33 વર્ષ પછી અંડરટેકરની નિવૃતિ : 90ના દાયકાના સુખદ સંભારણામાંથી વધુ એકની વિદાય

undertaker Retired after 33 year - Mayur Khavdu - Sarjak.org

2009માં રમત જગતમાં થયેલા એક સર્વે પ્રમાણે, એશિયામાં બીજા નંબરની વિશ્વની સૌથી વધારે જનસંખ્યા ધરાવતા ભારત દેશમાં એક સાથે લાઈવ ક્રિકેટ મેચ બાર કરોડ લોકો જોતા હતા. બીજા નંબર પર WWE 9 કરોડ લોકો એક સાથે જોતા હતા. સમય બદલ્યો. રમત-જગતનાં દરેક ક્ષેત્રમાં ખેલાડી બદલ્યા. ટીવીનો યુગ ડગમગ્યો. હાથમાં મોબાઈલ આવ્યા. બાકી કોણ માનશે કે 33 વર્ષ સુધી રિંગમાં અડિખમ લડનારા અંડરટેકરે આજે નિવૃતિ જાહેર કરી દીધી છે.

33 વર્ષ તો આજે કોઈની ઉંમર થઈ હશે. 90ના દાયકામાં જે કેટલીક સુખદ ઘટનાઓ બની તેમાંથી અંડરટેકર પણ એક હતો. મેંગોની ચોકલેટ કે પેપ્સી ખાતા ખાતા અંડરટેકરને લડતા જોવાની એક મઝા જ અલગ હતી. સમય પસાર થયો અને લોકોને ખબર પડવા માંડી કે WWE પૃથ્વી પર અભિનયની સૌથી મોટી નિશાળ ચલાવે છે. ભારતમાં એ વાતની લોકોને ત્યારે ખબર પડી જ્યારે ગ્રેટ ખલીએ તેના નિયમો વિશે ભારતમાં આવી ભાંગરો વાટ્યો. એ સાત ફૂટના ભારતીય જાયન્ટની કરિયરને ઉઠાવનારો પણ અંડરટેકર જ હતો. વર્ષો સુધી અસંખ્ય રેસલર્સના કરિયરને અપ કરવા માટે કંપની ટેકરને મેદાનમાં ઉતારતી ગઈ. જ્હોન સીનાથી લઈ છેલ્લે રોમેન રેન્સ સુધી.

WWEને બિઝનસે કરતા સારી રીતે આવડે છે. તેણે દર બે વર્ષે અંડરટેકર સામે એવા ખતરનાક રેસલર ઉતર્યા. જે વજનમાં તેનાથી બે ગણા હતા. ઉંચાઈમાં પણ તેનાથી વધારે હતા. ઉંમરમાં યુવા હતા. જેથી લોકોમાં આતુરતા જાગી કે વોટ નેક્સટ ? શું એ જીતશે ? હારીને પાછો ઘરે ચાલ્યો જશે ? પેલો ખેલાડી તો જુઓ કેટલો કદાવર છે ?

ભારતમાં અંડરટેકર કે સાચા નામે બોલાવીએ તો માર્ક વિલિયમની ઓળખ ખિલાડીયો કા ખિલાડીમાં થઈ. તેમાં જે અંડરટેકર દેખાય છે તેણે WWFમાં અંડરટેકર વિરૂદ્ધ અંડરટેકરનો એક મેચ પણ રમ્યો હતો. બાદમાં તેણે બોલિવુડમાં ફિલ્મ કરી. વર્ષો સુધી એક પ્રકારની ઓડિયન્સ માનતી રહી કે એ સાચો અંડરટેકર જ હતો. એ ફિલ્મ B4U ચેનલ પર સતત ચાલવા પાછળનું કારણ પણ અક્ષય કુમારના એક્શન દ્રશ્યો કે આધેડ વયની રેખા સાથેના તેના ઈન્ટીમેટ સીન નહીં, પણ અંડરટેકરની હાજરી હતી.

ગુલશન ગ્રોવરના કંઠે અમર થઈ ગયેલો એ સંવાદ વાંચો,‘‘ મેડમ માયા કે ખિલાફ મેરે ફાઈટર કા નામ સુનતે હી, શાયદ આજ ફાઈટ હોગી હી નહીં….Today Will No Fight. મેડમ માયા કે ખિલાફ મેરે ફાઈટર કા નામ હૈ અંડરટેકર….’’

