શરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ

Corona Cough or Khanshi - Mayur Khavdu - Sarjak.org

ખરાબ ગાનારાઓને કોઈ દિવસ શરદી થતી નથી. મોટી ઉપાધી એ છે કે ખરાબ ગાનાર જેની સામે ઊચ્ચકોટીનું ગાયન કરતો હોય છે, તેને બહેરાશની રતિભાર પણ સમસ્યા નથી હોતી. આ સૃષ્ટીમાં જન્મેલા કોઈ પણ મનુષ્યએ પીડામાંથી પસાર થવું જ પડે છે. આ તો તેનું નાનું એવું ઉદાહરણ છે.

શરદી અને ખરીદી આ બંન્ને માનીતી-અણમાનીતી બહેનો છે. મોટાભાગે તે કોઈના દ્રારા આપવામાં આવે છે અને પછી મનુષ્ય તેને ઘરે લઈ આવે છે. ફર્ક માત્ર એટલો જ કે ખરીદી એ આપણી જરૂરિયાત છે પણ શરદી કોઈ માણસની જરૂરિયાત નથી. જો તમે શહેરમાં રહેતા હોય અને તમને શરદી થઈ હોય તો ગામડામાં જઈ શહેરી ઉપાયો ન કરવા જ પીઠ માટે હિતાવહ છે.

વચ્ચે મારા પાડોશી પીડેન્દ્ર વીસ વર્ષ બાદ પોતાના ગામડે ગયા હતા. અઠવાડિયામાં એક રવિવારની રજા આવે, તેમ પીડેન્દ્રને શરદી આવે. ગામડે પણ તે શરદી સાથે લઈ ગયો હતો. ગરમ પાણીમાં બામ નાખી નાસ લેવાનું તેણે નક્કી કર્યું. જેથી શરદીમાં થોડી રાહત થાય. પદ્ધતિસરનું બધું કામ આટોપાઈ ગયા પછી તેણે કંઈ ન મળતા ગોદડું ઓઢ્યું અને નાસ લેવાની પ્રક્રિયાનો આરંભ કર્યો. એક યુવક પીડેન્દ્રને આ રીતે જોઈ જતા દોડીને ગામના પ્રતિષ્ઠિત એવા ભૂવાને બોલાવી લાવ્યો. પીડેન્દ્ર કુમારને આમ ઊંધા વળેલા જોઈ તેને લાગ્યું કે કોઈ પીશાચ શરીરમાં પ્રવેશ કરી ગયો છે.

‘તે બોલ કોણ છો ?’ આમ કહી ભૂવાએ એક બાદ એક એમ ત્રણ સાંકળ જોર જોરથી પીઠમાં વીંઝી દીધી. એ પછી પીડેન્દ્ર કુમાર કોઈ દિવસ પોતાના ગામમાં નથી ગયા. આજે તેઓ બે સમસ્યાથી પીડાય છે. એક દર અઠવાડિયે શરદીની અને બે શરદીના કારણે મફતમાં મળેલ પીઠનાં દુખાવાની.

શરદ ઋતુ વિશે આપણા કવિઓ અને લેખકો ખૂબ લખી ચૂક્યા છે. તેમ શરદી વિશે નથી લખ્યું. કોઈએ નથી લખ્યું એટલે આપણે આ કામ કર્યા જેવું છે, એમ સમજી કોણ ? નવલકથાનાં લેખક લાભશંકર ઠાકરે વૈદ પુનર્વસુ નામે સાહિત્યિક ધન્વંતરી બની નવનીત સમર્પણમાં શરદીથી મુક્ત થવાના ઉપાયો અંગે લખ્યું હતું. પણ એમના એ લેખને કોઈએ શરદી જેટલો જ ગંભીરતાથી નથી લીધો. 2020 પહેલાં શરદી ગુજરાતી છાપાઓમાં આવતી મંગળવારની પૂર્તિ જેવી હતી. જેના આરોગ્ય વિભાગમાં છપાયેલ શરદી વિશેષ લેખને વાંચક દ્રારા પાનું ફેરવી અપમાનિત કરવામાં આવતો. આજે એ જ શરદી રવિવારની પૂર્તિ જેવી બની ગઈ છે.

