મને નથી ખબર સુશાંત એ શાંત કેમ થઇ ગયો…

મને નથી ખબર સુશાંત એ શાંત કેમ થઇ ગયો… એ ભૌતિકશાસ્ત્રની થિયરીમાં રાચતો હતો. એન્જીનીયરીંગનો વિદ્યાર્થી હતો… એના ચહેરા પર દેખાતી સ્માઈલ એનાં મગજમાં ચાલતી હરકતો કદીય કહી આપતું નહિ ખરેખર એ સફળ કલાકાર હતો… એની ‘દેખાતી’ જિંદગીનો અભ્યાસ કરીએ તો ખબર પડે કે એ ટ્વીટર પર Vincent van Gogh એ અસાયલમમાં દોરેલું ‘The Starry Night’ ચિત્ર રાખતો.. જે Vincent van Gogh સખત તણાવમાં હતો ત્યારે દોર્યું હતું.. ખરેખર કદાચ એને પૈસે ટકે કે પછી કરિયરની બાબતમાં ચિંતા તો નહી જ હોય એવું હું અનુમાન લગાવું છું.

જિંદગીમાં ક્યાંક એ પર્સનલ જિંદગીમાં અટવાયો હોય એવું અનુમાન લગાવું છું… બોલીવુડ જેટલું બહારથી રંગીન દેખાય છે એટલું એ રંગીન નથી, ત્યાં સફેદ અને કાળા રંગો જ હશે.. અને રીલ લાઈફ એ રીયલ લાઈફ નથી એટલે નથી.. આજથી લગભગ ૬ વર્ષ પેહલા લખેલું (જિંદગી જો મુવીમાં બતાવે એટલી જ સહેલી હોત તો ૩ કલાકની જ હોત) ત્યારથી જિંદગીને મેં રીલ લાઈફ સાથે કમ્પેર કરવાનું છોડી દીધેલું… રીલ લાઈફ એ જિંદગીનો ટુકડો હોઈ શકે કોઈની જિંદગી નહિ…

આમ તો હું speculate કરવા માંગતો નથી.. પણ પણ જે પ્રમાણેનાં સમાચારો કનેક્ટ થઇ રહ્યા છે એ રીતે એ પોતાની પર્સનલ જિંદગીમાં- રિલેશનશિપમાં અટવાયો હશે એવું હું માત્ર અનુમાન લગાવું છું અને એની સાથે ૬ વર્ષ પહેલાં મેં એક આર્ટીકલ લખેલો એને અહિયાં બેઠે બેઠો પોસ્ટ કરું છું..!!

સંબંધ જિંદગી સાથે –

૧) તમે કદી કોઈ ને રોજ મરતા જોયા છે ?

“એકલતાનો એવરેસ્ટ જ્યારે ચડીને નીચે ઉતરશો ત્યારે તમે મહાન વ્યક્તિત્વ તરફ પ્રયાણ કરશો.”

રોજ મરવું એટલે એકલા પડી જવું શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાંય માનસિક રીતે તૂટીને પડી ગયેલા ફૂલની જેમ કરમાઈ પડવું. ચૂર થઇ ગયેલી પતંગીયાની પાંખ ની જેમ ચુથાઈ પડવું. દરેકને પોતાની જિંદગીમાં આવો અજીબો ગરીબ, એકલતામાં મૂકી દે અને એકલા એકલા રડવા મજબુર કરી મુકે એવો ભયાનક અનુભવ થયો હશે… એકલા એકલા રડવા માટે હંમેશા વધુ હિમ્મતની જરૂર પડે છે..!!એકલતામાં જીવીને એકલા એકલા પોતાને જ હિમ્મત આપવા માટે શું વધુ હિમ્મત ની જરૂર નાં પડે?

