હોઠ તારા જેમ મલકે એમ હૈયે કટાર લાગે
આંખ ફરકે જેમ મારી એમ સપનાને ભાર લાગે
પ્રેમ તારો મીઠડો લાગે સજન, એકલો મુજને ભાવે
આગ મારા દીલડામાં, ને લાગણીઓને ધાર લાગે
બાહુ બંધે વૃક્ષ સંગે જેમ વેલી વિટાય જાણે
જાન બે ને એક હોવાનો અનોખો એ સાર લાગે
હાથ તારો રોજ પકડીને વિચારોની ગલી પકડુ
હુંફની હેલી વરસતી ક્ષણ, પલળતો વિચાર લાગે
આયનામાં જોઇને તારી પ્રશંસાઓ યાદ આવે
રૂપ મારૂં જોઉ ને, તારા નયનનો આભાર લાગે
સાવ અણઘડ પ્રેમમા તારા હું કેવી ઘડાઇ ગઇ છું
છું વિનોદીની ખ્યાલ આવે, ને તું જાણે બ્હાર લાગે
~ રેખા પટેલ ‘વિનોદિની’