓ તો મળ્યા અને એને લીધે જ તો ગુજરાતનો સુવર્ણયુગ કહેવાયો સોલકીઓનો શાસન સમય !

➡ કોઈને પણ રાજા થવાની મહત્વાકાંક્ષ તો હોય જે વીરધવલમાં હતી પણ જે કારનો સાહિત્યમાં અપાયેલાં છે તે ઈતિહાસ સાથે મેળ ખાતાં નથી. એવું તો કયું સજ્જડ કારણ હતું કે વિરધવલે હત્યા કરી રાજગાદી મેળવી તે એક મૂંઝવણ જરૂર છે મનમાં. તે સમયમાં ઈતિહાસ એ ગ્રંથોમાં જ સંગ્રહિત થયેલો હતો અરે તે સમયમાં નહિ ભાઈ દરેક સમયમાં ઈતિહાસ તો સાહિત્યમાં જ સંગ્રહિત થયેલો હોય છે ને ! પણ આ સાહિત્યમાં સાચો ઈતિહાસ છે કે નહીં તે તપાસવું આવશ્યક છે આપણે માટે !

➡ અત્યાર સુધી ભૂગર્ભમાં રહેલાં લવણપ્રસાદે દેખ દીધી રાજા ભીમદેવ દ્વિતીયના સમયમાં એનાં પુત્રોને પણ મહત્વનાં સ્થાનો પર નિમ્યાં આ બધું કેમ અચાનક થયું ? શું આ પહેલાં આ લવણ પ્રસાદનાં વડદાદાઓ લવણ પ્રસાદની રાહ જોતાં હતાં કે શું ? આમેય રાજગાદી પર તો લવણપ્રસાદના પુત્રનો પુત્ર આવે છે. તો આપણે પણ આ લવણપ્રસાદની લમણાકૂટ કોરાણે મુકીને વીર ધવલથી જ વાઘેલા વંશના ઈતિહાસની શરૂઆત કરીશું . ક્યાંક જરૂરી લાગશે તો જ એમનાં નામ આવશે બાકી વાઘેલા રાજવંશનાં ઇતિહાસમાં એમની જન્મકુંડળીઓ કે એમનાં કાર્યોની વ્યર્થચર્ચા નહીં જ કરવામાં આવે. જે આ ઇતિહાસમાં જરૂરી પણ નથી આને લીધે એક ફાયદો એ પણ થશે કે કેટલીક દંતકથાઓ જે પ્રચલિત થઇ છે એમાંથી મુક્તિ મળશે અને જે સોલંકીયુગમાં કોઈને એવો પ્રશ્ન નથી તે કે સોલંકી જ્ઞાતિઓના બીજા ફાંટાઓ તે આમાં ઉપસ્થિત થયો છે અને એ માહિતી બધે જ ખોટી છે. આપણે ખાલી વાઘેલા રાજવંશની જ ચર્ચા કરવાની છે નહીં કે વાઘેલા જ્ઞાતિ કે શબ્દની ! એટલે કોઈએ પણ એવું માની લેવાની જરૂર નથી કે આ વાઘેલાવંશમાં કચ્છ કે સૌરાષ્ટ્ર કે અન્ય ગામોનો ઈતિહાસ પણ આવશે !

➡ એ બધું નિવારવા માટે જ મેં વાઘેલા રાજવંશ શબ્દ પ્રયોજ્યો છે. હા એ વાઘેલા રાજવંશને લગતી વિગતો જે ખરેખર સાચી હોય કે જે એને મળતી આવતી હોય એની જ ચર્ચા કરવામાં આવશે. કારણકે આ બાબત ઘણી જ વિવાદાસ્પદ પણ છે એટલે એમાંથી સત્ય તારવવા માટે મારે બીજી બિનજરૂરી માહિતી કાઢવી જ પડશે જે ખરેખર તો સાચી નથી જ !

