ભાગ : ૫ – આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે

ભાગ : ૫ – આહાર | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે

આપણા શરીરને બનાવનારું, ટકાવનારું અને વધારનારું સૌથી મહત્વનું પરિબળ છે આહાર. એ આહાર વિશે આજે વાત કરશું આપણે शरीरबल ના સંદર્ભમાં.

આહાર આપણા શરીરને કેવી રીતે બનાવે છે, એના મૂળમાં જવું હોય તો આપણે ગર્ભાવસ્થા સુધી જવું પડશે. પિતાના સ્પર્મ અને માતાના ઓવમના મિલન પછી જે રચાય છે એ તો એક નાનો કોષ માત્ર હોય છે નરી આંખે દેખાય પણ નહીં એવો. એને માનવ શરીર કોણ બનાવે છે? માતાનો આહાર. માતા જે ખાય છે, એનો આહારરસ જ નાભિ નાળ દ્વારા ગર્ભ સુધી પહોંચે છે અને ગર્ભના શરીરનો વિકાસ કરે છે. એટલે જ આયુર્વેદ ગર્ભાવસ્થાના નવ મહિના દરમ્યાન માતાના આહાર પર બહુ જ મહત્વ આપે છે. એ નવ મહિનામાં જેવો આહાર ગયો હશે એવું જ શરીર બનશે, જેની સાથે એના સંતાને આખું જીવન જીવવાનું છે. એ પાયો કાચો રહી જાય એ ન ચાલે. ક્યા મહિનામાં ગર્ભમાં શું પરિવર્તન આવે છે, એ અનુસાર માતાનો આહાર કેવો હોય તો ગર્ભસ્થ બાળકના શરીર-મન-બુદ્ધિ માટે શ્રેષ્ઠ હોય એ બહુ જ વિસ્તારથી આપેલું છે આયુર્વેદની દરેક આધારભૂત સંહિતાઓમાં.

આપણા શરીરના સાત મૂળભૂત ઘટકો આયુર્વેદ કહે છે – રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આ સાત ધાતુઓના અલગ-અલગ પ્રોપોર્શનથી અને ઇન્ટરેક્શનથી જ બીજા બધા અંગો પણ બને છે. આ સાત ધાતુ આપણા શરીરની આયુર્વેદે કહેલી એ-બી-સી-ડી છે. એમાંથી જ આ આખી નવલકથા જેવું કોમ્પ્લેક્સ શરીર બને છે. આપણે જે ખાઈએ છીએ એના પાચનની શરૂઆતમાં આહારરસ બને છે. એ આહારરસ સૌથી પહેલી ધાતુ રસ ધાતુ બનાવે છે અને એમાંથી જ ઉત્તરોત્તર આગળની ધાતુઓ બને છે. એટલે જ આપણા સ્વાસ્થ્ય પર આહારની સૌથી વધુ અસર પડે છે. હવે એ ધાતુઓ ગર્ભાવસ્થામાં અને એ પછીના જીવનમાં પણ આહારથી જ બનતી હોય, તો વિચારો એનું ધ્યાન રાખવું કેટલું જરૂરી હશે “જો સારું સ્વાસ્થ્ય અને જીવન ઇચ્છતા હોવ તો”! એ સિવાય દોષ, અગ્નિ અને મલનું ધ્યાન રાખવાનું છે આરોગ્ય સાચવવા એ પણ આહાર પર જ આધારિત છે. આ સિવાયનો જે હિસ્સો રહ્યો એ વિહાર પર આધારિત છે જેની થોડી ચર્ચા આપણે આ લેખમાળાની આગળની પોસ્ટ્સમાં કરી છે.

बलं आरोग्यं आयुश्च प्राणाश्च अग्नौ प्रतिष्ठिता:।
अन्नपान इन्धनै: च अग्नि: ज्वलति व्येति चान्यथा।।
(चरकसंहिता सूत्रस्थान 27: अन्नपानविधि)

બળ (ઇમ્યુનિટી), આરોગ્ય, આયુષ્ય અને પ્રાણ એ અગ્નિ (સ્થૂળ અર્થમાં મેટાબોલિક પાવર, આયુર્વેદનો અગ્નિ બહુ ઊંડો અર્થ ધરાવે છે) ઉપર આધારિત છે. અને એ અગ્નિનું ઇંધણ અન્નપાન એટલે આહાર છે, એ જ એને પ્રજ્વલિત રાખે છે અને એ ખરાબ હોય તો જ અગ્નિ ખરાબ થાય છે.