જે વ્યક્તિ આપણને સખત વહાલું હોય એ વ્યક્તિ આપણને કોઈ કારણોસર છોડી ને જતું રહે. આપણી હિંમત ,આપણું મોટીવેશન આપણે જેને માનતા હોય એ વ્યક્તિ આપણી નબળાઈ બની જાય આપણે તે વ્યક્તિ વગર રહી નહિ શકીએ એવી લાગણીઓનો આપણામાં ઉદભવ થાય આપણે અર્ધમુઆ બની જઈએ અને એમાંય જો કોઈ વાતો શેર કરવાવાળું નાં મળ્યું, એમાંય કોઈ આપણને સાંભળનારું નાં મળ્યું અને આપણી વાતો ને સમજનારું કોઈ નાં મળ્યું તો જિંદગીમાં આપણે જીવતા હોય એવું ઓછુ પણ રોજ મરતા હોઈએ એવું વધુ લાગે. આપણને એવું લાગ્યા કરે કે આપણે તે વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરી આપણે આપણી જાતને દોષ આપીએ, દુનિયાને આપણે સ્વાર્થી ગણી લઈએ, ફરી કોઈ પર વિશ્વાસ નહિ મુકવાનું વચન લઇ લઈએ, આપણે આપણી જાતને જ મારવા માંડીએ અને આવી એકલતા આપણા પર હાવી થઇ જાય અને આપણે આપણી જાતને બેચેન અનુભવીએ ક્યા હરવું, ફરવું કે ખાવું નાં ભાવે ઓહ હા આપણને ઊંઘ પણ નાં આવે આપણા શરીરમાં પ્રવેશેલી ચિંતા આપણને ચિત્તા ની જેમ ફાળી ખાય અને ચિતાની જેમ સળગાવી નાખે અને જ્યારે તે વ્યક્તિ આપણી સાથે હોય એ વખતે જીવવાની જેટલી તીવ્ર ઈચ્છા થતી હોય એ ગયા પછી એટલી જ ઈચ્છા મરવાની થાય. પણ આપણી આગળ પાછળ રહેલા અનેક લોકો આપણી જવાબદારીની સાંકળો આપણને નબળા પડવાની નાં પડે.

સામાન્ય રીતે પ્રેમમાં નાસીપાસ થયેલ યુવાન ને આવો કડવો અનુભવ જરૂર થતો હશે… ક્યાંક કરિયર ની જવાબદારીઓ તો ક્યાંક આવી એક્લતાની માયાજાળોમાં આપણે ફસાઈ જઈએ મરવાના વિચારો આવે પણ…..!!! આપણને પ્રેમ અને નફરત સરખા લાગવા માંડે પ્રેમ કરીને કોઈ આપણે ગુનો કર્યો એવું આપણે અનુભવવા લાગીએ.

પણ તેવું નથી…

પ્રેમએ અદભુત શક્તિ છે. જે વ્યક્તિ આપણને છોડીને જતી રહે છે તેની મુશ્કલી સમજવાનો પ્રયાસ આપણે નથી કરતા આપણે તેને ગુનેગાર ગણીને તેને નફરત કરીએ છીએ આપણે તેને ફરી ક્યારેય નહિ જોવાનો વાયદો કરી બેસીએ છીએ પણ આની પાછળનું કારણ એ પણ હોઈ શકેને કે આપણા પ્રેમ માં કઈ ખામી હશે..? હું એ ચોક્કસ પણે માનું છું કે સાચો પ્રેમ કદી મરતો નથી. જો તમે માનતા હોય કે તમારો પ્રેમ સાચો જ હતો, તો એ વ્યક્તિ તમારી પાસે આજે નહિ તો કાલે આવશે જ. પણ મેં આજના યુવાન લોકોને જોયા છે કોઈ છોડીને જતું રહે એટલે થોડો સમય તણાવમાં રહે અને સોશિયલ નેટવર્કિંગનાં માધ્યમથી કોઈ નવી વ્યક્તિની શોધમાં લાગી જાય કોઈ મળે એટલે પોતાના દુ:ખને તે વ્યક્તિ આગળ શેર કરે એ વસ્તુ સારી છે પણ જે તે વ્યક્તિ આપણા દુ:ખ પર મલહમ મને નથી ખબર એટલે તેની સાથે પ્રેમ થઇ જાય અને બની શકે કે એમાને એમાં ખોટી વ્યક્તિની પસંદગી ફરી થઇ જાય. તમને મનમાં પ્રશ્ન થશે તો શું કરવું જોઈએ આવી પરીસ્થિતિ માં.

જ્યારે માણસ પ્રેમમાં નાસીપાસ થાય અથવા કોઈ ચાહનાર વ્યક્તિ આપણને છોડી ને જતું રહે એટલે એક સીધો અને સાદો રસ્તો છે તમારી જાતને પ્રોડક્ટીવ રીતે વ્યસ્ત કરી દેવી. વ્યસ્તતા એ એકમાત્ર એવી વસ્તુ છે જે દુ:ખને ભુલવી નાખે છે અને સુખને લાવી આપે છે. આપણે સુનમુન પડ્યા રહીશું દુ:ખી થયા કરીશું તો આપણને માત્ર દુ:ખ જ મળશે. આપણે જો તણાવગસ્ત વિચારીશું તો વધુ ને વધુ તણાવનાં જાળામાં ફસાઈશું. આપણે હકારાત્મક વિચારીએ ખુશ રહેવાનો પ્રયત્ન કરીએ તો આપણે વધુ ખુશીયોને પામી શકીશું.