➡ આ લવણપ્રસાદને સપનામાં એવું આવે છે કે રાજા ત્રિભુવનપાળને ગાદી પરથી ઉઠાડો તો જ ગુજરાતનો ઉદ્ધાર થશે એ વાત કમસે કમ મને તો જચતી નથી. પણ આ વાર્તાઓને બાજુએ મુકીએ તો એક વાત એપણ વિચારવી જોઈએ કે એ સમયમાં એવું તો શું બન્યું હતું કે વાત ત્રિભુવનપાળની હત્યા સુધી પહોંચી ગઈ આ માટે એક નામ એવું છે જે લેતાં બધાં અચકાય છે તે છે મંત્રી વસ્તુપાળનું ! એ જૈન હતો એટલે આખી વાત તમારે સમજી જ જવી જોઈએ ઇતિહાસમાં આમેય કોઈનાય ધર્મનું કપાતું ન જ લખવું જોઈએ કે ના જ બોલવું જોઈએ પણ કેટલીક સચ્ચાઈ એવી છે કે જેનાં તરફ અંખ આડા કાન કરે ચાલે એમ પણ નથી.

➡ આ વસ્તુપાળનું ફેક્ટર જ એવું છે કે જે સોલંકીના અસ્ત પાછળ અને વાઘેલાઓના ઉદય પાછળ કારણભૂત હતું ! આ વાત જૈન સાહિત્યકારો કે ઈતિહાસકારો તો કહેવાનાં નથી એટલે હું અતિસ્પષ્ટ છું માટે કહું છું અને આગળ જતાં એનાં કારણો પણ આપવાનો છું પણ તેમાં આ વાઘેલા જ્ઞાતિ -વંશના ફાંટા આડખીલીરૂપ બને તેમ છે એટલે માત્ર વાઘેલા રાજવંશની વાત પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ. પણ એક વાત અવશ્ય કરી લઉં કે વાઘેલા રાજવંશના રાજાઓ એ પ્રજાના હિતેચ્છુઓ જ હતાં પણ તેઓ અમુકના કહ્યામાં જરૂર આવી જતા હતાં.

એની વાત જે તે રાજાઓ વખતે કરીશ
બાકી હવે વાઘેલાવંશના ઈતિહાસ પર એક નજર નાખી લઈએ !

✔ વાઘેલા રાજવંશની સ્થાપના અને વાઘેલાઓની ઉત્પત્તિ –

➡ આ વિષે માહિતી ઓછી અને દંતકથાઓ વધારે છે એટલે કોઈ એક ચોક્કસ તારણ પર તો અવશ્ય આવવું જ પડશે એટલે એ વાત તો તમને કરવી જ પડશે ને ! પણ દંત કથાઓની બાદબાકી કરીને જ !

➡ ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં સોલંકી (ચૌલુક્ય) કાળ એ એક સુવર્ણકાળ સમો તેજસ્વી ગણાયછે. ચૌલુક્ય કૂળના રાજા મૂળરાજ સોલંકી પ્રથમે સ્થાપેલા રાજવંશની જે પ્રબળ સત્તા મહારાજ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળનાં સમયમાં ખીલી હતી, તે કુમારપાળના ત્રીજા અનુગામી રાજા ભીમદેવ દ્વિતીયનાં સમયમાં અસ્ત પામવા લાગી ત્યારે રાજા કુમારપાલના મસિયાઈ ભાઈ અર્ણોરાજ અને તેમનાં પુત્ર લવણપ્રસાદે અને લવણપ્રસાદનાં પુત્ર વીરધવલે સત્તાનું સંરક્ષણ કર્યું અને ગુજરાતના રાજકીય અને સનાસ્કૃતિક વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. આ અર્ણોરાજ પણ રાજા મૂળરાજની જેમ ચૌલુક્ય કુળનો હતો પરંતુ અર્ણોરાજનો વંશ એ મૂળરાજના વંશની શાખાનો નહોતો. કુમારપાળ અને અર્ણોરાજ વચ્ચે જે સગાઇ હતી તે માતૃપક્ષે હતી પિતૃપક્ષે નહોતી. પરંતુ પિતૃપક્ષે આ બે વંશો વચ્ચે શો સંબંધ રહેલો હતો અને એ સંબંધ કેટલી પેઢી પહેલાંનો હતો એ જાણવા મળતું નથી.

➡ ગુજરાતના ઇતિહાસમાં હાલ અર્ણોરાજના વંશજોને વાઘેલા વંશના રાજવીઓ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એ રાજાઓના પોતાનાં લેખમાં તો એમણે માત્ર ચૌલુક્યો જ કહેવામાં આવ્યાં છે. આ વંશની રાજસત્તાના અંત પછી કેટલીય સદીઓ પછી પણ આ રાજાઓના સંબંધમાં “વાઘેલા” નામનો શબ્દપ્રયોગ જોવાં મળતો નથી. આ જોવાં નથી મળતો એનો સીધો અર્થ એ થા થાય કે એ લખવામાં નથી આવ્યો.