પણ ફિલ્મને એ ડુપ્લિકેટ મળી કેવી રીતે ગયો ? WWFની 1994ની મેઈન ઈવેન્ટ સમરસ્લેમ. દર્શકો અંડરટેકરને ખૂબ જ પસંદ કરતા હતા. તેણે પોતાના હોરર શોની ચાદર સારી રીતે પાથરીને રાખી હતી. એવામાં જો ટેકર સામે ટેકર થઈ જાય તો ? મઝા આવી જાય. કંપનીએ ટેકર કરતા અલગ દેખાતો, પણ દૂરથી ટેકર જ લાગતા એક વ્યક્તિને શોધી કાઢ્યો. મેચમાં તે અંડરટેકર બન્યાનો ખૂબ ખરાબ અભિનય કરતો હતો, પણ સમય આવ્યે બધુ આવડી જાય. અક્ષય કુમાર સામે ફિલ્મમાં તેણે એવો અભિનય કર્યો કે વર્ષો સુધી લોકો માનતા રહ્યાં કે આ જ અંડરટેકર છે. તેનું સાચું નામ બ્રાયન લી. એ ફિલ્મના ક્લાઈમેક્સ સીનમાં અંડરટેકરને ઉઠાવતી વખતે અક્ષય કુમારને સ્લીપ ડિસ્ક થઈ ગયેલો. કમરના હાડકા ખસી ગયેલા. અક્ષય કુમારની છેલ્લી થીએટર રિલીઝ ફિલ્મ ગુડ ન્યૂઝમાં પણ તે સ્લીપ ડિસ્ક શબ્દનો દ્રિઅર્થી સંવાદ તરીકે ખૂબ ઉપયોગ કરે છે.

અભિનયમાં રમતા રમતા પણ ટેકરે કોઈ દિવસ કામને છોડવાની વાત ન કરી. તે કોઈ બીજી રેસલિંગની કોર્પોરેટ સંસ્થા સાથે પણ ન જોડાયો. એક સમયે શરીરમાં 16થી વધારે સર્જરીઓ હતી, છતાં તેણે ઓડિયન્સ માટે રમવાનું ચાલુ રાખ્યું. તેને ખ્યાલ હતો કે જો મારી ગેરહાજરી હશે તો ઓડિયન્સ આ રમત જોવાનું છોડી દેશે. અથવા તેમને નહીં ગમે. મારા જીવનનો પ્રથમ અને અંતિમ ઉદ્દેશ્ય લોકોનું મનોરંજન કરવાનો જ હોવો જોઈએ. તેને અધવચ્ચેથી ધ રોક-ડ્વેઈન જ્હોન્સનની માફક ફિલ્મોમાં પણ જોડાવાનું યોગ્ય ન લાગ્યું. જે સમયે તેની લોકપ્રિયતાનો સૂર્ય મધ્યાહને તપતો હતો ત્યારે જો તેણે ફિલ્મોમાં જવાનું વિચાર્યું હોત, તો આજે તે ડ્વેઈન જ્હોન્સનની માફક ગર્વથી આઈ એમ ધ મુવી સ્ટાર બોલી શકેત.

તેણે રિંગમાં પ્રયોગ કરવાની પણ કોશિષ કરેલી. પણ કોઈને ન ગમ્યું. છોકરાઓ માતા-પિતા પાસે વેન કરે તેવી ભભકદાર ગાડી લઈ આવતો હતો. કપાળ પર ગુંડા સ્ટાઈલ રૂમાલ બાંધેલો રાખતો. તેણે બ્લેક કલરનો અને પોતાના શરીરની ચામડી સાથે જ જોડાઈ ગયેલો કોટ પણ ઉતારી દીધો હતો. ફેન્સને વધારે ગમે આ માટે લડાયક અને ખૂંખાર યોદ્ધા તરીકે સાંકળ પણ રાખી હતી. આવું બધુ દોઢેક વર્ષ ચલાવ્યું, પણ કોઈને પસંદ ન આવ્યું. જનતાને ટેકર પાસેથી એ જૂની વસ્તુની જ અપેક્ષા હતી.