हिताहार उपयोग एक एव पुरुषस्य अभिवृद्धिकरो भवति।
अहिताहार उपयोगः पुन: व्याधिनिमित्तमिति।
(चरकसंहिता सूत्रस्थान अध्याय 25: यज्ज:पुरुषीय)

હિતકારક આહાર જ મનુષ્યની અભિવૃદ્ધિ (સારી દિશામાં શરીરનો વિકાસ કરનાર) છે. અને અહિતકર આહાર જ રોગ થવાનું નિમિત્ત છે.

षड् त्रिंशत सहस्त्राणि रात्रीणां हितभोजन:।
जीवति अनातुरो जन्तु: जितात्मा संमत: सताम्।।
(चरकसंहिता सूत्रस्थान अध्याय 27: अन्नपानविधि)

જે વ્યક્તિ નિત્ય હિતકર ભોજન કરે છે, એ 36000 રાત્રિ (એટલે કે 100 વર્ષ) સુધી રોગી થયા વગર જીવે છે અને એ જિતાત્મા, લોકોની પ્રશંસાને પ્રાપ્ત કરે છે.

“आहारो महाभैषज्यम्।” | આહાર એ સૌથી મોટું ઔષધ છે.

હવે આ બધી સૈદ્ધાંતિક વાત તો આપણે કરી. આહાર વિશે. પણ એને અમલમાં કેમ મૂકવું અને કઈ કઈ પ્રેક્ટિકલ બાબતો છે આહાર માટેની એ જોઈએ.

ચરકસંહિતાના વિમાનસ્થાનના પહેલા અધ્યાય “रसविमान”માં अष्ट आहारविधि विशेषायतन ની વાત કરી છે. એવી આઠ બાબતો જે આહારની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવી જોઈએ. એ આઠ બાબતો કઇ ?

तत्र खल्विमानि अष्ट: आहारविधिविशेषायतनानि भवन्ति;
तद्यथा – प्रकृति करण संयोग राशि देश काल उपयोगसंस्था उपयोक्ता।

(1) પ્રકૃતિ

પ્રકૃતિ એટલે આહારદ્રવ્યો એટલે કે ખાવા પીવાની વસ્તુઓના સ્વાભાવિક ગુણો. અહીં ગુણ એટલે કોઈ પણ આહારદ્રવ્યમાં રહેલી એવી પ્રોપર્ટીઝ કે જે શરીર પર ચોક્કસ અસર કરતી હોય. તમને આશ્ચર્ય થશે જાણીને, કે ચરકસંહિતાના સૂત્રસ્થાનના 27 મા અધ્યાય “अन्नपानविधि” જેનો એક શ્લોક ઉપર આપ્યો અને એક બહુ જ સરસ શ્લોક પોસ્ટના અંતમાં પણ આપીશ, એમાં વિવિધ આહાર દ્રવ્યોના ગુણો અને શરીર પરના કર્મોનું વર્ણન છે, એકલા અધ્યાયમાં કુલ 352 શ્લોક છે અને એક પણ શ્લોક કોઈ આડવાતનો નહીં, બધા પોઇન્ટ ટુ પોઇન્ટ. (આખી ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે.)

એ અધ્યાયમાં વિવિધ ફળો, અનાજ, શાક, કઠોળ, વિવિધ પ્રાણીઓના દૂધ-ઘી-દહીં-છાશ-માખણ-મૂત્ર, વિવિધ તેલ-ઘી, અનેક જાતના મધ, પાણી (વરસાદનું-નદીનું-તળાવનું-સરોવરનું-વિવિધ ભૂમિપ્રદેશોનું-વિવિધ ઋતુઓનું), ઇક્ષુવિકાર (શેરડી-ગોળ-ખાંડ), વિવિધ મદ્ય-સુરા, વિવિધ પ્રાણીઓના માંસ, વિવિધ પ્રકારના રોજીંદી રસોઈ (એમાં ખીચડી, ભાત, સૂપ, સક્તુ, માલપુઆ-રોટલી-પૂરી તો ઠીક શ્રીખંડ પણ આવી જાય), બધા મસાલા અને એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓના ગુણો એટલે કે શરીર પરની અસરોનું વર્ણન છે.

(ચરકસંહિતામાં કુલ 120 અધ્યાય છે. આ તો એમાંના એક જ અધ્યાયની વાત છે. આ બધું હવામાંથી આવ્યું હશે? આપણા ઋષિઓ આપણા માટે કેટલી મહેનત કરીને, પોતાના જીવન ઘસીને ગયા છે એ વિચારો. અને આપણે વિટામિન્સ-મિનરલ્સ અને કેલરી પાછળ પડ્યા છીએ.)