➡ આ શબ્દપ્રયોગ ઉપર ચરી ખાવાનું લોકોને છેક ઓગણીસમી સદીમાં જ સુઝયું ત્યાં સુધી તો તેઓકુંભકર્ણની જેમ ગાઢ નિદ્રામાં પોઢેલા હતાં. સમજી શકાય તેવી વાત છે કે જો આ “વાઘેલા ” શબ્દ ઓગણીસમી સદીમાં પ્રયોજ્યો હોય તો એ કોણે પ્રચલિત કર્યો હશે તે ! એક વસ્તુ તરફ તમારું ધ્યાન અવશ્ય ખેંચું છું કે ઓગણીસમી સદી સુધીમાં તો જૈન સાહિત્યનુ પ્રમાણ સારું એવું ઘટ્યું હતું પણ સાવ ઓછું તો નહોતું જ થયું. આ અંગ્રેજી સાહિત્ય અને અંગ્રેજી કેળવણીની અસર હશે એમ મન માનવા પ્રેરાય છે, વળી આજ સમયમાં ગુજરાતી સાહિત્ય જે નરસિંહ -મીરાંથી શરુ થયું હતું તે પણ આ ઓગણીસમી સદીમાં વિકાસના પગથીયા ચડી રહ્યું હતું.

➡ પહેલાં જે ઈતિહાસ સાહિત્ય માત્ર સંસ્કૃત કે પ્રાકૃતમાં લખાતું હતું તે હવે ગુજરાતીમાં લખાવા માંડયુ હતું. પણ લગભગ ૬૫૦ વરસ પ્ર્છી એ ઈતિહાસ લખાય તો એમાં સચ્ચાઈની તો બાદબાકી જ થઇ જાય જે આમાં બન્યું. અહી કેમ બન્યું એ સવાલ દરેકના મનમાં થવું જોઈએ કારણકે વાઘેલા યુગ પછી જ ગુજરાતમાં રાજપૂત યુગ જો સમાપ્ત થઇ ગયો હતો. એટલે આમેય ગુજરાતમાં રાજપૂતોની સંખ્યા વધારે પ્રમાણમાં છે એટલે તેમને આનાં જડ સુધી તો જવું જ હતું અને આમાં ને આમાં તેઓ સાચો ઈતિહાસ સદંતર ભૂલી બેઠાં અને એમાં જ જન્મ લીધો કપોળલકલ્પિત દંતક્થાઓએ જેણે માત્ર ગુજરાતના ઇતિહાસની જ નહિ પણ વાઘેલા વંશની ઘોર ખોદી નાંખી અલબત્ત સહિયમાં લખાણ સ્વરૂપે !

➡ આ સમયગાળા દરમિયાન જ ગુજરાતમાં બોલીઓનું અને લોકસાહિત્યનું પ્રમાણ પણ વધવા લાગ્યું હતું એટલે જન્મ લીધો પ્રાંતીય સાહિત્યે ! આને લીધે જ જે ઈતિહાસ અત્યાર સુધીમાં જૈન સાહિત્યમાં અને અન્ય સહિયિક ગ્રંથોમાં સચવાયેલું હતું તે પ્રાદેશિક જાગીર બનીને રહી ગયું ! આ પ્રાંતીય સાહિત્યમાં જ લોકોની પ્રાંતવાદી મનોવૃત્તિ જણાયા વગર રહેતી નથી. આ લોકોએ કર્યું એવું કે માત્ર સંદર્ભો આપી આખેઆખો ઈતિહાસ જ બદલી નાંખ્યો. એમાં જ સોલંકીયુગ એ કાળની ગર્તામાં ખોવાઈ ગયો હતો અને એમની તૈયારી પણ એવી હતી કે આ “વાઘેલા” શબ્દને પોતાની જાગીર બનાવી – પોતાન્પ માલિકાના હક્ક જતાવી એને પણ પ્રાંતીય બનવી દીધો હતો એટલે જ આજે તે શબ્દ વિવાદાસ્પદ બન્યો છે ઇતિહાસમાં હોં વાસ્તવમાં નહીં રે બાબા !

