સોલંકીયુગ યશોગાથા – મૂળરાજ સોલંકી

Mulraj Solanki - Solanki Dynasty - Janmejay Adhwaryu - Sarjak.org

સોલંકીયુગ યશોગાથા – મૂળરાજ સોલંકી – (ઇસવીસન ૯૪૨ – ઇસવીસન ૯૯૭ )

⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
મૂળરાજ સોલંકી
(ઇસવીસન ૯૪૨ – ઇસવીસન ૯૯૭ )

ઇતિહાસમાં દરેક જગ્યાએ સાલવારી કેમ ખોટી હોય છે ? કેમ કોઈ એક ચોક્કસ નિષ્કર્ષ કે તારણ પર નથી આવી શકતાં ?

એ જે હોય તે હોય પણ એક બાબત તો સ્પષ્ટ છે કે સમગ્રતયા જોવાં જઈએ તો જે નિરૂપણ કે વિવરણ બધે જ થયું છે એમાં ૯૦ ટકા તો સરખાપણું છે જ. થોડો વિગતદોષ જરૂર રહી જાય છે જે ક્યારેક વિરોધાભાસી બનતો હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતના રાજાઓ વિશેની જાણકારી આપણને ગુજરાતીમાં લખાયેલા ગુજરાતના ઈતિહાસમાંથી જ પ્રાપ્ત થતી હોય છે. સોલંકી યુગની વિગતો આપણને એ સમયના સાહિત્યકારો અને ઈતિહાસકારો પાસેથી જ પ્રાપ્ત થઇ છે માટે જ તે વધુ વિશ્વસનીય છે. પણ એ વિશ્વસનીયતા એ મુસ્લિમ સાહિત્યકારો અને ત્યાર પછીના સમયમાં થયેલા ઈતિહાસકારો દ્વારા ખોટી નીરુપયેલી જોવાં મળે છે આનાં જ પરણામ સ્વરૂપ લોકશ્રુતિઓ જન્મ લેતી હોય છે.

✅ ચાલો જવાદો એ જુદી વાત છે !!!

✅ આપણે સોલંકીયુગની સ્થાપના વિષે તો જાણ્યું. હવે બાકી છે એ યુગના રાજાઓ વિષે જાણકારી પ્રાપ્ત કરવાની. તો શરૂઆત કરીએ સોલંકીયુગના સંસ્થાપક મુળરાજ સોંલકીથી. આમને વિષે બહુ વિગતો તો પ્રાપ્ત નથી થતી. સાલવારીના નાનાં ગોટાળાઓ બાદ કરીએ તો તેમનાં વિષે ઉપયોગી માહિતી આપણને લિખિત ગ્રંથોમાંથી અવશ્ય પ્રાપ્ત થાય છે. ગુજરાતી અનુશ્રુતિઓથી એ ખબર આપણને પડે છે કે મુલરાજના પિતા રાજિ કલ્યાણ -કટકના ક્ષત્રિય રાજિ કલ્યાણ-કટકના ક્ષત્રિય રાજકુમાર હતાં તથા મૂળરાજની માતા ગુજરાતના ચાપોત્કટ વંશની કન્યા હતી જેમનું નામ માધવી હતું.

✅ તેમનાં પુત્રનું નામ ચામુંડરાજ હતું જે રાજા મુળરાજ પછી અણહિલવાડની રાજગાદી પર બેઠો હતો. તેમનાં પિતાની ઉપાધિ “મહારાજાધિરાજ”ની મળે છે પરંતુ એની સ્વતંત્ર સ્થિતિમાં સંદેહ જરૂર પેદા કરે છે.સંભવત: એ પ્રતિહારોના સમાંત હતાં.

✅ હવે એમનું નામ મુળરાજ કેવી રીતે પડયું?
તો એમનો જન્મ મૂળ નક્ષત્રમાં થયેલો હોવાથી એમનું નામ મુળરાજ પડયું હતું.