(2) કરણ

કરણ એટલે મૂળ દ્રવ્યમાં વિવિધ પ્રક્રિયાઓ કરીને એના ગુણમાં ઇચ્છીત અને જરૂરી બદલાવ લાવવા માટેની પ્રક્રિયા, જેને આયુર્વેદમાં “સંસ્કાર” પણ કહ્યું છે. એના દસ પ્રકાર છે:

દ્રવ્યને પાણી સાથે મેળવવું, એને અગ્નિ આપવો, એની સફાઈ કરવી, મંથન કરવું, દેશ (જે-તે વિસ્તારના પોતાના ગુણો), કાલ (ઋતુ આધારિત ગુણો), વાસન (સુગંધી દ્રવ્યો ઉમેરવાં), ભાવના (કોઈ પાવડરમાં બીજું લિક્વિડ ઉમેરીને એને લસોટવું), કાલપ્રકર્ષ (લાંબો સમય થતાં દ્રવ્યના ગુણોમાં સ્વાભાવિકપણે આવતો બદલાવ), અને ભાજન (એટલે કે ક્યા વાસણમાં એ રાખવામાં તેમ જ ખાવામાં આવે છે એ. મારું પોતાનું ઉદાહરણ આપું તો અમારા પરિવારમાં છેલ્લા 6 મહિનાથી કાંસાના વાસણમાં જમીએ છીએ.)

આ કરણ એટલે કે “સંસ્કાર” એક એકની ડિટેઇલ લઈએ તો અલાયદી પોસ્ટ થાય એવો છે એટલે આટલું રાખીને આગળ વધીએ.

(3) સંયોગ

ઇચ્છીત ગુણો માટે બે અલગ અલગ ગુણો ધરાવતા આહારદ્રવ્યોને જમવામાં કે રસોઈમાં સાથે લેવામાં આવે એ “સંયોગ”. જેમ કે મધ અને ઘી એક સાથે લઇ શકાય પણ એ બંને જો સરખા પ્રમાણમાં લેવામાં આવે તો શરીરમાં ટોક્સિક ઇફેક્ટ કરે. (આમાં વિરુદ્ધ આહારનો કોન્સેપ્ટ પણ લઈ શકાય.)

આયુર્વેદ કહે છે જે આહાર ષડ્ રસાત્મક હોવો જોઈએ, એટલે કે એક વખતના ભોજનમાં મધુર (મીઠો), અમ્લ (ખાટો), લવણ (ખારો), કટુ (તીખો), તિક્ત (કડવો) અને કષાય (તૂરો) આ છએ છ સ્વાદ આવવા જોઈએ. એ આયુર્વેદનો સમતોલ આહાર- બેલેન્સ્ડ ડાયેટ છે. છ સ્વાદ શરીર પર શું અસર કરે છે એ બહુ સરસ સમજાવ્યું છે. (એ પણ સ્વતંત્ર પોસ્ટનો વિષય છે.)

(4) રાશિ

રાશિ એટલે કે કેટલો ખોરાક લેવામાં આવે છે એનું પ્રમાણ. ખોરાકની માત્રા અને પ્રમાણ વિશે આપણે આવતી પોસ્ટમાં વિસ્તારથી જોઈશું.

(5) દેશ

દેશ એટલે વિસ્તાર. જે વિસ્તારમાં જે શ્રેષ્ઠ ગુણોનું દ્રવ્ય ઉત્પન્ન થતું હોય એનું જ્ઞાન. આયુર્વેદમાં કહ્યું છે, કે હિમાલય પ્રદેશમાં ઉગનારી ઔષધિના ગુણો સ્વાભાવિક રીતે વધારે હોય. એમ જ આપણે આગળ જોયું એમ વર્ષા ઋતુમાં નદીનું પાણી ન પીવું જોઈએ. એ પ્રાણીજ દ્રવ્યોમાં પણ લાગુ પડે, જેમ કે વગડામાં રીતસર ચરતી ગાયોના દૂધમાં અને રસ્તે ઉકરડા ખાતી ગાયોના દૂધના ગુણોમાં જમીન-આસમાનનો ફરક પડે. તેમ જ ભેજવાળા અને ઠંડા વિસ્તારોમાં કફવર્ધક ખોરાક ન/ઓછો ખાવો અને રણવિસ્તારમાં સૂકો ખોરાક ન/ઓછો ખાવો જોઈએ. આપણે તો અત્યારે ગ્લોબલાઈઝેશનના જમાનામાં જીવીએ છીએ જ્યાં બધી વસ્તુ (અને મોટાભાગે અહિતકર) બધે ખવાય છે. રેસ્ટોરન્ટ, ફૂડ આઉટલેટ્સમાં એક જ પ્રકારનો ખોરાક આખું વર્ષ ખાનારી જનરેશન થઈ ગયા છીએ આપણે.