➡ આનું એક દ્રષ્ટાંત આપું — રાણીની વાવ એ ૧૩મી સદી પછી જમીનમાં દટાઈ ગઈ હતી અને જેને છેક ૧૯૬૭માં બહાર કાઢવામાં આવી ત્યાં સુધી એણે વિષે માત્ર ૪-૫ લીટીઓમાં જ એક ટૂંકી નોંધ રૂપે લખાયેલું હતું તેની વિશેષતાઓ બતાવવાને બદલે તેના ઇતિહાસમાં વધુ રસ હોય છે લોકોને એવું માનીને એક દંતકથા એ કેવી રીતે બનવવામાં આવી હતી રાણી ઉદયમતી દ્વારા તેની એક દંતકથા ઈતિહાસના ના નામે બનાવી નાંખી. પદ્મશ્રી અને પદ્મભૂષણ લેખકો પણ આજે આનો જ સહારો લે છે તમને એ વાવ જોતાં કેવી લાગી એનો કોઈ જ ઉલ્લેખ કરતાં જ નથી આવું જ મંદિરોની બાબતમાં પણ બન્યું કે મંદિરોના ઈતિહાસ પર લોકોએ થોકબંધ પુસ્તકો લખી માર્યા. મંદિરમાં તમને કેવો અનુભવ થાય છે કે ત્યાં ભક્તિ, શ્રદ્ધા કે આસ્થાનું શું મહત્વ છે એ વાત તો તેઓ કરતાં જ નથી. આવું જ આ લોકોએ “વાઘેલા” શબ્દ માટે પણ કર્યું છે જેને નજરઅંદાજ કરી શકાય એમ જ નથી !

➡ વાઘેલા રાજવંશ માટે “વાઘેલા ” શબ્દનો લેખિત પ્રયોગ એ ઓગણીસમી સદીમાં લખાયેલાં ઈતિહાસ ગ્રંથોમાં દેખા દે છે. આ શબ્દ પ્રયોગ મોટે ભાગે મૂળ ભાટ- ચારણોની અનુશ્રુતિઓ (લોકશ્રુતિ)ઓમાં પ્રચલિત થયું હતું એમ માનવામાં આવે છે ત્યાર પછી જ એ આ સદીમાં લખાયેલાં ઇતિહાસમાં પ્રયોજાયું હોય એ સંભાવના નકારી શકાય એમ નથી. આ રાજવંશ માટે સામાન્યત: માત્ર “વાઘેલા”નામ પ્રચલિત થયું હોઈ એ વંશ ચૌલુક્ય કૂળનો છે એવો ખ્યાલ વિસારે પડી જાય છે. આથી ખરી રીતે એને “વાઘેલાવંશ”નહીં પણ “વાઘેલા સોલંકી વંશ” કહેવો વધુ ઉચિત ગણાય !

✔ કૂળનાં નામ અને ઉત્પત્તિ –

➡ આ લખવું એટલાં માટે જરૂરી બન્યું છે આ ને જ લીધે આજે બધાં જ આ ચૌલુક્યોને પોતાનાં વતનનો જ વંશ માનતાં થઇ ગયાં છે આવું કેમ બન્યું ? તો એ આ ઉલ્લેખોને લીધે આવું બન્યું છે.

➡ ચૌલુક્ય કૂળની ઉત્પત્તિનો વિચાર કરતાં પહેલાં એ નામનાં વિવિધ રૂપો-સ્વરૂપો-શાખાઓ છે તેનો વિચાર પહેલાં કરવો પડે તેમ છે.

અણહિલવાડ પાટણમાં ચૌલુક્ય કૂળનો રાજવંશ સ્થપાયો (ઇસવીસન ૯૪૨)તે પહેલા દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઇસવીસનની નવમી સદીમાં એક રાજવંશ થયો જે “ચાલુક્ય”નાં નામે ઓળખાતો હતો.

એ પહેલાં કર્ણાટક મહારાષ્ટ્રમાં “ચાલુક્ય “નામે એક પ્રબળ રાજવંશ થઇ ગયો.

જે વાતાપી (બાદામી)નાં ચાલુક્ય વંશ તરીકે જાણીતો છે. એ રાજવંશની એક શાખા પૂર્વ સમુદ્રના તટ પર આવેલાં વેંગીમાં અને બીજી એક શાખા લાટપ્રદેશ (દક્ષિણ ગુજરાત)માં સ્થપાઈ.