કોરોના પહેલાં શરદીને કોઈ ગંભીરતાથી નહોતા લેતા. જેમ ફેસબુક આવ્યું એ પહેલાં હાસ્યને કોઈ ગંભીરતાથી નહોતા લેતા ! શરદીને કોઈએ ગંભીરતાથી ન લીધી એટલે તેણે કોરોનાની સાથે ગઠબંધન કર્યું. શરદીએ આ વાત કોઈ રાજકારણીના નાકમાં રહીને જ સાંભળી ને શીખી હોવી જોઈએ. બાકી ઉધરસ અને તાવની સાથે ભેગા થઈને કોરોના સાથે ગઠબંધન કરવાનો વિચાર રોગોમાં તુચ્છ એવી શરદીને કેવી રીતે આવે ?

વર્ષો પહેલાંની વાત છે. જેમ કેટલાક ગાંધી યુગના લેખકો લેખ સારો ન લાગે તો ગુસ્સામાં કાગળ ફાડીને ફેંકી દેતા, એમ કેટલાક લોકો રસ્તે ચાલ્યા જતા કોઈના પણ ઘરનાં આંગણે શરદીનો ત્યાગ કરી દેતા. માણસે જાનવર પાસેથી એક મહોટી વસ્તુ શીખી છે. જેમ ગાય અને ભેંસના પોદરાઓને દિવાલ પર ચોંટાડી દિવાલની શોભા વધારાય છે, તેમ માણસ પોતાના નાક વાટેથી શરદીને કાઢી કોઈના પણ ઘરમાં લીંપણ કર્યાનું સુખ લેતો હતો. આજે પણ એ સુખ તો લેતો જ હશે. માત્ર આપણે જોયું નથી.

વચ્ચે એક મિત્રના હાથની આંગળી દાઝી ગયેલી એટલે મેં તેને આ દુર્ઘટના અંગેનું કારણ પૂછ્યું. પ્રથમ તો તેણે શરમના માર્યા આનાકાની કરી. પછી હ્રદયને એંઠવાડની જેમ ઠાલવતા કહ્યું, ‘કારીબેનનાં ઘરની દિવાલે શેડા ચોંટાડવા ગયેલો. દિવાળીના ટાણે કોઈથી ન ફૂટેલો રોલ ત્યાં ચોંટેલો હતો. ભૂલથી ત્યાં જ હાથ લાગી ગયો. ઉપરથી તેમની દિવાલમાં પાણી નીતરતું હોવાથી કોઈ કોઈ વાર શોટ પણ આવતો, જેની મને ખબર નહીં. નાકના દ્રવ્ય સાથે ત્રણે ભેગા થયા અને ધડાકો થયો. હાથની આંગળી દાઝી ગઈ. આસપાસના લોકો એકઠા થયેલા, પણ મેં છાતી પહોંળી કરીને શૂરવીરની જેમ ખાલી એટલું જ કહ્યું કે મોટેથી છીંક આવી છે.’

શરદીને અપશુકન વિભાગમાં કોણે એમડમિશન અપાવી દીધું એ પણ સંશોધનનો વિષય છે. જ્યારે છીંક આવે ત્યારે થોડી વાર માટે બેસી જવાનું આપણા પૂર્વજોએ કહ્યું છે. એક વખત છીંકના અપશુકનમાં માનનારા મહેમાન અમારા ઘરે આવ્યા હતા. મને એ ટાણે જ શરદી થયેલી. ત્રણ દિવસ સુધી શરદી રહી. હું છીંકો ખાધા રાખ્યો અને તેઓ ત્રણ દિવસ સુધી અપશુકન થશે આમ બોલતા બોલતા મારા ઘરનું ભોજન ભરપેટ ખાધા રાખ્યા. જો ચાલ્યા ગયા હોત તો સારું હતું, કારણ કે જ્યારે ગયા ત્યારે મારી શરદી પણ ભેટ સ્વરૂપે લેતા ગયા.

અમારા ગામના કોઈ મોભીને શરદી થાય તો તે તુરંત દુશ્મનને સમાધાનનું આમંત્રણ આપે છે. ગામમાં એવી માન્યતા છે કે શરદી કોઈ બીજાને ચોંટાડી દેવામાં આવે, તો તે આપણા શરીરમાંથી ચાલી જાય છે. જેથી કોઈને નહીં અને દુશ્મનના ઘરે શરદીને પરણાવવાનો રિવાજ છે. શરદી તો પારકી થાપણ કહેવાય !

કોરોનાના કારણે આજે શરદી મોટા ઘરની વહુ બની ગઈ છે. નવી કહેવત પણ પડી છે. ગીરદીમાં જવાથી શરદી થાય.

‘તને નાક જેવું છે કે નહીં…’ વડિલો આવો ટોણો શરદી ધારકને મારતા હશે ત્યારે અંદર રહેલી શરદીને ખુલ્લા પડી ગયાનો અહેસાસ થતો હશે ?

~ મયૂર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.