(6) કાલ

કાલ એટલે સમય.

બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાના અમુક નિયત ખોરાક બતાવે છે આયુર્વેદ. એ જ રીતે દિવસના વિવિધ ભાગમાં કેટલું અને કેમ ખાવું એ પણ કહ્યું છે. સવારે પેટ ભરીને, બપોરે મધ્યમ અને રાત્રે લઘુત્તમ ખાવું જોઈએ. સૂર્યાસ્ત પછી ન ખાઈએ એ તો શ્રેષ્ઠ. આ ઉપરાંત ઋતુ અનુસારનું યોગ્ય-અયોગ્ય આહાર પણ આની અંદર આવે.

कालभोजनमारोग्यकराणां श्रेष्ठम्।
(चरकसंहिता सूत्रस्थान अध्याय 25: यज्ज:पुरुषीयम्)

સમય અનુસારનું ભોજન એ સારું આરોગ્ય આપનારી શ્રેષ્ઠ બાબત છે.

एकाशनभोजन सुखपरिणामकराणां श्रेष्ठम्।
(चरकसंहिता सूत्रस्थान अध्याय 25: यज्ज:पुरुषीयम्)

દિવસમાં એક જ વખત જમવું એ સુખકારક પરિણામ આપનાર શ્રેષ્ઠ બાબત છે.

एकभुक्तं सदा आरोग्यं द्विभुक्तं बलवर्धनम् ।
त्रिभुक्तं व्याधिपीडास्यात् चतुर्भुक्ते मृतिर्ध्रुवम्।

દિવસ માં માત્ર એક વાર જમવું હંમેશા આરોગ્ય વધારે છે, બે વાર જમવાથી બળ વધે છે, ત્રણ વાર જમવાથી રોગ થાય છે અને ચાર વાર કે વારંવાર જમવાથી મૃત્યુ નજીક આવે છે. (આ શ્લોક અમારા સિનિયર પંકજ છાયાની પોસ્ટમાંથી લીધેલો છે.)

(7) ઉપયોગ સંસ્થા

ભોજન કરવામાં શું ધ્યાન રાખવું એ બાબતો ઉપયોગ સંસ્થામાં આવે, જેમ કે ગરમ હોય ત્યારે જ જમવું, સ્નિગ્ધ ભોજન ખાસ જમવું, આગળનું ખાધેલું પચી જાય પછી જ જમવું, બહુ ઉતાવળે ન જમવું, બહુ જ વાર લગાડીને પણ ન જમવું, જમતાં જમતાં હસવું અને બોલવું નહીં, મનને અનુકૂળ વાતાવરણમાં જમવું, પ્રસન્નચિત્તે જમવું, અને માત્ર ભોજનમાં જ મન પરોવીને જમવું અને પોતાના હિત અને અહિતનો વિચાર કરીને જમવું.

(8) ઉપયોકતા

આહાર લેનાર વ્યક્તિ એટલે ઉપયોકતા. જે પોતાના સાત્મ્ય અને પોતાના હિત-અહિતનો વિચાર કરીને ભોજન કરે છે.

આ આઠ બાબતો “આહાર”માં મહત્વની છે. એ આઠેયનું શ્રેષ્ઠ મળે ત્યારે આહારની શ્રેષ્ઠ અસર આપણા જીવનમાં અને આપણા સ્વાસ્થ્યમાં આપણે મેળવી શકીએ. આહાર એ એક શોખનો જ નહીં, પણ એક તપસ્યાનો પણ વિષય છે એ આયુર્વેદ ભણીએ તો જ સમજાય.