બાદામીના ચાલુક્ય વંશના લેખોમાં એ કૂળ માટે ચલુકય,ચલિક્ય,ચાલુક્યઅને ચલુકિક વગેરે નામો મળી આવે છે.

કલ્યાણીના ચાલુક્ય વંશના લેખોમાં એ કૂળ માટે ચાલુક્ય નામો મળી આવે છે.

વેંગીના ચાલુક્ય રાજવીઓના લેખોમાં ચલુકિ,ચલ્કિ અને ચલુકી વગરે નામ એ વંશ માટે મળી આવે છે.
ઉનમાંથી મળી આવેલા તામ્રપત્રોમાં ઉનાના ચાલુક્ય રાજવીઓને ચાલુક્યના નામે ઓળખાવ્યા છે.

➡ પાટણના ચૌલુક્ય રાજવીઓના અનેક શિલાલેખો,તામ્રપત્રો અને પુસ્તકો મળી આવ્યાં છે.
તેમાં ઇસવીસન ૯૭૭થી ઇસવીસન ૧૨૮૭ના સમય સુધીમાં આ કૂળના નામના જુદા રૂપ પ્રચલિત હતાં એમ જણાય છે.

મુખ્યત્વે ચોલ્કિક, ચૌલુકિક, ચૌલુક્ય, ચુલુક્ય, ચુલુગ, ચુલુકુક અને ચલુકક વગેરે નામો મળી આવે છે.
આ દરમિયાન લાટ પ્રદેશમાં જે ચૌલુક્યની સત્તા પ્રવર્તતી હતી તે કુળનાં લેખમાં એ કૂળ માટે ચાલુક્ય,ચલિકય, ચલુકય અને ચૌલુક્ય શબ્દ પ્રયોજ્યો છે.

આમ, આ રાજ્કૂળ માટે કર્ણાટક મહારાષ્ટ્રમાં ચાલુક્ય અને એને મળતાં રૂપ વધારે પ્રચલિત હતાં.
જયારે ગુજરાતમાં ચુલુકય અથવા ચૌલુક્ય અને એણે મળતા રૂપ વધારે પ્રચલિત હતાં.

દક્ષિણનો જયસિંહથી ચાલેલો ચાલુક્ય વંશ અને ગુજરાતનો મૂળરાજ સોલંકીથી ચાલેલો ચૌલુક્ય વંશ એક જ જાતિનીશાખાઓ હોવી જોઈએ એમ કેટલાંક ઇતિહાસકારોના સામાન્ય મત છે. પણ કેટલાંકનો મત જુદો જરૂર પડે છે.

અ બંને વંશના રાજચિહ્નો પણ જુદા છે દક્ષિણના ચાલુક્યોનું વરાહ છે અને ગુજરાતના ચાલુક્યોનું નંદિ છે.
પણ અંગે એક ખુલાસો એમ પણ કરી શકાય છે કે તેઓ શરૂઆતમાં વિષ્ણુ ધર્મ પાળતા હશે પણ દક્ષિણમાંથી નીકળ્યા બાદ તેમને શૈવ ધર્મ સ્વીકાર્યો હશે.

આ બંને એક ક વંશ છે એમ લાટ પ્રદેશના સોલંકી રાજા કીર્તિરાજના તામ્રપત્રમાં ચાલુક્ય લખેલું છે. તેમજ તેમનાં પુત્ર ત્રિલોચનપાળનાં તામ્રપત્રમાં ચૌલુક્ય લખેલું છે એ ઉપરથી માની શકાય એમ છે.

➡ વાતાપીના ચાલુક્યોની સત્તા આઠમી સદીમાં અસ્ત પામી એમની પૂર્વની શાખા ત્ય્ર્પછી પણ ચાલુ રહી પરંતુ વાતાપીના વંશની જેમ પૂર્વની શ્કાહાના લેખોમાં પણ દસમી સદીના અંત સુધી ચાલુક્ય કૂળની ઉત્પત્તિ વિષે બીજો કોઈ ઉલ્લેખ મળતો નથી.

