Sun-Temple-Baanner

ભાગ : ૨ – પ્રકૃતિ સાથે તાલમેલ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ભાગ : ૨ – પ્રકૃતિ સાથે તાલમેલ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે


ભાગ : ૨ – પ્રકૃતિ સાથે તાલમેલ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે

પ્રકૃતિનો આપણા જીવનમાં શું રોલ છે? સાહિત્ય પૂરતો? ફિલ્મોમાં આવતાં પ્રાકૃતિક સ્થળોનાં રમણીય દ્રશ્યો પૂરતો? નેચરલ લેન્ડસ્કેપ હોય અને સારી ફોટોગ્રાફી થઈ શકે એવી જગ્યાઓ પર ટ્રાવેલિંગ પૂરતો? ના, આ બધું તો એ દરિયામાં તરતી હિમશીલા (ટાઇટેનિકવાળા આઇસબર્ગ) જેવું છે, જે દેખીતી રીતે દ્રશ્યમાન અને બધાને ખબર હોય એટલું છે. પણ એ એના વાસ્તવિક કદનું 10% જ છે. બાકીનું 90% આપણને દેખાતું નથી, જે દરિયાની સપાટીની નીચે ઢંકાયેલું રહે છે. એ છે તો ખરું, અને એ એટલું મહત્વનું છે કે ટાઇટેનિકની જેમ જ જો એનું ધ્યાન ન રાખીએ તો અકસ્માત થાય. પણ જેમ ટેકનોલોજીની મદદથી હિમશીલાનું વાસ્તવિક કદ જાણી શકાય છે અને એની પૂરતી કાળજી રાખીને અકસ્માતથી બચી શકાય છે, એમ જ આપણા આયુર્વેદના ઋષિઓ સૃષ્ટિના દરિયામાં ડૂબકી મારીને પ્રકૃતિનો આપણા શરીર અને शरीरबल પરનો સ્થૂળથી સૂક્ષ્મ સ્તર સુધીનો પ્રભાવ આપણા માટે શોધી અને સમજી લાવ્યા અને એ બધું એમણે યથાતથ લખ્યું પણ ખરું. કે જેથી 21 મી સદી (કે 41 મી કે 91મી સદી)નો માણસ એનું शरीरबल ટકાવી શકે, વધારી શકે અને ઘટવાથી બચાવી શકે. કારણ કે એ પ્રકૃતિ પણ નથી બદલવાની અને માણસનું શરીર પણ નથી બદલવાનું. એ પ્રકૃતિ પણ ઋષિઓના સમયમાં જેવી હતી એવી જ છે અને માણસનું શરીર પણ. એટલે જ આયુર્વેદના સિદ્ધાંતો કોઈ પણ યુગ અને કોઈ પણ સદીમાં એટલા જ સત્ય રહેવાના છે. આ સિદ્ધાંતો એ ઋષિઓએ ક્યાં લખ્યા? તો જવાબ છે- दिनचर्या અને ऋतुचर्या ના વિવરણમાં.

એ કઈ રીતે એ હવે સમજીએ. આયુર્વેદ (કે કોઈ પણ વૈદિક જ્ઞાન) એ પ્રકૃતિ સાથે આપણા શરીર-મન-આત્માનું સીધું સિન્ક્રોનાઇઝેશન એસ્ટાબ્લિશ કરે છે અને એ રીતની જ લાઇફસ્ટાઈલ સૂચવે છે, કે જેનાથી પ્રકૃતિ સાથે આપણું અસ્તિત્વ તાલમેલમાં રહે. એ જ સ્વસ્થ રહેવાની ચાવી છે. કારણ કે પ્રકૃતિથી વિરોધી હોય અને તાલમેલમાં ન હોય એવું જીવન જ રોગોનું મૂળ છે. એવું શા માટે છે તો કહે, “यथा पिण्डे तथा ब्रह्माण्डे।” એટલે કે જે શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે (અથવા તો જે બ્રહ્માંડમાં છે, એ જ શરીરમાં છે). અને આપણું શરીર પ્રકૃતિનાં જ તત્વોથી તો બને છે. અહીં વિષયાંતર અને વાતને લાંબી થતી ટાળવા માટે એ વિષય સમજાવતો નથી. ક્યારેક એની પણ અલગથી વાત કરશું. આ પોસ્ટ સાથે મૂકેલી ફોટો જુઓ. એક વૃક્ષ એટલે સિમ્પલ બાયોલોજીકલ સિસ્ટમ પર વિવિધ ઋતુઓ અને પ્રકૃતિગત ફેરફારોનો દેખીતો પ્રભાવ હોય, તો માનવશરીર જેવી કોમ્પ્લેક્સ બાયોલોજીકલ સિસ્ટમ પર તો કેટલો બધો હશે, એ વિચારો એટલે દિનચર્યા-ઋતુચર્યાનું મહત્વ शरीरबल માટે સમજી શકશો.