છેલ્લે

प्राणा: प्राणभृतां अन्नं अन्नं लोको अभिधावति।
वर्ण: प्रसाद: सौस्वर्यं जीवितं प्रतिभा सुखम्।।
तुष्टि: पुष्टि: बलं मेधा सर्वं अन्ने प्रतिष्ठितम्।
लौकिकं कर्म यद्वृत्तौ स्वर्गतो यच्च वैदिकम्।।
कर्मापवर्गे यच्चोक्तं तत् च अपि अन्ने प्रतिष्ठितम्।
(चरकसंहिता सूत्रस्थान अध्याय 27: अन्नपानविधि)

અન્ન એ જીવધારીઓ (પ્રાણીઓ)નો પ્રાણ છે. આ સંસારના જીવોની બધી પ્રવૃત્તિ અને પ્રયત્ન અન્ન મેળવવા માટે જ છે.

વર્ણ (તેજ), પ્રસાદ (ધાતુઓની શ્રેષ્ઠતા અને મનની પ્રસન્નતા), સારો સ્વર (અવાજ), સારું જીવન, પ્રતિભા (ટેલેન્ટ), સુખ, તુષ્ટિ (સંતોષ), પુષ્ટિ (પોષણ- Nourishment), બળ (ઇમ્યુનિટી), મેધા (Intellect) આ બધું જ કેવું અન્ન લેવાય છે એના પર આધારિત છે.

વ્યવહારમાં જે લૌકિક કર્મો કરવાના હોય એ, સ્વર્ગપ્રાપ્તિ માટેના જે વૈદિક કર્મો છે એ અને મોક્ષપ્રાપ્તિ માટેના પણ જે નિહિત કર્મો છે, એ દરેકનો આધાર અન્ન પર જ છે.


PS:

  • આયુર્વેદોક્ત આહારની વાત બહુ જ મોટી છે અને બહુ જ ઘણા બધા કોન્સેપ્ટ્સ આવે છે એમાં. એને એક પોસ્ટ તો શું, એક સ્વતંત્ર પુસ્તકમાં પણ સમાવીએ તો બહુ મોટું પુસ્તક બને. એટલે શક્ય એટલું અહીં બહુ જ શોર્ટમાં કહેવા માટે એને બે પોસ્ટમાં લીધું છે (અને જો આવતી પોસ્ટ પણ ઓછી પડે તો જરૂર પડશે તો જ ત્રીજી પોસ્ટ થશે એની, જોઈએ). આજે જ્યાંથી અટક્યા ત્યાંથી આવતી પોસ્ટમાં આગળ જોઈશું. તો પણ જે કહેવાશે એ 10% પણ નથી. જો આહારમાં આયુર્વેદને સાથે રાખશું તો ઇમ્યુનિટી ચોક્કસ જળવાશે અને વધશે. એ કઈ રીતે રાખવું એ જાણવા માટે તમારા વૈદ્યને મળો.
  • “જીવન બહુ ટૂંકું છે. એને માણી લો.” આ સૂત્ર સાચું જ છે અને જીવનને માણવાનું જ હોય, ચોવીસ કલાક અને ત્રણ સો પાંસઠ દિવસ આનંદમાં રહેવાનું જ હોય. પણ આ સૂત્રથી મોટા ભાગના લોકો ખોટી દિશામાં વિચારીને એવી વસ્તુઓ આખું જીવન કર્યે રાખે છે જે એમના જીવનને વધારે ટૂંકું અને બીમાર કરી દે.ક્યાંક વિચારવું પડશે અને બદલવું પણ પડશે જો આરોગ્ય માટે કન્સર્ન રહેવું હોય અને સાચે જ સારું આરોગ્ય જોઈતું હોય તો. આયુર્વેદ ફિક્કું અને સ્વાદહીન ખાવાનું ક્યારેય નથી કહેતું. એ છાપ ખબર નહીં ક્યાં અને કેમ પડી હશે. ખોરાકના વ્યંજનો જોવા હોય તો વાંચો સંહિતાઓ કે તમારા નજીકના વૈદ્યનો સંપર્ક કરો. પણ દિનચર્યા, ઋતુચર્યાના નિયમો પ્રમાણે અને સાત્મ્ય (તાસીર) અને પોતાના ઉત્તમ સ્વાસ્થ્યનો વિચાર કરીને જ ખાવું જોઈએ.
  • આયુર્વેદનું ડાયેટેટિક્સ બહુ જ એડવાન્સ, અપડેટેડ, સૂક્ષ્મ અને હાઇલી ટેકનિકલ છે એવું લાગ્યું ? કોમેન્ટમાં જરૂર જણાવજો.

ગમ્યું હોય તો શેર જરૂર કરજો.

~ વૈદ્ય પાર્થ ઠક્કર

( ક્રમશઃ )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.