વાતાપીના ચાલુક્યવંશની સત્તા ૮મી સદીમાં અસ્ત પામી.
તે પછી દસમી સદીમાં કલ્યાણીમાં ચાલુક્યનો એક બીજો રાજવંશ સ્થપાયો.
આ રાજ્યોનાં લેખોમાં એમની કૂળોત્પત્તિ વિષે જુદી જ જાતની પૌરાણિક હકીકત જોવાં મળે છે.
આ પ્રકરણો સૌથી પહેલો ઉપલબ્ધ ઉલ્લેખ એ સમયના કલચૂરી વંશના રાજા યુવરાજદેવ બીજાંના ઇસવીસન ૯૯૪ની આસપાસના સમયના લેખમાં આવે છે.

જેમાં એમ જણાવવામાં આવ્યું છે કે ભારદ્વાજ મુનીએ પોતાનું અપમાન કરનાર રાજા દ્રુપદને શ્રાપ આપવાં માટે ચુલુક (અંજલિ)માં લીધેલા જળમાંથી સાક્ષાત વિજયની મૂર્તિરૂપ જે પુરુષ ઉત્પન્ન થયો તેમાંથી ચૌલુક્ય વંશ પ્રવર્તયો.

અહીં ચાલુક્ય શબ્દને સ્પષ્ટત: ચૌલુક્યનો પર્યાય માનવામાં આવે છે.
વાતાપીના ચાલુક્યોની એક શાખાએ સાતમી સદીમાં પૂર્વમાં સત્તા સ્થાપી.
એ વંશના રાજા વિમલાદિત્યના શક સંવત ૯૪૦ (ઇસવીસન ૧૦૧૮)ના તામ્રપત્રમાં ચાલુક્યોની ઉત્પત્તિ જુદી રીતે બતાવવમાં આવી છે.

એમાં જણાવ્યું છે કે – ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્માજી, અત્રી, ચંદ્ર ઇત્યાદિના વંશમાં ચક્રવર્તિ રાજાઓ અયોધ્યામાં થયાં પછી એ વંશનો વિજયાદિત્ય રાજા વિજયની ઇચ્છાથી દક્ષિણાપથ ગયો.

પરંતુ ત્યાં અચાનક મૃત્યુ પામ્યો. તેનાં મરણ પછી જન્મેલાં તેમનાં પુત્ર વિષ્ણુવર્ધને ચલુક્યગિરિ ઉપર દેવદેવીઓની આરાધના કરી. પોતાનાં પૂર્વજોના સામ્રાજ્યના ચિહ્નો પ્રાપ્ત કર્યાં.એમનાં વંશમાં આ ચાલુક્ય રાજાઓ થયાં.

આ રીતે આ લેખમાં ચાલુક્ય કૂળની ઉત્પત્તિ બાબતમાં ચંદ્ર્વંશની માન્યતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જયારે ચાલુક્ય નામની ઉત્પત્તિ માટે ચુલુકની કલ્પનાને બદલે ચુલુકગિરિની કલ્પના રજુ કરવામાં આવી છે.
પૂર્વી સોલંકીરાજ રાજારાજ પહેલાંનાં દાનપત્રમાં જ્યાં આ રાજાનો રાજ્યાભિષેક શક સંવત ૯૪૪ (ઇસવીસન ૧૦૨૨માં)થયો એમ લખ્યું છે ત્યાં એણે સોમવંશ તિલક કહ્યો છે.

વિમલાદીત્યના પુત્ર રાજ્રાજ પહેલાના (ઇસવીસન ૧૦૨૬થી ઇસવીસન ૧૦૬૪)ના લેખમાં પણ ઉપર જણાવેળા (ઇસવીસન ૧૦૧૮)ના તામ્રપત્ર જેવી જ વંશાવલી આપી છે.

પૂર્વી સોલંકી રાજાના રાજ્યકાલના ૩૨માં શક સંવત ૯૭૫ (ઇસવીસન ૧૦૫૩)ના તામ્રપત્રમાં પણ ઇસવી સન ૧૦૨૬ના જેવી વંશાવલી આપી છે.

સોલંકી રાજા કુલોત્તુંગચોડદેવ પહેલાં ઈતિહાસ સંબંધી પુસ્તક કલિંગત્તુપરણીમાં રાજાને ચંદ્ર્વંશમાં ઉત્પન્ન થયાનું જણાવ્યું છે.

સોલંકી રાજા કુલોત્તુંગચોડદેવ બીજાના વિક્રમ સંવત ૧૨૦૦ (ઇસવીસન ૧૧૪૩)ના તામ્રપત્રમાં સોલાન્કીઓને ચન્દ્ર્વાંશી માનવ્યગોત્રી તથા હારીતીના વંશજ કહ્યાં છે.

