સમય. .
કોઈપણ જાતના વિશેષણ વગર
આજે તારી સાથે તારી જ વાત. . . . 
આમ તો, તને પણ અમારી જેમ. . એટલે કે માણસ માત્રની જેમ. . . 
તારા વિશે કોઈ કંઈ કહે એ ગમતું તો હશે જ. . . હેં ને ?
તો લે, સાંભળ. . . 
તું અકળ છો. . . ને, વળી પારદર્શીય ખરો, 
હું જેવી છું એવી બની રહું એવું તું કાયમ ઈચ્છે, 
એ રીતે તું મારો હિતેચ્છુ પણ ખરો. . !
ને, ગુરુ તો તું સ્વભાવથી જ છો. . !!
ચાકડે ચડીને. . નિંભાડે પાકીને. . પાણીને શીતળ બનાવતા
માટલાનું દ્રષ્ટાંત આપીને
તડકામાં ગુલમ્હોર સમું ખીલવાના પાઠ તેં જ મને ભણવ્યા છે. . !
વળી, મારી અંદરના સત્વની સંભાવનાઓ પણ
વાર-તહેવારે કસોટી કરી કરીને તેં જ તો નિખારી છે. . !
મૌન અને શબ્દોની સાપેક્ષતાથી સભાન પણ તારા કારણે જ થવાયું છે. 
બસ. . આજે તો આટલું જ. . . 
વધારે ફરી ક્યારેક. . . 
કારણકે. . . આપણો સંગાથ તો. . જીવનભરનો છે. . . !
~ લક્ષ્મી ડોબરિયા





Leave a Reply