2003માં રેસલમેનિયામાં તે કેન સામે પોતાની જૂની વેશભૂષા સાથે રિંગમાં ઉતર્યો. લોકોએ તેને ‘કંકુ ચોખા’થી વધાવ્યો. ખૂબ ગમ્યું. રાડારાડી અને ચીચીયારીઓ થઈ. એ ઘટનામાંથી શીખવા એ મળ્યું કે તમે એક વખત જનતા માટે લોકપ્રિય થઈ ગયા, તો તમારે એ જ કરવાનું ચાલુ રાખવાનું છે જે જનતાને ગમતુ હોય. તમે તેમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરશો, તો લોકોને કાં તો ગમશે અથવા તો તમે ફેંકાઈ જશો.

ટેકરે પોતાની કંપની વિશે એક સારી વાત કહેલી, ‘અત્યારનાં રેસલર્સે અમારી જેમ કામ કર્યું હોત તો ખબર પડેત. ઈન્જરી થઈ હોવા છતાં અમારે કામ કરવું પડતું હતું, બાકી અમને પૈસા નહોતા મળતા. અત્યારે અમારા કારણે આ ઉદ્યોગનું ગાડુ દોડી ગયું છે. હવે થોડા દિવસ ઘરે બેસો તો પણ કંપની તમને રૂપિયા આપતી રહે છે.’

WWF જ્યારે વિશ્વભરમાં સંઘર્ષ કરી આગળ વધી રહી હતી, એ સમયે રેસલર્સે કંપનીની નાના બાળકની માફક સંભાળ રાખી. ન માત્ર એક ખેલાડી પણ બધાએ ભેગા થઈને. ભાગ્યે જ એવો સોમવાર કે મંગળવાર હશે કે તમારો ફેવરિટ રેસલર રિંગની વચ્ચે ન દેખાય. એ પછી આજે કંપની સ્પોર્ટ્સ અને કમાણીની દુનિયામાં કિંગ બની ગઈ છે ત્યારે એક પણ ખેલાડીને ભૂલી નથી. એ દરેક જૂના ખેલાડીઓનો પ્રેમ પણ કંપની પ્રત્યે બરકરાર છે.

કોઈવાર ઈવેન્ટમાં રોક કે ઓસ્ટીન ફ્રિ ઓફ પણ આવી જાય છે. એ જૂના દિવસોને યાદ કરવા. એ લોકો કંઈ ન હતા ત્યારે એ કંપની હતી. અને એ કંપનીને તેના કપરાકાળમાંથી સર્વોચ્ચ શીખર પર સર કરાવવાનું કામ ટેકરે બખૂબી નિભાવ્યું હતું. આજે ટ્વીટર પર એ જ કંપનીએ લખ્યું છેે, ‘તેના માટે દરવાજા ખુલ્લા છે. જ્યારે આવવું હોય ત્યારે આવી શકે છે.’ મને વિશ્વાસ છે કે જે સમયે કંપનીને તેની જરૂર હશે તે પરત ફરશે જ.

કંપનીને ખ્યાલ છે કે ટેકર તેના માટે દૂધ આપતી ગાય છે. હલ્ક હોગન, રોક, શોન માઈકલ, સ્ટોન કોલ્ડ જેવા રેસલર્સની વિદાય પછી અંડરટેકરનો કારમો ઘા કંપની સહન નથી કરી શકવાની. રેસલમેનિયામાં ટેકર મેચ હારે કે જીતે, અમેરિકામાં સટ્ટાની દુનિયામાં ત્સુનામી આવી જાય છે.

પણ એક સમય છે. 33 વર્ષ કંઈ ઓછા તો નથી. કંપનીએ ટેકરની નિવૃતિ પહેલા તેના રિપ્લેસમેન્ટને શોધવાની ખૂબ કોશિષ કરી. પણ કહેવાયને કેટલાક લોકો બ્રાન્ડ હોય છે. એ બસ જન્મ લે છે મૃત્યુ પામે છે. તેને બદલી નથી શકાતા. તેની જગ્યા કોઈ નથી લઈ શકતું. કોઈ પણ નહીં.

~ મયૂર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.