રાજા મલ્લપદેવનાં શક સંવત ૧૧૨૪(ઇસવીસન ૧૨૦૨)નાં તામ્રપત્રમાં પણ રાજરાજના તામ્રપત્રના જેવી વંશાવલી આપી છે.

સોલંકી રાજા રાજરાજ પહેલાના વંશજ વિજ્યદીત્ય અને પુરુષોત્તમના બે શિલાલેખોમાં સોલંકીઓને ચંદ્રવંશી હોવાનું જણાવ્યું છે.

➡ દસમી સદીમાં ગુજરાતમાં પાટણમાં તથા લાટ પ્રદેશમાં જે ચૌલુક્ય કૂળ સત્તારૂઢ ત્યાં તેમના લેખોમાં આગળ જતાં એ વંશની ઉઅત્પત્તિ બ્રહ્માના ચુલુકમાંથી થઇ હોવાની માન્યતા નજરે પડે છે.
એને લગતાં ઉલ્લેખો લાતના ચૌલુક્યકૂળમાં શક સંવત ૯૭૨ (ઇસવીસન ૧૦૫૦ના તામ્રપત્રમાં આવે છે.

જેમાં ભગવાન બ્રહ્માજીના ચુલુકમાંથી ઉત્પન્ન થયેલ પુરુષના કાન્યકુબ્જની રાષ્ટ્રકૂટ કાંય સાથેના સંબંધમાંથી ચૌલુક્ય કૂળની ઉત્પત્તિ થઇ હોવાની એક નોંધપાત્ર વિગત આપવામાં આવી છે.

પાટણના ચૌલુક્ય વંશના લેખોમાં કુળોત્પત્તિને લાગતો સૌથી પહેલો ઉપલબ્ધ ઉલ્લેખ કુમારપાળનાં વિક્રમસંવત ૧૨૦૮ (ઇસવીસન ૧૧૫૨)ના શિલાલેખમાં આવે છે.

એમાં કવિ બિલ્હણકૃત વિક્રમાંકદેવ ચરિતની જેમ ચૌલુક્ય કુળની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માજીના ચુલુકમાંથી દર્શાવવામાં આવી છે.

પરંતુ એનાં નિમિત્તમાં અધર્મના સામાન્ય ઉલ્લેખની જગ્યાએ દાનવોના ઉપ્દ્રવનું વિશિષ્ટ કારણ આપવામાં આવ્યું છે.

હેમચંદ્રાચાર્યે દ્રયાશ્રયમાં પાટણના સોલંકી રાજા ભીમદેવ પહેલને ચંદ્રવંશી કહીને પૂર્વના ચાલુક્ય કૂળમાં પણ દેખા દેતી ચંદ્ર્વંશને લગતી માન્યતાનો પડઘો પાડયો છે.

વાઘેલા શાખાના ચૌલુક્યકૂળના રાજાઓના સમયમાં પણ બ્રહ્માના ચુલુકવાળી માન્યતા પ્રચલિત રહેલી જણાય છે. જેમ કે વસ્તુપાળ – તેજપાળ પ્રશસ્તિમાં વસંતવિલાસમાં ખંભાતના કુંતનાથ મંદિરના લેખમાં અને દ્રયાશ્રયની અભયતિલક ગણીની ટીકામાં આ ઉલ્લેખો સામાન્યત: બ્રહ્માજીના ચુલુકમાંથી ચૌલુક્યવંશની ઉત્પત્તિનો સામાન્ય નિર્દેશ મળે છે.

➡ માત્ર ખંભાતના શિલાલેખમાં દૈત્યોના ઉપદ્રવના નિમિત્તનો વિશિષ્ટ ઉલ્લેખ આપવામાં આવ્યો છે.
વાઘેલના ચુલુક્યોની સત્તા અસ્ત થયાં પછીના કાળ દરમિયાન મેરુતુંગે પ્રબંધચિંતામણિમાં (ઇસવીસન ૧૪૦૬) પણ બ્રહ્માના ચુલુકવાળી માન્યતા આપી છે.

વાઘેલા શાખાના સોલંકી કુળના લેખોમાં તથા એમનાં સમયના લખાયેલાં ગ્રંથોમાં માં એ કૂળના નામ તરીકે ચૌલુક્ય શબ્દનો જ પ્રયોજ જોવાં મળે છે.