VPT - 6 seasons

તો દિવસના સવાર-બપોર-સાંજ-રાત જેવા વિભાગોનો તેમ જ વર્ષની હેમંત-શિશિર-વસંત-ગ્રીષ્મ-વર્ષા-શરદ (દરેક 2-2 મહિના) એમ છ એ છ ઋતુઓનો આપણા શરીરની વિવિધ સિસ્ટમ્સ પર જુદો-જુદો પ્રભાવ પડે છે. ખાલી ચામડી પર ગરમી ઠંડી લાગવી, વરસાદનું પાણી અડવું, સૂકી કે ભેજવાળી હવા લાગવી એટલો મર્યાદિત પ્રભાવ નથી આપણા પર દિવસનો કે ઋતુનો. એ પ્રભાવની स्वास्थ्य અને शरीरबल પર પડતી અસર બહુ સરસ રીતે ઊંડાણમાં સમજીને એના અનુરૂપ દિવસના દરેક ભાગની અને એક એક ઋતુની જુદી જુદી લાઇફસ્ટાઇલ આયુર્વેદ આપે છે. એ રીતે રહેવાથી વાતાવરણના બાહ્ય ફેરફારો સાથે શરીરનું અને શરીરની આંતરિક સિસ્ટમ્સનું અનુકૂલન સારું સધાય, એ વાતાવરણમાંથી શરીર પોતાના માટે શ્રેષ્ઠ ગ્રહણ કરે અને નુકસાનથી બચે. શ્રેષ્ઠ शरीरबल માટે આખા દિવસમાં અને રાત્રે શું કરવું એનો પ્રોટોકોલ એટલે દિનચર્યા અને ઋતુ આધારિત લાઈફસ્ટાઈલના છ જુદા જુદા પ્રોટોકોલ એટલે ઋતુચર્યા. દરેક પૂરી થઈ રહેલી ઋતુનું છેલ્લું અઠવાડિયું અને આવનારી ઋતુનું પહેલું અઠવાડિયું- આ 15 દિવસનો સમય ऋतुसंधि કહ્યો છે. એમાં બે ઋતુઓના મિશ્ર લક્ષણો હોવાથી શરીર એ 15 દિવસમાં પ્રકૃતિમાં થતા ફેરફારો પ્રત્યે વધુ સેન્સિટિવ હોય છે. એટલે એમાં વધારે કાળજી રાખવાની છે. એમાં જે-તે ઋતુની ઋતુચર્યાને જડતાપૂર્વક પકડી નથી રાખવાની. પણ જઇ રહેલી ઋતુની ઋતુચર્યા ધીમે ધીમે છોડવાની છે અને આવી રહેલી ઋતુની ઋતુચર્યા ધીમે ધીમે અપનાવવાની છે.

આપણે ત્રણ જ ઋતુનો દેશ નથી. આ શિયાળો, ઉનાળો અને ચોમાસું ક્યાંથી આવી ગયું ભણવામાં અને છ ઋતુઓ ક્યારે અને કેમ ભૂલાઈ ગઈ, એ જ સાલું નથી સમજાતું. છ ઋતુની લાઇફસ્ટાઇલ તો પછી આવશે, सुश्रुतसंहिता માં છએ ઋતુનાં લક્ષણો કેવાં હોય અને કેમ તમે આસપાસની વનસ્પતિઓ, નદીઓ, વૃક્ષો, પ્રાણીઓ, જમીન અને આકાશ વગેરેને જોઈને સીધું સાચું અનુમાન લગાવી શકો કે આ કઈ ઋતુ છે, એનું વર્ણન જનરલ નોલેજ માટે પણ વાંચવા જેવું છે, અભિભૂત થઈ જશો એ સૂક્ષ્મ ડિટેઇલિંગ પર. એ દરેક ઋતુમાં આપણે આહાર-વિહારમાં અમુક રીતે વર્તવાનું છે અને અમુક વસ્તુઓ અવોઇડ કરવાની છે. એ બધું ભૂલીને, છોડીને આપણે 365 દિવસ એક જ રોબોટિક ટાઇમટેબલમાં જીવતા થઇ ગયા અને 365 દિવસ એક જ પ્રકારનું ખાતા-પીતા થઈ ગયા, ત્યારથી આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવા લાગી છે. એમાંનું ઘણુંખરું જે અત્યારે 50-60 વર્ષની ઉંમર આસપાસ છે, ત્યાં સુધીની પેઢી સુધી વગર આયુર્વેદના ટેકનિકલ નોલેજે પણ સચવાયેલું હતું. પણ છેલ્લા 20 વર્ષોમાં એ બધું આપણી પ્રજામાં છૂટી ગયું છે. એ આવતી પોસ્ટમાં વિગતે વાત કરશું દિનચર્યા-ઋતુચર્યાની એટલે તમને પણ અનુભવાશે.


PS:

• આયુર્વેદના “બૃહત્ત્રયી” એટલે કે સૌથી મહત્વના ત્રણ ગ્રંથોમાંથી બે ગ્રંથોમાં, चरकसंहिता ના પહેલા અધ્યાયનું નામ “दीर्घंजीवितीय” અને अष्टांगहृदय ના પહેલા અધ્યાયનું નામ “आयुष्कामीय” છે, જે આખું શાસ્ત્ર લખાવા પાછળની મૂળ ભાવના રજૂ કરે. दीर्घंजीवितीय લોકોના લાંબા (અને સારા) જીવનની અને आयुष्कामीय લોકોના ઉત્તમ, ઉત્કૃષ્ટ આયુષ્યની કામના કરે છે.

~ વૈદ્ય પાર્થ ઠક્કર

( ક્રમશઃ )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

One response to “ભાગ : ૨ – પ્રકૃતિ સાથે તાલમેલ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે”

  1. Prajapati Bharat kumar Shiva bhai Avatar
    Prajapati Bharat kumar Shiva bhai

    બુક સ્વરૂપ મા આ ઈમ્યુનિટી રામાયણ ની
    વિગતો ઉપલબ્ધ થઈ શકે.
    જવાબ આપજો
    9909537172

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.