મેઘાણી : સૌરાષ્ટ્રની ભાષા જેવા તેવાને ન પચે

Zaverchand Meghani - Rashtriy Shayar - Mayur Khavdu - Sarjak.org.jpg

મુંબઈમાં એક સાક્ષર રહેતો હતો. એણે એવું મહેણું મારેલું કે ગુજરાતની જે કાઠિયાવાડની ધરતી છે ને, તેમાં કવિઓને કવિતા સ્ફૂરે એવું કશું છે જ નહીં. કવિત કરવા માટે તો એમણે કાશ્મીર સુધી લાંબા થવું પડે. આ મહેણામાંથી જે સર્જન થયું એ સૌરાષ્ટ્રની રસધાર. મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર જેવો મહાગ્રંથ વિશ્વને આપ્યો. એ સૌરાષ્ટ્ર પુરતો સિમિત નથી. પણ આજના જમાનાની લેવિશ લાઈફ સ્ટાઈલ અને ઈંગ્રેજીના કારણે સોરઠીભાષા ઘણાને કાળા પાણી જેવી લાગશે. મેઘાણીનાં સંપૂર્ણ લેખન અને અધ્યયનનાં 17 મહાકાય ગ્રંથો છે. મેઘાણી તેમની નવલકથાઓ, શોધ સંશોધન અને પત્રકારત્વનાં કારણે યાદ રખાય છે, પણ આજે તેમના લેખમાંથી પાંચ વાતો તારવીએ. જેમાં એવી વાતો ડોકાય છે જે તમે પહેલી વખત સાંભળશો.

1) બે જન્મ તારીખ

મેઘાણીની બે જન્મતારીખ છે. આ મહિનાની 17-8-1897નાં દિવસે પણ તેમનો જન્મદિવસ આવે છે અને 28-8-1896નાં દિવસે પણ એટલે કે આજે. આજની તારીખ એટલા માટે બરાબર ગણાય છે કે તેમના પિતા કાળિદાસ ભાઈ મેઘાણીએ જ્યારે એમને રાજકોટની સદર શાળામાં એટલે કે આજની મેઘાણી સ્કૂલમાં ભણવા બેસાડ્યા અને બાદમાં ઉચ્ચ શિક્ષણ માટે તેમણે શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો તો ત્યાં પણ આ જન્મતારીખનો જ ઉલ્લેખ આવે છે.

2) કાઠિયાવાડી ભાષા એટલે શું

શુદ્ધ ગુજરાતી બોલવાના આગ્રહીઓ અને કાઠિયાવાડ પ્રદેશ સિવાયના લોકો સૌરાષ્ટ્રીયન બોલીની મજાક ઉડાવતા હોય છે. મેઘાણીએ આ બોલી વિશે એક સરસ વાત કહી છે. મેઘાણી આ ભાષાને મર્દાની ભાષા તરીકે મૂલવે છે. કહે છે, ‘ગલોફાં ભરાઈ ન જાય અને ગળું ગાજી ન ઉઠે, ત્યાં સુધી શબ્દ શા ખપનો સૌરાષ્ટ્રીયન ભાષાના ઉચ્ચારો નક્કી કરવાનું આવું કાંઈક મર્દાનગીનું ધોરણ હશે. મૃગનયની નહીં મરઘાનેણી, વૃક્ષ નહીં રૂખડો, ભયંકર નહીં ભેંકાર, બ્રહ્માંડ નહીં વ્રેહમંડ, શેત્રુંજી નહીં શેતલ. પણ આ ભાષા નાની હોજરીને ન પચે, કોઈ વૃકોદર સાક્ષરવીરને જ સોંપીએ.’

3) ભેંસના નામ !!!

ઝવેરચંદ મેઘાણીએ ચારણી સાહિત્યના સંશોધનમાં ગીગા બારોટનું ગીત શોધી કાઢેલું. જેમાં ભેંસોની જાત અને ઓલાદોના બધા નામ આવી જાય છે. જેને ભેંસનું બિરૂદ ગાન કહેવાય.

ગણું નામ કુંઢી તણાં, નાગલ્યું ગોટક્યું,

નેત્રમ્યું, નાનક્યું, શિંગ નમણાં.

ગીણલ્યું, ભૂતડ્યું, ભોજ, છોગાળિયું,

બીનડ્યું, હાથણી, ગજાં બમણાં.

ભીલીયું, ખાવડ્યું, બોઘડ્યું, ભૂરીયું,

પૂતળ્યું, ઢીંગલ્યું, નામ પ્રાજા,

ભગરીયું, વેગડ્યું, વાલમ્યું, ભાલમ્યું,

રાણ ખાડુ તણાં જાણ રાજા !