✅ પ્રબંધ ચિંતામણી ગ્રંથ પ્રમાણેકાન્યકુબ્જ (કન્નૌજ)ના રાજા ભુવડના વંશમાં થયેલ મુંજાલદેવને રાજ,બીજ અને દંડ એમ ત્રણ પુત્રો હતા. તેઓ સોમનાથની જાત્રએથી પાછાં ફરતાં અણહિલપુર પાટણમાં રોકાયા. ચાવડા વંશનો છેલ્લો રાજા સમાંતસિંહ હતો. રાજા સામંતસિંહની બહેનનું નામ લીલાદેવી હતું અને રાજા સામંતસિંહે તેનાં લગ્ન રાજ (રાજિ) સાથે કરાવ્યાં હતાં. તે રાજ અને લીલાદેવીને એક પુત્ર હતો – મૂળરાજ.

✅ રાજા રાજ અને લીલાદેવીનું અકાળે મૃત્યુ થતાં મુળરાજ પોતાનાં મામા સામંતસિંહ સાથે રહેતો હતો.એટલે કે સામંતસિંહે મુળરાજને ઉછેરીને મોટો કર્યો. સામંતસિંહ દારૂડિયો હતો અને દારૂના ઘેનમાં અનેક્વાર મૂળરાજની મશ્કરી કરતો. તે મૂળરાને રાજગાદી પર બેસાડતો અને ઘેન ઉતરી જતાં – નશો ઉતરી જતાં પાછો ઉઠાડી મુકતો. આવી મશ્કરીઓથી મુળરાજ તંગ આવી ગયો અને તેણે ચાવડાવંશના છેલ્લા રાજા સમાંતસિંહની હત્યા કરી અને પાટણની રાજગાદી સંભાળતા ગુજરાતમાં સોલંકી વંશની શરૂઆત થઇ.

✅ આ તો થઇ એમની કૌટુંબિક માહિતી
હવે રાજકીય કારકિર્દીનો વારો –

✅ આમના વિષે પણ કેટલીક વાતો સોશિયલ મીડિયામાં વહેતી જરૂર થઇ છે. પણ એ માત્ર કલ્પનાતીત વાર્તા જ માત્ર છે જેને વાસ્તવિકતા સાથે કોઈ જ લેવાદેવા નથી. એ વાર્તા અગાઉ આવી ગયેલી હોવાથી હું એ અહીં મુકતો નથી.ખરેખર જો આ રાજા વિષે જાણવું હોય તો સમયના સાહિત્ય અને ઐતિહાસિક ગ્રંથોને જ ઉથલાવવા પડે. એમણે બાંધાવેલા સ્મારકોનો વિગતે અભ્યાસ કરવો પડે. તો જ કૈંક આપણે એમણે વિષે જાણકારી પ્રાપ્ત કરી શકીએ.

✅ ઈતિહાસ વિષયક લેખોમાં ઈતિહાસને જ મહત્વ અપાય. ઇતિહાસમાં ઈતિહાસકથાઓનું મહવ છે પણ એ ઈતિહાસ તો નથી જ. ગુજરાતના યશસ્વી ઇતિહાસમાં સોલંકી યુગનું નામ સૌથી ઊંચું છે. એટલે જ આ લેખમાળા શરુ કરી છે. શરૂઆત તો સંસ્થાપકથી જ કરાય એટલે પહેલાં રાજા મુળરાજ સોલંકી વિષે જાણી લઈએ અલબત્ત ઇતિહાસના પરીપ્રેક્ષ્યમાં !

✅ હવે જ આવે છે ખરો ઈતિહાસ ——

✅ ચાવડાને બદલે સોલંકી વંશની રાજસત્તા સ્થાપી એ બનાવ ગુજરાતના ઇતિહાસમાં ઘણું મહત્વ ધરાવે છે,કારણકે આ રાજવંશે ગુજરાતના રાજકીય તેમજ સાંસ્કૃતિક ઘડતરમાં ઘણો મોટો ફાળો આપ્યો છે.