આ વંશના અર્ણોરાજને કીર્તિકૌમુદીમાં ચૌલુક્ય વંશની અન્ય શાખામાં ઉત્પન્ન થયેલો કહ્યો છે.
ચૌલુક્યવંશની આ શાખા વિષે અને એનાં મૂળ સ્થાન વિષે એ સમયના ગ્રંથોમાં આ પ્રમાણે હકીકત આપેલી છે.

કીર્તિ કૌમુદીમાં અર્ણોરાજને ચૌલુક્યવંશની મૂળરાજવાળી શાખા કરતાં એક જુદી શાખામાં ઉત્પન થયેલો કહ્યો છે. સુકૃત સંકીર્તનમાં તો અર્ણોરાજને કુમારપાળે ભીમપલ્લીનો પ્રભુ કહ્યો હોવવું અને એણે બનાવ્યો હોવાનું જણાવ્યું છે

વાઘેલા રાજના અંત પછી નજીકના જ સમયમાં લખાયેલ “પ્રબંધ ચિંતામણિ”માં આનાકના પુત્ર લવણપ્રસાદને “વ્યાઘ્રપલ્લીય”નામે પ્રસિદ્ધ હોવાનું જણાવ્યું છે.

પુરાતન પ્રબંધ સંગ્રહમાં આનાકને વ્યાઘ્રપલ્લીનો રાણો કહ્યો છે.

આ અનક રાજા કુમારપાળનો મસિયાઈ હોવાનાં અને એની સેવાના ગુંથી સંતુષ્ટ થયેલાં રાજાએ એણે સામંતપદ આપ્યું હોવાનું જણાવ્યું છે.

ધવલ અર્ણોરાજ અને એમનાં વંશજો આમ તો ચૌલુક્યકૂળના જ હતાં પરંતુ ચૌલુક્ય વંશોમાં આ વંશ ઘણાં વખતથી “વાઘેલા”વંશ તરીકે જાણીતો છે.

આ વંશના રાજાઓના પોતાનાં લેખોમાં તેમ જ એમનાં સમયના ગ્રંથોમાં આ રાજાઓને માત્ર ચુલુક્ય કહ્યા છે. ક્ન્યાય “વાઘેલા”અર્થ ધરાવતું કોઈ વિશિષ્ટ પદ આપવામાં આવ્યું નથી.

પરંતુ આ વંશની રાજસત્તાનાં અંત (ઇસવીસન ૧૨૯૯ )પછી થોડાં જ વર્ષોમાં લખાયેલાં પ્રબંધ ચિંતામણિમાં અર્ણોરાજના સંબંધમાં “વ્યાઘ્રપલ્લીય” એવું વિશેષણ પ્રયોજાયું છે.

આ ગ્રંથનો સમય (સંવત ૧૩૬૧) જોતાં આ રાજવંશ માટે આ નામ એનાં સમય દરમિયાન રૂઢ થયું હોવાનું સ્પષ્ટ જણાય છે.

આ પછી લગભગ ૨૦૦ વર્ષ બાદ સલ્ત નત સમયના શિલાલેખમાં એ સમયના બીજા રાજવંશમાં “વાઘેલા” રૂપ પ્રોયાજ્યું છે.

પંદરમાંથી સત્તરમાં સૈકા દરમિયાન રચાયેલી જણાતી સંસ્કૃત રાજાવલીઓમાં પણ આ “વાઘેલા”શબ્દ પ્રયોગ મળી આવે છે.

આ પછી આ રાજ્વાન્શનું વિશિષ્ટ નામ છેક “મિરાતે અહમદી” (અઢારમી સદીમાં )દેખા દે છે.
એમાં આ વંશ માટે તથા આ વંશના રાજા કર્ણદેવ -કરણ માટે “બાઘેલહ” શબ્દ પ્રયોજવામાં આવ્યો છે.
ત્યાર પછી ૧૯મી -૨૦મી સદી દરમિયાન ગ્રંથસ્થ થયેલી ભાટ-ચારણોની અનુશ્રુતિઓમાં આ વંશ માટે તેમ જ કેટલાંક બીજા વંશો માટે વાઘેલા શબ્દનો પ્રયોગ રૂઢ થયેલો છે.

➡ અહીં હું ભાગ -૧ સમાપ્ત કરું છું
ભાગ – ૨ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

– જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.