સેલ્ફ્મોટીવેશનને લગતા પુસ્તકો વાંચીએ પોતાના શોખ ને જીવીએ. લાગણીઓ અને મનમાં રહેલી વાતો ને સંગીત,કલમ કે ચિત્રો દ્વારા બહાર નીકાળીએ. આખરે જિંદગી આપણી છે આપણી ખુશીઓ ને કોઈ છીનવી લે એવો હક આપણે કોઈ ને શું કામ આપી એ ? અરીસા સામે જોઇને પોતાની જાતને જોઇને એક વાર કહેજો “આઈ લવ યુ યાર” પોતાને પ્રેમ કરો, તે અરીસામાં જોઇને પોતાને જ કિસ કરવા માટે અધીરા બનો. તમે એક મહાન વ્યક્તિત્વ છો તમે તમારી અમૂલ્ય જિંદગીના માલિક છો આ જિંદગી એટલી હદ સુધી અમૂલ્ય છે કે તેની કિંમત આંકવાનો હક આપણા સિવાય કોઈનો નથી એમાંય આપણે તેને તુચ્છ શું કામ ગણીએ ? જિંદગી એક વાર મળે છે તેને શું કામ વેળફી નાખીએ ! નાસીપાસમાંથી પણ પાસ થઇ જવાશે રોજ ઇન્સ્પિરેશનનું ટોનિક લેતા રહો. નકારાત્મક વિચારો ધરાવતા લોકો થી દુર રહો અને હા જો કોઈ એવું એકલતામાં સપડાઈ પડ્યું હોય તો એની મદદ કરીએ તેને મોટીવેટ કરીએ તેને હિમ્મત આપીએ અને તેનો સહારો બનીએ.

જ્યારે આવી રીતે પ્રિય વ્યક્તિના વિયોગથી આપણે આપણી જાતને એકલી કરી નાખીએ છીએ. આપણે તણાવ અનુભવીએ છીએ. ત્યારે આપણે ડરી જઈએ છીએ એકલતાથી. તમને ખબર છે દોસ્તો આપણે રોજ આપણી જાતને અમુક સમય માટે એકલી મુકીએ છીએ જ્યારે આપણે સ્નાન કરવા જઈએ ત્યારે આપણે લગભગ રોજ ૧૫-૨૦ મિનીટ આપણે આપણને એકલા કરી દઈએ છીએ આપણે આપણને જ મળીએ છીએ શું કામ ? ખબર છે ફ્રેશ થવા માટે. દિવસની શરુઆત મસ્ત અને નવીન થાય એ હેતુસર ગઈકાલના થાક અને તણાવને ભૂલી જઈને નવા ઉગેલા દિવસને ઉજાગર કરવા માટે. આ દરમ્યાન આપણને અનેક વિચારો આવે છે આપણે નવી નવી યોજનાઓ બનાવીએ છીએ. આખા દિવસનું ટાઈમ ટેબલ ગોઠવીએ છીએ અને ક્યારેક દુ:ખ થયું હોય અને રડવું આવતું હોય તો પણ એ જ નાહવા જઈએ ત્યારે આપણા આંસુઓ ને પાંપણ પર જામેલા ટીપાંઓમાં સંતાડી દઈએ છીએ અને ફરી એકવાર ફ્રેશ થઇને બહાર આવીએ છીએ જિંદગી આપણને એકલા મુકેને ત્યારે એ આપણને અમુક સમય પછી ફ્રેશ થઈને જ બહાર લાવવાની હોય છે પણ આપણે ડરી જઈએ છીએ. અને એ એકલતાના સમયને સુંદર રીત જીવવા કરતા આપણે તેમાં ગુંગળાઈ જઈએ છીએ. એકલતા આપણા પર હાવી નહિ થાય તેને સહજ રીતે સ્વીકારી લો અને વિચારો કે હવે જિંદગી આપણને ફ્રેશ કરવા માટે મોકલી રહી છે. હંમેશા યાદ રાખવું કે સમયની એક આદત સારી છે કેવો પણ હોય પસાર જરૂર થઇ જાય છે.

“હું ક્યાં કદીય એકલો હોવ છું ?
હું મારી સાથેને સાથે હોવ છું..!!!!”

( જ્યાં સુધી આપણે આપણી સાથે છીએ ત્યાં સુધી આપણે એકલા નથી)

મારા મેસેજ નાં દરવાજા તમારાં માટે ખુલ્લા છે…દરેકને કાન જોઈએ છે આવો કોઈના કાન બનીએ..!

~ જય ગોહિલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.