✅ પોતાનાં મામા સામંતસિંહને મારીને મૂળરાજ રાજગાદીએ બેઠાં તેનાથી તેમને ઘણા દુશ્મનો વધ્યાં.આ ઉપરાંત મૂળરાજને મામાની હત્યા કરવા બદલ પશ્ચાતાપ પણ થયો. પોતાનું આ કલંક મીટાવવા માટે જ તેમને કન્નૌજ અને કાશીથી બ્રાહ્મણો તેડાવ્યા અને તેમને સિદ્ધપુરમાં વસાવ્યા. આ બ્રાહ્મણો જ પાછળથી “ઔદીચ્ય” બ્રાહ્મણો કહેવાયા. આ બ્રાહ્મણોનું પૂજન કરી દાનદક્ષિણા આપી તેથી તેમની કીર્તિ ચારેકોર ફેલાઈ. માથા પરનું કલંક ધોવા માટે તેમને સિદ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવવાની શરૂઆત કરી . તેમણે શરૂઆત કરતાં તો કરી પણ હેતુ શુભ હતો. આ શિવ મંદિર બાંધવાનો પણ બંધાતા ઘણો બધો સમય થઇ ગયો હતો અને હજી ઘણો બધો સમય નીકળી જાય તેમ હતો. તાત્પર્ય એ કે ઘણાં વર્ષો નીકળી જાય તેમ હતાં આમને આમાં તો રાજા મુળરાજ સોલંકીનો અંતકાળ પણ નજીક આવતો હતો એટલે એ રૂદ્રમહાલય અધુરો જ રહ્યો જે પાછળથી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો – પૂર્ણ કર્યો !!!

✅ પ્રબંધચિંતામણી ગ્રંથ પ્રમાણે મૂળરાજે ઇસવીસન ૯૪૨ (વિક્રમ સંવત ૯૯૮)માં પાટણ જીતીને ત્યાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. મૂળરાજે ઇસવીસન ૯૪૨માં સારસ્વતમંડલ એટલે કે સિદ્ધપુરથી કચ્છનાં રણમાંની રૂપેણનદી સુધીના પ્રદેશનો રાજા બન્યો અને બીજાં રાજ્યો દક્ષિણમાં જીતતો ગયો.

✔ મુળરાજ સોલંકી – એક વિજેતા તરીકે ——

✅ સૌરાષ્ટ્રનો રાજા “ગ્રહરિપુ” જે જૂનાગઢમાં ઉપરકોટનો રાજા હતો. ઉપરકોટ આજ રાજા ગ્હરિપુએ બંધાવ્યો હતો. આ ગ્રહરિપુ એ કચ્છના રાજા જામ લાખા ફુલાણી સાથે ગઢ મિત્રતા હતી અને આ ગ્રહરિપુ જ “રા”નો ખિતાબ ધારણ કરનાર પ્રથમ ચુડાસમા વંશનો રાજા હતો. આ ગ્રહરિપુ સોમનાથના યાત્રાળુઓને પજવતો હોવાથી મૂળરાજે તેના પર ચડાઈ કરી. વામનસ્થળી (વંથળી) પાસેના ભયંકર યુદ્ધમાં ગ્રહરિપુ હાર્યો અને એણે બંદી બનાવ્યો.પછીથી ગ્રહરિપુને અમુક શરતોએ મૂળરાજે મુક્ત કરી દીધો. આ ઘટના કે ચઢાઈનું વર્ણન માત્ર હેમચંદ્રાચાર્ય રચિત “દ્વયાશ્રય” ગ્રંથમાં છે જ !!!

✅ કચ્છના કપિલકોટ (કંથકોટ)ને ઘેરો ઘાલીને મૂળરાજે તેના પર ચઢાઈ કરી. આ યુદ્ધમાં કચ્છના રાજા લાખ ફુલાણી માર્યા ગયાં. આમ મૂળરાજે સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશો વિજીત્ત કર્યાં.

✅ મૂળરાજના રાજ્યારોહણ સમયે મોડાસા પ્રદેશ, ખેટકમંડલ (ખેડા જીલ્લો} અને થોડો માળવાનો પ્રદેશનો ભાગ રાજા સીયકને તાબે હતાં. ઇસવીસન ૯૭૩માં સીયકના અવસાન બાદ તેનો પ્રખ્યાત પુત્ર “મુંજ” માળવાનો શાસક બન્યો. તે ઘણો પ્રતાપી અને મહત્વકાંક્ષી રાજા હતો. પોતાનાં રાજ્ય વિસ્તારના સમયે રાજા મૂળરાજ સાથે તે યુદ્ધ થયું. જેમાં મૂળરાજ પરાજિત થયો હતો. બીજી બાજુ ટૂંક સમયમાં જ મુંજનો ચાલુક્ય રાજા તૈલપ બીજાને હાથે પરાજય થયો અને મુંજને મારી નાંખ્યો. કોઈને યાદ તો છે ને —- ક. મા. મુનશીની નવલકથા – “પૃથ્વીવલ્લભ”. પરિણામસ્વરૂપ મૂળરાજ ફરથી સ્વતંત્ર રાજા બની ગયાં.