દાડમ્યું, મીણલ્યું, હોડક્યું દડકલ્યું,

ગેલીયું, મુંગલ્યું, રૂપ ગણીએ,

સાંઢીયું, બાપલ્યું, ધ્રાખ ને સાકરું,

પાડ ગાડદ તણા કેમ ગણીએ.

4) શું નર્મદે ઉઠાંતરી કરી

મેઘાણી પ્રવચન કરી રહ્યાં હતા. એવામાં વચ્ચે એક વ્યક્તિએ સવાલ કર્યો, ‘નર્મદનું નાહોલિયાને આજીજી એ નામનું કાવ્ય કોઈ લોકગીતમાંથી ઉઠાવેલ છે ’

મેઘાણી જવાબ આપે છે, ‘ના, નથી એ મૂળ લોકગીત, નથી એ સફળ અનુકૃતિ કે નથી એ કોઈ લોકકંઠે પહોંચી શકે તેવી નવી કવિરચના. નર્મદના કાવ્યમાં મહિલાને ડુંગરે ભમવાનું, દોવાનું, હાંકવાનું, સૃષ્ટીસૌંદર્ય માણવાનું દિલ છે. આ લાગણી લોકસાહિત્ય માટે અવાસ્તવિક છે. ચોમાસુ તો લોકસમૂહના માનવીઓને સહેલગાહ કરવાની નહિ પણ ઘરે રહેવાની કપરી ઋતુ છે. લોકગીતમાં પરદેશ જતા પીયુ ને રોકવાનું હોય.’

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
ઝીણા ઝરમર વરસે મેઘ, ગુલાબી !
કેમ કરી જાશો ચાકરી રે!

5) ગગુભાઈનો સિંહ

યુ ટ્યુબ પર અનુભા ગઢવીનો ડાયરામાં સિંહનું વર્ણન કરતો એક વીડિયો છે. એમાં જે વર્ણન અનુભા કરે છે, તે ગગુભાઈએ ઝવેરચંદ મેઘાણીને સંભળાવ્યું હતું. જેને મેઘાણીએ લોકસાહિત્યમાં શોધન-ભ્રમણ પુસ્તકનાં પાનાં નંબર 223 પર ઉતાર્યું છે. ગગુભાઈ નવરા જ રહેતા. ડાયરામાં બેસતા અને નવી નવી વાતો ભેગા કરતાં રહેતાં. એમણે ગિરનાં સિંહને કેવી રીતે વર્ણવ્યો એ વાંચીએ….

‘‘ભૂહરી લટાળો, પોણા પોણા હાથની ઝાડું, થાળી થાળી જેવડા પંજા, સાડા અગિયાર હાથ લાંબો, ગોળા જેવડું માથું, ગેંડાની ઢાલ જેવડી છાતી, કોળીમાં આવે એવડી કડ, દોઢ વાંભનું પૂંછડું, એનો ઝંડો માથે લઈને આવે ત્યારે વીશેક ભેંસુની છાશ ફરતી હોય તેવી છાતી પોણા ગાઉ માથેથી વગડતી આવે છે, ગળું ઘુમવટા ખાતું આવે છે. પોણા પોણા શેરનો પાણો મોઢા આગળ ત્રણ ત્રણ નાડાવા ચણેણાટ કરતો આવે છે, ને જેની ઘડીએ પગની ખડતાલ મારે છે તેની ઘડીએ ત્રણક ગાડા ધૂડ ઊડે છે. ઘે ! ઘે ! ઘે ! કરતો ધખીને આવ્યો. એક લા નાખી, બીજી લા ને ત્રીજી લાએ તો ભુક્કા !’’

6) પેન્સિલ

પોતાની જૂની યાદો વિશે મેઘાણીએ કહેલું, ‘પાનું ફરે છે. શાહીના અક્ષરો તો ક્યારના અદ્રશ્ય બન્યા છે. પોણોસો રૂપિયાનો ઈન્ડિપેન ક્યાંથી વસાવી શક્યો હોય ! પેન્સિલના માખ-ટાંગા જેવા અક્ષરોમાં ટાંચણ ચાલ્યું છે.’ એ પેન્સિલથી લખતા હતા વાર્તા બરાબરી જામી હતી ત્યાં પેન્સિલની ટાંક તૂટી ગઈ. મેઘાણી લખે છે, ‘એક સારી વાર્તા હું હારી બેઠો.’

~ મયૂર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.