✅ ચાલુક્ય રાજા તૈલપ બીજાનો લાટમંડળનો સામંત રાજા “બારપ્પ” હતો. આ “બારપ્પ”નને હરાવ્યાનો ઉલ્લેખ અવશ્ય મળે છે.

✅ મૂળરાજે જયારે લાટપરદેશ પર હુમલો કર્યો ત્યારે પાછળથી શાકંભરીનો ચૌહાણ રાજા “વિગ્રહરાજે” પણ મૂળરાજ પર હુમલો કર્યો. બન્ને પ્રબળ દુશ્મનો સામેં એકીસાથે લડવું મૂળરાજને માટે શક્ય ણ હોવાથી તેની સાથે મૈત્રી કરી લીધી હતી.

✅ આબુના પરમાર રાજા “ધરણીવરહ”ને યુદ્ધમાં મૂળરાજે પરાજિત કર્યો. ધરણીવરહ રાષ્ટ્રકૂટ રાજા ધવલને શરણે ગયો તેથી તેણે અબુનું રાજ્ય પાછું આપી દીધું પરંતુ એક શરત પર કે ધરણીવરાહે મૂળરાજનું સામંતપદ સ્વીકારવું પડશે.

✅ આમ, મૂળરાજે વિવિધ પ્રદેશોને જીતીને સોલંકી સત્તાનો ઊંડો પાયો નાંખ્યો અને પરમભટ્ટારક,મહારાજધિરાજ, પરમેશ્વર જેવી ઉપાધિઓ (બિરુદ) ધારણ કરી હતી.

✅ મુળરાજ સોલંકીના પ્રધાન મંડળ વિષે પણ માહિતી લિખિત ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે
જે ખુબજ ઉપયોગી છે.

✔ ——-મંત્રીમંડળ ——

☑ ધર્મખાતાનો મંત્રી – માધવ ( આમનું મુખ્ય કાર્ય ધર્મસ્થાનો, મંદિરો, મઠો, વાવ, કુવા,જળાશયો,છાત્રાલયો વગેરે બંધાવવા અને તેમની દેખરેખ રાખવી,)
☑ મહામંત્રી – જમ્બક
☑ દૂતક અને સંધિવિગ્રાહક – શિવરાજ
☑ પુરોહિત – સોમ શર્મા(વડનગરનો નગર બ્રાહ્મણ)
☑ કાયસ્થ – કંચન
☑ મુખ્યપ્રધાન – જેહુલ ( જે ખેરાલુનો રાણા હતો)
☑ યુવરાજ – ચામુંડરાજ
☑ મંત્રી – વીર મહત્તમ
☑ લેખક – બાલાર્ક

✔ અન્ય અગત્યની માહિતી ——

✅ મૂળરાજે વઢિયાર પ્રદેશમાં આવેલી મંડલી (માંડલ) ગામે પોતાનાં નામ પરથી “મૂળેશ્વર મહાદેવનું મંદિર” બંધાવ્યું.
મૂળરાજે અણહિલપુર પાટણમાં “મૂળદેવ સ્વામીનું મંદિર”અને “ત્રિપુરુષપ્રસાદ”નામનું મંદિર બંધાવ્યું.
મૂળરાજ “શૈવધર્મ”નો અનુયાયી હતો તો પણ તેણે અણહિલપુર પાટણમાં “મૂળરાજ વસહિકા’ નામે જૈન ચૈત્ય(મંદિર) બંધાવ્યું હતું.
મૂળરાજે ઉદીચ્ય – ઔદિચ્ય બ્રાહ્મણોને (કાશી, કન્નૌજ, બંગાળ વગેરે પ્રદેશોમાંથી) તેડાવીને સિદ્ધપુરમાં વસાવ્યા હતાં.
મૂળરાજના સમયમાં જ “ગુજરાત” એવું નામ પડયું છે એવું માનવામાં આવે છે !!!

✅ મૂળરાજ સોલંકીના સમયમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર એ બંનેમાં સોલંકી વંશનો ઝંડો લહેરાવ્યો હતો.
મૂળરાજ સોલંકીના સમયમાં જ બુધ્દ ધર્મ નહિવત થઇ ગયો હતો કારણકે મુળરાજ સોલંકી બ્રાહ્મણોને બહુ જ મન આપતાં હતાં.
હેમચંદ્રાચાર્ય, મેરુતુંગ, સોમેશ્વર વગેરે સાહિત્યકારો મૂળરાજને મહાદાનેશ્વરી તરીકે વર્ણવે છે.
મૂળરાજે વૃદ્ધાવસ્થામાં “શ્રીસ્થલી (સિદ્ધપુર) જઈ “સરસ્વતી”નદીના કાંઠે અગ્નિસ્નાન કરીને દેહત્યાગ કર્યો હતો !!!

✔ થોડુંક વધારે – થોડુંક વિગતવાર ——-

✅ મૂળરાજ એક શક્તિશાળી રાજા હતાં. રાજગાદી પર બેસ્યાં પછી એ પોતાનાં સામ્રાજ્ય વિસ્તારના કાર્યમાં ઓતપ્રોત થઇ ગયાં કાદિ લેખથી એ જાણકારી આપણને પ્રાપ્ત થાય છે કેસારસ્વત મંડલને પોતાનાં બાહુબળના જોરે જીત્યું હતું. કુમારપાળકાલીન વડનગર પ્રશસ્તિથી એ જાણકારી આપણને મળે છે કે એમણે ચાપોત્કટ રાજકુમારોની લક્ષ્મીને બંદી બનાવી દીધી હતી.

✅ અનુશ્રુતિઓ પ્રમાણે મૂળરાજ સારસ્વત મંડલને ગ્રહણ કરવાં માત્રથી જ સંતુષ્ટ નહોતાં થયાં અપિતુ એમણે ઉત્તર પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં પોતાનાં રાજ્યનો વિસ્તાર પણ કર્યો હતો. એમની મહત્વાકાંક્ષાઓએ જ એમને સંઘર્ષમાં નાંખ્યા હતાં.

✅ એમાં સર્વપ્રથમ શાકમ્ભરીનાં સપાદલક્ષ શાસક વિગ્રહરાજ એવં લાટના શાસક વારપ્પ હતાં. આ વારપ્પને ક્યારેક ક્યારેક તૈલપનો સેનાપતિ પણ કહેવામાં આવતો હતો જે પશ્ચિમી ચાલુક્ય વંશનો રાજા હતો. પ્રબંધચિન્તામણી દ્વારા આપણને એ ખબર પડે છે કે વારપ્પ તથા વિગ્રહરાજે સાથે મળીને મૂળરાજ પર આક્રમણ કર્યું હતું. મુળરાજ આનો સામનો કરી શક્યા નહી તથા એમણે કંથામાં શરણ લીધી.

✅ પછીથી મૂળરાજે ચાહમાન નરેશ સાથે સંધિ કરી લીધી તથા વારપ્પ પર આક્રમણ કરવાની યોજના બનાવી.હેમચંદ્રાચાર્યનાં દ્વાશ્રયમહાકાવ્યમાંથી એ જાણકારી પ્રાપ્ત થાય છે કે પુત્ર ચામુંડરાજે શુભ્રાવતી નદી પાર કરીને લાટમાં પ્રવેશ કર્યો જ્યાં વારપ્પને પરાજિત કરીને એને મારી નાંખ્યો !!!

✅ ત્રિલોચનપાલનાં સુરત દાનપત્રથી એ વાતને સમર્થન મળે છે કે જેમાં એમ કહેવાયું છે કે વારપ્પના પુત્ર ગોગિરાજે પોતાનાં દેશને શત્રુઓથી મુક્ત કરાવ્યો હતો. અહીં શત્રુઓનું તાત્પર્ય મૂળરાજ સાથે જ છે. સોમેશ્વર કૃત કીર્તિકૌમુદીથી એ ખબર પડે છે કે મૂળરાજે સ્વયં વારપ્પની હત્યા કરી હતી.

✅ હેમચંદ્રાચાર્યનાં દ્વાશ્રયકાવ્યથી એ જાણકારી પ્રાપ્ત થાય છે કે સુરાષ્ટ્ર તથા કચ્છને જીતીને મૂળરાજે પોતાનાં સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. સુરાષ્ટ્રનો રાજા ગ્રહરિપુ જાતિનો અમીર હતો તથા એની નિયુક્તિ સ્વયં મૂળરાજ દ્વારા કરવામાં આવી હતી,પરંતુ એ દુરાચારી થઇ ગયો. એણે કચ્છના રાજા લક્ષ અથવા લાખાને પણ પોતાની સાથે મેળવી દઈને પોતાની શક્તિ વધારી હતી.

✅ એને દંડિત કરવાં માટે મૂળરાજે એનાં પર આક્રમણ કરીને એને મારી નાંખ્યો.પ્રબંધચિંતામણીદ્વારા એ કહાબ્ર પડે છે કે કચ્છના રાજા લાખાએ અગિયાર વખત મુલરાજને હરાવ્યા હતાં પણ બારમી વખત મૂળરાજે એને મારી નાંખ્યો આ વિજયના ફળસ્વરૂપ ચૌલુક્યોનો સૌરાષ્ટ્ર પર અધિકાર પ્રાપ્ત થઇ ગયો.

✅ અહીં સ્થિત સોમનાથ મંદિર એમનાં રાજ્યનું પ્રસિદ્ધ તીર્થ બની ગયું. મેરુતુંગ અનુસાર મૂળરાજ દરેક સોમવારે અહી દર્શનાર્થે નિયમિત આવ્યાં કરતાં હતાં. પછીથી એમણે મંડાલીપોતાનાં રાજ્યમાં સોમેશ્વરનું મંદિર બંધાવ્યું હતું.

✅ મૂળરાજને બીજાં અન્ય ક્ષેત્રોમાં પણ સફળતા પ્રાપ્ત થઇ. રાષ્ટ્રકૂટ નરેશ ધવલના બીજાપુર અભિલેખથી એ ખબર પડે છે કે મૂળરાજે આબુ પર્વતના શાસક ધરણિવારાહને પરાજિત કર્યો હતો. ધરણિવારાહે રાષ્ટ્ર્કૂત નરેશના દરબારમાં શરણ લીધી હતી. પરંતુ એણે પરમારવંશી ભુજ્જ (ભોજ)તથા ચૌહાણ શાસક વિગ્રહરાજ દ્વિતીયનાં હાથે પરાજયનો સામનો કરવો પડયો હતો. સંભવત: વિગ્રહરાજ વિરુદ્ધ યુદ્ધમાં એણે મારી નાંખવામાં આવ્યો હતો.

✅ આમ શરૂઆતમાં જ ૫૫ વર્ષ જેટલો સુદીર્ઘ શાસનકાળ એ સોલંકીયુગના પાયા મજબુત કરવાં અને રાજ્યમાં સુખ શાંતિ સ્થાપવા માટે પુરતો છે એવું નથી કે મૂળરાજે પરાજયનો સામનો ના કરવો પડયો હોય ભારતનાં માત્ર ગણ્યાગાંઠયા જ રાજાઓ જ અપરાજિત રહ્યાં છે. અહી મૂળરાજે પણ પરાજયનો સામનો કરવો જ પડયો હતો. પણ મહત્વની વાત એ છે કે એ સમયદરમિયાન પણ અણહિલવાડ નાં પાયા નહોતાં ડગમગ્યા. સુવર્ણકાળ સાબિત કરવાં માટે આટલું પુરતું જ છે. એટલા જ માટે એમ કહી શકાય કે મૂળરાજે સોલંકીયુગના મૂળ જ ઊંડે સુધી રોપ્યાં હતાં.એટલે જ સોલંકીયુગ વિશાળ વટવૃક્ષ સમો બની શક્યો છે !!!

✅ મૂળરાજ સોલંકી પછી એમનો પુત્ર ચામુંડરાજ રાજગાદી પર બેઠો હતો.
તેની વાત હવે પછીના ભીમદેવ સોલંકી પ્રથમનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

– જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.